Opinion Magazine
Number of visits: 9449407
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મૂળગામી માનવવાદના મશાલચી ચંદ્રકાન્ત દરુને શતાબ્દી સલામ

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|21 June 2016

સન સિત્તોતેરના જાન્યુઆરીની ૨૧મી કે ૨૨મી હશે. બે-ત્રણ દિવસ પહેલાં જ ચૂંટણીની જાહેરાત સાથે કટોકટી હળવી થઈ હતી, અને અમે સૌ મિસાબંદીઓ છૂટવા લાગ્યા હતા. વડોદરા જેલમાંથી છૂટવામાં દરુસાહેબ, હું, હસમુખ પટેલ, મંદાકિની અમે સૌ સાથે હતાં. ભાઈલાલભાઈ કૉન્ટ્રાક્ટર સામે આવ્યા હતા. કદાચ, વાહનની વ્યવસ્થા પણ એમણે જ કરી હતી. મેં સહજ સૂચવ્યું કે અમદાવાદ જતા પહેલાં આપણે રામજી મંદિરની પોળે થઈ ભોગીભાઈને હલ્લો કહેતા જઈએ. દરુસાહેબ અને સૌ રાજી જ હોય.

ગુજરાતમાં જયપ્રકાશના આંદોલનની આબોહવામાં લોકસ્વરાજ આંદોલન લોકશાહી સંગઠન  લોકસંઘર્ષ સમિતિ જનતા મોરચા લગી જતી જે રચના બની આવી હતી એમાં અગ્રનિમિત્ત ભોગીલાલ ગાંધી હતા. સુંદરમે એક અન્ય સંદર્ભમાં એમનાં શારીરિક કદ-કાઠીને ઉપયોજીને કહ્યું હતું તેમ ગુજરાતનો એક ‘નાનો’ પણ ‘મોટો’ માણસ! (પેટલીકર મને કહે – હું તો આ ભોગીલાલની દયા ખાઈને તમારી જોડે લડતમાં પડ્યો. પણ પછી મેં જોયું કે એની તબિયત તો આને કારણે જ સારી ચાલે છે!) અમને સૌને ભોગીભાઈને મળ્યે વરસ કરતાં વધુ ઝોલો પડી ગયો હતો. બાબુભાઈની સરકાર પડી કે આગમચ જ એ અંતર્ધાન જેવા થઈ ગયા હતા. માંદગી અને અંડરગ્રાઉન્ડના એ દિવસોમાં એ.બી. શાહ મારફત એમની પાસે જેપીની જેલ ડાયરી પહોંચી અને જીજી(સુભદ્રા ગાંધી)એ એનું ગુજરાતી પણ કરી નાખ્યું હતું એ તો અમે હજી હવે જાણવામાં હતા. ગમે તેમ પણ માંડ બે મહિનાને અંતરે આવી રહેલી શકવર્તી ચૂંટણી માટે ઝુંબેશના વિધિસર શ્રીગણેશ પૂર્વે નોળિયાને જેમ નોળવેલ તેમ અમ સૌને સારુ ભોગીભાઈ સહિતનું આ અલપઝલપ ચૈતન્ય મિલન હતું.

ભાઈલાલભાઈ સાથે રામજી મંદિરની પોળે, ‘ગોપાળઘરે’ પહોંચ્યા ત્યાં ભોગીભાઈ નીચે આવી ભેટ્યા ન ભેટ્યા, ને શું વિસ્મય! ચુનીકાકા પણ આવી પહોંચ્યા હતા. અમે જાણ્યું કે એ સાબરમતી જેલમાંથી છૂટીને વડોદરા હજુ હમણાં જ આવ્યા હશે અને અમે સૌ પણ છૂટીને ભોગીભાઈને મળવા પહોંચીએ છીએ એવા ખબર ભૂમિપૂત્ર કાર્યાલયને મળતાં એ પણ આવી લાગ્યા હતા. ઓરિજિનલ સિનર (ભોગીભાઈ અને અંશતઃ મારા જેવા), વકીલ (ચંદ્રકાન્ત દરુ), અસીલ (ચુનીભાઈ વૈદ્ય) ત્રણે મળ્યા એવી એ પ્રયાગક્ષણ હતી.

૧૩ જૂન, ૨૦૧૬ના દરુ શતાબ્દી પર્વ નિમિત્તે અગ્રલેખનો આરંભ કરવા બેઠો ન બેઠો અને અતીતરાગમાં સરી જવાયું. પણ ગોપાળઘરની તળેટીનું એ ચંદ મિનિટોમાં મિલન આજે સાંભરે છે. ત્યારે જેપી આંદોલન આસપાસનાં વરસોની એક આખી પટ્ટી મનોમન દોડી જાય છે. દરુ ધારાશાસ્ત્રી, બંધારણીય કેસોના નિષ્ણાત, રેડિકલ હ્યુમેનિસ્ટ. પણ આંદોલન અવતારમાં અમારા પરિચયની શરૂઆત આત્મીય છતાં કંઈક અંતરપૂર્વક થઈ હતી. નવનિર્માણ દિવસોથી અમારું એક નાનકડું લોકસ્વરાજ જૂથ સક્રિય હતું. ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન કેન્દ્ર અને એચ.કે. આટ્‌ર્સ કૉલેજના વિદ્યાર્થીઓ ઉપરાંત પરંપરાગત સર્વોદય કાર્યકરો એમાં મુખ્ય હતા. દિલ્હીમાં જયપ્રકાશ અને તારકુંડેએ દેશમાં ઘેરાતાં વાદળ સંદર્ભે ચિંતિત લોકોને એકત્ર કર્યા. અને ‘સિટિઝન્સ ફૉર ડેમોક્રસી’(જનતંત્ર સમાજ)ની સ્થાપનાનો નિર્ણય કર્યો તારકુંડેના અનુજ અગર અભિન્ન સખા શા કર્મબાંધવ દરુ તો એમાં હોય જ. અમે ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનમાં એમને નિમંત્ર્યા, દિલ્હી મિલન વિશે જાણવા સમજવા એ વખતે મારા મનમાં થોડુંક એવું હતું કે જેપીને વારતહેવારે નવી નવી ચૂસણીઓ જડી આવે છે. એમાં વળી કાળાં ડગલાં ભળ્યાં. સીએફડી એક લૉયર્સ ક્લબથી વધુ શું હશે. આત્મીય છતાં અંતરપૂર્વક એમ મેં હમણાં કહ્યું તે આ અર્થમાં પણ દરુસાહેબે સરસ રીતે, સ્વસ્થ, ધીરગંભીર, વિના આરોહઅવરોહ આખી વાત મૂકી ત્યારે કૉંગ્રેસ એના આરંભિક વર્ષોમાં કોરટકચેરીના નાતાલ વેકશનમાં કાળાં ડગલાનાં ગોરપીટ મેળાવડા રૂપે મળતી એમાંથી કેવી લડાકુ સ્થિતિએ આગળ ચાલતાં પહોંચી હશે એ પ્રત્યક્ષ થયું.

ખરું જોતાં, ૧૯૭૧-૭૨ના વર્ષોથી જેપીમાં જે બદલાવ આવી રહ્યો હતો એને અંગે ગુજરાતમાં ઠીક ઠીક સભાન એવા સ્વલ્પ તબકાના એક જણ તરીકે મને સમજાવું જોઈતું હતું કે જેવી એ તારકુંડેના ‘રેડિકલ હ્યુમેન્સ્ટ’માં ઇંદિરાઈ ઓથારની સંભાવના દર્શાવતો લેખ લખીને જે ઇંગિત આપ્યું હતું એમાં માનવતાવાદીઓ સાથેની એમની પૂર્વચર્ચાનો ખાસ્સો હિસ્સો હતો. તેથી દરુનું એમાં જોડાવું કે સિટિઝન્સ ફૉર દરુનું એમાં જોડાવું કે સિટિઝન્સ ફૉર કેમોક્રસીનું રચાવું એ લૉયર્સ ક્લબને વહી જતી વાત હોઈ શકતી હતી. બને કે અમારા જેટલું એક્સ્ટ્રાકૉન્સ્ટિટ્યુશનલ સંઘર્ષતત્પર વલણ એમનું ન હોય, પણ એ નકરું કાળું ડગલું તો ક્યાંથી હોઈ શકે. અલબત્ત, કાયદાનું શાસન અને બંધારણીય મૂલ્યો એમનાં સંવિતમાં અગ્રપદે વિરાજતાં હતાં. પણ સ્વતંત્રતા માટે કોઈ પણ કિંમત ચૂકવવાની, કશો કડદો નહીં કરવાની એમની પ્રતિબદ્ધતા એક રોયિસ્ટ અગર માનવતાવાદી તરીકે પાકી હતી. એક વાર, જિતુભાઈ મહેતાને ત્યાં મારી રૂબરૂ એમણે જેપી જોડેની વાતચીતમાં જેપીને ખુદને આ સંદર્ભમાં ટાંક્યા હતા તે સાંભરે છે.

દરમિયાન, દેશમાં અને ગુજરાતમાં બનાવો ઝડપથી બનતા જતા હતા. અહીં એ આખી દાસ્તાંમાં નથી જતો. માત્ર, એટલું જ સંભારતાં કે ૧૯૭૫ના જૂનની ૧૨મીએ બે ઐતિહાસિક ચુકાદા આવ્યા, એક અમદાવાદથી – ને બીજો અલાહાબાદથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જનતા મોરચો અને બીજા મળીને કૉંગ્રેસ પર સરસાઈ સાથે બહાર આવ્યા હતા. અલાહાબાદ હાઈકોર્ટનો ચુકાદો સંસદસભ્ય તરીકે ઇંદિરા ગાંધીને ગેરલાયક ઠરાવતો હતો. જેપી આંદોલનની આબોહવામાં સત્તાકાંક્ષી ઇંદિરાજીને આ ઘટનાક્રમ જમ ઘર ભાળી જતો લાગ્યો અને ૨૫/૨૬ જૂને કટોકટીરાજ જાહેર થયું. એ સવારે અમે ભદ્રના કૉંગ્રેસ હાઉસમાં (હસમુખના શબ્દોમાં એક નંબરના કૉંગ્રેસ હાઉસમાં) મળ્યા ત્યારે દરુસાહેબ સામે મેં કંઈક પૃચ્છક, કંઈક મજાકી નજરે જોયું હતું : કેમ, હવે શું કરશે તમારી કાયદાની કલમો! જો કે, દરુએ આ જ કલમો અને બંધારણીય સમજના ઉજાસમાં આગળ ચાલતાં કામ લીધું અને ‘ભૂમિપુત્ર’ના ચુકાદા સાથે પ્રતિમાન કાયમ કીધું … ગોપાળઘર કને એ ઢળતી, રાતઢૂંકતી સાંજે ઓરિજિનલ સિનર, વકીલ અને અસીલની પ્રયાગક્ષણો!

જૂન ૧૯૭૫-જૂન ૧૯૭૬ના એ ગાળામાં દરુસાહેબની કામગીરીનો પહેલો મોટો પરિચય એમણે જે રીતે તારકુંડે સાથે પરામર્શપૂર્વક કટોકટી અંતર્ગત પ્રી-સેન્સરશિપ હુકમ છતાં કેટલું બધું પ્રસિદ્ધ કરવાની છૂટ શક્ય છે તે ચર્ચતી અને સમજાવતી વિશદ નોંધ તૈયાર કરી એથી થયો. અલબત્ત, મોટા ભાગના દૈનિકોમાં એ હિંમત અને તૈયારી નહોતી કે તેઓ આનો રચનાત્મક કસ કાઢી શકે. મીનુ મસાણીના ‘ફ્રીડમ ફર્સ્ટને મુંબઈ બજાર થકી નહીં પણ દરુ થકી હૂંફ મળી હતી’. ‘ભૂમિપુત્ર’ અને ‘સાધના’ જેવાં સામયિકો કે ‘જન્મભૂમિ’ અને ‘જનસત્તા’ જેવાં દૈનિકો અપવાદરૂપ હતાં જેમ અંગ્રેજીમાં ‘એક્સપ્રેસ’. બીજી મોટી કામગીરી ચાગલાની વિશેષ ઉપસ્થિતિમાં ‘લોકશાહી બચાવો’ પરિષદની તો ત્રીજી ‘બંધારણીય બચાવો’ પરિષદની હતી. (એ દિવસો જ જુદા હતા. જનતા મોરચા હસ્તક ગુજરાત ‘સ્વાધીનતાનો ટાપુ’ હતું. મને યાદ છે, મોરચાની સંકલ્પ સમિતિ બાબુભાઈના અમદાવાદના નિવાસસ્થાને પંચશીલમાં મળી ત્યારે દરુસાહેબે એમને લોકશાહી બચાવો પરિષદની આગોતરી જાણ કરી હતી. બાબુભાઈએ અવાજના લગારે થડકા વિના, રોજમર્રાની કેઝ્‌યુઅલ ઢબે કહ્યું – આપણે ત્યાં લોકશાહી રાહે બધી છૂટ છે. વીરકર્મનો વહેમ માર્યો ફરે. કહ્યું છે ને કે ઉત્તમા સહજાવસ્થા.)

સહજેલવાસમાં એમનો સરસ, ન્યારો નિકટ પરિચય થયો. જેપી આંદોલનના સાથીરૂપે પકડાઈ આવેલા સંઘ સોબતીઓ સાથે, અને આ ‘સોબત’થી માઠી અસર બાબતે ચિંતા સેવતા સાથી રેડિકલ હ્યુમેનિસ્ટ પ્રસન્નદાસ પટવારી સાથે, ‘ટીચેબિલિટી ઑફ મેનકાઈન્ડ’માં અનન્ય આસ્થા સાથેના એમના સંવાદો સંભારું કે પ્રેમિકા જોગ પત્ર લખાવ્યા સહિતની હોંશ સેવતા અંડરટ્રાયલ મનિયા સાથેની વાતચીત, અમારા અભ્યાસવર્ગોમાં આગામી વર્ષોને અનુલક્ષીને રાજકીય ચિંતનના મુદ્દાઓમાં એમનું અર્પણ, કે એમનું વાચન અમને ‘એસેન્ટ ઑફ મૅન’(બ્રોનોવસ્કી)નો ચટકો એમણે લગાડ્યો. એક વાર ‘આઇડિયા ઑફ હિસ્ટરી’ની ચર્ચામાં રામલાલ પરીખ, દરુસાહેબ અને હંુ ચાળીસપચાસ મિનિટના ચર્ચાદોરમાં ચાલી ગયા એ ગાળો મારે સારુ મારા વિચારવિશ્વને સંકોરવાનો તો રામલાલભાઈના નવા પરિચયનો અને દરુપરિચયના દૃઢાવાનો હતો.

ઇંદિરાઈ હસ્તક બંધારણીય તોડમરોડને અનુલક્ષીને એમણે જેલમાં જ પુસ્તક કરવા માંડ્યું હતું. ૧૯૭૭માં એ સિટિઝન્સ ફૉર ડેમોક્રસી તરફથી પ્રગટ થયું અને વાંસોવાંસ બીજી આવૃત્તિ પણ થઈ. એ અંગ્રેજીમાં લખાતું હતું ત્યારે જોડાજોડ ગુજરાતીમાં ઊતરતું હતું, ચુનીકાકા થકી. આ અનુવાદના વરાયેલા પ્રકાશક ભાઈદાસ પરીખ પણ સહમિસાબંદી અને પ્રથમ બેત્રણ વાચકોમાં, હી-ઑલ્સો-રેન એવો આપનો આ સેવક પણ …

અનેક રીતે મજાના દિવસો એ હતા. બ્રહ્મકુમાર ભટ્ટે જૂનો સંગીતશોખ સજીવન કર્યો. કશુંક સુંદર ગાયું, પણ એમાં રાગ ‘દેસ’ની મિલાવટ એ તો દરુએ પારખી બતાવી. સંઘ પરિવારને કારણે અને અન્યથા ‘વંદે માતરમ્‌’-ભક્તોની જેલમાં ખોટ નહોતી. પણ એ બપોરના રાગમાં – ‘સારંગ’માં ગવાય છે. એમ અમને સમજાવ્યું દરુએ. સરખામણી એક હદથી વધુ ખેંચી શકાય એવી નથી, પણ એમને વિશે મને પ્ર.લ.નો એ પ્રયોગ સાંભરતો, જે એમણે લોહિયા વિશે કર્યો છે – રસિક તાપસ.

શતાબ્દી પર્વનું નિમિત્ત ઝડપીને આજે આપણે દરુસાહેબને સવિશેષ કેમ સંભારીએ છીએ ? છેલ્લાં થોડાં વર્ષોમાં ઉમાશંકર જોશી, ભોગીભાઈ ગાંધી, બાબુભાઈ જશભાઈ, દર્શક એ શતાબ્દી પુરુષોને ચોક્કસ કારણસર જરી વિશેષરૂપે સંભારવાનું બન્યું છે; કેમ કે ગુજરાતનો જાહેર વિમર્શ અત્યારે ચાટુકારિતાના પાસ (અને પાશ) પૂર્વક કંઈક વિષયાગમન તો વિખંડનની અભિશપ્ત નિયતિ પામેલ છે. એમાં નીરક્ષીરવિવેક અને સંસ્કરણ તેમ વારણરૂપે આ સૌ શતાબ્દીપુરુષોની વિચારયાત્રા, અક્ષરદેહ અને વ્યવહાર મથામણની ભૂમિકા છે.

જ્યાં સુધી દરુના વિચારાંગ અને આચારંગનો સવાલ છે, આજની તારીખે મને સવિશેષ શું સમજાય છે તે કહું અને સંસ્મરણોએ રસ્યો આ લંબાતો અગ્રલેખ સંકેલું. ઇંદિરાઈ એકાધિકારની લડતમાં જેપીના નેતૃત્વમાં લિબરલ લોકશાહી, સર્વોદય, માનવવાદ પ્રકારનાં ગોત્રોની અમારી મિલીજૂલી બિરાદરીમાં જનસંઘનો પ્રવેશ એ એક પ્રશ્ન હતો. પણ ઇંદિરા ગાંધીના રાજકારણ સાથે (ખાસ કરીને ૨૬ જૂન ૧૯૭૫થી) જે એક જનસંઘ(સંઘ પરિવાર)નું સાથે હોવું સમજી શકાય એવું હતું. સંદર્ભ લોક આંદોલનનો હતો અને એણે આ આંદોલનની આણ ઠીક ઠીક સ્વીકારી હતી. (છેવટે તો, એક અર્થમાં જેપી જનસંઘ જોડે નહોતા, જનસંઘ જેપી જોડે હતો.) રણનીતિ કે ટેક્સિસની અને એનાં લેખાંજોખાંની ઝાઝી ચર્ચામાં નહીં જતાં અહીં રહેલા વિચારધારા મુદ્દાની જ જિકર કરું તે લાજિમ લેખાશે.

રેડિકલ હ્યુમેનિઝમને અભિમત માનવનિષ્ઠ દૃષ્ટિકોણથી જોતાં રાષ્ટ્રવાદ માત્ર સાથે નાઝીવાદ-ફાસીવાદનું ભયસ્થાન રહેલું છે. જનસંઘની મુખ્ય ઓળખ રાષ્ટ્રવાદની રહી છે – અને તે પણ ખાસ પ્રકારના રાષ્ટ્રવાદની, હિંદુત્વની આજે (૧૯૭૫-૭૭માં) અસ્તિત્વની લડાઈ રૂપે તે લિબરલ લોકશાહી બળોની સાથે હોય અને લિબરલ લોકશાહી સાથીઓ, સર્વોદયીઓ એને સહજક્રમે સ્વીકારતા હોય તે સમજી શકાય એવું છે. પણ જ્યારે એનો (જનસંઘનો) રાષ્ટ્રવાદી ઉપાડો માઝામાં નહીં રહે ત્યારે શું થશે? અમારો રાષ્ટ્રવાદ, એક જમાનામાં જવાહરલાલ વગેરે પ્રબુદ્ધ યુરોપને સમજાવાતા, હાડે કરીને આક્રમક નથી. આ સમજૂત ૧૯૭૫-૭૭ના ભારતમા, માનો કે, સંઘ પરિવાર સબબ નભી ગઈ. પરંતુ ૧૯૮૯ અને રામ જન્મભૂમિ આંદોલન, જુવાળ ને જવર વચ્ચેની અળવાતી રેખા, ૧૯૯૨, ૨૦૦૨ના ઉજાશમાં દરુએ શું કહ્યું હોત? શું કર્યું હોત? સેક્યુલર લોકશાહી આંદોલનથી માંડી તીસ્તા સેતલવડને વિસારો ન પડ્યો હોત. માનવનિષ્ઠ વૈચારિક અભિગમે એમનાં ઓજારો એવાં સજેલાં હતાં કે ઇંદિરા ગાંધી રાજકારણને તેમ અયોધ્યાજ્વરના કથિત રાષ્ટ્રકારણને પકડવામાં ગોથું ખાવાનો સવાલ જ નહોતો.

આ લખું છું ત્યારે યાદ આવે છે કે ઑક્ટોબર ૧૯૮૯માં મુંબઈમાં અમે સૌ ‘ફ્રેન્ડ્‌ઝ ઑફ જેપી’ એ નાતે એકત્ર થયા હતા. દરુને ગયે ખાસો દસકો થઈ ગયો હતો. પણ એમના અગ્રજ શા તારકુંડે સદ્‌ભાગ્યે સ્વસ્થ અને સક્રિય હતા. એમણે ગૃહનું ધ્યાન ખેંચ્યું કે અડવાણીની રથયાત્રા ભયાવહ સંકેતોએ ભારેલી છે. આપણે, એ રોકવા માટેની લાગણી પહોંચાડવી જોઈએ. સિદ્ધરાજ ઢઢ્ઢા, ઠાકુરદાસ બંગ, ગોવિંદરાવ દેશપાંડે, દર્શક સૌ એમાં સંમત હતા. જેમણે ૧૯૭૭થી ૧૯૮૦ લગી જનસંઘ સમેતના જનતા પક્ષની સમર્થન કરવાપણું જોયું હતું તે જ આ સૌ હતા. બલકે, ૧૯૮૪ની લોકસભાની ચૂંટણી વખતે પણ તારકુંડેએ કટોકટીવાદના વિરોધરૂપે કૉંગ્રેસની સામે મત આપવાની  અસંદિગ્ધ હિમાયત કરી હતી. ‘રેડિકલ હ્યુમેનિસ્ટ’ના તંત્રી લેખતાં એમણે એમ પણ કહ્યું હતું કે જ્યાં જનતા પક્ષનો ઉમેદવાર ન હોય ત્યાં ભાજપના ઉમેદવારને મત આપવો, પણ તમારો મત કૉંગ્રેસની સામે જવો જોઈએ. પણ ૧૯૮૪માં બે બેઠકોમાં સમેટાઈ ગયેલા ભાજપે અડવાણીની પહેલથી સાંસ્કૃિતક રાષ્ટ્રવાદને નામે જે પલટી ખાધી એનાં પરિણામોનો આગોતરો અંદાજ તારકુંડે અને બીજા વરિષ્ઠોને હતો. દરુનો પ્રતિભાવ પણ આ જ હોત, એ સાદી વાત ૧૯૭૫-૭૭ની જનસંઘ-રેડિકલ હ્યુમેનિસ્ટ મૈત્રીવશ વ્યામોહને કારણે જો કોઈ ન સમજી શકે તો તે કાં તો કારુણિકા છે, કે પછી જોતે છતે નહીં જોવાનો કલાસિક કિસ્સો.

ગુજરાતમાં રૉયિસ્ટ ચળવળનાં પંચોતેર વરસ નિમિત્તે જે બધી દસ્તાવેજી સામગ્રી ગૌતમ ઠાકરે આ પૂર્વે ગ્રંથબદ્ધ કરેલી છે એમાંથી પસાર થનારને આ નાની પણ રાઈના દાણા શી રૉય મંડળીના અર્પણનો ખયાલ આવશે. દુર્ગાશંકર ત્રિવેદી અને દશરથલાલ ઠાકરનાં શતાબ્દી વર્ષો થોડાં વરસ પર જ ગયાં. સ્વાભાવિક જ એમને યત્કિંચિત્‌ યાદ કરવાનું બન્યું હતું. રાવજી મોટાના બે ગ્રંથો બિપિન શ્રોફના સક્રિય મનોયોગથી અને બીરેન કોઠારીની અતોનાત જહેમતથી સુલભ થયા છે. પ્રસન્નદાસ પટવારીનું ‘નાગરિક સ્વાવલંબનની દિશામાં’ પણ અહીં યાદ કરવું જોઈએ. હરિભાઈ શાહ તો હજુ હમણાં સુધી આપણી વચ્ચે હતા. અરુણકાન્ત દિવેટીઆના સંસ્મરણનો પણ પ્રકાશિત થયેલાં છે. આ બધું જોઈએ, જાણીએ, સંભારીએ ત્યારે સામે પ્રવાહે તરી જાણનારી અને દુન્વયી લાભોથી ઉફરી રહી શકનારી એક વાઇલ્ડ લાઇફ વન્ડર મંડળી વિશે મન અપાર કૃતજ્ઞતાથી ઉભરાઈ જાય છે.

સદ્‌ભાગ્યે, ‘વૈશ્વિક માનવવાદ’ સાથે બિપિન શ્રોફ, રમેશ કોરડે, જે. કે. પટેલ, ધવલ મહેતા વગેરે આપણી વચ્ચે છે. એમની સાખે દરુને શતાબ્દીની સલામ પાઠવવી એટલે ન્યાયમંડિત અને સ્વાતંત્ર્યઅધિષ્ઠિત સમાજની અભિપ્સાને પુનઃ સમર્પિત થવું. કટોકટી દિવસના પર્વપખવાડિયે આથી વિશેષ શું કહેવાનું હોય.                             

જૂન ૧૩, ૨૦૧૬

સોજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2016; પૃ. 01, 02 & 14

Loading

21 June 2016 admin
← એવી કઈ મજબૂરી છે કે મોદીએ વિકાસની જગ્યાએ હિન્દુત્વનો માર્ગ અપનાવવો પડે છે?
Gulbarg Society Carnage: Who Cast the First Stone? →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved