મેરા રંગ દે બસંતી ચોલા
દમ નિકલે ઇસ દેશ કી ખાતિર બસ ઇતના અરમાન હૈ
એક બાર ઇસ રાહ મેં મરના સૌ જનમોં કે સમાન હૈ
દેખ શહીદો કી કુરબાની અપના દિલ ભી બોલા
ઇસ ચોલે કો પહન શિવાજી ખેલા અપની જાન પે
ઈસે પહન ઝાંસી કી રાની મિટ ગઈ અપની આન પે
આજ ઇસી કો પહન કે નિકલા હમ મસ્તોં કા ટોલા
મેરા રંગ દે બસંતી ચોલા
જબ શહીદોં કી અર્થી ઊઠે ધૂમ સે
દેશવાલોં તુમ આંસુ બહાના નહીં
પર મનાઓ જબ આઝાદ ભારત કા દિન
ઉસ ઘડી તુમ હમેં ભૂલ જાના નહીં
લૌટ કર આ સકે ના જહાં મેં તો કયા
યાદ બન કે દિલોં મેં તો આ જાયેંગે
એ વતન એ વતન હમ કો તેરી કસમ
તેરી રાહોં મેં જાં તક લુટા જાયેંગે
એ વતન એ વતન

પ્રેમ ધવન
જિંદગીમાં તેમ ફિલ્મસૃષ્ટિમાં, કેટલાક ‘અનસંગ હીરો’ હોય છે – એવી પ્રતિભાઓ જેની નોંધ ઓછી લેવાઈ હોય, પણ તેની પરવા કર્યા વિના એમણે પોતાનું શ્રેષ્ઠ આપ્યા કર્યું હોય. ‘છોડો કલ કી બાતેં’, ‘એ મેરે પ્યારે વતન’ ‘એ વતન, એ વતન, હમકો તેરી કસમ’ જેવાં અદ્દભુત ગીતોના સર્જક પ્રેમ ધવન એક આવી જ પ્રતિભા છે. તેઓ ગીતકાર, સંગીતકાર અને કોરિયોગ્રાફર પણ છે. ‘ઊડે જબ જબ ઝૂલ્ફે તેરી’નો વૈજયંતિમાલાનો ઠમકો યાદ છે ને? ‘નયા દૌર’, ‘દો બીઘા જમીન’, ‘ગુંજ ઉઠી શહનાઈ’ના કોરિયોગ્રાફર પ્રેમ ધવન જ હતા. સ્વાતંત્ર્યદિન નિમિત્તે માણીએ તેમનું લખેલું સદાબહાર, જોશીલું અને પ્રેરક ગીત. ફિલ્મ પણ એવી જ જબ્બર, ‘શહીદ’.
પ્રેમ ધવનની ગીતકાર તરીકેની પહેલી ફિલ્મ ‘ઝિદ્દી’, જેમાં કિશોર કુમારે દેવ આનંદ માટે પહેલું ગીત ગાયું હતું. ના, ‘મરને કી દુઆએ ક્યોં માંગુ’ એ ગીત નહીં. એ પ્રોફેસર જઝબીએ લખ્યું હતું. પ્રેમ ધવને લખેલું ગીત તે ‘યે કૌન આયા રે’ જે કિશોર કુમાર-લતા મંગેશકરનું સંભવત: પહેલું યુગલગીત હતું.
1965ની ફિલ્મ ‘શહીદ’માં મનોજકુમારના આગ્રહથી તેમણે પહેલી વાર સંગીત આપ્યું અને ઇતિહાસ સર્જાયો. રામપ્રસાદ બિસ્મિલના ‘સરફરોશી કી તમન્ના’ સિવાયના ‘એ વતન’ અને ‘મેરા રંગ દે બસંતી ચોલા’ પ્રેમ ધવનનાં લખેલાં. આજે પણ એ સાંભળીએ ત્યારે એક પળમાં દાયકાઓનું અંતર પાર કરીને પહોંચી જઈએ છીએ બ્રિટિશશાસિત ભારતમાં, ઘરબાર છોડી પ્રાણ સાટે માતૃભૂમિને આઝાદ કરવા માથા પર કફન બાંધીને ફરતા નવલોહિયા વીરોની વચ્ચે.

ભગતસિંહ – રાજ્યગુરુ – સુખદેવ
‘શહીદ’ જેમના પર બની છે તે ભગતસિંહ આવા જ એક વીર હતા. ભગતસિંહના કાકા અજીત સિંહ બ્રિટિશ વિરુદ્ધ બોલતાં પકડાયેલા ને જેલ તોડીને નાસી છૂટેલા. નાનકડા ભગતસિંહ પર આ ઘટનાની એવી મોટી અસર પડી કે તે ક્રાંતિકારી બન્યા.
1928માં સાયમન કમિશનના વિરોધમાં ખૂબ પ્રદર્શનો થયાં હતાં. તેમાં ભાગ લેનારાઓ પર અંગ્રેજો નિર્દય લાઠીચાર્જ કરતા. આવા એક લાઠીચાર્જ દરમિયાન લાલા લજપતરાય ઘાયલ થયા અને મૃત્યુ પામ્યા. તેનો બદલો લેવા 17 ડિસેમ્બર 1928ના દિવસે ક્રાંતિકારીઓએ આસિસ્ટન્ટ કમિશનર સોન્ડર્સને મારી નાખ્યો. પછી 8 એપ્રિલ 1929ના દિવસે ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે ધારાસભામાં બૉમ્બ ફેંક્યા. નાસી જવાને બદલે પકડાયા ને જેલમાં ગયા. જેલમાં થતાં દુર્વ્યવહાર સામે ઉપવાસ પર ઊતર્યા. એક સાથી યતીન્દ્રનાથનું મૃત્યુ થયું. સરકારે વ્યવહાર સુધાર્યો પણ સોન્ડર્સની હત્યાનો કેસ રિઓપન કર્યો. ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવે અદાલતમાં આગઝરતાં ભાષણો કર્યા. સરકારે ત્રણેને ફાંસીની સજા ફરમાવી. દરમિયાન ચંદ્રશેખર આઝાદ સહિત અનેક ક્રાંતિકારીઓ શહીદ થયા. લોકજુવાળ એવો પ્રબળ હતો કે સરકારે એક દિવસ વહેલી ફાંસી આપી અને ચૂપચાપ ઉતાવળે સતલજના કાંઠે અગ્નિસંસ્કાર કરી દીધાં. મરતા પહેલા ત્રણેએ ‘ક્રાંતિ અમર રહે’ની ઘોષણાથી જેલની દીવાલો ગજાવી.
ફિલ્મમાં ‘મેરા રંગ દે બસંતી ચોલા’ ગીત બે વાર આવે છે. પહેલી વાર ક્રાંતિની મશાલ ઉઠાવવાનો ઉત્સાહ અને બીજી વાર દેશ માટે ફાંસીએ ચડી જવાનો આનંદ. ‘બસંતી’ અને ‘ચોલા’ આ બે શબ્દો ધ્યાન આપવા જેવા છે. બસંતી રંગ એટલે વસંતઋતુનો રંગ – ભગવો, કેસરી, લાલ, ગાઢો લાલ – વીરત્વ અને ત્યાગની પૂર્ણશોભાનો બસંતી રંગ – મેઘાણીની ભાષામાં કસુંબીનો રંગ. ચોલા એટલે પોશાક. હે માતૃભૂમિ, મારા વસ્ત્રને જ નહીં, આખા અસ્તિત્વને બસંતી રંગે રંગી દે એવી ઝંખના આ ગીતમાં વારંવાર વ્યક્ત કરવામાં આવી છે અને દરેક વખતે તેમાં નવો ઉમળકો, નવું જોશ, નવી આરત વ્યક્ત થાય છે. બે જ શબ્દોમાં ફના થઈ જવાનો ઉમંગ અને જિંદગીનો સાર આપી દેતા કવિત્વને સલામ કરવી પડે. પ્રેમ ધવન પોતે સમાજવાદી વિચારો ધરાવતા સ્વાતંત્ર્યસૈનિક હતા તેથી તેમનાં દેશપ્રેમનાં ગીતોને એક નવું પરિમાણ મળ્યું છે. નવી ‘શહીદ’ ફિલ્મમાં પણ આ ગીત થોડા ફેરફાર અને જુદી તર્જ સાથે મુકાયું છે. એ ગીત પણ સરસ છે, પણ પ્રેમ ધવનના આ ગીતનો જાદુ તો જુદો જ છે.
આવો જ જાદુ ગીતના ફિલ્માંકનમાં પણ છે. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ એટલે કે મનોજકુમાર, પ્રેમ ચોપરા અને અનંત મરાઠેને ફાંસી આપવા લઇ જવાના છે. સંત્રી લેવા આવે છે. ભગતસિંહ પુસ્તક બંધ કરી સ્વસ્થતાથી ઊઠે છે. જેલની ખોલીઓ વચ્ચેથી તેમને લઇ જવાય છે. કેદીઓ સળિયામાંથી હાથ લંબાવી માથા પટકી એમને રોકવા મથે છે. ઊંચી દીવાલોની બીજી તરફ મેદની હાહાકાર કરી રહી છે. ફાંસી આપનારી ટીમ – જેલર, જલ્લાદ, સંત્રીઓ અને અધિકારીઓ દુ:ખી છે. આ ત્રણે માગેલું મળી ગયું હોય તેમ ખુશખુશાલ છે. ‘રંગ દે બસંતી ચોલા’ ગાતાં ગાતાં આવે છે. એકબીજાને ભેટે છે ને જાતે જ ગાળિયો પહેરી લે છે. જેલર શરમથી, લાચારીથી આંખ ઝુકાવી દે છે. સુંદર અભિનય, કુશળ દિગ્દર્શન (એસ.રામ શર્મા), પ્રેરક શબ્દો, ઉત્સાહભર્યું સંગીત. દેશપ્રેમથી ઉભરાતા અને હસતાં-ગાતાં મોતને ભેટનારા આ ‘મસ્તોં કા ટોલા’ને જોનાર કોઈ પ્રેક્ષકની આંખ કોરી નથી રહેતી. એ આંસુમાં દુ:ખ જરૂર રહેતું, પણ તે કરતાં વધારે કોઈ બીજી વસ્તુ હતી, જેનાથી હૃદય એકદમ ભરાઈને છલકાઈ જતું. કદાચ એ પ્રેમ હતો – દેશ માટેનો પ્રેમ, માનવીય ગરિમા માટેનો પ્રેમ, સ્વતંત્રતા માટેનો પ્રેમ, મોત પણ વહાલું લાગે તેવી છલોછલ ક્ષણો આપતી જિંદગી પ્રત્યેનો પ્રેમ.

મનોજ કુમાર
મનોજ કુમારની ‘શહીદ’ પહેલાં પણ ભગતસિંહ પર બીજી બે ફિલ્મો બની હતી, 2002માં બીજી ત્રણ ફિલ્મો બની. 2006માં બનેલી ‘રંગ દે બસંતી’માં શહીદ ભાગતસિંહને ફાંસી આપનાર જેલરની ડાયરી વાંચીને એની પૌત્રી ભારત આવે છે અને ભગતસિંહ અને એના ક્રાંતિકારી સાથીઓ પર ફિલ્મ બનાવવા માગે છે એવી, આધુનિક યુવાનોને ખૂબ અપીલ કરે તે રીતની વાર્તા હતી. આ બધી ફિલ્મોમાં મનોજકુમારની 1965માં બનેલી ‘શહીદ’ અત્યંત લોકપ્રિય અને સીમાચિહ્નરૂપ હતી. મનોજકુમારની દેશભક્તિશ્રેણીની આ પહેલી ફિલ્મ હતી. 27 વર્ષના મનોજકુમાર ભગતસિંહ સાથે તદાકાર થઈ જતા હતા. દેશભક્તિ પર આપણે ત્યાં ઉત્તમ ફિલ્મો સર્જાઈ છે. તેમાં ‘ઉપકાર’, ‘પૂરબ ઔર પશ્ચિમ’ અને ‘ક્રાંતિ’ સાથે મનોજકુમાર જરૂર અગ્રિમ સ્થાને બિરાજે, પણ ‘શહીદ’નો મનોજકુમાર ફરી કદી જોવા મળ્યો નથી. એ મનોજકુમાર અલગ છે, અદ્દભુત છે.
1931માં ફાંસી અપાઈ ત્યારે ભગતસિંહની ઉંમર હતી 24 વર્ષ. જેલમાંથી તેમણે લખેલું, ‘હું સૈનિક છું. મને ફાંસી ન હોય. મને તોપના મોઢે ઉડાવી દો.’ આજે પણ ભગતસિંહ યુવાચેતનાના આદર્શ છે. તેઓ કહેતા, ‘ક્રાંતિ માણસનો મૂળભૂત અધિકાર છે અને સ્વાતંત્ર્ય માણસનો મૂળભૂત હક્ક.’ ક્રાંતિ અને સ્વાતંત્ર્યનો તણખો દરેક દેશવાસીમાં જીવતો રહે તો દેશનું ભાગ્ય જાગે. દેશ માટે આપણે શું કર્યું એવો પ્રશ્ન જાતને પૂછીએ અને યાદ કરીએ પ્રેમ ધવનના જ શબ્દો, ‘અભી પલટના હૈ રૂખ કિતને દરિયાઓં કા, કિતને પરબત રાહોં સે હૈ ઔર હટાને’ આવો ભાવ જાગે ત્યારે ઉંમર ગમે તે હોય, ‘નયા ખૂન હૈ, નઈ ઉમંગે, અબ હૈ નઈ જવાની’નો અનુભવ જરૂર થાય.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 15 ઑગસ્ટ 2025