સાર્થકે માતા-પિતાની ઇચ્છા વિરુદ્ધ જઈને અન્વેષા સાથે આર્ય સમાજમાં લગ્ન કર્યા ત્યારે, સૂર્યકાંતભાઈ અને નીલમબહેન પાસે અન્વેષાને આવકારવા સિવાય કોઈ રસ્તો નહોતો. એકના એક દીકરાએ આપેલા આઘાતથી તેમનું મન સાવ ઠીંગરાઈ ગયું હતું. નીલમને તો જાણે છાતી પર પથ્થર પડ્યો હોય એમ અન્વેષાની હાજરી પજવતી. અન્વેષા, એમનાથી ઉતરતી સોની જ્ઞાતિની, વળી સાર્થક કરતાં દેખાવે ય ઠીક-ઠાક! એટલે પોતાનો દીકરો છીનવાઈ ગયો હોય એવી લાગણીથી તેઓ દુભાયેલા-દુભાયેલા ફરતા.
સૂર્યકાંત શરૂઆતમાં અફસોસ કરતા; આ એમના પરિવાર સાથે બન્યું? .. સૂર્યકાંત ગૌરીશંકર યાજ્ઞિકનો વંશજ સોનારણને પરણે! એ કંઈ બોલતા નહોતા. એક અજંપો ઘરની દીવાલો વચ્ચે પવનની જેમ વાતો રહેતો.
સાસુ-સસરાના અતડા અને રૂક્ષ વ્યવહારથી ઓછું આવતું છતાં, અન્વેષા બંનેની જરૂરિયાતો, ખાનપાન અને દવાઓ વિશે સાર્થકને પૂછી પૂછીને સઘળું સાચવી લેવાના પ્રયત્નો કરતી.
સૂર્યકાંત રોજની જેમ અખબાર ખોલી મોં અક્ષરો વચ્ચે ઢાંકી દે. છતાં, એ અક્ષરો ક્યારે નીલમબહેનના મોંમાં જઇ બેસશે એની દહેશત રહે છે. નીલમબહેને રસોડામાં જવાનું છોડી દીધું છે. એ સવારે દોઢેક કલાક પૂજા કરે, પછી મંદિર. બપોરે જમીને સીવણ ક્લાસમાં જાય છે, અને સાંજે પતિ સાથે ચાલવા જવાનો નિયમિત ઉપક્રમ.
અન્વેષા એમ.કોમ. થયેલી છે. એ ‘અરિહંત ઈન્વેસ્ટમેન્ટ’માં ફુલટાઈમ કામ કરતી હતી. લગ્ન પછી બપોરે થોડા કલાકો જ કામે જાય છે. એ નોકરીએ જાય ત્યારે, નીલમબહેન સીવણના વર્ગમાં હોય, સાર્થક નોકરીએ એટલે મોટા ભાગે બપોરનો સમય સૂર્યકાંત વાંચવામાં કે એમના મિત્ર મનોજ સાથે ગાળતા.
મનોજે નોંધ્યું છે કે સૂર્યકાંતના સ્વભાવમાં ચીડિયાપણું આવી ગયું છે. નાની વાતમાં મોં ફુલાવી લે, કે ઊભા થઈ આંટા મારે. એમણે બે-ત્રણ વખત પૂછ્યું, “સૂર્યકાંત, તું હમણાંથી બહુ બેચેન રહે છે, દોસ્ત?”
“ના ના, એવું કશું નથી.”
“તારે ન કહેવું હોય તો તારી મરજી. પણ તારા મનમાં કશોક અસંતોષ કે દુભામણ છે.” એમણે સૂય્યકાંતના ખભે હાથ મૂકતાં કહ્યું હતું.
“હવે તો સાર્થકને પ્રમોશન મળ્યું છે અને અમારી વહુ પણ કમાય છે.” સૂર્યકાંતે મલકાવા જેવું કર્યું.
મનોજે હળવાશથી કહ્યું “સંપત્તિથી સુખ આવતું હોય તો શું જોઈએ? ભલે. તું જ્યારે ઇચ્છે ત્યારે મારી સાથે હળવો થઈ શકે છે.”
“ચોક્કસ.” કહેતાં, સૂર્યકાંતે મનોજ સામે સંતોષભરી નજરે જોયું હતું. જો કે થોડીવાર પછી એ ઘેર જવા નીકળ્યા ત્યારે ગઈ સાંજનું દૃશ્ય આંખ સામે તરવર્યું : રાત્રે જમતી વખતે નીલમે મોંમાં કોળિયો મૂક્યો અને સૂર્યકાંત સામે જોયું,
“મેડમ દાળમાં મીઠું નાખવાનું ભૂલી ગયા લાગે છે.”
રસોડામાં ગરમ રોટલી ઉથલાવતી અન્વેષાએ એ સાંભળ્યું. એને બરાબર યાદ હતું કે એણે મીઠું નાખ્યું છે. તે છતાં, એ મીઠાની શીશી મૂકી, ગરમ રોટલી પીરસી પાછી વળી. ત્યાં નીલમબહેન બોલ્યાં : “ભાત ઠંડો થઈ ગયો છે.” અન્વેષાએ કહ્યું, “લાવો, હું ગરમ કરી આપું.”
“ના રે, ના. ગરમ કરવાથી સ્વાદ ઓછો બદલાશે?” એમનો સ્વર શાંત હતો, પણ એમાં ઉપાલંભનો ખારો સ્વાદ છુપાયેલો હતો.
રાત્રે, અન્વેષાએ પતિને પૂછ્યું, “દાળમાં મીઠું ઓછું હતું?”
સાર્થક કહે, “ના. કેમ?”
“આન્ટીને ઓછું લાગ્યું.” કહી અન્વેષા સ્હેજ નિરાશ સ્વરે બોલી, “હું શું કરું? નથી એમને મનાવી શકતી કે નથી ….” એનો અવાજ ઓઝપાઈ ગયો.
“મા … એવી જ છે, અન્વેષા! તું એની સાથે જે સલુકાઇથી વર્તે છે, એનું પરિણામ મળશે જ.” “પણ ક્યારે?” સાર્થકે એની તરફ જોયું. આંખોમાં સંવેદના હતી, પણ જવાબ નહોતો.
* * *
અન્વેષાની નાની-નાની ભૂલો શોધી, સૂર્યકાંત જોડે ચર્ચવાનો ચસકો પડી ગયો હોય એમ, નીલમ મલાવી-મલાવીને પતિ આગળ વહુ-પારાયણ ખોલતી. એ સતત અન્વેષા પર નજર રાખી, મૂલવતી રહે છે. અન્વેષા કચરો વાળતી હોય, ત્યારે કયો ખૂણો છૂટી જાય છે એની તાકમાં રહે. બારી બહારની પટ્ટી પર આંગળી ફેરવી, ચોંટેલી ધૂળ પતિને દેખાડતા, વહુની લાપરવાહી સાબિત કરવા મથતી.
અન્વેષાના આવ્યા પછી, એમણે ઘરમાં બબ્બે સ્ત્રીઓ હોય પછી નકામો ખર્ચો શું કામ? એમ કહી કમળાબહેનને ઘરકામ માટે આવવાની ના પાડી દીધી હતી. અન્વેષાએ પોતું કર્યું હોય તો નર્યા ભીના પોતાથી આરસમાં કેવા ઓઘરાળા ઉઠ્યા!-ની ફરિયાદ : ટોયલેટનું મરઘો પીળો પડતો જાય છે …. ઘણીવાર અન્વેષા દૂધનો ઊભરો જોઈ વિચારતી, ‘મારી અંદર પણ આવું જ ઉકળે છે, પણ બોલી શકતી નથી.’
હા, એ સાર્થક સાથે ઘણીવાર ગુસ્સે થઈ જતી. એક વાર અકળાઇને બોલી,
“ઘણીવાર મને એવું થાય છે આપણા કુટુંબમાં હું આઉટસાઈડર છું! તને પરણીને હું ન રહી, ઘરની કે ન ઘાટની!”
“આવું શું બોલે છે?” સાર્થકે હળવેથી એનો હાથ પકડ્યો.
અન્વેષાએ એનો હાથ ઝટકાવી નાંખ્યો, “જો, મારાં મમ્મી-પપ્પા તો મારી સાથે સંબંધ નથી રાખતા, અને તારી મમ્મી જુદી જ માટીના ઘડાયેલાં … બેઉ, હજી મારે માટે અંકલ-આંટી જ છે.” બોલતાં, અન્વેષાની આંખો ડબડબ થઈ, ગળામાં ડૂમો આવી ગયો.
સાર્થકનો સ્પર્શ કે સ્નેહથી બોલાતા શબ્દો, એની અંદરની પીડા આગળ નિરર્થક બની રહેતા અનુભવાય છે. ઘણીવાર અન્વેષા એનાં મમ્મી-પપ્પાના ફોટો જોઈ આંસુ સારતી. છતે પરિવારે એ સાવ અનાથ છે. એની ભીની આંખો અને અચકાતો શ્વાસ સાર્થકથી વેઠાતા નહોતા. એણે મનોમન ઘણીવાર વિચાર્યું છે – માતા-પિતાથી અલગ થઈ જવું. પણ મમ્મીનો ચહેરો આંખ સામે આવતા નિર્ણય પાછો પડી જાય છે. અભાવની લાગણી અનુભવતી પત્નીને જાળવી શકવાની અસમર્થતા સામે સતત લડતા રહેવું પડે છે.
એકવાર સૂર્યકાંતે અન્વેષાનો ભીનો ચહેરો જોયો ત્યારે એમના હૃદયમાં કંપારી જેવું અનુભવાયું હતું. એમણે નીલમને કહ્યું, “જો તો, આ છોકરી રડતી હતી કે શું?” નીલમબહેને સ્હેજ વિચાર કરીને કહ્યું, “એના મમ્મી-પપ્પાની યાદ આવતી હશે. કોઈ આટલું નઠોર કઈ રીતે થઈ શકતુ હશે?”
“આ તું પૂછે છે?”
સૂર્યકાંતનો સવાલ સાંભળી નીલમ કોઈ અજાણ્યાને જોતી હોય એમ પતિ સામે જોઈ રહી.
* * *
નીલમના નિયમો અને અન્વેષાનું અશબ્દ રડવું સૂર્યકાંતથી સહન થતું નહોતું. પત્નીને સમજાવવાના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા પછી એટલું સમજાયું હતું કે કોઈ ચમત્કાર જ એમના પરિવારને તૂટતો બચાવી શકશે. ગેરસમજણો અને પૂર્વગ્રહથી પ્રેરિત વિચારસરણી કેમ બદલવી?
હજી ચાર દિવસ પહેલાં, નીલમ મંદિરેથી આવતી હતી. અન્વેષા બારીએ ઊભી હતી, ત્યાં ધબાકો સંભળાયો. એ તરત દોડી. જઈને જુએ તો નીલમબહેન આંગણામાં લપસી પડ્યાં હતાં. એણે ઝડપથી ટેકો દઈ બેસાડ્યાં. તરત રિક્ષા બોલાવીને એમને દવાખાને લઈ ગઈ. રસ્તામાં સતત પૂછતી રહી, “તમે ઓલરાઈટ છો ને, આન્ટી? ક્યાં વાગ્યું છે? લોહી તો નથી નીકળતું ને?” -ના સવાલો પૂછતી રહી.
ડૉક્ટરે ચકાસણી કરી સ્મિત સાથે કહ્યું, “કંઈ ગંભીર નથી. થોડો સોજો છે. બરફ લગાવજો. બહુ દુ:ખે તો ગોળી લખી આપું છું, એ આપજો.” પછી નીલમ સામે જોઈ કહે, “વહુરાણીના રાજમાં બે દિવસ સંપૂર્ણ આરામ. શું સમજ્યા?” ત્યારે નીલમબહેનની આંખો સૂર્યકાંતને શોધતી હતી. સાર્થકના પગલાં સાંભળવા કાન તત્પર હતા.
ત્યાં અન્વેષાએ હળવેથી કહ્યું, “ચાલો ઘરે જઈએ. તમારાથી પગથિયું ઉતરાશે ને?”
નીલમ ચૂપ રહી, પછી સહેજ અકળાઈને બોલી, “તને કશી સમજણ પડતી નથી! આવું થાય ત્યારે તરત ઘરના માણસને બોલાવવા જોઈએ! આટલું નથી શીખવાડ્યું તારા મા-બાપે?”
“પણ આંટી, કશી જરૂર નથી. પછી નકામી બધાને ચિંતા કરાવવાની?” સાંભળી, નીલમ કશું બોલી નહીં. રિક્ષાના સળિયે અથડાતા વરસાદના ટીપાં લૂછતી હોય એમ, આંગળીઓ ફેરવતી રહી.
સૂર્યકાંતે અન્વેષાએ બરાબર કર્યું એમ સમજાવવાનો પ્રયત્ન કર્યો. એટલે નીલમ કર્કશ સ્વરે બોલી ઊઠી, “તમે તો હું મરું એમાં જ રાજી છો ને? ના દેખવું, ના દાઝવું!”
બે દિવસ પછી, સૂર્યકાંતે મનોજ સાથે ઘરની સ્થિતિની ચર્ચા છેડી. છેલ્લે કહ્યું, “દોસ્ત, ઘરમાં બધું શાંત છે, પણ એ શાંતિ ક્યારેક કાન ફાડી નાખે છે.”
મનોજે પૂછ્યું, “અન્વેષા કેવી છે?” સૂર્યકાંતના ચહેરા પર કંઈક હલનચલન થયું. પછી સહેજ અભિમાનથી કહે, “મારા દીકરાની પસંદ છે.”
“તો વાંધો શું છે?”
“એ શોધવાનું છે. હું તો નીલમને કહું છું, જેવી છે એવી, ભલે, મીઠું ઓછું નાખતી હોય, પણ આપણી વહુ છે. એ ઘરમાં છે, એટલે ઘર છે. પણ નીલમમાતાને તો તું ઓળખે છે. સીંદરીનો વળ કેમ ઉકેલવો?”
મનોજે કશોક નિર્ણય કરતા કહ્યું, “સાંભળ, અમે લોકો આવતા અઠવાડિયે સહ-પરિવાર ચાર દિવસ માટે એક ફાર્મહાઉસમાં રહેવા જઈએ છીએ. તું અને ભાભી જોડાઈ જાવ. વાતાવરણ બદલાશે તો મન પણ બદલાશે.”
ઘેર આવી નીલમને વાત કરી ત્યારે એણે ‘હા.’ પાડી પણ મનમાં વિચારી રહી હતી, ‘અમે જઈશું તો વહુરાણીને જલસો પડી જશે. વળી મારા દીકરાને સોનું … શું ય ચડાવશે?’
શહેરથી ખાસ્સે દૂર આવેલું ફાર્મહાઉસ બહુ જ સુંદર હતું. ધુમ્મસી સવારના વાતાવરણમાં કોઈ સ્વપ્નમાંથી ઉતરતું હોય એમ કળાતું. આંગણામાં ખીલેલાં ગુલાબ અને બારમાસી સાથે, ભોંય પર પથરાયેલાં પારિજાતની ચાદરનો રંગ ઊકલે એ પહેલાં પ્રસરેલી સુગંધથી ફેફસાં મધમધી ઊઠતાં. તરો-તાજા મન નાળિયેરી પર ઠરે ન ઠરે ત્યાં, એની પછીતે વંડી પર ફાલેલાં અપરાજિતાનાં નીલા-આકાશી ફૂલો. એનું ઈજન નીલમને મન, પ્રકૃતિના આશિષ સમું. દૂર-દૂર સુધી ફેલાયેલી હરિયાળી, આમ્રકુંજમાં રમતો પક્ષીઓનો કલરવ, અને પવનમાં ઝૂમતા ઘાસ તરફ દોટ મૂકવા એ થનગની ઊઠી.
સૂર્યકાંત અને મનોજને થયું, સારું થયું નીલમ અહીં આવી. સૂર્યકાંત ચાની ચુસકી સાથે બેઠા હોય, મનોજ અને રશ્મિ, એમના પુત્ર વિવાન અને પુત્રવધૂ ઈશિતા સાથે કશીક હળવી ગપસપ કરતા હોય.
એ વાતાવરણમાં મનોજ અને ઈશિતાની મીઠી રકઝક નવા જ રંગો ભરે.
બપોરે ઈશિતા ચામાં ખાંડ નાખવી ભૂલી ગઈ હતી. મનોજે ઘૂંટડો ભરતાં જ કહ્યું,
“રશ્મિ, તારી ઈશિતા મારી બહુ કાળજી લેનારી.”
“કેમ ભાઈ? “
“જો ને, મને ક્યાંક ડાયાબિટીસ થઈ જશે એવી બીકથી ચા પણ ખાંડ વગરની પીવડાવે છે!” ઈશિતા મલકાતા મોંએ ભૂલ કબૂલતી નજરે, ચા કપ પાછો લેવા હાથ લંબાવે, ત્યારે મનોજ,
“ના, મોળી ચાનો સ્વાદ ગમે એવો છે,” કહી નીલમ સામે જુએ છે.
બપોરે ઇશિતા પૂછતી હતી, “ભરેલા ભીંડાનું શાક બનાવું, પપ્પા?”
સૂર્યકાંત સામે જોઈ મનોજ ઉમેરે, “આ મારી દીકરી! ભરેલા ભીંડા એના પ્રિય છે, પણ શાક બનાવશે મારે નામે ખતવીને!”
પ્રકૃતિના ખોળે આવા હળવા, મજાક-મસ્તી, લાગણીભર્યા સંવાદોથી ભરપૂર દિવસો ક્યારે પૂરા થઈ ગયા એ ખબર ન પડી.
નીલમ અને સૂર્યકાંત ઘેર આવતા હતાં ત્યારે બંને ચૂપચાપ મનોજની કુટુંબને સાચવી લેવાની કુશળતાનો વિચાર કરતાં હતાં. પહેલીવાર નીલમને એના બાપુજી યાદ આવ્યા. એ મનોજભાઈ જેવા જ હતા. એક ઘરમાં ત્રણ ભાઇઓનો પરિવાર કેવો હળીમળીને રહેતો!
અચાનક અન્વેષાની ગભરુ નજર યાદ આવી ગઈ.
સૂર્યકાંતે પૂછ્યું, “શું થયું? આ મોં કેમ પડી ગયું તમારું?” નીલમ કશો જવાબ ના આપી શકી.
* * *
સાર્થકે પૂછ્યું, “પપ્પા, આપણે અન્વેષાનો જન્મદિવસ ઉજવીએ?”
“કેમ નહિ બેટા, સરપ્રાઈઝ આપીએ. સરસ રેસ્ટોરન્ટમાં જઈએ.”
“ના, એ નહિ માને. હા … મંદિરને બહાને હું એને બહાર લઈ જાઉં ત્યારે કેક લાવી, થોડી સજાવટ કરીશું. હું એની વ્યવસ્થા કરી દઈશ.”
“શું કામ? અમે છીએ ને? અમે સજાવીશું, કેમ નીલમ?”
નીલમ ચૂપ રહી, પણ એના મૌનમાં સહમતિ જોઈ, સાર્થકની પાંપણો ભીની થતી રહી ગઈ.
નીલમે અન્વેષાને જન્મદિવસ નિમિત્તે સોનાનો દાગીનો આપવાનું સૂચવ્યું ત્યારે, સૂર્યકાંતના મનમાં કોઈ અનોખી ભેટ આપવાનો વિચાર હતો. એના જન્મદિવસની આગલી સાંજે એમણે વેવાઈને ફોન જોડ્યો. એક વાર ફોન કપાયા પછી, થોડી તંગ વાતો, માફી અને ખાસ્સી વિનવણી પછી, પ્રકાશભાઈ એટલું બોલ્યા, “અમે નહીં આવી શકીએ. પણ એને મન હોય તો છો આવતી, આશીર્વાદ લેવા.”
જન્મદિવસની સવારે અન્વેષા એમને પગે લાગી ત્યારે સૂર્યકાંતે એના માથે હાથ ફેરવી આશિષ આપી પૂછ્યું,
“તું મારી સાથે બહાર આવીશ?”
“ક્યાં? મંદિરે જવું છે, અંકલ?”
“હા, મંદિર જ. તું તૈયાર હોય તો નીકળીએ.” ત્યાં નીલમબહેને કહ્યું, “હું આવું છું, સાથે.”
અન્વેષા પોતાના પિયર તરફના રસ્તો જોઈને ચમકી, પરિચિત મકાનો, વૃક્ષો જોવામાં કશું બોલી નહીં.
દરવાજે ખોડાયેલી ઇન્દુની નજર પ્રકાશને પમાય છે, પણ પેલું પુરુષપણું નજર ને કાયા રોકી રાખે છે. ત્યાં બહારથી કારનું બારણું બંધ થવાના અવાજે ચોંકેલી ઇન્દુ દરવાજો ખોલવા હાથ લંબાવે છે. સામે, અન્વેષા ઊભી છે. નાની હતી ત્યારે કહ્યા વગર રમવા જતી રહે કે બહેનપણીના ઘેરથી મોડી આવે ત્યારે ડરતી, કંપતી, નીચી નજરે ઊભી રહેતી એમ. ક્ષણ માટે હવા થંભી જાય છે, જાણે સમય પસાર થયો જ નહોતો. અનુ … આંખ સામે છે … એની ભીનો, ડૂબડૂબ ચહેરો જોતાં જ ઇન્દુની આંખોમાંથી વર્ષોનું રુદન ધારાબદ્ધ થઈને વહેવા લાગ્યું. તેના હોઠ, શરીર થરથરતું હતું. એ અન્વેષાને ભેટી પડી, તેની આંગળીઓ અન્વેષાની પીઠ પર ફરતી હતી. છાતીએ વળગેલો ડૂમો ઓગળતો નથી. સહેજ દૂર, પ્રકાશ હજી એમ જ ઊભો હતો, આગળ જવા, દોડવા ઉપડેલા પગને બાંધીને. તેનો ચહેરો વણઓળખાયેલા દૃશ્ય જેવો લાગે છે. આંખોના ખૂણે અટકેલાં આંસુઓની કિનારમાં દીકરી સહેજ ઝાંખી કળાય છે. અન્વેષા ધીરેથી પિતા પાસે આવી. પેલી તોફાની છોકરી જે એના વાળ ફેંદી નાંખતી .. એના ખભે લટકતી, એનો કોળિયો પોતાના મોંમાં સેરવી લેતી, એ અચાનક રૂમમાંથી બહાર આવીને ઊભી રહી ગઈ, સામોસામ! અન્વેષા નમીને તેને પગે લાગી. દીકરી આખું અસ્તિત્વ ઓગાળી પગમાં મૂકતી હોય એમ અનુભવાયું. એક પળમાં પેલો ગુસ્સો, અહં, જીદ વહી ચાલ્યાં. એની હથેળી ધીમેથી અન્વેષાના માથે સ્પર્શી. તેનો હાથ કંપતો હતો. કંપતા હાથે દીકરીને ઊભી કરી, ગળે વળગાડે ન વળગાડે ત્યાં આંખો વરસી પડી. અન્વેષા બોલી, “પપ્પા … પપ્પા …” સાંભળી, સાવ ડૂમાયેલા અવાજે એટલું જ બોલાયું, “બેટા …..” બાકીના શબ્દો આંસુમાં ડૂબતી તરતી આંખો ઓથે અટકેલાં રહ્યાં.
સહસા ઇન્દુબહેનને ખ્યાલ આવ્યો, વેવાઈ-વેવાણ દરવાજે ઊભાં છે. દુપટ્ટાથી આંખો-ચહેરો લુછતાં કહ્યું, “આવો ને, અંદર આવો.”
રાત્રે ઊંઘ આવતી નથી. સૂર્યકાંત બાજુમાં સૂઈ ગયા હતા. રૂમમાં પંખાનો ધીમો, સતત અવાજ ફરતો હતો. આંખ સામેથી અન્વેષાનો એ ચહેરો ખસતો નહોતો. પ્રકાશભાઈને ઘેરથી નીકળ્યા ત્યારે અનાયાસે એમનો હાથ પકડી, અન્વેષાએ એમની સામે જોયું હતું. ઓશીંગણ ભાવથી ય વિશેષ શું હતું એ ચહેરા પર? એ પળે, સાથે હોવાના રંજનું સ્થાન હુંફે લઈ લીધું હતું કે શું?
સૂર્યકાંત સામે જોયું. નિરાંતે નસકોરા બોલાવતા પતિએ કહેલું વેણ યાદ આવ્યું, ‘અળખામણી વહુ પર વ્હાલ ન ઉપજે, એ સમજાય છે. પણ તમે સ્નેહવશ, સીવણ ક્લાસમાં પારકી દીકરીઓનો સ્વીકાર કરો છો એ નથી સમજાતું, નીલમ.’
સૂર્યકાંતને નીલમના મનનો દ્વેષ અને માનસ સમજાય છે, પણ એને ઓછું કરવાની કે સુધારવાની કળ જડતી નથી, વળી આ ઉંમરે જોહુકમી કરવી ગમતી નથી.
જો કે, એમણે નોંધ્યું છે, નીલમ હવે રસોડામાં જતી હોય છે. અન્વેષાને શીખવતી નથી, પણ “હું મસાલો કરું છું, તું જો.” કહીને આડકતરો શિક્ષક-ધર્મ નિભાવી લે છે. સહિયારા કામોથી સ્નેહ વધે કે ન વધે, પણ સાસુ-વહુ વચ્ચે સમજણ વિકસે છે.
અન્વેષા પરણીને આવ્યાં પછી પહેલી વાર નીલમે જોયું, એ ઘરેણાં પહેરતી નથી. એમનાથી બોલાઈ ગયું, “સાવ કોરું ગળું ન રાખીએ. મંગળસૂત્ર ક્યાં ગયું?”
અન્વેષાની નજર નમી ગઈ. ‘આ નીલમ આંટી છે?’
જો કે, બન્ને વચ્ચે સંવાદનો અભાવ હતો પણ, સાંજે નીલમની સોયમાં દોરો પરોવવાની મથામણ જોઈ અન્વેષાએ નક્કી કર્યું, કાલે એ આંટીને ડૉ. બકુલભાઈ પાસે લઈ જઈ આંખોની તપાસ કરાવી આવશે.
એમ જ થયું.
“સોનેરી ફ્રેમના ચશ્માંમાં નીલમ શોભે છે ને, સાર્થક?” સૂર્યકાંતના સવાલના જવાબમાં સાર્થક જોડે અન્વેષાએ પણ માથું હલાવતાં હામી ભરી હતી.
* * *
એક સવારે અન્વેષા ઊઠી નહીં, એટલે નીલમને ચિંતા થઈ. ત્યાં કોઈ ઓકતું હોવાનો અવાજ સંભળાયો. સાર્થક બાથરૂમના દરવાજે ઊભો હતો. “કોને ઊલટી થઈ?”
“અન્વેષાને. જો ને મમ્મી, રાત્રે બે વાર ઓકી હતી.”
“તું જા, હું જોઉં છું,” કહી નીલમે અન્વેષાની પીઠે હાથ મૂક્યો.
“સાર્થક, હું ડોક્ટરને ત્યાં લઈ જઈશ એને. તું તૈયાર થઇને નીકળ.”
“એનું ધ્યાન રાખજો, મમ્મી. ને જરૂર પડે તો મને ફોન કરજો. સાંજથી એણે કશું ખાધું નથી.” સાર્થકના અવાજમા ચિંતા હતી.
“તે છેક હવે બોલાય છે! રાત્રે મને ન ઉઠાડાય? ” ત્યાં અન્વેષાને ઉબકો આવ્યો એટલે એ એની તરફ ફર્યા.
નીલમના મનમાં હતું, કદાચ સારા સમાચાર હશે. પણ ડોક્ટરે ‘આંતરડામાં ઇન્ફેક્શન છે’, કહી એમના હરખને હરી લીધો.
ઘેર આવ્યાં પછી અન્વેષાએ એમને હાથ પકડી પાસે બેસાડ્યા.
“તમને એવું હતું ને કે હું પ્રેગનેટ છું?” એનો અવાજ કંઈક ધીમો, ભાવભીનો હતો.
નીલમે એના કપાળે હાથ મૂક્યો, હળવા સ્મિત સાથે કહ્યું, “હા, એવો વિચાર આવ્યો હતો. પણ હજી ક્યાં તારી ઉમ્મર થઈ છે? હું લીંબુનું શરબત લાવું છું, શાંતિથી પીને સૂઈ જા.”
અન્વેષા ખાસ્સી વાર પછી ઊઠી ત્યારે નબળાઈથી સહેજ નંખાઈ ગયેલી લાગતી હતી. એના માથું ઓશીકા પર સરખું ગોઠવી, ચાદર ઓઢાડી ત્યારે, નીલમને દાયકાઓ જૂનું દુઃખ તાદૃશ થયું. નીલમને પહેલા ખોળે દીકરી જન્મી હતી, પણ મગજનો ભાગ પાણીથી ભરેલો … હાઈડ્રોકેફેલસ બેબી … સહેજ ધીમું રડીને પાંચેક મિનિટમાં દુનિયા છોડી ગયેલી. મોટું માથું … ઢાંકી દો તો એટલી રૂપાળી …… અચાનક અન્વેષા તરફ નજર ગઈ. ‘જો એ જીવતી હોત, તો કદાચ આના જેટલી જ દેખાતી હોત.’ નીલમે વહાલથી અન્વેષાના માથે હાથ ફેરવ્યો. અને એટલાથી સંતોષ ન થયો તો, કપાળે-ગાલે હથેળી ફેરવી. અન્વેષાએ એમની હથેળી પર માથું ટેકવી દીધું.
એ સાચે જ ઊંઘતી હતી કે નીલમનું વહાલ જવા દેવા નહોતી માગતી? એ સમજાય એ પહેલાં, નીલમની આંખો વરસી પડી.
**સમાપ્ત**
e.mail : anilvyas34@gmail.com
![]()

