Opinion Magazine
Number of visits: 9508657
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માયા ગોવિંદ : નૈનો મેં દર્પણ હૈ, દર્પણ મેં કોઈ, દેખું જિસે સુબહ-શામ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|21 April 2022

પ્લેબેક ગાયનના આકાશમાં, લતા મંગેશકર અને કિશોર કુમાર જ્યારે સૂરજ અને ચાંદની જેમ ચમકતાં હતાં, ત્યારે બે નવોદિત સિતારા એમાં લટાર મારવા આવ્યા; આસામી સંગીતકાર ભૂપેન હજારિકા અને ગીતકાર માયા ગોવિંદ. બંને પહેલીવાર તેમની પહેલી જ હિન્દી ફિલ્મમાં ભેગાં થયાં હતાં, અને તેમણે લતા-કિશોર પાસે એક યાદગાર અને શાનદાર ગીત ગવડાવ્યું :

નૈનો મેં દર્પણ હૈ, દર્પણ મેં કોઈ
દેખું જિસે સુબહ-શામ
બોલો જી બોલો યે રાજ ખોલા
હમ ભી સુને દિલ કો થામ
યા તો હૈ દાહરતિ યા હૈ ગગન
યા તો સૂરજ યા હૈ પવન
હુઆ ઉસકા તો સજન હૈ નામ

૭મી એપ્રિલને ગુરુવારે, ૮૨ વર્ષનાં માયા ગોવિંદના અવસાનના સમાચાર આવ્યા, ત્યારે આ જ ગીત સૌથી પહેલાં યાદ આવ્યું અને પછી પ્રશ્ન થયો કે માયાજી તેમની આ પહેલી જ ફિલ્મ જેવી સફળતાને કાયમ માટે બરકાર કેમ ન રાખી શક્યાં? એમાં તો તેમના નામે “આંખો મેં બસે હું તુમ,” “મૈ અનાડી તું ખેલાડી,” “મોરે ઘર આયે સજનવા” અને “ગુટુર ગુટુર” જેવાં ગીતો બોલતાં હતાં, પણ અંગત હોય કે વ્યવસાયિક, કોઈક કારણસર તેઓ તેમનાં ગીતોને કવિતાનો એ રંગ બક્ષી ન શક્યાં જે પહેલી ફિલ્મમાં જોવા મળ્યો હતો.

તેમના પુત્રએ તેમના અવસાન પછી કહ્યું હતું, “મારી માતાએ ૮૦૦ જેટલાં ગીત ગાયાં હતાં અને ૩૫૦ જેટલી ફિલ્મો માટે લખ્યું હતું. સ્વાસ્થ્યના કારણે તે સક્રિય નહોતાં, પણ મિત્રો કે પરિવારજનોને મળે ત્યારે તેમને કવિતા સાંભળવાનું ગમતું હતું. તે કલ્યાણજી-આણંદજી, રામાનંદ સાગર, બપ્પી લહેરી અને ખૈયામ સાથે ઘણા ઘનિષ્ઠ હતાં. દુર્ભાગ્યે, તેમનાં ઘણાં મિત્રો અને સહયોગીઓ અલવિદા ફરમાવી ગયાં હતાં.”

એક ઇન્ટરવ્યુમાં માયા ગોવિંદે કહ્યું હતું કે, “એક રીતે ફિલ્મ ઉદ્યોગમાં હું પહેલી મહિલા ગીતકાર હતી. એ દિવસોમાં મહિલા ફિલ્મી દુનિયાથી આઘી રહેતી હતી. એક્ટર ભારત ભૂષણે મારી કવિતાઓ સાંભળી હશે અને તેમણે મને ફિલ્મો માટે લખવાનો વિચાર આપ્યો હતો.”

લખનૌમાં જન્મેલાં અને સાત વર્ષની ઉંમરથી કવિતા લખતાં થયેલાં માયા ગોવિંદ ૧૯૭૩માં ફિરોઝ ખાન-રેખાની “કશ્મકશ” અને કિરણ કુમારની “જલતે બદન” ફિલ્મથી હિન્દી ફિલ્મોમાં આવ્યાં, પરંતુ તેમનું નામ થયું  ૧૯૭૪માં આવેલી ફિલ્મ “આરોપ”થી. ઉપર જે ગીતની વાત કરી તે આ જ ફિલ્મનું હતું. આ ફિલ્મના સ્ક્રીપરાઈટર રામ ગોવિંદ સાથે જ પાછળથી માયાએ લગ્ન કરી લીધાં હતાં.

રામાનંદ સાગરને તેમની કવિતાઓ પસંદ પડી હતી. અને તેમણે જ ફોન કરીને તેમને “જલતે બદન” ફિલ્મનાં ગીતો લખવા માટે મુંબઈ બોલાવ્યાં હતાં. ફિલ્મમાં કિરણ કુમાર અને કુમ કુમ પર ફિલ્માવાયેલું અને મહોમ્મદ રફી-લતા મંગેશકરનું ગીત ઘણું લોકપ્રિય થયું હતું :

વાદા ભૂલ ન જાના
હો જાનેવાલે લૌટ કે આના
તેરે સાથ હી જિયેંગે
તેરે સાથ હી મરેંગે
તુજે હર જનમ મેં પાયેં
બસ યહી દુઆ કરેંગે

રામાનંદ સાગરે આ ફિલ્મ માટે એક પાર્ટી કરી હતી, તેમાં માયા ગોવિંદનો ભેટો મશહુર એકટર-ડિરેકટર ગુરુ દત્તના નાના ભાઈ આત્મારામ સાથે થયો હતો, જેમણે “આરોપ” ફિલ્મ માટે તેમની પાસે ગીતો લખાવ્યાં હતાં. ફિલ્મ તો ન ચાલી પણ ગીતો લોકપ્રિય થયાં હતાં.

“આરોપ”માં કુલ આઠ ગીતો હતાં, અને ત્રણ ગીતો પ્રબોધ ચંદ્ર ડે નામના ગાયકે ગાયાં હતાં. પાછળથી આપણે તેમને મન્ના ડે તરીકે ઓળખતા થયા. આત્મારામે ભૂપેન હજારિકા પાસે આ ફિલ્મનું સંગીત કમ્પોઝ કરાવ્યું તે આત્મારામનો માસ્ટરસ્ટ્રોક હતો. ભૂપેન’દા ત્યારે પોતાની જ ફિલ્મોમાં કામ કરતાં હતા. એ જ રીતે તેમણે માયા ગોવિંદને એમાં બ્રેક આપ્યો હતો. “આરોપ”ની સ્ટારકાસ્ટ પણ સમૃદ્ધ હતી; વિનોદ ખન્ના, સાયરા બાનુ, વિનોદ મહેરા, રહેમાન, બિંદુ, જોની વોકર, કેસ્ટો મુખરજી અને પૈંટલ.

“આરોપ” ફિલ્મ બહુ દિલચસ્પ હતી. હિન્દી ફિલ્મોમાં પત્રકારત્વના વ્યવસાયને ઉચિત રીતે પેશ કરવામાં નથી આવ્યો. “ન્યૂ દિલ્હી ટાઈમ્સ,” “મૈ આઝાદ હું” અને “પીપલી લાઈવ” જેવી ગણીગાંઠી ફિલ્મો કંઇક અંશે અસલમાં પત્રકારોની જીવન કેવું હોય છે તે દર્શાવામાં સફળ રહી હતી. દિલીપ કુમારની “મશાલ” ફિલ્મમાં યશ ચોપરાએ એક ઈમાનદાર પત્રકાર અને તેની સામે આવતા પડકારોની કહાની સર્જી હતી, પણ “મશાલ”માં પત્રકારત્વ ઓછું અને વેરની વસુલાત વધુ હતી.

“આરોપ” એમાં સૌથી પહેલી હિન્દી ફિલ્મ છે જેણે પત્રકારત્વના વિષયને છેડ્યો હતો. અલબત્ત, તેની સરખામણી “ન્યૂ દિલ્હી ટાઈમ્સ” કે “પીપલી લાઈવ” સાથે ન થઇ શકે, પરંતુ નાચ-ગાનના ટીપિકલ ફિલ્મી મશાલા વચ્ચે પણ “આરોપ”માં આત્મારામે પત્રકારત્વ અને તેની સામાજિક પ્રતિબદ્ધતાને ગંભીરતાથી બતાવવા પ્રયાસ કર્યો હતો.

એનું કારણ છે. કલકત્તામાં જન્મેલા આત્મારામના પિતા શિવશંકર પદુકોણ બર્મા શેલમાં કામ કરતા હતા. તેમની માતા શિક્ષક હતી. ત્રણ ભાઈ અને એક બહેન હતી: ગુરુ દત્ત, દેવી દત્ત, વિજય દત્ત અને લલિતા લાઝમી (લલિતાની દીકરી કલ્પના લાઝમી ભૂપેન હજારિકાની આજીવન સાથી રહી હતી.)

કલકત્તામાં મોટા થયા હતા એટલે સમાજવાદી વિચારધારાથી રંગાયેલા હતા. બોમ્બે યુનિવર્સિટીમાં એ ભણ્યા હતા. ૧૯૪૮થી૧૯૫૦ સુધી તે સોશ્યલિસ્ટ પાર્ટીના સભ્ય હતા. એ પછી તે કામદાર નેતા બન્યા હતા અને પ્રેસ વર્કર્સ યુનિયનના સેક્રેટરી હતા. ૧૯૫૮થી ૬૧ સુધી એ લંડન હતા અને ત્યાં ફિલ્મો પર હાથ અજમાવ્યો હતો. ૧૯૬૪માં ભાઈ ગુરુ દત્તનું અચનાક અવસાન થઇ ગયું પછી આત્મારામે તેમની ઘણી અધૂરી ફિલ્મો પૂરી કરી હતી.

ફિલ્મમાં સુભાષ ત્રિપાઠી (વિનોદ ખન્ના) “મશાલ” નામનું અખબાર ચલાવે છે. (દિલીપ કુમાર-યશ ચોપરાની ફિલ્મમાં પણ અખબારનું નામ “મશાલ” હતું). સુભાષના આદર્શોથી પ્રભાવિત થયેલી સ્થાનિક મંદિરના પૂજારીની શિક્ષક દીકરી અરુણા (સાયરા બાનુ) અખબારમાં જોડાય છે. સુભાષનું અખબાર સ્થાનિક ગુનેગારો અને વેપારી માખન લાલ સિંહ(રહેમાન)ની સાંઠગાંઠ અંગે લખે છે એટલે તેની સામે કેસ થાય છે અને છ મહિનાની સજા થાય છે. તેની ગેરહજરીમાં તેનો વકીલ મિત્ર રવિ (વિનોદ મહેરા) અખબારનું કામ સંભાળે છે.

માખન લાલ અને તેની પીઠ્ઠું કંચન(બિંદુ)ને છુટ્ટો દોર મળેલો હોય છે. સ્થાનિક અધિકારીઓ અને રાજકારણીઓ પણ એમના ગજવામાં છે. કંચન બિન્દાસ્ત જુગારનો અડ્ડો ચલાવે છે. સુભાષ જેલમાંથી પાછો આવીને જુગારની બદી સામે ઝુંબેશ શરૂ કરે છે. તેનો બદલો લેવા માટે કંચનનો સાગરિત સુભાષનો પ્રેસ સળગાવી દે છે. માખન લાલ પ્રેસના માલિક ધોન્ડુ(જોની વોકર)ને દેવામાં ડુબાડી દે છે અને પ્રેસ વેચવા માટે મજબૂર કરી દે છે. એમાં રવિ અને અરુણાની નોકરી પણ જતી રહે છે.

હવે સુભાષ ઉશ્કેરાય છે અને ન્યાયી લડત બાજુએ મૂકીને કંચનને મારી નાખવાનું નક્કી કરે છે. તે રિવોલ્વર લઈને કંચનની કલબમાં ઘુસી જાય છે, પરંતુ એ ગોળી ચલાવે તે પહેલાં માખન લાલના ગુંડાઓ કંચનને ગોળી મારી દે છે. સુભાષને ખબર નથી કે કોણે ગોળી ચલાવી અને તે ત્યાંથી ભાગી છૂટે છે અને અરુણાને રિવોલ્વર સંતાડવા માટે આપી દે છે. જો કે પોલીસ તેને પકડી પાડે છે અને તેની પર કંચનના ખૂનનો કેસ મૂકે છે. કોર્ટમાં રવિ તેનો કેસ લડે છે.

રવિ “મશાલ”ના પત્રકાર અને ફોટોગ્રાફર ટોની(પૈન્ટલ)ની મદદથી કંચન પર ચાલેલી અસલી રિવોલ્વર શોધી કાઢે છે, પરંતુ કોર્ટમાં તે પુરાવો રજૂ કરે તે પહેલાં માખન લાલના ગુંડાઓ અને “મશાલ” પ્રેસના માણસો વચ્ચે મારામારી ફાટી નીકળે છે. એમાં માખન લાલથી સુભાષને બચાવવા જતાં રવિનું મૃત્યુ થઇ જાય છે. અંતે પોલીસ માખન લાલને અને કંચનના હત્યારાને પકડી પાડે છે.

“આરોપ” આમ તો થ્રિલર હતી, પરંતુ હિન્દી ફિલ્મોની વ્યવસાયિક મજબૂરીઓનાં કારણે એમાં ગીતો ય મૂકવાં પડે. પરિણામે, આત્મારામે તેમાં પ્રણય-ત્રિકોણ પણ મુક્યો હતો. ફિલ્મની શરૂઆત સુભાષ અને અરુણાની દોસ્તીથી થાય છે. બંને ઢોર ચરતાં હોય તેવા ખુલ્લા મેદાનમાં સાઈકલ પર “નૈનો મેં દર્પણ હૈ, દર્પણ મેં કોઈ” ગીત ગાતાં હોય છે એ દૃશ્ય કોઈ સ્વપ્ન જેવું લાગે છે. હવે એવી સાઈકલો ક્યાં અને એવાં પ્રેમીઓ ય ક્યાં છે!

સુભાષ જેલમાં હોય છે ત્યારે રવિ અરુણાથી આકર્ષાય છે, અને છેલ્લે જ્યારે તેની પર ખૂનનો કેસ થાય છે ત્યારે અરુણા નિરાશ અને વ્યાકુળ થઈને રવિ પર એવો આરોપ પણ મૂકે છે કે તે જાણી જોઈને કેસ બરાબર લડતો નથી, કારણ કે તેને સુભાષની ઈર્ષ્યા આવે છે. જોની વોકર, કેસ્ટો અને પૈન્ટલ હોય એટલે કોમેડી પણ હોય. તેમ છતાં, આત્મારામે એ ફોરમેટમાં રહીને પણ સમાજના નૈતિક પતનને રજૂ કરવાનો સનિષ્ઠ પ્રયાસ કર્યો હતો.

આટલાં વર્ષો પછી આજે પણ આપણે નૈતિકતાની ગેરહાજરીને જોઈ જ રહ્યા છીએ. આજે પણ સ્વતંત્ર અને ઈમાનદાર પત્રકારત્વ પર એટલી જ તવાઈ આવતી રહે છે. આજે પણ અમીરો, અપરાધીઓ અને રાજકારણીઓની સાંઠગાંઠ સમાજને નિયંત્રિત કરે છે. આત્મારામ તે જમાનામાં આ મુદ્દાની ગંભીરતા જોઇને ફિલ્મ બનાવી હતી. ફરક એ છે કે આજે આવી ફિલ્મો બનતી નથી. આપણે પત્રકારત્વનાં નામનું નાહી નાખ્યું છે.

——————————–

કોણ હતાં માયા ગોવિંદ …

માયા ગોવિંદ પાછલાં ઘણાં વર્ષોથી પથારીવશ હતાં. તેમનો દીકરો અજય દિવસ-રાત તેમની સારવાર કરતો હતો. તેમનાં શરીરનાં અવયવોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. લખનૌમાં જન્મેલાં માયાએ કથક નૃત્યમાં પ્રવીણતા હાંસલ કરી હતી. તેમણે અભિનેત્રી તરીકે પણ ફિલ્મો અને નાટકોમાં કામ કર્યું હતું. પ્રસિદ્ધ અભિનેત્રી હેમા માલિનીના લોકપ્રિય ડાન્સ “મીરાં” પણ માયા ગોવિંદે લખ્યો હતો. વ્યવસાયે તે બી.એડ. કરીને શિક્ષક બન્યાં હતાં, પણ શોખથી કવિતાઓ લખતાં હતાં. તેમણે ઓલ ઇન્ડિયા રેડિયો પર પણ કામ કર્યું હતું. 1970માં, લખનૌની સંગીત નાટક અકાદમીએ વિજય તેંદુલકરના નાટક “ખામોશ!” માટે માયાને શ્રેષ્ઠ અભિનયનો એવોર્ડ આપ્યો હતો. કવિ સંમેલનોમાં, શૃંગાર અને વિરહની વેદનાની તેમની કવિતાઓ પર લોકોની બહુ દાદ મળતી હતી. વ્રજ ભાષામાં તેમણે લખેલાં છંદના કારણે તેમની એક વિશેષ ઓળખાણ થઇ હતી. ૧૯૭૨માં તેઓ એકવાર એક કવિ સંમેલન માટે મુંબઈ આવ્યાં હતાં અને ત્યાં નિર્માતા રામાનંદ સાગર તેમનાથી પ્રભવિત થયા હતા. એ રીતે તેઓ ફિલ્મોમાં આવ્યાં હતાં.

પ્રગટ : ‘બ્લોક બસ્ટર’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે” 16 ઍપ્રિલ 2022

સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

21 April 2022 admin
← ચાલો, જાતને સવાલો કરીએ (4)
માબાપો તેમનાં સંતાનો કરતાં વધારે નાદાન છે … →

Search by

Opinion

  • દિવાળીમાં ફટાકડાનું પ્રદૂષણ : જોખમ પર આનંદ કેમ ભારે પડી જાય છે?
  • ખાલી ચણો વાગે ઘણો –
  • પ્રેમનું નગર
  • આપણા શ્રેષ્ઠ યોદ્ધાઓના નાયક
  • પીયૂષ પાંડેનું સૌથી મોટું યોગદાન હતું ‘મિલે સૂર મેરા તુમ્હારા’

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved