Opinion Magazine
Number of visits: 9448941
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મનહરપદ, નર્મદ, અને ગગાભાઈ દીવાન

દીપક મહેતા|Opinion - Literature|11 December 2018

કાળચક્રની ફેરીએ
 

જેહને કૃષ્ણવચન વિશ્વાસ, તેહેને ન રહે યમનો ત્રાસ
વિશ્વેશ્વરનાં વચન વિચારે, વર્તે બારે માસ
વાક્ય વિરુદ્ધ ન બોલે મુખથી, કરે સંતમાં વાસ … જેહને

*

અર્જુન સાથે બોલ્યાં હરિ એમ રે, મિત્ર શુણો વાણી રે;
હું છઉં વ્યાપક અનંત ને અપાર, મૂઢ સકે નહીં જાણી રે
આદિ મધ્ય અંત સૃષ્ટીથી નિર્લેપ રે, શુદ્ધ હું બિરાજું રે;
બ્રહ્માદિક સર્વ દેવ થકી પૂર્વ રે, એક રૂપે છાજું રે

*

ગરબો ગાઈયે તે નિરગુણ નામનો રે લોલ;
જે કોઈ શામ છે અકામ ને સકામનો રે લોલ
આપેં ચૈતન ઘન વ્યાપક અપાર છે રે લોલ;
ચૌદ લોકનો આધાર નિરાધાર છે રે લોલ

*

મધ્યકાલીન જ્ઞાન-ભક્તિ કવિતાની પરંપરાનાં આ અને આવાં બીજાં પદો લખાયાં છે ૧૯મી સદીની પહેલી-બીજી પચ્ચીસીમાં અને પહેલી વાર પુસ્તકરૂપે પ્રગટ થયાં છે ૧૮૬૦માં. પુસ્તકનું નામ મનહરપદ. પણ પદો કરતાં ઘણો વધુ રોચક છે આ પુસ્તકના પ્રકાશનનો ઇતિહાસ, અને રસપ્રદ છે તેના લખનારનું જીવનચિત્ર. આ પદોના રચયિતા છે ભાવનગર પંથકના મનોહરસ્વામી, અને ૧૮૬૦માં આ પુસ્તકની પહેલી આવૃત્તિ પ્રગટ થઇ તેના સંપાદક હતા સુરતવાસી કવિ નર્મદાશંકર લાલશંકર. પણ આ બેનો મેળ કેવી રીતે પડ્યો?

મનોહરસ્વામીનો જન્મ ઈ.સ. ૧૭૮૮માં, અવસાન ૧૮૪૫માં. મૂળે વસાવડના દેસાઈ નાગર, નામે મનોહરદાસ નાનકડા. હતા બુદ્ધિમાન અને વિચક્ષણ. ઘોઘાના સેવકરામ દેસાઈની નજરમાં વસી ગયા અને તેઓ મનોહરદાસને ઘોઘા લાવ્યા. ગૌરીશંકર (ગગા) ઉદયશંકર ઓઝા (૧૮૦૫-૧૮૯૨) પણ એ વખતે ઘોઘા રહેતા. સેવકરામ તે ગગાભાઈના બનેવી. એટલે ગગાભાઈ મનોહરદાસના પરિચયમાં આવ્યા. તેમના જ્ઞાનથી પ્રભાવિત થયા, તેમની પાસે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. મનોહરદાસનાં રચેલાં પદો ગગાભાઈ જીવનના અંત સુધી ગાતા. વખત જતાં મનોહરદાસના મનમાં વૈરાગ્ય જાગ્યો અને તેમણે ૧૮૯૪માં સન્યસ્ત લઇ સચ્ચિદાનંદ બ્રહ્મતીર્થ નામ ધારણ કર્યું. મનોહરપદ ઉપરાંત પુરાતનકથા નામની ગુજરાતી વાર્તા અને વલ્લભમતખંડન નામનો સંસ્કૃત વાદગ્રંથ પણ તેમણે લખ્યાં.  પંદરેક વર્ષની ઉંમરે ગગાભાઈ સેવકરામ સાથે ભાવનગર જઈ રાજ્યની નોકરીમાં જોડાયા અને ધીમે ધીમે આગળ વધતાં ભાવનગર રાજ્યના દીવાન બન્યા. ‘શ્રીમાન ગૌરીશંકર ઉદયશંકર ઓઝા, સી. એસ. આઈ. (સ્વામી શ્રીસચ્ચિદાનંદ સરસ્વતી) એમનું સપત્રચિત્ર જીવનચરિત્ર’ નામે ૭૧૦ પાનાંનું પુસ્તક ૧૯૦૩માં પ્રગટ થયું હતું. તેનાં પહેલાં પાંચ પ્રકરણ મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ લખેલાં. તે પ્રકરણોમાંથી મનોહરદાસ વિષે આટલી માહિતી મળે છે. મણિલાલની નાદુરસ્ત તબિયતને કારણે પછીનાં બધાં પ્રકરણો કૌશિકરામ વિઘ્નહરરામે લખ્યાં અને પુસ્તક તેમને નામે છપાયું.

ગુજરાતી સાહિત્ય પરિષદનું સાતમું અધિવેશન ૧૯૨૪માં ભાવનગર ખાતે મળ્યું હતું. પ્રમુખસ્થાને હતા કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી. તેમણે પોતાના ભાષણમાં મનોહરસ્વામી વિષે ઠીક ઠીક લંબાણથી વાત કરી છે. પણ તેમાં સારા પ્રમાણમાં હકીકતદોષ જોવા મળે છે. તેઓ લખે છે કે મનોહરસ્વામી ગૌરીશંકરભાઈના આશ્રય નીચે આવીને રહ્યા હતા. પણ આગળ જોયું તેમ ગગાભાઈ પંદરેક વર્ષની વયે ઘોઘાથી ભાવનગર ગયા તે પહેલાં જ મનોહરદાસ ઘોઘા જઈ વસ્યા હતા. ઉત્તરાવસ્થામાં ગગાભાઈએ સન્યસ્ત ધારણ કર્યું હતું. કમળાશંકર લખે છે કે મનોહરદાસે ગગાભાઈને દીક્ષા આપી હતી. પણ આ શક્ય જ નથી કારણ મનોહરદાસનું અવસાન ૧૮૪૫માં થયું હતું, જ્યારે ગગાભાઈએ સન્યસ્ત લીધું ૧૮૮૬ના જુલાઈની ૧૨મી તારીખે. તેમને દીક્ષા આપી હતી ગુરુ ગોવિન્દાનંદ સરસ્વતીએ.

જ્યારે નર્મદે આલેખેલું મનોહરસ્વામીનું ચિત્ર સાવ જૂદું છે. ૧૮૬૫માં પ્રગટ થયેલ પુસ્તક કવિચરિતમાં તેણે મનોહરસ્વામી વિષે લખ્યું છે. ૧૮૫૯માં પોતે ભાવનગર ગયો હતો ત્યારે ત્યાં ‘માહારી ન્યાતના લોકને મોહોડેથી સાંભળ્યા ઉપરથી આ ચરિત્ર ઉપજાવ્યું છે’ એમ નર્મદ લખે છે. (આરંભના પદ્યમાં તથા અવતરણ ચિહ્નોમાં બધે જોડણી મૂળ પ્રમાણે.) ‘એ એટલો તો મેલો રહેતો કે એની પાસે તો શું પણ એનાથી ચાર ડગલાં દૂર ઊભા હોઈએ તો પણ તેના શરીરમાંથી દુર્ગંધી આવ્યાવના રેહેતી નહિ. જેવો તે મેલો હતો તેવો તે લુચ્ચાઈ દોન્ગાઈમાં, અને સન્યાસ લીધા પછી શિષ્યાનીઓનો વધારે સહવાસ રાખવામાં બહુ હોશિયાર હતો.’ તે બનાવટી દસ્તાવેજો, સહીસિક્કા કરવામાં પાવરધો હતો તેમ પણ નર્મદ લખે છે. એક વખત ૨૦૦૦ રૂપિયા માટે તેણે આવો દસ્તાવેજ બનાવ્યો હતો, પણ પછી એ રકમ ન મળતાં સુરતના સેશન્સ જજ જોન્સ પાસે જઈ તેણે પોતાનો ગૂનો કબૂલ કર્યો હતો અને સજાની માગણી કરી હતી. એટલું જ નહિ એ જજની નજર સામે એક બનાવટી દસ્તાવેજ તૈયાર કરી બતાવ્યો હતો. પણ સજાની માગણી જજે સ્વીકારી નહોતી કારણ અગાઉના ગૂનામાં પોતે સંડોવાયેલો હતો તેમ મનોહરસ્વામી પુરવાર કરી શક્યો નથી એમ જજનું માનવું હતું. આ ઉપરાંત મનોહરસ્વામીએ રચેલાં પુસ્તકોની યાદી પણ નર્મદે આપી છે જેમાં ગીતાની પદબોધીની ટીકા, રામગીતા ઉપરની ટીકા, વલ્લભમતખંડન, સનતસુજાતાખ્યાન, પુરાતન કથા, નિત્યકર્મ અને ગુજરાતી વ્યાકરણ જેવાં પુસ્તકોનો સમાવેશ થાય છે.

૧૮૫૯માં પોતે ભાવનગર ગયો હતો તેમ નર્મદે જણાવ્યું છે. એ મુલાકાત અંગે ‘મારી હકીકત’માં તેણે વિગતે લખ્યું છે. આ મુલાકાત દરમ્યાન તે મનોહરપદના પ્રકાશન સાથે સંકળાયો હતો. એક ન્યાતીલા અને જાણીતા લેખક તરીકે દીવાન ગગાભાઈએ નર્મદને ઘરે જમવાનું આમંત્રણ આપ્યું. તેની જવાની ઈચ્છા નહોતી પણ પછી એક મિત્રની સલાહ માની નર્મદ ગગાભાઈને ત્યાં જમવા ગયો. આ અંગે નર્મદ લખે છે: “હું ધારતો તેટલી ઉલટથી તેઓએ મારો સ્વીકાર કર્યો નહોતો, પણ પોતે મોટે દરજ્જે હોય અને હું ઉતરતે દરજ્જે હોઉં એ પ્રમાણે.” આ મુલાકાત વખતે નર્મદની ઉંમર ૨૬ વર્ષની, ગગાભાઈની ૫૪ વર્ષની. વળી ભાવનગર રાજ્યના સર્વસત્તાધીશ દીવાન. એટલે તેઓ મુરબ્બીવટથી, કૈંક ટાઢાશથી વર્ત્યા હોય તો તે સમજી શકાય. તો બીજી બાજુ કવિરાજ તરીકે સન્માન-પ્રશંસાથી નર્મદ ટેવાયેલો. તેને મુરબ્બીવટ અને ટાઢાશ ખટક્યાં હોય તો તે પણ સમજી શકાય. ખેર, આ મુલાકાત વખતે ગગાભાઈએ પોતાની પાસેની મનહરપદની હસ્તપ્રત નર્મદને આપી અને તે છપાવવાની વ્યવસ્થા કરવા જણાવ્યું. એ અંગે જે ખર્ચ થાય તે હું આપીશ એમ પણ ગગાભાઈએ કહ્યું. એટલે તે હસ્તપ્રત લીધા વિના નર્મદનો છૂટકો નહોતો.

ભાવનગરથી પાછા ફર્યા બાદ નર્મદે શું કર્યું? તેણે પોતે લખ્યું છે તેમ પોતાના કારકૂન પાસે છાપવા જેવાં પદ જુદાં પડાવીને છપાવ્યાં. હસ્તપ્રતમાં ગુજરાતી તેમ જ હિન્દી પદો દેવનાગરી લિપિમાં અને પંક્તિઓ છૂટી પાડ્યા વિના લખેલાં હતાં. નર્મદે ન તો લિપિ બદલાવી, ન તો પંક્તિઓ છૂટી પાડી. જેમ હતાં તેમ જ છપાવ્યાં. માત્ર બાર લીટીની પ્રસ્તાવના પોતાના તરફથી ઉમેરી. ત્યાર બાદ છાપેલાં શીટ (પ્રૂફ શીટ નહિ) તેણે ગગાભાઈને મોકલ્યાં અને સાથે ખર્ચના ૩૦૦ રૂપિયા મોકલવા જણાવ્યું. ઉમેર્યું: “હૂંડી મોકલજો કે છાપનારને આપું ને થોડી કિમતે વેચી તેનો નફો મારી મેહેનતમાં લઉં.” જવાબમાં ગગાભાઈએ લખ્યું કે ચોપડીમાં ‘અશુધ્ધિઓ’ રહી ગઈ છે. જવાબમાં નર્મદ શું લખે છે? “પ્હેલી આવૃત્તિમાં એમજ હોય – બીજીમાં શુદ્ધ થશે.’ (પોતાનાં પુસ્તકો માટે નર્મદ આ ધોરણ સ્વીકારે ખરો?) નર્મદે માની લીધું કે ગગાભાઈ નારાજ થયા છે એટલે ૩૦૦ રૂપિયા નહિ મોકલે. એટલે તેણે ગાંઠના પૈસા આપીને પુસ્તકની ૫૦૦ નકલ છપાવી અને ઉપર પ્રકાશક તરીકે પોતાનું નામ છપાવ્યું. કિંમત રાખી બે રૂપિયા. પણ થોડા દિવસ પછી ગગાભાઈએ પૂરેપૂરી રકમ મોકલી આપી. તે રાખવા નર્મદ રાજી નહોતો પણ પિતાના આગ્રહને કારણે પૈસા રાખી લીધા. પણ પછી ‘રીસમાં સઘળી જ ચોપડીઓ ભાવનગર મોકલી દેવાને મ્હેરવાનજી ભાવનગરીને ત્યાં મોકલી દીધી.’

નર્મદના સંપાદનથી ગગાભાઈને સંતોષ થયો નહોતો એટલે તેમણે ‘મનહરપદ’નું કામ ફરી ભવાનીશંકર નરોત્તમ દ્વિવેદીને સોંપ્યું. ભાવનગરના મહારાજાના આદેશથી તેનું પ્રકાશન રાજ્યને ખર્ચે થયું હતું. ૧૮૮૬માં નર્મદનું અવસાન થયું તે પછી, ૧૮૮૭માં તેનું પ્રકાશન થયું. એ વખતે ગગાભાઈ દીવાનપદેથી નિવૃત્ત થઇ ગયા હતા. પણ નર્મદની જેમ જ ન તો ભવાનીશંકરે લિપિ બદલી, કે ન તો પંક્તિઓ છૂટી પાડી. આ ઉપરાંત ‘બૃહત્ કાવ્યદોહન’ના ત્રીજા ભાગમાં પણ મનહરપદ સંકલિત થયાં છે અને સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયે પણ ‘અખાની વાણી અને મનહરપદ’માં તેનું સંકલન કર્યું હતું.

પણ મનહરપદની સૌથી વધુ પ્રમાણભૂત, સંશોધિત, સંપાદિત આવૃત્તિ મળી તે તો છેક ૨૦૦૭માં. આપણા ધુરંધર સંશોધક, સંપાદક, વિવેચક રમેશ મ. શુક્લે તૈયાર કરેલી આ આવૃત્તિ નર્મદનું સમગ્ર સાહિત્ય (અનુવાદો અને સંપાદનો સહિત) સંશોધિત રૂપે પ્રગટ કરવાના તેમના અત્યંત આદરપાત્ર પ્રકલ્પના ભાગ રૂપે સૂરતના ચૂનીલાલ ગાંધી વિદ્યાભવને પ્રગટ કરી. તેમાં ગુજરાતી પદો ગુજરાતી લિપિમાં અને પંક્તિઓ છૂટી પાડીને છાપ્યાં છે. પાઠમાંની અશુધ્ધિઓ દૂર કરી છે, ઉપયોગી પ્રસ્તાવના ઉમેરી છે અને મનોહરસ્વામી વિશેનાં નર્મદ તથા કમળાશંકરના લખાણો પણ સમાવ્યાં છે. માત્ર ગગાભાઈના જીવનચરિત્રમાંની વિગતો સમાવવાનું બન્યું નથી. પૂંઠા ઉપર અને ટાઈટલ પેજ ઉપર પણ તેમણે સંપાદક તરીકે નર્મદનું, અને શુદ્ધિકરણ કરનાર તરીકે ભવાનીશંકરનું નામ છાપ્યું છે. સંશોધન કરનાર તરીકે પોતાનું નામ છેલ્લે છાપ્યું છે. એટલે મનોહરસ્વામીને અને ગગાભાઈને સાચા અર્થમાં સંશોધક-સંપાદક મળ્યો તે છેક ૨૦૦૭માં. આ લેખ લખાઈ ગયા પછી સાવ અણધારી રીતે મનહરપદની હસ્તપ્રત મુંબઈના એક પુસ્તકાલયમાં જોવા મળી. લેખને મથાળે તેનું પહેલું પાનું મૂક્યું છે. 

XXX XXX XXX

Flat No. 2, Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (E), Mumbai 400 051

Email: deepakbmehta@gmail.com

Loading

11 December 2018 admin
← મારી માનો વાંક
કૉન્ગ્રેસ માટે નથી ઢાળ કે નથી કપરાં ચઢાણ →

Search by

Opinion

  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved