
રાજ ગોસ્વામી
દુનિયાનો સૌથી પ્રતિષ્ઠિત શબ્દકોષ પ્રગટ કરતી ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ, છેલ્લા 25 વર્ષથી, તેની ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્ષનરીમાં દર વર્ષે જનમતના આધારે એક નવો શબ્દ ઉમેરે છે. તેનો પ્રત્યેક ‘વર્ડ ઓફ ધ યર,’ અંગ્રેજી ભાષામાં થઇ રહેલા વિકાસનો તો ઘોતક તો છે જ, પરંતુ ખાસ તો તે સમાજમાં આવી રહેલા બદલાવનો પ્રતિનિધિ છે. જેમ કે 2024ના શબ્દકોષમાં, ઓક્સફર્ડના ભાષાશાસ્ત્રીઓએ ‘બ્રેન રોટ’ (Brain rot) શબ્દને સામેલ કર્યો છે. આ શબ્દને સૌથી વધુ, 37,000 લોકોનો વોટ મળ્યો હતો. આ શબ્દનો અર્થ થાય છે ‘મગજનો સડો.’
જ્યારે કોઈ વ્યક્તિ ડિજિટલ કન્ટેન્ટ, સોશિયલ મીડિયા અથવા અન્ય ઓનલાઈન મનોરંજન કન્ટેન્ટ ‘આરોગવા’ના કારણે તેની માનસિક ક્ષમતા, ધ્યાન અને વિચાર શક્તિમાં ઘટાડો અનુભવવાનું શરૂ કરે છે, ત્યારે તેને મગજના સડો લાગ્યો છે તેવું કહેવાય. મગજમાં સડો લાગે તેવું કન્ટેન્ટ આપણને ઉપયોગી નથી હોતું, તે આપણી બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ કરતું નથી અને આપણને આ ખબર હોવા છતાં જાતને રોકી શકતા નથી.
આ શબ્દ વધુ સૂચક છે કારણ કે તેમાં 21મી સદીની આપણી માનસિકતાનું પ્રતિબિંબ છે. આ શબ્દ સોશિયલ મીડિયા પર ખરાબ અથવા અર્થહીન કન્ટેન્ટ જોવાથી મગજ પર થતી નકારાત્મક અસરની વાત કરે છે. આ શબ્દ આ વર્ષે સૌથી વધુ ચર્ચિત શબ્દોમાંનો એક છે. આ શબ્દ (1995થી 2010 વચ્ચે જન્મેલી પેઢી) ‘જેન ઝી’માં અત્યંત લોકપ્રિય છે.
2023 અને 2024ની વચ્ચે, આ શબ્દનો ઉપયોગ 230% વધ્યો હતો, પરંતુ સી.એન.એન. ન્યુઝ ચેનલ અનુસાર આ શબ્દ એક સદી જુનો છે. 1854માં હેનરી ડેવિડ થોરો નામના અમેરિકન ઇંગ્લિશ લેખકના પુસ્તક ‘વાલ્ડેન’માં પહેલીવાર ‘બ્રેઇન રોટ’ શબ્દનો પ્રયોગ થયો હતો.
થોરોએ તેમાં પૂછ્યું હતું, “જે ઇંગ્લેન્ડ બટાટાનો સડો મટાડવાનો પ્રયાસ કરી રહ્યું છે, તે તેના કરતાં વધુ ખતરનાક મગજના સડાને મટાડવાનો પ્રયાસ કરશે?”
થોરોએ તે સમયના લોકોની માનસિકતા પર વ્યંગ કર્યો હતો. આજે જેમ આપણે કહીએ છીએ કે નવી પેઢી બગડી રહી છે તેમ તે વખતે પણ થોરોને ચિંતા હતી કે લોકો સારા-નરસાનો ભેદ ભૂલીને છીછરી ચીજવસ્તુઓ તરફ વળી રહ્યા છે. તેણે તેને મગજનો સડો કહ્યો હતો.
થોડા સમય પહેલાં, સોશિયલ મીડિયા પર અભિનવ અરોરા નામનો 10 વર્ષનો એક છોકરો ટ્રોલિંગનો શિકાર થયો હતો. મથુરાનો રહેવાસી અભિનવ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. તેના ઘણા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છે. તે ઘણીવાર ભગવાન કૃષ્ણ અને ભગવાન રામના ભક્તિમય વીડિયો પોસ્ટ કરે છે. તેના ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે.
એક કાર્યક્રમમાં, તે જગદગુરુ રામભદ્રાચાર્ય સાથે ઊભો હતો અને પછી તેને મૂર્ખ કહીને મંચ પરથી ઉતારી મુક્યો હતો. એ વીડિયો વાઈરલ થયા પછી અભિનવ નેટીઝન્સની ઝપેટમાં આવી ગયો હતો અને મામલો અદાલત સુધી પહોંચ્યો હતો. તેના ટ્રોલિંગનો જવાબ આપતાં એક વીડિયોમાં અભિનવે તેની તોતડી ભાષામાં એક વાક્ય કહ્યું હતું, “મુઝે ફડક નહીં પડતા.”
ખેર, એ તો અભિનવના ઉચ્ચારણની સ્ટાઈલ હતી, પરંતુ “મુઝે ફડક નહીં પડતા” એવો અભિગમ સોશિયલ મીડિયાની દુનિયામાં રચ્યા-પચ્યા રહેતા હજારો લોકોની માનસિકતાનો ઘોતક છે. 21મી સદીના ડિજીટલ મીડિયાનો જ્યારે ઇતિહાસ લખવામાં આવશે, ત્યારે તેમાં આ ચાર શબ્દોનો ઉલ્લેખ જરૂર આવશે: મુઝે ફડક નહીં પડતા. સોશિયલ મીડિયા, મીમ્સ અને રીલ્સની ભરમારે સૌનાં દિમાગ એટલાં ખરાબ કરી નાખ્યાં છે કે હવે સાચે જ કોઈને કોઈ ‘ફડક’ નથી પડતો.
અભિનવ અરોરાને જ નહીં, અમેરિકાના પ્રેસિડેન્ટને પણ ‘ફડક’ પડતો નથી. અમેરિકાનો કારભાર હાથમાં લેવાની તૈયારી કરી રહેલા નવનિર્વાચિત ડોનાલ્ડ ટ્રમ્પે, તાજેતરમાં તેમના લાખો સોશિયલ મીડિયા ફોલોઅર્સ માટે એક ઈમેજ પોસ્ટ કરી હતી. એ બ્લેક એન્ડ વ્હાઈટ ઈમેજમાં, આજના ટ્રમ્પ, ગઈકાલના પોપસ્ટાર એલ્વિસ પ્રેસ્લી સાથે ઊભા છે. પ્રેસ્લીના હાથમાં ગીટાર છે અને ટ્રમ્પ બાજુમાં ઊભા રહીને તેની મજા લે છે.
અલબત્ત, આ ફોટો નકલી હતો. ટ્રમ્પ 31 વર્ષના હતા, ત્યારે 1971માં પ્રેસ્લીનું અવસાન થયું હતું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી તૈયાર કરવામાં આવેલી આ ઈમેજને ટ્રમ્પે ઉત્સાહથી પોસ્ટ કરી હતી અને તેમના લાખો ચાહકોએ પણ આનંદમાં આવીને તેમાં ભરપૂર કોમેન્ટ્સ કરી હતી તેમ જ વળતામાં આવી બીજી અનેક નકલી ઈમેજ પોસ્ટ કરી હતી.
કોઈ એવું કહી શકે કે તો આ નિર્દોષ આનંદ છે, પણ બે સવાલ ઊભા થાય છે : આનથી દુનિયા કેવી રીતે બહેતર બનવાની હતી? અને, આને મનોરંજન પણ કહેવાય? આને જ બ્રેઈન રોટ કહેવાય છે. ટ્રમ્પ પણ એવું જ કહે છે, મુઝે ફડક નહીં પડતા.
ટેકનોલોજીના પ્રતાપે, ઇન્ટરનેટ પર કચરો પેદા થઇ રહ્યો છે. તેના કારણે લોકોનાં દિમાગ બીમાર થઇ રહ્યાં છે. બ્રેઈન રોટ એ બીમારીનું લક્ષણ છે, બીમારી નહીં.
આપણે શારીરિક ગુલામીમાંથી તો આઝાદ થઈ ગયા છીએ, પરંતુ ટેકનોલોજીના કથિત આધુનિક સમયમાં આવીને માનસિક રીતે ગુલામ થઈ ગયા છીએ. મનની ગુલામી શરીરની ગુલામી કરતાં બદતર હોય છે, કારણ કે શરીરની ઝંજીરો તો જોઈ શકાય છે, પણ મનની સાંકળો તો આપણે જ બાંધેલી હોય છે, એટલે આપણને એ ગુલામીનો અહેસાસ સુધ્ધાં નથી હોતો.
માનસિક ગુલામી એટલે શું? સાદી ભાષામાં કહીએ તો, આપણા તરંગો જ્યારે ડહાપણ, વિવેકબુદ્ધિ, નૈતિકતા અને મૂલ્યો પર હાવી થઈ જાય અને આપણે સંપૂર્ણપણે બેબસ થઈ જઈએ તો તે માનસિક ગુલામી કહેવાય.
આપણું મન જ્યારે આપણી સીમા બની જાય અને આપણે એ સીમાને તાબે થઈને જીવવા લાગીએ ત્યારે આપણે માનસિક ગુલામીમાં જીવીએ છીએ તેમ કહેવાય. માનસિક ગુલામ એટલે જેણે પોતાની બૌદ્ધિક ક્ષમતાને ગીરવે મૂકી દીધી છે અને બીજા માણસ કે સમુદાયની માન્યતાઓ અને ઈચ્છાઓને પોતાની કરી લીધી છે તે.
સોશિયલ મીડિયા આ કામ કરે છે. અહીં બહુ બધા લોકો માનસિક ગુલામીમાં જીવે છે, કારણ કે તેમના વિચારો, લાગણીઓ, માન્યતાઓ, ભાષા, ઈચ્છાઓ તેઓ જે ટોળામાં છે તેના પ્રભાવમાંથી આવે છે. તેમાં અલગ-અલગ ટોળાં પોત-પોતાની ઇકો ચેમ્બરની અંદર રહે છે. તેમને વિચારોની ગહેરાઇમાં જવાની ઈચ્છા નથી. ત્યાં એક શોરબકોર ઊભો કરીને “તારા કરતાં મારી ચોંચ મોટી છે” એવું પુરવાર કરીને લોકો બીજે ક્યાંક ચોંચ મારવા ઉડી જાય છે.
આને ગ્રુપ-થિન્કિંગ કહે છે; બધા વિચારે તેવું વિચારવું, બધા કરે તેવું કરવું તે. ગ્રુપ-થિન્કિંગ વ્યક્તિગત રીતે વિચાર કરવાની ક્ષમતાને નષ્ટ કરે છે. ગ્રુપ-થિન્કિંગમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિ કે વ્યક્તિઓનું સમર્થન લેવા માટે એમના જેવા વિચારો કરવા લાગી છે. ગ્રુપમાં રહેવાની આ વૃત્તિને કારણે વ્યક્તિ તટસ્થ રીતે, નીરક્ષીર વિવેક સાથે વિચાર કરવાની તાકાત ગુમાવી દે છે. તેના પરિણામે વાસ્તવિકતાને જેવી છે તેવી જોવા, સમજવા, સ્વીકારવાની ક્ષમતાનું અને નૈતિક વિવેકનું પતન થાય છે. આને જ મગજનો સડો કહે છે. પરંતુ એનાથી કોઈને કોઈ ફડક પડતો નથી.
(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 15 ડિસેમ્બર 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર