આ મન્તવ્ય-જ્યોત અને સાહિત્યદીપ પ્રજ્વલિત રહે ને પ્રકાશ વધુ ને વધુ પ્રસરે એવી આશા છે.
જ્યોત ૩ : વાણી અને લેખન :
આપણા પ્રાચીનોએ ‘વાચા’ ‘વાણી’ કે ‘વાક્’-નો ઘણો મહિમા કર્યો છે. ‘સંસ્કૃતા વાક્’ તે ‘સંસ્કૃત’ એમ કહેવાયું છે. કાલિદાસે વાક્ અને અર્થની સમ્પૃક્તિની વાત કરી છે.
વાક્ એટલે અંગ્રેજીમાં ‘સ્પીચ’. પ્લેટોએ, રૂસોએ કે સંકેતવિજ્ઞાની સૉસ્યૂરે એમની આગવી રીતેભાતે વાક્-નો મહિમા કર્યો હતો.
વાક્-ને વિશેના મહિમાને આજે વિદ્વાનો phonocentrism સંજ્ઞા હેઠળ વર્ણવે છે. એમાં ‘ફોનો’ તે અવાજ, ધ્વનિ, શ્રુતિ. મહિમા કેવોક દર્શાવે છે? એ જ કે વાક્ અથવા વાણી ભલે પ્રાથમિક છે પણ લખાણથી તો ચડિયાતી છે. કહે છે કે વિચારો ભાવો વગેરેને બીજા લગી પ્હૉંચાડવા માટેની પાયાની સંક્રમણપદ્ધતિ લખાણ નથી, પણ વાણી છે. કેમ કે લખાણ, વાણીને અનુસરવાનો કૃતક ઇલાજ છે. બોલાયું હોય તેને આ કે તે લિપિમાં 'ચિહ્નિત' કે ‘અંકિત’ કરીએ છીએ, એટલું જ ! લિપિ તો ચિત્રો છે, લીટાળા છે.
મનુષ્ય ધૂળ પર આંગળીથી ચીતરતાં શીખ્યો હશે, પોતાનું બોલ્યું લખતાં પણ શીખ્યો હશે. તાલપત્ર તામ્રપત્ર કે શિલા પર લખવા માંડ્યો હશે. લિપિ નક્કી થઇ હશે. કોઈ કાળે પાઠશાળાઓ શરૂ થઈ હશે. પાટી-પૅણ કાગળ-કલમ શાહી-ઇન્ડિપેન ને પેન્સિલ-રબરની શોધ થઇ હશે. છેલ્લે, ટાઇપરાઇટર શોધાયું ને માણસ ટાઇપ કરતાં શીખ્યો. આજે તો એ કમ્પ્યૂટર પર ઝટપટ ટાઇપિન્ગ કરે છે.
પણ નૉંધો કે આ બધા જ પ્રસંગોમાં એ લ-ખ-તો હતો, લ-ખે છે.
તાત્પર્ય, મનુષ્યવાણી હવે લેખન બની છે. લેખનતન્ત્ર માનવસભ્યતામાં બહુ મોટો પ્રગતિ-પડાવ છે. તેમ છતાં, વાણીના હિમાયતીઓ એ પ્રગતિને શંકાની નજરે જુએ છે. કેમ કે લખાય છે ભાષામાં એટલે બધું logocentric બની જાય છે. ‘લૉગો’ અથવા ‘લૉગોસ’ એટલે વાણી નહીં પણ ચિહ્નો, પ્રતીકો, લિખિત શબ્દો. દેરિદાએ આખી યુરોપીયન સભ્યતાને લૉગોસેન્ટ્રિક કહી છે વૉલ્ટર ઑન્ગ અમેરિકન સંસ્કૃતિને નૉન-ફોનોસેન્ટ્રિક કહે છે.
આમ, મનુષ્ય આજે વાણી અને વાણીના ગુણોની તુલનાએ લેખન અને લેખનની વ્યવસ્થાઓમાં વધારે વ્યસ્ત છે – એ કમ્પૂટર લૅન્ગ્વેજીસ ઘડવા લગી પ્હૉંચી ગયો છે.
માબાપો સન્તાનોને પહેલું તો લખતાં-વાંચતાં શીખવે છે, કક્કો-બારાખડી પહેલી શીખવે છે. માબાપો માને છે કે બેબીને બોલતાં કે બાબાને બોલાયેલું સાંભળતાં નહીં આવડે કે પછીથી આવડશે, તો ચાલશે.
સાહિત્ય પણ લેખન બની ગયું છે. કાવ્યનું કવન, કથાનું કથન કે નાટકનું મંચન થાય એ પહેલાં, એ લખાય છે. સાહિત્યકારો લખ્યે રાખે છે, સાહિત્યને પુસ્તકોમાં બાંધ્યે જાય છે. સાહિત્યકારો લખેલું વાંચે પણ છે.
ખરેખર સાહિત્યકારોએ વધારે ધ્યાન શેના પર આપવું જોઇએ? લેખન પર કે વાણી પર? શેને મુખ્ય ગણવું જોઇએ – લેખનને કે વાણીને?
વિચારીશું.
= = =
(May 8, 2022: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર