Opinion Magazine
Number of visits: 9631671
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નાગરિકપણાની ‘નેટ’ પ્રેક્ટિસ

ઉર્વીશ કોઠારી|Samantar Gujarat - Samantar|24 September 2015

ઇન્ટરનેટ પ્રતિબંધ નિમિત્તે મોડે મોડે પણ ગુજરાતના નાગરિકોની ભ્રમનિદ્રા તૂટી હોય તો હોબાળો વસૂલ

ગયા સપ્તાહે ફરી એક વાર ગુજરાત સરકારે મોબાઇલ ઇન્ટરનેટ કનેક્શન થોડા વખત માટે બંધ કરી દીઘું. તેના વિરોધમાં, અલબત્ત ઇન્ટરનેટ પર જ, હોબાળો મચ્યો. સરકારને તબિયતથી ગાળો પડી. આનંદીબહેન અને ઇન્ટરનેટના ‘બેન’(પ્રતિબંધ)ને સાંકળતી અનેક રમૂજો થઈ. ભાજપ-કોંગ્રેસ, મોદીભક્ત-મોદીવિરોધી, ‘સેક્યુલર’ અને ‘રાષ્ટ્રવાદી’, પટેલ અને દલિત-ઓબીસીના ભેદભાવ આ એક મુદ્દા પૂરતા જાણે ઓગળી ગયા અને બધાએ નાગરિક તરીકે સરકારને લબડધક્કે લીધી : ‘આવો પ્રતિબંધ મૂકી જ કેવી રીતે શકાય?’ પ્રતિબંધ મૂકનાર સરકારની અણઆવડતથી માંડીને અણઘડ વહીવટી શક્તિની કડક ટીકાઓ થઈ.

ખરેખર, સરકારને સવાલો પૂછતા, સરકારનો કાંઠલો પકડતા અને સરકાર હદ વટાવે તો તેને (ભલે શબ્દોથી) ધોઈ કાઢતા નાગરિકો બહુ સારા લાગે છે. ગુજરાતમાં છેલ્લા એકાદ દાયકાથી એવા નાગરિકો લઘુમતીમાં પણ નહીં, અણુમતીમાં હતા. તેમાં ઇન્ટરનેટ પરના પ્રતિબંધ નિમિત્તે આવેલો ઉછાળો નવી ભાત પાડે છે. ત્યાર પહેલાં પાટીદાર આંદોલન નિમિત્તે સરકારની ટીકાનો દૌર ચાલ્યો, પણ તેના માટે નાગરિકપણું નહીં, પાટીદાર તરીકેની જ્ઞાતિઓળખ કારણભૂત હતી.

ઇન્ટરનેટના સરકારી પ્રતિબંધનો વાજબી અને માપસરનો વિરોધ કર્યા પછી, એના વિશે અને એ નિમિત્તે જરા વધુ વિચારવા જેવું છે. ‘છોટે સરદાર’ના અંદાજમાં ઘણા મિત્રોએ નેટ પરના પ્રતિબંધને ‘મિની કટોકટી’ તરીકે ઓળખાવ્યો. પ્રયોગ ચોટદાર અને પ્રેમમાં પડી જવાય એવો, પણ વાસ્તવિકતાથી દૂર હતો. સોયને ‘મીની તલવાર’ કહેવાય, તો મોબાઇલ ઇન્ટરનેટ પરના પ્રતિબંધને ‘મીની કટોકટી’ કહેવાય.

ઇન્ટરનેટ પરનો પ્રતિબંધ સદંતર ટીકાપાત્ર હોવા છતાં, ટીકા કરતી વખતે પ્રમાણભાન જાળવવું પડે. એ ચૂકાઈ જાય, તો ટીકામાં રહેલો સચ્ચાઈનો અંશ પણ અતિશયોક્તિની સાથે ફેંકાઈ જાય. મોબાઇલ ઇન્ટરનેટ પર પ્રતિબંધનો મૂળભૂત આશય અશાંતિ કરતાં વધારે સરકારવિરોધી-પોલીસવિરોધી સામગ્રી ફેલાતી રોકવાનો હતો એ સાચું. ઇન્ટરનેટ પર વધેલા આધારને કારણે ઘણા લોકોને એ બહુ વસમું લાગે અને થોડા લોકોનું કામ પણ અટકી પડે. એટલા પૂરતી સરકારની આપખુદશાહી ખરી. પરંતુ તેને કટોકટી વખતની લોખંડી અને અત્યાચારી સરમુખત્યારી સાથે સરખાવી ન શકાય. તેનું સૌથી સાદું અને સૌથી પ્રાથમિક કારણ એ કે વ્યાપક દર્શકસમૂહ-વાચકસમૂહ ધરાવતાં બધાં પ્રસાર માઘ્યમો બેરોકટોક — અને ઘણા કિસ્સામાં બેફામપણે — કાર્યરત હતાં.

નાગરિક તરીકે વિચારતાં ઇન્ટરનેટ-સ્વતંત્રતા જેટલી વહાલી લાગે, એટલો જ અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે સંકળાયેલો જવાબદારીનો અહેસાસ પણ મનમાં રાખવો પડે. પાટીદાર આંદોલન નિમિત્તે મુકાયેલા ઇન્ટરનેટ-પ્રતિબંધનો વિરોધ કરવો જ જોઈએ, પરંતુ સોશ્યલ મીડિયા પર આડેધડ, જ્ઞાતિદ્વેષનું ઝેર ફેલાવતી ઝીંકાઝીંક કરવાને બદલે, નાગરિક તરીકે થોડા માપમાં રહ્યા હોઈએ, તો વિરોધ કરવાનો અધિકાર અને એવા વિરોધની અસર, બન્ને મજબૂત બને.

એક મહત્ત્વનો મુદ્દો વિરોધ કરવાની પદ્ધતિ-પરંપરા અને જગ્યાનો પણ છે. ઇન્ટરનેટ પર પ્રતિબંધ જેમને બહુ વસમો લાગ્યો હોય અને જેમનામાં નેતાગીરીના થોડાઘણા ગુણ હોય એવા કેટલાક લોકો શાંતિપૂર્વક વિરોધ કરવા માટે ઘરની બહાર નીકળ્યા? ઇન્ટરનેટના મહત્ત્વને કે તેની પર થયેલા વ્યાપક વિરોધને ઓછો આંકવાની વાત નથી, પરંતુ અત્યાર લગી એ સમજાઈ જવું જોઈએ કે અસરકારક વિરોધ કરવાની વાત આવે, ત્યારે વાસ્તવિક જગતનો કોઈ વિકલ્પ નથી. હજુ સુધી તો નહીં જ. ગાંધીજીને એ સમજાતું હતું. તેમના જમાનામાં ઇન્ટરનેટ ન હતું. નેતાઓ સરકારને લાંબી લાંબી અરજીઓ કરતા ને અધિવેશનોમાં ઠરાવો પસાર કરતા. ગાંધીજીએ અરજીઓને ટૂંકી-સચોટ બનાવી અને અરજીની સાથોસાથ સરકારના વિરોધ માટે સુંવાળપ છોડીને સભ્યતાપૂર્વક રસ્તા પર આવવું પડે, એ પણ સમજાવ્યું-શીખવ્યું.

ગમે તેટલા સારા કામ માટે ઓનલાઇન અરજીઝુંબેશ શરૂ થાય ત્યારે વિચાર આવે કે વર્ચ્યુઅલ વિરોધ ભલે થતો, પણ એ સિવાય, એનાથી બહાર કોઇ ઝુંબેશ ચાલવાની ખરી? વાસ્તવિક દુનિયામાં ચાલેલી ઝુંબેશ સફળ થાય એવું જરૂરી નથી, પણ તેનું વજન ઓનલાઇન અરજીઓ કરતાં વધારે પડે છે. કેમ કે તેમાં ભાગ લેનારને ચાર લીટી ટાઇપ કરવા કરતાં કે લાઈકનું બટન દબાવવા કરતાં વધારે તસ્દી લેવી પડે છે. સરકારો આ સમજે છે. ગુજરાત સરકાર પણ. એટલે વિરોધ પ્રદર્શનો જ્યાં લગી રસ્તા પર ન આવે ત્યાં લગી તેમને બહુ ચિંતા થતી નથી અને એવા ‘રસ્તા’ શી રીતે બંધ કરી શકાય તેની વેતરણમાં સરકાર હોય છે.

પાટીદાર આંદોલન કે ઇન્ટરનેટ પ્રતિબંધ નિમિત્તે સરકારી આત્યંતિકતાથી હચમચી ઊઠેલા સૌને ‘ગુડ મોર્નિંગ’ અને ‘જાગ્યા ત્યાંથી સવાર’ કહીને યાદ કરાવવાનું કે છેલ્લાં થોડાં વર્ષોમાં સરકારની કાર્યપદ્ધતિ આ જ રહી છે. મહુવામાં નિરમા પ્લાન્ટ સામે ચાલેલું આંદોલન સંપૂર્ણપણે ખેડૂતોના હિત અંગેનું હતું. પરંતુ વ્યક્તિપૂજામાં મગ્ન કે ઉદ્ધારકની શોધમાં પરવશ એવા ઘણા લોકોને તે સમજાયું નહીં. તેમાં જ્ઞાતિ જેવો સંકુચિત નહીં, વ્યાપક જનહિતનો મુદ્દો હતો. પરંતુ એ હેતુ માટે વિરોધ પ્રદર્શન કરતા નાગરિકો પર પોલીસે-સરકારે બળપ્રયોગ કર્યો હતો. ઇન્ટરનેટના પ્રતિબંધ નિમિત્તે થયો, તેનાથી અડધો ઉહાપોહ પણ એ વખતે થયો હોત તો, નાગરિકહિતની તુચ્છકારપૂર્વક ઉપેક્ષા કરવાની સરકારની હિંમત આટલી ખુલી હોત?

સદીઓ જૂના કાંકરિયા તળાવના સૌંદર્યીકરણના નામે થોડાં વર્ષ પહેલાં સરકારે તેની આસપાસ દીવાલો ચણી દીધી અને તોતિંગ દરવાજા ઊભા કરીને પ્રવેશ ફી લેવાની ચાલુ કરી દીધી. એ નાગરિકોની જગ્યા પર સરકારની દેખીતી ઘૂસણખોરી હતી. રાજાશાહીમાં જે તળાવ લોકો માટે વિના મૂલ્યે ખુલ્લું હતું, તેને લોકશાહીમાં દીવાલ-દરવાજા વચ્ચે ‘ચણી’ દેવાયું અને ત્યાં જવા માટે ફી ઠરાવાઈ. પરંતુ તેનો વિરોધ કરનારા થોડા લોકોને ‘વિકાસવિરોધી’ની ગાળ પડી. કાંકરિયામાં મુક્ત પ્રવેશ પર પ્રતિબંધ મૂકનારી સરકાર સામે વધુ નાગરિકો જાગ્યા હોત તો?

થોડા વખત પહેલાં અમદાવાદના મહેંદી નવાઝ જંગ હોલનું એક ખાનગી કંપનીની મદદથી સમારકામ થયું. ત્યાર પછી સગવડો વધી, પણ એ હોલ સરકારની ટીકા કે વિરોધ કરતા કાર્યક્રમો માટે નહીં મળે, એવું સત્તાવાર રીતે ઠરાવાયું. એ નિર્ણય હોલ અંગે નિર્ણયસત્તા ધરાવતા ભાજપી રાજ્યપાલનો હતો. મહેંદી નવાઝ જંગ હોલમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સરકારે મારેલી તરાપ સામે પણ મોટો ઊહાપોહ થયો હોત તો?

અમદાવાદમાં સભ્યતાપૂર્વક વિરોધ પ્રદર્શન કરવા માટેની ભૌગોલિક-માનસિક જગ્યાઓ સતત ઘટતી રહી અને લોકોનો મોટો વર્ગ પ્રશ્નો પૂછતા, જવાબ માગતા ખુલ્લાં આંખ-કાનવાળા નાગરિક બનવાને બદલે, વિકાસની કે વ્યક્તિપૂજાની બાળાગોળીઓ પીને સુખેથી ઘેનમાં કે ભ્રમમાં સરી ગયો. એ વર્ગમાં અને ‘કટોકટી વખતે ટ્રેનો સમયસર દોડતી હતી’ એમ કહીને કટોકટીનાં વખાણ કરનાર વર્ગમાં શો તફાવત રહ્યો? ઊલટું, વર્તમાન શાસકોને તો કટોકટી લાદ્યા વગર આજ્ઞાંકિત ઓડિયન્સ પ્રાપ્ત થયું.

ઇન્ટરનેટ પરના પ્રતિબંધ નિમિત્તે મોડે મોડે પણ ગુજરાતના નાગરિકોની ભ્રમનિદ્રા તૂટી હોય અને રાજકીય પક્ષો-નેતાઓમાં ઉદ્ધારકની શોધ ચલાવવાને બદલે, તે સવાલો પૂછતા ને જવાબો માગતા થાય, તો પ્રતિબંધ નિમિત્તે થયેલો હોબાળો વસૂલ. બાકી, કરતાલ-કાંસીજોડા તો છે જ.

http://www.urvishkothari-gujarati.blogspot.co.uk/2015/09/blog-post_23.html

‘જાગ્યા ત્યાંથી સવાર’, “દિવ્ય ભાસ્કર”, 22 સપ્ટેમ્બર 2015

Loading

24 September 2015 admin
← ચન્દ્રકાન્ત ટોપીવાળાનો આતમરામ
અનામતની અમાનત સલામત રાખો →

Search by

Opinion

  • ગુજરાતી ચલચિત્ર કંકુ (૧૯૬૯) – એક વિહંગાવલોકન
  • સમતાલક્ષી કોશિશ સામે ‘સવર્ણ’ ઊહાપોહ શીદને 
  • ક્યારે ય ‘આઉટ ઓફ પ્રિન્ટ’ ન થયેલી નવલકથા 
  • जो कार्नी नहीं कह सके …
  • અસ્વસ્થતા એ જ સ્વસ્થતા છે …

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved