Opinion Magazine
Number of visits: 9449449
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Milk, Money and Madness : સ્તનપાન વિશેનું પુસ્તક

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|9 May 2022

મધર્સ ડે નિમિત્તે આજના ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં Why Mum’s the Word મથાળા હેઠળ હૃદયસ્પર્શી સ્ટોરી વાંચી. તેમાં સૂરતની ન્યૂ સિવિલ હૉસ્પિટલના નવજાત શિશુ વિભાગના ઇન્ટેન્સિવ કેઅર યુનિટમાં ફરજ બજાવતા નર્સ નિધિ ગુર્જરની વાત છે.

નિધિબહેન બાળકોની સારવાર તો કરે જ છે, પણ પોતાનાં દૂધ થકી તેઓની સંભાળ પણ રાખે છે. નવ મહિનાના દીકરાના માતા નિધિબહેન જે ધાવણ તેમના દીકરાને નોકરીના કલાકોને લીધે આપી શકતાં નથી તે તેમના વિભાગના બાળકો માટે હૉસ્પિટલની human milk bankમાં જમા કરાવે છે. તેમનો દીકરો ગયા પાંચેક મહિનાથી દિવસના બાર કલાક ધાવણ વિના હોય છે, કારણ કે તેની માતા વહેલી સવારે સાડા પાંચના સુમારે નોકરીએ જાય છે અને બારેક કલાકે પાછી આવે છે.

નોકરીના સમય દરમિયાન 31 વર્ષનાં નિધિબહેન તેમનું ધાવણ હૉસ્પિટલમાં જમા કરાવે છે. સાત વર્ષથી નર્સનું કામ કરનાર નિધિબહેન કહે છે : ‘બાળક માટે માના દૂધનું મહત્ત્વ હું બરાબર જાણું છું. મારો દીકરો ચાર મહિનાનો થયો ત્યારથી તેને બાર કલાક ધાવણ વિના રહેવું પડે છે, એટલે મેં દૂધનું દાન કરવાનું શરૂ કર્યું.’

હૉસ્પિટલમાં આ રીતે બીજી કેટલીક માતાઓ પણ દૂધ જમા કરાવે છે. દરરોજ બે વખત અઢીસો મિલીલીટર જેટલું દૂધ જમા કરાવનાર નીધિબહેન કહે છે : ‘મને સારું લાગે છે કે હૉસ્પિટલના આઇ.સી.યુ.માંના બાળકોની માતા તેમની સંભાળ રાખે તેમ હું મારાં દૂધ થકી તે બાળકોને સાચવી શકું છું.’ નિધિબહેનને નમસ્કાર.

******

માના ધાવણ વિશેની ઉપરોક્ત સ્ટોરી વાંચતાં મને એક વિશિષ્ટ પુસ્તક તરીકે કેટલાંક વર્ષો પહેલાં કુતૂહલવશ વસાવેલું  પુસ્તક Milk, Money and Madness યાદ આવ્યું. પુસ્તકનું પેટા મથાળું છે The Culture and Politics of Breastfeeding. તેના વૉશિંગ્ટનસ્થિત મહિલા લેખકો Naomi Baumslag અને Dia L Michels જાહેર આરોગ્ય અને સ્ત્રી સ્વાસ્થ્યને લગતાં ઉપક્રમો-સંશોધનો સાથે સંકળાયેલાં છે.

તેઓ પ્રસ્તાવનામાં કહે છે : ‘આ પુસ્તકનું ધ્યેય સ્તનપાન – બ્રેસ્ટફીડીંગના ઇતિહાસ, સંસ્કૃતિ, શરીરવિજ્ઞાન અને રાજકારણને રસપ્રદ રીતે મૂકવાનો છે. અમે ઇચ્છીએ છીએ કે માનવજાતના અસ્તિત્વમાં ધાવણની મહત્તાને સ્ત્રીઓ ખુદ સમજતી થાય. સ્તનપાન એ ગુલામી કે બંધન નહીં, પણ સ્ત્રીત્વ અને માતૃત્વ બંનેનું અગત્યનું અંગ છે.’

ગોવાના The Other India Pressએ 1995માં બહાર પાડેલું આ પુસ્તક ત્રણ વિભાગમાં છે : (1) Breastfeeding Beliefs and Practices (2) Breastmilk  : The Miracle Food and Medicine (3) Breastmilk Economics : Shaping Corporate and Governmental Policies

પહેલાં વિભાગનું પહેલું પ્રકરણ દુનિયાભરમાં બ્રેસ્ટફીડીંગના રિવાજો વિશે છે. જો કે તેની શરૂઆત Breasts as sex symbols એવા મુદ્દાથી થાય છે. ત્યારબાદ ગર્ભાવસ્થા, બાળજન્મ, ધાવણ, બાળસંભાળ જેવી બાબતોની ચર્ચા છે.

બીજા પ્રકરણનો એક મહત્ત્વનો મુદ્દો wet nurse કહેતાં ધાવ માતાનો છે. દુનિયાભરમાં સદીઓથી ચાલેલાં રિવાજનો આલેખ આપતાં લેખકો તેની વિશે ટિપ્પણી પણ કરે છે.

ધાવણ ખેંચવાનાં પમ્પ અને તેની બૅન્કની વાત છે. ઉપરાંત દરદની સારવાર તેમ જ વૃદ્ધોની સંભાળ માટે સ્તનપાનના ઐતિહાસિક ઉલ્લેખો વિશે પણ વાંચવા મળે છે.

બીજા વિભાગની શરૂઆત ‘ગાયનું દૂધ ગાય માટે’ એવા પ્રકરણથી થાય છે. સ્તન અને તેમાં દૂધ કેવી રીતે બને છે તેની સમજૂતી છે. ત્યાર બાદ માના દૂધથી વહેલાં જન્મેલાં બાળકને, ચેપની અસરની સામે અને માતાના આરોગ્યને થતાં ફાયદાની માહિતી મળે છે.

માના દૂધ અને ગાયના દૂધની વિશુદ્ધતાના લેખાંજોખાં તેમ જ બૉટલ-ફીડીંગની વાત પછી પહેલવહેલી વખત ‘ફૉર્મ્યુલા’ ફીડીંગ એટલે કે કૃત્રિમ પોષણ ચર્ચામાં આવે છે.

બીજા વિભાગનું ચોથું પ્રકરણ Artificial feeding એટલે કે માતાના દૂધ સિવાય અન્ય રીતે પોષણ અંગેનું છે. તેનો પહેલો જ મુદ્દો કહે છે કે ભૂતકાળમાં અન્ય ખોરાકથી બાળકો ‘માખીઓની જેમ’ મરતાં રહ્યાં છે. આગળ જતાં ‘ક્લીન મિલ્ક’ અને દૂધ પીવડાવવાનાં વાસણો ઉપરાંત કૃત્રિમ ખોરાકના વિકાસને લગતી ચર્ચા છે.

છેલ્લા વિભાગમાં પાંચમું પ્રકરણ The Global Serach for Formula Sales છે. તેની હેઠળ ચર્ચાના કેટલાક મુદ્દા છે : ગ્રાહકોની શોધ, ખાનગી નફો વિરુદ્ધ જાહેર આરોગ્ય, 1970 ના દાયકાના આરંભે બેબી ફૂડ સામે અમેરિકામાં શરૂ થયેલી ચળવળ.

દુનિયામાં બેબી ફૂડ સામેનો વિરોધ એવો પ્રબળ બન્યો કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેના ઉત્પાદન માટે મે 1981માં એક આચારસંહિતા બની – The WHO/UNICEF Code of Marketing of Breastmilk Substitutes (માના દૂધના વિકલ્પોના વેચાણ માટે WHO/UNICEF દ્વારા રચાયેલી આચારસંહિતા).

દસ મુદ્દાની આ આચારસંહિતા, તેના માટેની પ્રક્રિયા, તેનો અમલ અને સફળતા વિશે અહીં વિસ્તારપૂર્વક લખાયું છે.

પુસ્તકનું આખરી પ્રકરણ બ્રેસ્ટફીડીંગની વાત નોકરી કરતી માતાઓના સંદર્ભમાં કરે છે.

સાત પરિશિષ્ટોમાં બ્રેસ્ટફીડીંગને પ્રોત્સાહન આપતી સંસ્થાઓ/સંગઠન તેમ જ અમેરિકામાં પસાર થયેલાં બ્રેસ્ટફીડીંગને લગતા કાયદાની યાદી ઉપરાંત વાચનસૂચિ છે. સહુથી વધુ રસપ્રદ બે પરિશિષ્ટો બેબીફૂડ બનાવતી નેસ્લે સહિતની કંપનીઓની અને લોકોએ બહિષ્કૃત કરેલાં તેમના ઉત્પાદનો અંગેનું છે.

પુસ્તકમાં સંખ્યાબંધ કોષ્ટકો, આલેખો અને આકૃતિઓ જોવા મળે છે. અલબત્ત, પુસ્તકનો સહુથી ચોટદાર હિસ્સો સાઠેક ચિત્રો તેમ જ તસવીરો છે.

તેમાંથી કેટલાંક છે : જુદા જુદા પ્રદેશોમાં જુદી જુદી રીતે ધવડાવતી માતાઓ, ઢીંગલીને ‘ધવડાવતી’  ચાર વર્ષની બાળા, જોડિયા સંતાનોમાંથી છોકરાને ધવડાવતી અને કુપોષિત છોકરીને બાટલીનું દૂધ પીવડાવતી પાકિસ્તાની સ્ત્રી, ખુલ્લાં ઉરોભાગવાળી સુંદર સ્ત્રી અને તેના સ્તનનો ઘાટ ન બગડે તે માટે તેની બાજુમાં તેના બાળકને ધવડાવતી ગરીબ સ્ત્રી, ધાવ માતાઓની તબીબી ચકાસણી માટેની શિબિર, ફૅશનેબલ સ્ત્રીના થાને તેના બાળકને પકડી રાખીને ધવડાવતી તેની દાસી, બકરીના આંચળ બાળકના મોંમા આપીને તેને દૂધ પીવડાવતી સ્ત્રીઓ, એક થાનથી  બાળકને  અને બીજા થાનથી કતલ  માટે તગડું બનાવવા માટેનાં ડુક્કરના બચ્ચાને ધવડાવતી આફ્રિકન સ્ત્રી, દાંત વિનાના ખૂબ ઘરડા  પિતાને ધવડાવતી જાપાની સ્ત્રી, રોમન રાજાની જેલમાં સબડતાં ભૂખ્યા પિતાને કેદખાનાની જાળીમાંથી ધવડાવતી દીકરી, નેસ્લે કંપનીના બહિષ્કારનું પોસ્ટર.

સ્તનપાનની મહત્તાને સિદ્ધ કરવાના પાકા ધ્યેય સાથે લખાયેલું આ પુસ્તક શરીરવિજ્ઞાનો ઉપરાંત ઇતિહાસ, સંસ્કૃતિ, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર જેવા વિષયોને પણ પ્રસ્તુત રીતે આવરી લે છે. વિદ્વત્તાપૂર્ણ હોવા છતાં તે વાચનીય શૈલીમાં લખાયું છે. નારીજીવનની જે અનેક ઉપલબ્ધિઓ, સંકીર્ણતાઓ, પીડાઓ છે. તેમાંની એક તે સ્તનપાન; તેના  વિશે નવી જ સભાનતા આપનારું આ પુસ્તક છે.

8 મે 2022

સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

9 May 2022 admin
← In praise of Nayantara Sahgal
ગટર અને ગુલાલ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved