અનામતનું શૂળ ફરી એક વખત ઉપડ્યું છે. સુપ્રીમ કોર્ટે મરાઠા સમુદાયને આપવામાં આવેલ અનામત રદ્દ કરી છે. શિક્ષણ અને નોકરી ક્ષેત્રે મરાઠા અનામતને સુપ્રીમે ગેરબંધારણીય ઠેરવી છે. જો કે, જેમને એનો લાભ મળ્યો છે એમનાં પ્રવેશ કે નિમણૂક રદ્દ નહીં થાય, પણ મરાઠા અનામતના આધાર પર નવી વ્યક્તિને હવે કોલેજમાં પ્રવેશ કે નોકરીમાં નિમણૂક નહીં મળે. સુપ્રીમની પાંચ જજોની બેન્ચે ઠરાવ્યું છે કે મરાઠા સમુદાયને આરક્ષણ આપી ન શકાય. અનામત નકારવાનાં કારણો આપતાં સુપ્રીમે જણાવ્યું છે કે મરાઠા અનામત 2018ના મહારાષ્ટ્ર રાજ્ય કાયદા સમાનતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. બીજા શબ્દોમાં, અનામત 50 ટકાથી વધવી ન જોઈએ એ કાયદાનું પાલન થતું નથી. એ જ કારણે સુપ્રીમે 1992ના નિર્ણયની સમીક્ષામાં જવાનું પણ સ્વીકાર્યું નથી. મહારાષ્ટ્ર સરકારે ઈમરજન્સી ક્લોઝ હેઠળ આરક્ષણ આપ્યું હતું, પણ સુપ્રીમને એવી કોઈ ઈમરજન્સી જણાઈ નથી. સુપ્રીમને એમ પણ લાગ્યું છે કે મરાઠા આરક્ષણને લીધે ટકાવારી લગભગ 75 ટકા જેટલી થઈ ગઈ છે. આમ તો 2001ના રાજ્ય આરક્ષણ અધિનિયમ પછી આરક્ષણની ટકાવારી 52 ટકા થઈ ગઈ હતી, તેમાં 16 ટકા મરાઠાઓ માટેનું આરક્ષણ ઉમેરાતાં અનામતનો આંકડો નક્કી કરેલા 50 ટકાને વળોટી ગયો હોય તો તે બંધારણ મુજબ નથી એ નક્કી છે.
આ ચુકાદો ઘણી રીતે મહત્ત્વનો છે. રાજ્ય સરકારો કેટલાક વર્ગને રાજી રાખવા અનામતને મનસ્વી રીતે દાખલ કરી દે છે તે વાતને આ ચુકાદો નકારે છે. રાજ્ય સરકારોને આવી રીતે અનામત દાખલ કરવાનો કે ટકાવારીમાં જ્ઞાતિ કે વર્ગને ઉમેરવાનો અધિકાર નથી. જો કોઈ રાજ્યે તેમ કરવું હોય તો તેણે કેન્દ્ર સરકારને સૂચન કરવું પડે ને રાષ્ટ્રપતિની ભલામણથી જ તેમ થઈ શકે. મહારાષ્ટ્રમાં 2018માં દેવેન્દ્ર ફડનવીસની સરકારે મરાઠાઓ માટે 16 ટકા અનામતની જોગવાઈ કરી તો તેને હાઇકોર્ટમાં પડકારવામાં આવી. હાઈકોર્ટે આ અનામતને યોગ્ય ઠેરવી અને સુપ્રીમે, હાઇકોર્ટના એ ચુકાદાને રદ્દબાતલ કરી દીધો. સાધારણ રીતે હાઇકોર્ટનો નિર્ણય સુપ્રીમમાં ઉલટાવાતો નથી, પણ મરાઠાઓની અનામતનો બોમ્બે હાઇકોર્ટનો ચુકાદો સુપ્રીમે આઉટ એન્ડ આઉટ નકાર્યો છે. બોમ્બે હાઇકોર્ટને, 16 ટકા અનામતનો નિર્ણય બંધારણીય લાગ્યો છે જ્યારે સુપ્રીમ કોર્ટને એ ગેરબંધારણીય લાગ્યો છે. એક જ કાયદો, એક કોર્ટને બંધારણીય લાગે ને બીજીને ગેરબંધારણીય લાગે એ પણ કમાલ જ છેને ! બંધારણમાં અનામત 50 ટકાથી વધવી ના જોઈએ એવું સ્પષ્ટ કરી દેવાયું હોય ને 16 ટકા મરાઠાઓની અનામત ઉમેરાવાથી આંકડો 50 ટકાને પાર કરી જતો હોય તો તે સાધારણ વ્યક્તિને પણ ગેરબંધારણીય લાગે ને હાઇકોર્ટને એ ન જ લાગે એ કેવું? સારું થયું કે સુપ્રીમે મરાઠાઓને અનામતનો કાયદો રદ્દ કર્યો. જો કે મહારાષ્ટ્ર સરકાર આ ચુકાદાથી દેખીતી રીતે જ ખુશ નથી ને તે કેન્દ્ર સરકારને રજૂઆત કરવાના મૂડમાં છે. જોઈએ કેન્દ્ર એનો કેવોક પડઘો પાડે છે તે ! કેન્દ્ર સરકાર પણ સુપ્રીમના આ ચુકાદાથી રાજી નહીં જ હોય, કારણ તેણે સવર્ણોમાં આર્થિક રીતે નબળા વર્ગ (ઇકોનોમિકલી વીકર સેક્શન – ઇ.ડબલ્યુ.એસ.) માટે 10 ટકા અનામતની જોગવાઈ કરેલી જ છે ને એ ટકાવારી પણ 50 ટકા ઉપરાંતની છે. આ ચુકાદો આવતા એ પણ રદ્દ થાય તો સરકારે આર્થિક રીતે નબળા સવર્ણોનો રોષ વહોરવાનો આવે એમ બને.
આમ જોવા જઈએ તો અનામત રાજકીય સ્વાર્થ સાધવાનો કીમિયો માત્ર છે. અનામતની શરૂઆત 1951માં બંધારણમાં સુધારો કરીને કરવામાં આવી. તે વખતે ઓ.બી.સી. માટે અનામતની વ્યવસ્થા કરાઈ. અનામત અંગે આંબેડકર માનતા હતા કે અલ્પસંખ્યકોનો નકાર જેમ યોગ્ય નથી, એમ જ અલ્પસંખ્યકો, અલ્પસંખ્યક જ બની રહે એ પણ યોગ્ય નથી. આંબેડકર દ્રઢપણે માનતા હતા કે શિક્ષણ સંસ્થાઓ અને નોકરીઓમાં માત્ર 30-40 વર્ષ સુધી જ અનામત અપાય ને એ અવધિ કોઈ પણ સંજોગોમાં વધારવામાં ન આવે. તેમનું એમ પણ કહેવું હતું કે પોતાનો વિકાસ કર્યા બાદ વિશેષ સમુદાયે બાકી સમાજમાં ભળી જવું ને વિશેષ દરજ્જો જતો કરવો. કમનસીબે એવું થયું નથી. અનામત અટકી નથી ને વિકાસ થયા પછી પણ લાભ લેવાનું ચાલુ જ છે.
અનામત સંદર્ભે કાલેલકર પંચ, મંડલ કમિશન, બક્ષી કમિશનની રચના થઈ અને વખતોવખત જુદી જુદી જ્ઞાતિનો સમાવેશ અનામતની યાદીમાં થતો ગયો, મંડલ કમિશને 3,743 જ્ઞાતિઓને ઓ.બી.સી.માં સમાવવાની ભલામણ કરી, પણ કાલેલકર પંચની જેમ જ મંડલ પંચની ભલામણોનો સંસદમાં સ્વીકાર ન થયો, છતાં 1990માં વી.પી. સિંહની સરકારે મંડલ પંચનો અમલ કર્યો. 2006 સુધીમાં 5,013 જ્ઞાતિઓનો ઓ.બી.સી.માં સમાવેશ થયો ને એ પછી પણ રાજ્ય સ્તરે જ્ઞાતિઓ ઉમેરાતી જ ગઈ છે. 1996માં દેવેગૌડા વડા પ્રધાન હતા ત્યારે સંસદમાં મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું. બિલમાં એમ કહેવાયું હતું કે અમલમાં આવ્યા પછી તેની અવધિ 15 વર્ષની જ હશે, પણ ગમ્મત એ થઈ કે 15થી વધુ વર્ષો વીતવાં છતાં એ બિલ પસાર જ ન થયું. 1998, 1999, 2002, 2003, 2008માં બિલ રજૂ થતું રહ્યું, પણ પસાર ન થયું. આમ અનામતની ટકાવારી વધતી રહે તો વાંધો નથી, પણ મહિલા અનામત બિલ પસાર કરવાનું હોય તો વાંધો પડે છે. છેને કમાલ !
મૂળ વાત દાનતની છે. અનામત લાગુ કરવામાં મૂળ હેતુ તો ગરીબ વર્ગને અનામતનો લાભ આપીને મુખ્ય પ્રવાહમાં લાવવાનો હતો, તે ન થયું, પણ જ્ઞાતિ, જાતિ, ધર્મના ભેદ સપાટી પર આવ્યા, પરિણામે સમાનતાનો મૂળ હેતુ જ બદલાઈ ગયો.
અનામત, મત મેળવવાનું સાધન બનતાં, રાજકીયપક્ષોએ લાભ અપાવવાની લાલચો આપી અમુક જ્ઞાતિઓને પાંખમાં લીધી ને એમ અનામતનો સરવાળો વધતો ગયો. એમાં સવર્ણો રહી જતા હતા એટલે મોદી સરકારે ઇકોનોમિકલી વીકર સેકશનને પાંખમાં લઈ વધુ 10 ટકાની લહાણી કરી. આ સગવડ 50 ટકા અનામત ઉપરાંત કરવામાં આવી. એમ લાગે કે હજી ક્યાંકથી મત મળે એમ છે તો કોઈ પણ પક્ષ કે સરકાર 100 ટકા અનામતની ઉપર જવામાં ય સંકોચ અનુભવે એમ નથી.
ખરેખર તો અનામત પૂરેપૂરી નાબૂદ કરવાની જરૂર છે. આમ પણ જે અવધિ માટે તે લાગુ કરવામાં આવી હતી તે પૂરી થઈ ગઈ છે ને જેમણે એનો લાભ લીધો તેમણે એને આજીવન અધિકાર માની લીધો છે એટલે એમને વિકાસ ઓછો જ લાગવાનો ને એ કદી કહેવાના નથી કે અનામત પાછી લઈ લો. ચોક્કસ જ્ઞાતિએ અનામતનો લાભ લઈને પોતાના જ બંધુઓને મદદ કરવાની આવી ત્યારે હાથ પાછળ ખેંચ્યો ને એમ એમાં ય એક જ જ્ઞાતિમાં વર્ગભેદ ઊભા કરવાનું પણ થયું.
અહીં એ પણ નોંધવા જેવું છે કે આંબેડકરે અનામતનો લાભ લીધો નથી. ઇન્દિરા ગાંધી, સુષમા સ્વરાજ, અબ્દુલ કલામ, રામનાથ કોવિંદ … જેવી વ્યક્તિઓએ અનામતનો લાભ લીધા વગર જ પોતાને સ્વબળે સિદ્ધ કરી છે. એની સામે અનામતનો લાભ ખાટીને કોણ રાષ્ટ્રપતિ કે વડા પ્રધાન થવા સુધી પહોંચ્યું છે તે જોઈશું તો સમજાશે કે અનામતે મદદ કરવાને બદલે વ્યક્તિને પાંગળી ને લોભી વધુ બનાવી છે.
એટલું છે કે મોટો રોગ ગરીબીનો છે ને તે કોઈ પણ જ્ઞાતિ, જાતિ કે ધર્મમાં હોઈ શકે છે. ગરીબ દલિત હોય તેમ બ્રાહ્મણ પણ હોય. એ ખરું કે દલિત વધુ શોષિત છે, બહિષ્કૃત છે, પણ એક કાળે એ હતું, હવે એમાં ફેર પડ્યો છે. વળી જે બહિષ્કૃત કે શોષિત છે તેમાં મૂળ કારણ તો ગરીબી જ છે ને એ જ ગરીબી સવર્ણને પણ છે. એટલે અનામતનું મુખ્ય કારણ આજે તો ગરીબી જ છે. એ ગરીબને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે આર્થિક મદદ જરૂરી થઈ પડે, તો ભલેને એ થાય, એનો વાંધો જ નથી. આર્થિક રીતે જે નબળા છે તે સૌને માટે અનામતની એક જ કેટેગરી હોવી જોઈએ ને બાકીની કેટેગરીઓ નાબૂદ કરવી જોઈએ. એટલું થશે તો જ્ઞાતિ, જાતિ, ધર્મ, વર્ગને નામે આખો દેશ વહેંચાયેલો ને ખેંચાયેલો છે તે સ્થિતિ દૂર થશે. રાજકીય પક્ષો અમુકતમુકને સાથે રાખીને જે ભેદભાવો વધારે છે તેમાં ફેર પડશે. એક વાત છે કે એકને આપો ને બીજાને ન આપો તો એક જ વર્ગમાં ભેદભાવ ને ઈર્ષા વધે, એને બદલે સમાન તક મળે તો સાથે રહીને બંને આગળ વધશે. આર્થિક રીતે નબળા વર્ગોની એક જ કેટેગરી નક્કી થશે તો રાજકીય પક્ષોએ મતોનું રાજકારણ ભૂલવું પડશે અને સરવાળે તેનો લાભ દેશને થશે. એટલું થશે તો જ્ઞાતિ, જાતિ, ધર્મ, વર્ગથી ઉપર ઊઠીને દેશ સાચા અર્થમાં એક થશે. આવી એકતા માટે પ્રાર્થના કરીએ …
0 0 0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 10 મે 2021