ક્યારેક બે અલગ ભાષાઓ, દેશ, સમયકાળના એવાં કાવ્યો જડે છે કે એમાં વિષયનું સામ્ય મળે, જાણે મુખોમુખ થવા ઇચ્છતા હોય અને એકબીજા સાથે આપ-લે કરવા માગતા હોય.
— રૂપાલી બર્ક
નહીં લખી શકું પ્રેમપત્ર
પ્રશાંત સાગર (જ. ૧૯૯૨) • હિન્દી પરથી અનુવાદ : રૂપાલી બર્ક
પ્રિય
મેં લખવા ધારેલો પ્રેમપત્ર
પરંતુ
મુલકનો બાદશાહ
જંગે ચઢેલો.
અને
એ લઈ ગયો હતો પોતાની સાથે
કોણ જાણે કેટલાં ય યુવાનો.
હું લખવા
બેસું પત્ર એમને
પરત બોલાવવા માટે
કે
એમની માતાઓ રડે છે
અને
એમની પ્રેમિકાઓને એમના
વાયદા પૂરા થવાની પ્રતિક્ષા છે.
યુદ્ધના રોમાંચમાં પ્રેમને
ભુલાવી દેવામાં આવ્યો છે.
કેટલાં ય વર્ષોથી અહીં
કોઈએ પ્રેમ કાવ્ય નથી લખ્યાં
ચિત્કારની વચ્ચે હું પ્રેમપત્ર શી રીતે લખું.
એક દિવસ વીર રસના બધાં
કાવ્યો
જ્યારે ભરાઈ જશે લોહીથી
અને ભૂસાંઈ જશે
શોર્ય ગાથાઓની તરસ
અહીં અને ત્યાં
બન્ને મુલકના સાહિત્યમાં.
અને
વિજયી બાદશાહના
દરબારમાં
જ્યારે પરત ફરેલાં
ઘાયલ સૈનિકો માટે
ઠગારાં પ્રેમ કાવ્યો વંચાશે—
ત્યારે હું તને પ્રેમપત્ર લખીશ
જેમાં સત્ય લખ્યું હશે.
ઇતિહાસ અને સાહિત્યને
સેવા કરવી છે —
મારો પ્રેમપત્ર
આ સમયના
સત્યને બચાવી રાખશે.
એટલે જ મરણ કાળની શાંતિમાં
એ લખવા છે.
અસત્યના ઘોંઘાટમાં
અને
મારા મુલકના બાળકોના
વગર હસે
પ્રિય
હું નહીં લખી શકું પ્રેમપત્ર.
*
દુર્ભાગ્યપૂર્ણ યુવાનો માટે સ્તુતિ ગીત
વિલ્ફ્રેડ ઓઅન (૧૮૯૩-૧૯૧૮) • અંગ્રેજી પરથી અનુવાદ : રૂપાલી બર્ક
ઢોરઢાંકર શા માર્યા જતાં માટે શેને ઘંટારવ?
—માત્ર બંદૂકોનો રાક્ષસી આક્રોશ.
માત્ર રાઈફલોની સણસણતી ગોળીઓની રમઝટથી
યંત્રવત એમની ઉતાવળી પ્રાર્થનાઓ બોલાવા મંડાશે.
હવે ના એમની મશ્કરી, ના પ્રાર્થનાઓ, ના ઘંટારવ;
ના કોઈ વિલાપના સ્વર સિવાય કે દેવળનું ગાન—
ખાલી કારતૂસના તીણા, ભાન ભુલેલા ગાન;
અને ઉદાસ પરગણાઓથી એમને બોલાવતા રણશિંગા.
એમને વેગ આપવા કેવી મીણબત્તીઓ ધરીશું?
છોકરાઓના હાથમાં નહીં પરંતુ એમની આંખમાં
ચમકશે અલવિદાનો પાવન ઝબકાર.
છોકરીઓના ભાલની ફીકાશ બનશે એમનું કફન;
એમનાં ફૂલો ધીરજવાન મનની કુમાશ,
અને દરેક ધીરી સંધ્યાએ બંધ કરાતા બારીના પડદા.
e.mail : rupaleeburke@yahoo.co.in
![]()

