ક્યારેક બે અલગ ભાષાઓ, દેશ, સમયકાળમાં એવાં કાવ્યો જડે છે કે એમાં વિષયનું સામ્ય જોવા મળે, જાણે મુખોમુખ થવા ઇચ્છતા હોય અને એકબીજા સાથે આપ-લે કરવા માગતા હોય.
— રૂપાલી બર્ક
– 1 –
મારા જીવનનો ઓરડો
કવયિત્રી : ઍન સૅક્સટન [અંગ્રેજી પરથી અનુવાદ : રૂપાલી બર્ક]
અહીં,
મારા જીવનના ઓરડામાં
ચીજો બદલાતી રહે છે.
આંસુ સારવા માટે ઍશ ટ્રે,
પીડા સહન કરતો લાકડાની દીવાલોનો ભાઈ,
ટાઇપ રાઈટરની અડતાલીસ ચાંપો,
પ્રત્યેક એવો આંખનો બંધ ન થતો ડોળો,
પુસ્તકો, એમાં દરેક સૌંદર્ય સ્પર્ધાનું સ્પર્ધક,
કાળી ખુરશી,
નુગહાઈડની બનેલી કૂતરાની શબપેટી
મધમાખીની ગુફાઓ સમા પ્રતિક્ષા કરતા
દીવાલ પરના સૉકૅટ
સોનેરી પાથરણું
એડી અને અંગૂઠાની ગોઠડી
તાપણું
કોઈ ઉઠાવે એની રાહ જોતું ચપ્પુ
વેશ્યાના પરિશ્રમથી થાકેલો સોફો,
ટેલિફોન,
એની ઉરુસંધિમાં મૂળ નાખતાં બે ફૂલ,
બારણાં
દરિયાઈ છીપની માફક ખુલતાં બંધ થતાં,
બત્તિઓ
મને ભોંકાતી
જમીન અને હાસ્ય બન્નેને પ્રકાશતી.
બારીઓ,
ભૂખીડાંસ બારીઓ
વૃક્ષોને મારી છાતીમાં ખીલીઓની માફક
ઠોકી બેસાડતી.
દરરોજ હું બહાર દુનિયાને ખવડાવું છું
પંખીઓનો ડાબે અને જમણે વિસ્ફોટ થાય છે
તેમ છતાં.
અંદરની દુનિયાને પણ ખવડાવું છું
મેજને કૂતરાના બિસ્કિટ આપું છું.
આમ છતાં, હોવું જોઈએ એવું કશું જ નથી.
મારી વસ્તુઓ સપનાં જુએ છે અને નવાં વસ્ત્રો ધારણ કરે છે,
જાણે મારા હાથમાં રહેલાં તમામ શબ્દો
અને મારા કંઠમાં અથડાતા દરિયાને લીધે ના હોય.
*
– 2 –
એ ઓરડો યાદ આવે છે
કવિ : જાવેદ અખ્તર [હિન્દી પરથી અનુવાદ : રૂપાલી બર્ક]
જ્યારે પણ હું
જિંદગીના બળબળતા તડકામાં તપીને
જ્યારે પણ
અન્યોના અને પોતાના જૂઠથી થાકીને
બધાંથી લડીને ખુદથી હારીને
હું જ્યારે એ ઓરડામાં જતો
હળવા અને ઘેરા કથ્થઈ રંગનો એ ઓરડો
ખૂબ મહેરબાન એ ઓરડો
એની નરમ મુઠ્ઠીમાં મને એવો છુપાવી લેતો
જાણે કોઈ મા
બાળકને પાલવથી ઢાંકીને
વહાલથી ઠપકો આપતી હોય
આ તે કેવી આદત છે
ભર બપોરે બેફામ ફર્યા કરવાની
એ ઓરડો યાદ આવે છે
મજબૂત અને ખાસ્સો ભારે
ઘણી મુશ્કેલીથી ખુલતો એ અબનૂસનો દરવાજો
જાણે કોઈ અક્કડ બાપ
પોતાની છાતીમાં
કરુણાનો દરિયો છુપાવી બેઠો હોય
એ ખુરશી
અને એની સાથે એની જોડિયા બહેન
એ બન્ને
મારી દોસ્ત હતી
પેલો આયનો, ઢીઠ, મોંફટ,
પણ દિલનો સારો
ખૂણામાં ઊભેલી
પેલી બેડોળ તિજોરી
ઘરડી દાઈની માફક
આયનાને ચેતવતી
પેલી ફૂલદાની
નાની શી
ખૂબ તોફાની
વિતેલા દિવસો પર હસતી
બારી
જાણે સમજદારીભર્યું એક સ્મિત
અને બારી પર ઝૂકેલી એ વેલ
જાણે લીલીછમ ગુસપુસ
ગોખલામાં અને અભરાઈ પર
ગંભીર શિક્ષિકા બની બેઠેલાં
પુસ્તકો
પરંતુ પ્રતિક્ષા એ વાતની કરતા
કે હું એમને કંઈક પૂછું
માથાની તરફ
ઊંઘનો સાથી
થાકનો ચિકિત્સક
ઋજુ હૃદયનો તકિયો
જેના ખોળે માથું રાખી
છાપરું નિહાળતો
છાપરાના મોભ પર
કેટકેટલાં ય કિસ્સાઓની વળીઓ
પેલી નાની મેજ પર ગોઠવેલી
અને સામે દીવાલ પર
લટકતી છબીઓ
પોતાપણાથી અને ભરોસાથી મને જોતી
અને હસતી
એમને શંકા પણ નહોતી
એક દિવસ
હું એમને આ રીતે છોડીને જતો રહીશ
હું એક દિવસ આ રીતે પણ જતો રહીશ
કે ફરી પાછો કદી ના જઈશ
હાલ જે ઘરમાં રહું છું
ખૂબ જ સુંદર છે
પરંતુ ઘણી વખત મૌન બેઠો વિચારું છું
એ ઓરડો વાત કરતો હતો.
e.mail : rupaleeburke@yahoo.co.in
![]()

