પ્રખ્યાત જાસૂસ અમીષ ગુપ્તા તેની ઑફિસમાં પેપર વાંચી રહ્યા હતા. અચાનક તેનું ધ્યાન એક પ્રવાસની જાહેરખબર પર ગઈ.
જાહેરખબરમાં લખ્યું હતું, ધનવાનો માટે ડિસ્કાઉન્ટ રેટમાં એક ખૂબસુરત આઈલેન્ડનો પાંચ દિવસના પ્રવાસમાં ફક્ત ટ્રાન્સપોર્ટેશન ચાર્જ આપવાનો, અદ્યતન હોટલમાં રહેવાનું ફ્રી, બધી જ સર્વિસ ફ્રી, ફક્ત પચીસ વ્યક્તિ માટેનો આ પ્રવાસ છે. બુકીંગ વહેલો તે પહેલાંના ધોરણે કરવામાં આવશે. બુકીંગ માટે રૂબરૂ આવવું પડશે અને ઓળખ માટેના બધાં જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ આપવાના રહેશે.
જાહેરખબરમાં બીજી કોઈ વિશિષ્ટતા નહોતી પણ ત્રણ બાબતે ગુપ્તાજીનું ધ્યાન ગયું. એક તો ફક્ત ધનવાનો માટેનો પ્રવાસ હતો. બીજું ટ્રાન્સપોર્ટેશન સિવાય કોઈ ચાર્જ નહોતો આપવાનો, બધું જ ફ્રી હતું. અને ત્રીજી બાબત એ હતી કે ઓળખ માટેના બધાં જ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ આપવાના હતાં.
ગુપ્તાજીએ તેના આસિસ્ટન્ટ અજય અને મિતુલને બોલાવ્યા, જાહેરખબર વિશે વાત કરી રૂબરૂ જઈને માહિતી એકઠી કરવાનું કહ્યું.
અજય અને મિતુલ જે માહિતી લાવ્યા એ વિચારવાલાયક હતી. જેવી કે.
`આઈલેન્ડનું નામ સરપ્રાઈઝ માટે જણાવવામાં નહોતું આવ્યું.`
`જેની મિલ્કત પચીસ કરોડથી વધારે હતી તે વ્યક્તિને પ્રાથમિકતા આપતાં હતાં.`
`ટુરનું સંચાલન વિદેશની કંપની કરવાની હતી તેનું નામ પણ ગુપ્ત રાખવામાં આવ્યું હતું.`
`પાંચ દિવસની ટુરમાં ગ્રાહક જે માંગે તે બધી જ સુવિધા મળવાની હતી.`
`ફક્ત સ્ત્રી અને પુરુષ માટેની જ ટુર હતી. તેમાં બાળકોનો સમાવેશ નહોતો.`
`અત્યાર સુધીમાં વીસ વ્યક્તિની નોંધણી થઈ ગઈ હતી.`
ગુપ્તાજીએ કહ્યું,`અજય, માહિતી ઇન્ટરેસ્ટિંગ છે. ચાલો, આપણે ત્રણેય ટુરમાં જોડાઈ જઈએ.`
`બોસ અમારી પાસે ક્યાં એટલી મિલ્કત છે. તમે જોડાઈ જાવ, અહીયાનું અમે સંભાળી લઈશું.`
`તમે પ્રવાસની તૈયારી ચાલુ કરી દો. જાસૂસીનાં બધાં જ સાધનો એકઠા કરી લો. આપણે ત્રણેયે જવાનું છે. બુકીંગ માટે હું રસ્તો કાઢી લઈશ. મને કંઈક અઘટિત ઘટના ઘટવાનો આભાસ થાય છે.`
`તમારા બધાંનો આપણી અજ્ઞાત આઈલેન્ડ પરની ટુરમાં જોડાવા માટે હું આભાર માનું છું. હું છું રમણ, અને આ ચાર મારા સાથીઓ છે. આપણે કુલ ત્રીસ વ્યક્તિ છીએ, પચીસ તમે ટુરિસ્ટ અને પાંચ અમે.`
`આપણે ક્યાં અજ્ઞાત આઈલેન્ડ પર જઈએ છીએ?`
`તેના વિશે અમારા બોસ તમને થોડા સમય પછી જાણકારી આપશે.`
`અમારી ઓળખ વિધિ પૂરી થઈ ગઈ હોય તો અમને અમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ પાછા આપો.`…. કોઈ જવાબ નહીં.
`મિત્રો, તમારું મારા ટચુકડા પ્રાઇવેટ પ્લેન ઉપર સ્વાગત છે. આપણે ચાઈના સીમાં આવેલ “મૂન આઈલેન્ડ” પર જઈ રહ્યાં છીએ. તમારા ડોક્યુમેન્ટ્સ ટુર પૂરી થયા પછી પાછા આપવામાં આવશે.`
`તમે કોણ છો? ક્યાંથી બોલો છો? અમારી સમક્ષ આવીને વાત કરો. અમારે ટુરમાં નથી જોડાવું. અમારે પાછા જવું છે.`
`હું કોણ છું, એની ઓળખાણ પછી થશે. હું તો દૂરથી વાત કરું છું. તમારી સમક્ષ આવવાની મારે કોઈ જરૂર નથી. તમે સ્વેચ્છાએ ટુરમાં જોડાયા છો. ટુર તો પૂરી હું કરું ત્યારે જ થશે.`
વીસ ટુરિસ્ટ ચિંતામાં પડી ગયા કે હવે શું થશે. ગુપ્તાજી, અજય અને મિતુલની આંખો મળી; જાણે કહેતી હોય કે આપણે યોગ્ય મિશન ઉપર છીએ.
ગુપ્તાજીએ બીજી બે વ્યક્તિને આંખોથી મંદ સ્મિત આપ્યું કે ટુરમાં જોડાવા માટે આભાર.
`દરેક ટુરિસ્ટને એક જરૂરી સૂચના આપવામાં આવે છે કે .. ટૂંક સમયમાં તમારું પ્લેન મૂન આઈલેન્ડ ઉપર ઉતરશે. તમારે સંદેશા વ્યવહાર માટે મૂન આઈલેન્ડની સંદેશા વ્યવહારની સિસ્ટમનો ઉપયોગ કરવાનો છે. ત્યાં તમારા ગેજેટ્સ નહીં ચાલે. બીજું ત્યાં કોઈને કંઈપણ તમારે પૂછવાનું નથી કે વાત કરવાની નથી. તમને દરેકને વ્યક્તિગત રૂમ આપવામાં આવશે. જરૂરી સૂચનાઓ પણ તમને રૂમમાં મળી જશે. તમારે કેટલો સમય મૂન આઈલેન્ડ પર રોકાવું પડશે એ તમારા વ્યવહાર અને મારી સૂચનાના અમલ ઉપર આધારિત છે.`
મૂન આઈલેન્ડ પર એક સી આકારનું બિલ્ડીંગ હતું. સી આકારમાં પચીસ રૂમો હતી. નસીબ જોગે ગુપ્તાજી, અજય અને મિતુલ તેમ જ બીજા બે ટુરિસ્ટની રૂમો વચ્ચેના ભાગમાં આવી જ્યાંથી આખી ય બિલ્ડીંગનું નિરીક્ષણ થઈ શકતું હતું.
`અજય, મિતુલ કંઈ રમત સમજમાં આવે છે? કોઈક ઊંડી ગેઈમનું પ્લાનિંગ કરાતું હોય એમ લાગે છે. આપણે તો આપણા જાસૂસી સાધનોથી એક બીજાના સંપર્કમાં રહીએ છીએ પણ બીજા બાવીસ ટુરિસ્ટનું શું થતું હશે?`
`બોસ, મને આપણી રૂમની લાઈનમાં જે બે ટુરિસ્ટ છે એ બીજા વીસ ટુરિસ્ટ કરતાં અલગ લાગે છે.`
ગુપ્તાજીએ કોઈ જવાબ ન આપ્યો. `અજય મને લાગે છે કે આપણે જાહેર થયાં વગર આ બધાંને એક સંદેશ આપીએ કે કોઈપણ બાબતમાં સહમત ન થતાં. કારણ કે હજી સુધી આપણને ફરવાં લઈ આવ્યા છે એવું જ લાગે છે. આપણે ત્રણ દિવસથી આઈલેન્ડ પર ફરીએ છીએ, મજા કરીએ છીએ અને દરેકને પસંદગીનું ભોજન, માંગણી પ્રમાણેની બધી જ માંગણી સંતોષવામાં આવે છે.`
`બોસ, પણ આપણે સંદેશો આપશું કેવી રીતે? આપણને તો અંદરોઅંદર વાતો કરવાની મનાઈ છે.`
`દરેક રૂમનાં બારણા સેન્સરથી ખોલ-બંધ થાય છે એટલે બારણાની બંધ થતી નીચેની જગ્યામાં કાગળની ચબરખી જાય એટલી તો જગ્યા હશે જ. તેનો ઉપયોગ કરીશું.`
`સરસ આઈડિયા છે બોસ, તો બનાવી દો સંદેશો. હું અને મિતુલ બધી ચબરખી પહોંચાડી દઈશું….`
બાવીસ વ્યક્તિને નાનકડી ચિઠ્ઠી મળી જેમાં લખ્યું હતું.`આપણે અહીં ફરવાં આવ્યા છીએ એવો માહોલ છે. પણ કોઈ અજ્ઞાત વ્યક્તિ તેનું સંચાલન કરતી હોય એવું લાગે છે. કોઈપણ દબાણને વશ ન થતાં. આપણે સાથે મળી લડી લઈશું. ચિઠ્ઠીનો નાશ કરી નાખજો.`
ચિઠ્ઠી વાંચીને વીસ વ્યક્તિ અંસમજમાં પડી ગઈ કે વાત તો સાચી છે. આપણામાંથી આ સૂચના આપનાર કોણ હશે. બાકીની બે વ્યક્તિ જે ગુપ્તાજીની બાજુની રૂમમાં હતા એ નિષ્પૃહી રહ્યાં.
ત્રણ દિવસ પછી વ્યક્તિગત બધાંને એક રૂમમાં બોલાવી બોસે ફોનથી ચર્ચા કરી કે ઘરે સમાચાર આપી દો કે હજી તો અમે ક્ષેમકુશળ છીએ અને ક્ષેમકુશળ જોવા હોય તો અમે કહીએ એમ કરો. બાકીની સૂચના કાલે આપીશ કે તમારા ઘરનાએ શું કરવાનું છે.
ગુપ્તાજી, અજય અને મિતુલ સમજી ગયા કે જે સૂચના તેમને આપી એ જ સૂચના બાકીનાને આપી હશે. હવે એકશન લેવાનો સમય આવી ગયો હતો.
ગુપ્તાજી, અજય અને મિતુલે એક પ્લાન બનાવ્યો. પ્લેનની મુસાફરી દરમ્યાન ગુપ્તાજીએ બાકીના બીજા ટુરિસ્ટ પાસેથી તેના ઘરના ફોન નંબર અને સંપર્ક વ્યક્તિનું નામ, સરનામું વગેરે વિગત લઈ લીધી હતી. દરેક ટુરિસ્ટના ઘરે એક ગુપ્ત સંદેશો મોકલી દેવામાં આવ્યો કે અમારા સંપર્કમાં અને લોકલ પોલીસ ઓથોરિટીના સંપર્કમાં રહેજો. અમે લોકો કોઈની સાઝિશનો શિકાર બની ગયા છીએ પણ જલદી તેમાંથી બહાર આવી જઈશું.
બધાને ફરીથી ચિઠ્ઠી દ્વારા સંદેશો આપ્યો હતો કે `હવે ફોન ઉપર વાત કરવાં બોલાવે તો કહેવાનું કે અમારે તમારી સાથે અહીયાં રૂબરૂમાં વાત કરવી છે ફોન પર નહીં; એમ કહીને ગમે તે થાય વાત કરવાં નહીં જવાનું.`
નક્કી થયા પ્રમાણે બધાં જ અજ્ઞાત વ્યક્તિ સાથે વાત કરવાં ન ગયાં અને જે કોઈ હોય તેને અહીયાં રૂબરૂ બોલાવવોનો આગ્રહ ચાલુ રાખ્યો.
`બોસનો સંદેશો છે તમે વ્યક્તિગત વાત ન કરવાં માંગતાં હો, તો બોસ તમારી સાથે રૂબરૂ નહીં પણ ફોનથી કોન્ફરન્સ રૂમમાં વાત કરશે.`
ગુપ્તાજી, અજય, મિતુલ અને બીજા બે જણાની આંખો મળી, ચાલો પ્રથમ પગથિયું સર થઈ ગયું….
`હલ્લો તમે મને સાંભળો છો? જો સાંભળતા હો તો પછી મારી સાથે વ્યક્તિગત વાત કરવાની સૂચના કેમ ન માની? આ તમે લોકોએ બહુ ખોટું કર્યું છે જેની સજા તમારે બધાએ ભોગવવી પડશે….`
`હલ્લો મિસ્ટર અજ્ઞાત, હવે તું પણ સાંભળી લે, તારી જે ઇચ્છા હોય તે; અમે તારી એક પણ સૂચના માનવાના નથી. તું, હિંમત હોય તો ફોન પર નહીં રૂબરૂ સામે આવીને વાત કર.`
`તમે કોણ છો મને ધમકી આપનારા? તમે મને હજી ઓળખ્યો નથી.`
`તો સાંભળ હું એસ.પી. ગાયકવાડ છું. મારી સાથે મારા ડી.વાય.એસ.પી. દ્વિવેદી છે અને હજી આગળ સાંભળ જે નામથી તું પરિચિત છો એ પ્રખ્યાત જાસૂસ ગુપ્તાજી તેના બે આસિસ્ટન્ટ અજય અને મિતુલ સાથે અહીંયા હાજર છે. બોલ હવે તારે શું વધારે માહિતી જોઈએ છે. અને તું કોણ છો એ પણ મને ખબર છે.`
`તમે લોકોએ સામે ચાલીને સિંહની બોડમાં હાથ નાખ્યો છે તમે કોઈ અહીંયાથી જીવતા પાછા નહીં જાવ.`
`અહીયાંના તારા બધાં જ માણસોને અમે બંધક બનાવી દીધા છે. તારે આકાશી હુમલો અમારી ઉપર કરવો હોય તો તેનો પણ અખતરો કરી જો.` આટલું કહી ગાયકવાડ સાહેબે સૂચના આપી કે ટાપુ ઉપર હુમલો કરવાં આવતાં બધાં જ પ્લેન, હેલિકોપ્ટરને ફૂંકી મારો … થોડા સમય પછી આકાશમાં ધણધણાટી બોલી ગઈ, બાકીના બધાં જ પ્લેન, હેલિકોપ્ટર પાછા ફરી ગયાં.
`તું તારી જાતને બહુ હોશિયાર માને છે. તને એમ કે ચાઈના સીના મૂન આઈલેન્ડ પર આ ઘનવાનોને બંદી બનાવી તું ધારે એટલી ખંડણી માંગી શકીશ; તો “મિસ્ટર ગોમ્સ યાને આંતરરાષ્ટ્રીય અપહરણકર્તા” તારી પાછળ જરા નજર નાખ તને ગિરફ્તાર કરવા ઇન્ટરપોલના અધિકારીઓ ઊભા છે. તારું લોકેશન તો તે પહેલી વખત મારી સાથે ફોન પર વાત કરી ત્યારે જ મને મળી ગયું હતું. બીજું તે જાહેરાત આપવામાં મોટી ભૂલ કરી અને એ જાહેરાતની માહિતીએ તને પકડાવી દીધો.`
`મિસ્ટર ગાયકવાડસાહેબ હું ઇન્ટરપોલનો અધિકારી સ્મિથ બોલું છું ગોમ્સને ગિરફતાર કરવામાં મદદ કરવા માટે આપનો અને આપની ટીમનો ખૂબ ખૂબ આભાર.`
ગાયકવાડસાહેબે કહ્યું, `મિત્રો, તમે તો ધનવાન છો. ગમે તેટલા પૈસા ખર્ચ કરી શકો તેમ છો તો પછી આ ફ્રી ટુરમાં શું કામ જોડાયાં? એ પણ અજાણ્યા નામ વગરના આઈલેન્ડ પર જવા માટે . મારી પાસે ગુપ્તાજી આ જાહેરાત લઈને ન આવ્યા હોત તો વિચારો તમારી શું દશા થાત. આખું ય પ્લાનિંગ કરીને તમને બચાવવા માટે જ અમે આ ટુરમાં જોડાયા હતા. અમને જે શંકા હતી એ સાચી પડી. અમે એ પણ જાણતા હતા કે આખા ય ષડયંત્ર પાછળ ગોમ્સ છે. પણ એ બહારથી સંચાલન કરતો હતો. અહીયાં બોલાવી પકડવો મુશ્કેલ હતો એટલે તેને પકડવા માટે ઇન્ટરપોલની મદદ માંગી અને ગોમ્સ પકડાઈ ગયો.
એસ.પી. સાહેબ, અમે ખરેખર વગર વિચાર્યું પગલું ભર્યું હતું, એમ માનીને કે અજાણ્યા આઈલેન્ડ પર ફ્રીમાં બધી જ જાતની મજા કરીશું. અમે તમારો, દ્વિવેદી સાહેબનો, ગુપ્તાજીનો, અજય અને મિતુલનો આભાર માનીએ છીએ ….
હસતાં, હસતાં સૌ ‘એર ઇન્ડિયા’ના ચાર્ટર પ્લેનમાં અજાણ્યા મૂન આઈલેન્ડની ટુર પૂરી કરી પરત ફર્યા….
(ભાવનગર-ગુજરાત)
e.mail : Nkt7848gmail.com
![]()

