બંધારણ દિવસ
દેશનું વાસ્તવિક ચિત્ર શું છે?
બેલ એ નિયમ ને જેલ એ અપવાદ, એ સોનેરી સુવાક્ય અભરાઈએ અંગડાઇ લેતું હોય તો ભલે, અહીં લોક સારુ ઊભવું ને બોલવું એ સ્વતઃ સિદ્ધ અપરાધ હોઈ શકે છે

પ્રકાશ ન. શાહ
સંવિધાન દિવસનાં સત્તાવાર ઉજવણાં વચ્ચે દેશનું વાસ્તવચિત્ર શું છે? 1977ના માર્ચમાં જ્યારે કથિત ‘બીજા સ્વરાજ’નો આનંદ મનાવાતો હતો, ત્યારે કેટલીક બાબતોમાં આમૂલ તપાસ અને ફેરવિચારની એક પ્રક્રિયા શરૂ થઈ હતી તે આ ક્ષણે સાંભરે છે. આપણી જેલોમાં અંડર ટ્રાયલ કેટલા છે, અને કેટલા સમયથી તે જેલબંધ છે. તપાસનો નતીજો જાડી છાપની રીતે કહેતાં સીધોસાદો એ હતો કે જે પ્રકારના ‘ગુના’ સબબ હજારો લોકોને જેલમાં ગોંધી રખાયા છે, હજુ જેમના પર કામ ચલાવી નિકાલ નથી અણાયો તે પૈકી અધઝાઝેરા કે કદાચ એથીયે વધુ તો એટલા લાંબા ગાળાથી છે કે જો સજા થઈ હોત તો ક્યારનાયે છૂટી ગયા હોત. આવી તપાસ આજે, સને 2025માં હાથ ધરાય તો તત્ત્વતઃ કદાચ જુદું કંઈ કહેવાનું રહે જ નહીં. માનો કે થોડો સુધારો થયો હોય તો તે દરિયામાં ખસખસ જેટલો એટલે કે નામ કે વાસ્તે હોય તો હોય.
નાગરિકશાસ્ત્રના વિદ્યાર્થીઓમાં વળી હર પાઠ્યપુસ્તકપ્રિય રહ્યો છે. દાખલો દાયકાઓ સુધી અપાતો રહ્યો છે. માનવસમાજ એ કેવી મોટી, મૂળભૂત મહત્ત્વની ને જરૂરતની બાબત છે એના નાટ્યાત્મક ગૌરવ જેવો આ દાખલો એક સામુન નામના બાળકનો છે. ન જાણે કેટલી પેઢીઓ એ ભણી ઊતરી હશે. જંગલમાં કુટુંબથી, બચાડું બચ્યું ને જાણે કેટલા મહિનાનું કે બહુ બહુ તો વરસ બે વરસનું, તે છુટુંપડી ગયું. દસબાર વરસથી વયે એને વસ્તીમાં લવાયો ત્યારે એ વાતચીત નહોતો કરી શકતો. માત્ર પશુની પેઠે અવાજ કાઢી વાત કરવાનો કોશિશ કરતો હતો. દેખીતી રીતે જ, સહજ સામાજિક સંપર્કના અભાવનું આ સીધું પરિણામ હતું. અમે અધ્યાપકો આ દાખલાને વળગી પડતા અને મોટે સાદે સમાજના મહિમાનો, મનુષ્યના વિકાસમાં માનવ-માનવ વચ્ચેના સંપર્કનો આરડી આરડીને ઉદ્ઘોષ કરતા …. આગલીપાછલી પેઢીઓની એ જુગલબંદી! કોણ કહે છે, આપણે ત્યાં પરંપરાનું ગૌરવ નથી ?
1977-79ના ગાળામાં જે બધી જેલતપાસ તરેહની કોશિશ ને કારવાઈ થઈ એનો અશ્વિની સરીન જેવા પત્રકારોએ ખુદ અંડરટ્રાયલ બનીને આછો હેવાલ આપ્યો હતો. આ બધા હેવાલોમાં કવચિત કવચિત એવી વિગતો આવતી જે આપણે કઈ હદે હજુ સ્વરાજ ખરેપાત હાંસલ નથી કર્યું એની શરમજનક સાહેદી આવતી. બેજીવાતી ઓરત, ન જાણે ક્યા ને કેવા ‘ગુના’ સબબ જેલમાં ગોંધાઈ હોય. જેલમાં જ બાળકનો પ્રસવ થયો. એ દસબાર વરસનો થયો ત્યાં સુધી આ અંડરટ્રાયલ ઓલાદને બહારની દુનિયા કે સમાજ શું એની કશીયે ખબર ક્યાંથી હોય. વરુબાળ શમુનો દાખલો પેઢાનપેઢી એની એ જ નોટબુકે ઊતરી ઊતરી મુલ્કમશહૂર થઈ ગયો હશે, પણ અંડરટ્રાયલ બેજીવાતીની ઓલાદને એટલાયે ઉલ્લેખનું માન ક્યાંથી? ભલે ને પ્રજાસત્તાક સ્વરાજ હોઈએ, અમારા વર્ગખંડોને વળી આવી તેવી વાતોથી શા વાસ્તે અભડાવીએ.
કટોકટીરાજ સામે આપણે લડ્યા કેહવાઈએ છીએ અને સંવિધાન હત્યા દિવસને નામે ખાસ ઉજવણાં કરીએ છીએ ત્યારે ‘મિસા’ હેઠળની ‘અધર ધેન એન્ટિસોશ્યલ’ અટકાયતોનો દોર હતો. આજે, નમૂના દાખલ, ભીમા કોરેગાંવ કેસના અટકાયતીઓથી માંડી સોનમ વાંગચૂક સરખા લોકશાહી લડવૈયા ને વિરલ પ્રતિભાને હિસ્સે જેલ છે. રાજદ્રોહથી માંડી નક્સલ પ્રકારનાં ખરાખોટા મુદ્દા ઉછાળતા તંત્રને ન્યાયતંત્રની મુદતિયા શૈલી પણ ખાસી માફક આવી ગયેલ છે. માણસ ખાક થઈ જાય ત્યાં સુધી એને ગોંધી રાખી ‘પુરાવા’ઓ શોધ્યા કરો! ઘણું ખરું તો એ નહીં જન્મેલા બાળકની ભાળનો મામલો હોય તો હોય. ‘જેલ’ નહીં પણ ‘બેલ’, એ અલબત્ત સોનેરી સુવાક્ય! દીવાલે ટિંગાડો, છાપે ચડાવો … બાકી. અભરાઈ માતાની જય હોય.
એક સિનિકની પેઠે લખાયું લાગે, પણ છેવટે એ છે તો એક નાગરિકની નાભિમાંથી નીકળેલી હાય ને હૈયાવરાળ. જે સવાર માટે ગાંધીનેહરુપટેલ કે ભગતસિંહથી માંડી આંબેડકર લગીના લડ્યા હતા, તે આ તો નથી … સંવિધાન, તું ક્યાં છો.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 26 નવેમ્બર 2025
![]()

