રાણા ભોજરાજ : “ક્રિશ્ના સે ક્યા રિશ્તા હૈ તુમ્હારા?”
મીરા : “જો સ્વામી સે હોના ચાહિયે.”
રાણા : “ઔર હમસે?”
મીરા : “આપ તો મેરે રાણા હો.”
•
હેમા માલિનીને એક રંજ રહી ગયો છે કે લતા મંગેશકરે તેમની ફિલ્મ “મીરા”નાં ભજનોને તેમનો અવાજ ન આપ્યો. સ્વરસામ્રાજ્ઞીના અવસાન પછી એક ઇન્ટરવ્યૂમાં ડ્રીમ ગર્લે કહ્યું હતું કે, “નિર્માતા પ્રેમજીએ મારી અને ધરમજી સાથે હીટ ફિલ્મો બનાવી હતી અને મેં તેમને મીરાબાઈનો વિષય સૂચવ્યો હતો. તેનું નિર્દેશન કરવા માટે મેં જ ગુલઝાર સાથે વાત કરી હતી. મારી ઈચ્છા હતી કે લતાજી તેનાં ભજનો ગાય. લતાજી પૂરી કારકિર્દીમાં મારો અવાજ રહ્યાં છે અને હવે હું જ્યારે મારી સૌથી ગમતી ભૂમિકા કરી રહી હતી ત્યારે તેમણે ના પાડી. મેં જાતે તેમને કહ્યું હતું કે તમે નહીં ગાવ તો મીરાબાઈ કી આવાજ નહીં હોગી. તેમણે નમ્રતાથી ના પાડી.” કેમ?
એક બીજા ઇન્ટરવ્યૂમાં લતાજીએ તેનો ખુલાસો કરતાં કહ્યું હતું, “મેં મારા ભાઈ હૃદયનાથ મંગેશકર સાથે ‘ચલા વહી દેશ’ આલ્બમમાં મીરાનાં ભજન ગાયાં હતાં. એટલે મેં નક્કી કર્યું હતું કે હું બીજા કોઈ માટે એ નહીં ગાઉં.” એ પછી વાણી જયરામ પાસે ફિલ્મનાં ભજનો રેકોર્ડ કરવામાં આવ્યાં અને વાણીને “મેરે તો ગિરધર ગોપાલ” માટે સર્વશ્રેષ્ઠ ગાયિકાનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. ફિલ્મમાં કુલ બાર ભજન હતાં. હેમા કહે છે કે વાણી સુંદર ગાયિકા છે, પણ તેનો અવાજ મારા માટે અનુકૂળ નહોતો. લતાજીએ મીરામાં મારા માટે ન ગાયું તેનો મને વસવસો છે. ગુલઝાર જો કે લતાજીએ કેમ ન ગાયું તેનું થોડુંક જુદું કારણ આપે છે, પણ તેની વાત પછી કરીએ.
“મીરા” 25 મે 1979ના રોજ રિલીઝ થઇ હતી. “મીરા”માં, એક બાજુ ૧૬મી સદીના એક રાજસ્થાની રજવાડામાં શાહી વ્યૂહરચનાઓના ભાગ રૂપે અટપટી ગોઠવણો અને સમજૂતીઓ હતી તો બીજી તરફ એના કેન્દ્રમાં રહેલી રાજપૂતાણી મીરા બાઈનો વિદ્રોહ હતો. ગુલઝાર મીરાને પૌરાણિક મીથ રૂપમાં નહીં, એક ઐતિહાસિક રૂપમાં જુએ છે અને મીરાને પહેલી આઝાદ નારી ગણે છે, જે તેની નિયતિ ખુદ પસંદ કરે છે.
ફિલ્મ પત્રકાર અનુરાધા ચૌધરી સાથેની એક મુલાકાતમાં ગુલઝાર કહે છે, “આ ફિલ્મ બનાવવા માંગતો હતો તેનું સૌથી મહત્ત્વનું કારણ એ હતું કે 1981ના વર્ષને મહિલા મુક્તિ વર્ષ તરીકે મનાવવામાં આવવાનું હતું. હું મીરાને દેશની પહેલી મુક્ત નારી તરીકે જોઉં છું. તેનામાં ઊંચું આત્મસન્માન હતું, તે જ્ઞાની હતી, બુદ્ધિશાળી હતી, કવયિત્રી હતી અને તેણે તેના પતિનો ધર્મ સ્વીકારવાની ના પાડી દીધી હતી.”
મીરાની ખ્યાતિ એક આધ્યાત્મિક ભકત તરીકેની છે, પણ ગુલઝારને તેના અસલી જીવનમાં રસ હતો. એ કહે છે, “દેખીતી રીતે જ, હું વાર્તામાં આધ્યાત્મિક તત્ત્વ તો રાખવા માંગતો જ હતો, પરંતુ મારે મીરાની માઈથોલોજીક્લ છબીમાં ઔર રંગ પૂરવા નહોતા. હું એક ઐતિહાસિક ફિલ્મ બનાવવા માંગતો હતો જેમાં ઉચિત સંદર્ભો હોય. મેં જ્યારે મીરા વિશે સંશોધન શરૂ કર્યું તો મારા આશ્ચર્ય વચ્ચે કશું જ ઉપલબ્ધ નહોતું. એ ૪૦૦ વર્ષ પહેલાં જ જીવી ગઈ હતી, પણ ભારતમાં લેખિત ઇતિહાસની પરંપરા જ નથી, આપણી મૌખિક પરંપરા છે. મને કર્નલ ટોડના પુસ્તક “હિસ્ટ્રી ઓફ રાજસ્થાન”માં બધી જ વિગતો મળી ગઈ.”
“મીરા” પીરિયડ ફિલ્મ હતી, પણ તેની માવજત આધુનિક હતી. ફિલ્મમાં એક જગ્યાએ મીરાનો પતિ રાણા ભોજરાજ (વિનોદ ખન્ના) તેના કૃષ્ણપ્રેમ અંગે પૂછે છે, “ક્રિશ્ના સે ક્યા રિશ્તા હૈ તુમ્હારા?”
મીરા જવાબમાં કહે છે, “જો સ્વામી સે હોના ચાહિયે.”
રાણા પૂછે છે, “ઔર હમસે?”
મીરા કહે છે, “આપ તો મેરે રાણા હો.”
૧૬મી સદીની એક સ્ત્રી કેવી રીતે તેના પતિ સાથે સામાજિક સંબંધ નિભાવવા તૈયાર છે, પણ પત્ની તરીકેનો સંબંધ કૃષ્ણ માટે અબાધિત રાખે છે તેની “સ્વામી અને રાણા”માં ખૂબસૂરત ગોઠવણ છે. ૧૬મી સદીના ભારતમાં જ્યાં સ્ત્રી પિતા, ભાઈ, પતિ અને પુત્રના આશ્રયમાં જીવતી હતી અને એ ચારેને પૂછીને તે પગલું ભરતી હતી, ત્યારે મીરા એવું જીવન જીવી હતી જે આજની ભણેલી-ગણેલી આધુનિક સ્ત્રીઓ પણ કલ્પના કરી ન શકે. મીરાએ ત્યારે પતિ, પિતા, ધર્મ, શાસન, સમાજ કે પરિવારના તિરસ્કારને સહન કરીને એ જ કર્યું હતું જે તેના દિલને યોગ્ય લાગ્યું હતું.
પતિનું બાળક જણવામાં કે પત્નીધર્મ નિભાવવામાં નિષ્ફળ ગયેલી મીરાને જ્યારે મેણા મારવામાં આવે છે ત્યારે તે કહે છે, “મૈ આત્મા હૂં શરીર નહીં. મૈ ભાવના હૂં, કિસી સમાજ કા વિચાર નહીં. મૈ પ્રેમી હૂં, પ્રેમિકા હૂં, કેવલ પ્રેમ નામ કી જોગન. કિસી સંબંધ કી કડી નહીં., કિસી પરિવાર કી ખૂંટી સે બંધી સાંકલ નહીં.”
આ વિધાનમાં મીરાના એક એવા સ્વતંત્ર વ્યક્તિત્વની ઘોષણા હતી, જે રીતિ-રીવાજો અને જબરદસ્તીની ફરજોનું ગુલામ નથી. જે જમાનામાં બુદ્ધ બનાવાનું આસાન હતું પણ મીરા બનવાનું અશક્ય હતું, ત્યારે આ ભકતાણીએ ભક્તિના પથ પર આગળ જવાનો રસ્તો બતાવ્યો હતો.
ફિલ્મની વાર્તા અકબર(અમજદ ખાન)ના સમયની છે. રાજસ્થાનના મેડતા રજવાડાના રાજા વીરમદેવ રાઠોડને બે દીકરીઓ મીરા (હેમા), ક્રિશ્ના (વિદ્યા સિન્હા) અને એક દીકરો જયમલ (દિનેશ ઠાકુર) છે. મીરા ભગવાન કૃષ્ણની એટલી દીવાની છે કે તેમને જ પોતાના પતિ માને છે. વીરમદેવ એકમાત્ર એવો રાજા છે જે અકબરની સલ્તનત સામે ઝૂકવા તૈયાર નથી, અને એ માટે રાજા વિક્રમજીત (શમ્મી કપૂર) સાથે હાથ મિલાવે છે. એ સમજૂતીના ભાગ રૂપે, મીરાને વિક્રમજીતના દીકરા રાણા ભોજરાજ (વિનોદ ખન્ના) સાથે પરણાવી દેવામાં આવે છે.
ઈચ્છા વિરુદ્ધ સાસરે વળાવાયેલી મીરાનો કૃષ્ણપ્રેમ અકબંધ રહે છે, જે ભોજરાજ અને તેના પરિવારને મંજૂર નથી. એમાં ખટરાગ વધી જાય છે અને મીરાને પતિ માટે પત્નીધર્મ ન બજાવતી, પરિવાર માટે વહુની ફરજ ન બજાવતી અને સમાજ માટે આદર્શ સ્ત્રી બનવાનો ઇન્કાર કરતી સ્ત્રી ગણીને તેનો બહિષ્કાર કરવામાં આવે છે. તેને જેલમાં કેદ કરવામાં આવે છે પણ તે ઝૂકતી નથી. તેને મૃત્યુદંડ ફરમાવામાં આવે છે અને સાર્વજનિક રીતે ઝેરનો કટોરો પીવાની સજા કરવામાં આવે છે. મીરાનો કૃષ્ણપ્રેમ એટલો અડગ છે કે તે હસતાં મોઢે ઝેર પીને કૃષ્ણનું ભજન ગાતી ગાતી મહેલ છોડી દે છે.
વાર્તાની દૃષ્ટિએ “મીરા” કૃષ્ણભક્તિ પરની ફિલ્મ છે, પરંતુ ઊંડેથી જુઓ તો તે એક સ્ત્રીના તેના શરીરને લગતા, સમાજને લગતા અને તેની ભક્તિને લગતા સ્વતંત્ર નિર્ણયોની કહાની છે. તેમાં તેને બેઈજ્જતી કે મૃત્યુનો ભય નથી. જે ધર્મ અદાલતમાં તેને મૃત્યુદંડ આપવામાં આવે છે તેમાં રાજ્યના કુલગુરુ (ઓમ શિવપુરી) સાથે મીરાનો એક સંવાદ છે :
“મીરા, ક્યા તુમને અપને પતિ કા ધર્મ સ્વીકાર કરને સે ઇન્કાર કિયા?”
“મ્હારો ધર્મ તો એક હી સાંચો, ભવ સાગર સંસાર સબ કાચો.”
“ક્યા તુમ સ્વીકાર કરતી હો કી રાજકુંવર ભોજરાજ કે સિવા ભી તુમ્હારા કોઈ ઔર પતિ હૈ?”
“જાકે સિર મોર-મુકટ મેરો પતિ સોઈ.”
“તો અદાલત યે માન લે કી તુમ્હારે એક નહીં દો પતિ હૈ?”
“મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ.”
“જો પરિવાર તુમ્હે જિંદા રખતા હૈ ઔર જિસ સમાજ મેં તુમ રહતી હો, ક્યા ઉસકે’ નિયમ તુમ્હારે લિયે કોઈ મહત્ત્વ નહીં રખતે?”
“આજ, ઇસ પલ, મેં અપના પરિવાર ઔર આપકે સમાજ દોનો કા પરિત્યાગ કરતી હૂં.”
“અપને અપરાધ કા દંડ જાનતી હો?”
“મેરા દંડ ક્યા હોગા યે આપ ભી જાનતે હૈ, મેં ભી જાનતી હું. મેં આપકો અપની હત્યા કે પાપ સે મુક્ત કરતી હૂં.”
હેમા માલિની આ દૃશ્યને તેનું સૌથી ગમતું દ્રશ્ય ગણાવે છે. હેમા કહે છે, “એમાં એક ગંભીર સામાજિક સંદેશ હતો. સાંકળોમાં બંધાયેલી મીરાને જ્યારે અદાલતમાં લાવવામાં આવે છે ત્યારે તેનો મોટો પડછાયો કુલગુરુ પર પડે છે અને તેઓ ગભરાઈ જાય છે. એ દૃશ્ય ઘણું પ્રતિકાત્મક હતું.”
“મીરા” માટે બે કલાકારો પહેલેથી જ નક્કી હતા; હેમા માલિની અને સંગીતકાર લક્ષ્મીકાંત-પ્યારેલાલ. ગુલઝારના ગમતા કમ્પોઝર તો આર.ડી. બર્મન હતા, પરંતુ નિર્માતા પ્રેમજી માટે થઈને તેમણે લક્ષ્મી-પ્યારે સાથે કામ કરવાનું નક્કી કર્યું હતું. ગુલઝારે અગાઉ “પલકો કી છાંવ મેં”માં લક્ષ્મી-પ્યારે સાથે કામ કર્યું હતું અને આ વખતે પણ ઉત્સાહી હતા. બધાએ એવું પણ ધારી લીધું હતું કે મીરાનાં ભજનો લતા મંગેશકર સિવાય બીજું કોણ ગાય! ગુલઝાર કહે છે;
“ફિલ્મની સ્ક્રીપ્ટ તૈયાર થઇ ગઈ અને સંગીતની ચર્ચા માટે હું લક્ષ્મીકાંત-પ્યારેલાલ સાથે બેઠો. અમે ડઝન જેટલાં મીરા ભજન પસંદ કર્યાં. અમે ટ્રેડ પેપરમાં આગોતરી જાહેરાત છપાવી હતી; આજની મીરા (લતા મંગેશકર) મીરા ફિલ્મનો મુહૂર્ત શોટની કલેપ આપશે. મેં મેરે તો ગિરિધર ગોપાલ ભજન પહેલાં શૂટ કરવાનું નક્કી કર્યું હતું, પણ લક્ષ્મી-પ્યારેએ જ્યારે ગીત કમ્પોઝ કર્યું ત્યારે લતાજીએ ગાવાની ના પાડી દીધી. તેમણે મને કહ્યું કે તેમણે હજુ હમણાં જ તેમના ભાઈ હૃદયનાથ મંગેશકર માટે મીરાનાં ભજનો રેકોર્ડ કર્યા છે અને હવે એ જ ભજનો કોમર્સિયલ ફિલ્મ માટે નથી ગાવાં.”
ગુલઝારે તેમને આગ્રહ ન કર્યો અને વાતને ત્યાં પડતી મૂકી. એમાં બીજી મુસીબત થઇ. લતાજીએ ભજનો ગાવાની ના પાડી દીધી છે એવી ખબર પડી એટલે લક્ષ્મીકાંત-પ્યારેલાલ પણ ઊભા થઇ ગયા. “લતાબાઈ વગરની મીરા કેવી હોય?” એવું વર્ષો પછી પ્યારેલાલે કહ્યું હતું. ગુલઝારે બીજા વિકલ્પ તરીકે આશા ભોંસલેનો સંપર્ક કર્યો, પણ આશાએ દીદીનો ખ્યાલ રાખીને સલુકાઇથી ના પાડી દીધી, “જહાં દેવતા ને પાંવ રખે હોં, વહાં ફિર માનુષ પાંવ નહીં રખતે.”
ગુલઝાર કહે છે, “હવે હું ગભરાયો. અમારો સેટ તૈયાર હતો. પંચમ (આર.ડી. બર્મન) આમાં કારણ વગર ભરાઈ ગયો. હું એને હવે સંગીત માટે કહું તો તેની ઈજ્જત જાય એવી હતી. મારે એવા સંગીત દમદાર નિર્દેશકની જરૂર હતી જે લતાજી અને આશાજી વગર ભજનો કરી શકે. એમાં પંડિત રવિ શંકરનું નામ સુઝ્યું. એ વખતે એ ન્યૂયોર્કમાં હતા.”
ગુલઝાર પહોંચ્યા અમેરિકા. પંડિતજીને સ્ક્રીપ્ટ ગમી. ગુલઝારે કહ્યું કે તમે ધૂન પર અત્યારે જ કામ શરૂ કરો, હું રોકાઈ જઈશ. પંડિતજીને ગુલઝારની ઉતાવળ સમજાઈ ગઈ, પણ લતા મંગેશકરવાળો વિવાદ તેમણે પણ સાંભળ્યો હતો એટલે થોડા અચકાતા હતા.
ગુલઝાર કહે છે, “અમારા સદ્દનસીબે લતાજી એ જ વખતે અમેરિકામાં હતાં. મેં તરત તેમને ફોન કરીને મામલો સમજાવ્યો. તેમણે તરત કહ્યું કે તમ તમારે આગળ વધો. પછી પંડિતજીએ પૂછ્યું કે ગીતો કોણ ગાશે. મારા મનમાં વાણી જયરામનું નામ હતું, પણ બોલ્યો નહીં. મેં કહ્યું કે તમે જ પસંદ કરો. એ બોલ્યા- વાણી જયરામ ચાલે?”
પંડિતજીએ અમેરિકામાં ધૂનો તૈયાર કરી અને પછી ભારત આવીને નવ દિવસમાં 12 ભજનો અને બેકગ્રાઉન્ડ મ્યુઝીક રેકોર્ડ કરીને અમેરિકા પાછા વળી ગયા. પંડિતજીની જેમ હેમાએ પણ ઘણું એડજસ્ટમેન્ટ કર્યું હતું. ગુલઝારે હેમાને કહ્યું હતું કે એક દિવસ તારાં બાળકોને આ ફિલ્મ માટે ગર્વ થશે. વિનોદ ખન્ના ત્યારે તેની સફળતા અને શોહરતની ટોચ પર હતો પરંતુ કંઇક અંશે અંદરથી વિચલિત હતો અને સિનેમા છોડીને રજનીશ આશ્રમમાં જતા રહેવા માંગતો હતો. તેણે પણ મીરા પૂરી કરવા માટે બહુ સહકાર આપ્યો હતો. તેને કોઈ ફિલ્મ અધૂરી છોડવી નહોતી.
વિનોદ દિલથી આધ્યાત્મિક હતો અને તેને શાંતિ મળતી નહોતી. મીરા કરતી વખતે તે એટલો પ્રભાવિત થયો હતો કે એક દિવસ ગુલઝારને કહ્યું હતું, “હું મીરાની લાગણીઓ સાથે એટલું તાદામ્ય અનુભવું છું કે મને એવું થાય છે કે મારે મીરાની ભૂમિકા કરવા જેવી હતી.”
પ્રગટ : ‘બ્લોકબસ્ટર’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 08 મે 2022
સૌજન્ય : રાજ ગોસ્વામીનીની ફેઇસબૂક દિવાલેથી સાદર