એ ફ્લેટની ભીંત પર સુશોભિત ફ્રેમમાં દેખાતું ચિત્ર
ગંદી વસાહતોમાં ગરીબીની ચાડી ખાતાં
નાગાપૂગા રમતાં બાળકોનું હૂબહૂ દૃશ્ય
ચિત્રકારની ઝંકોરાયેલી સંવેદનાનું આ ચિત્રમાં પુરાઇ જવું
ને એ ફ્લેટની બીલકુલ સામે
જાહેર રસ્તા પર વિકાસનો ગોબારો ફેંકતું
"સૌનો સાથ સૌનો વિકાસ”નું
મોટું મસ હોર્ડિંગ, હું જોઉં છું ત્યારે
મારી અંદર હું આખેઆખો સળગી ઊઠું છું,
ત્યારે, બીજી બાજુ પેલા ચિત્રકારને ગંદા વસાહતોમાં
રહેતાં બાળકોની સંવેદનાને છડેચોક વેચીને
માતબર રકમ લઇને, કનોરિયા આર્ટ ગેલેરીમાં
સીગરેટનાં કશ ઉપર કશ ચડાવતો જોઉં છું ત્યારે
મારાથી બોલાય છે કે શાબાશ ચિત્રકાર શાબાશ
પેલા ગરીબોની વસાહતનાં વરવાં દૃશ્યને
ચિત્રમાં પૂરી દેવા બદલ સલામ છે દોસ્ત તને સલામ
એકબાજુ પેલી સંવેદનાનો છડેચોક વેચાઇ જવાનો બનાવ
અને બીજી બાજુ વિકાસની ગુલબાંગો ઠોકતું પેલુ હોર્ડિંગ
બન્ને આજે સલામત છે તેની જગ્યા પર યથાવત્
ત્યારે પેલી સંવેદના, હા પેલી સંવેદના મૃત:પાય થઇ પડી છે
આજે પણ આજ વસાહતમાં પેલા નાગાપૂગા
રમતાં બાળકોનાં નિર્દોષ બચપણમાં દોસ્તો …
તા. ૦૧-૦૮-૨૦૧૭
e.mail : koza7024@gmail.com