
રવીન્દ્ર પારેખ
મહિલા વન ડે વર્લ્ડ કપની ફાઈનલ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે હતી. હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ, સાઉથ આફ્રિકાની ટીમ સાથે ટકરાઈ અને દક્ષિણ આફ્રિકાને 52 રને હરાવીને 52 વર્ષે વિશ્વકપ કબજે કર્યો. દક્ષિણ આફ્રિકાની ટીમે મુંબઈના ડી.વાય. પાટિલ સ્ટેડિયમમાં ટોસ જીતીને ભારતીય ટીમને બેટિંગમાં ઉતારી, તો ભારતીય મહિલા ટીમે 7 વિકેટ ગુમાવીને 298 રન કરીને 299 રનનો ટાર્ગેટ દક્ષિણ આફ્રિકા સામે મૂક્યો. ભારત માટે શેફાલી વર્માએ 87, દીપ્તિ શર્માએ 58, સ્મૃતિ મંધાનાએ 45 અને રિચા ઘોષે 34 રન નોંધાવ્યા. (રિચાના નામે સૌથી વધુ 12 સિક્સર વર્લ્ડ કપમાં બોલે છે) દીપ્તિ શર્માએ સૌથી વધુ 5 વિકેટ લીધી, તો દક્ષિણ આફ્રિકા તરફથી આઇબોન્ગા ખાકાએ ૩ વિકેટ લીધી, પણ સાઉથ આફ્રિકા 246 રનમાં ઓલ આઉટ થઈ જતાં વિશ્વકપ ભારતને ભાગે આવ્યો.
ભારતની કોઈ પણ ફોર્મેટમાં આ પહેલી આઈ.સી.સી. ટ્રોફી છે.
ઓસ્ટ્રેલિયા આ ક્પ સાત વાર જીતી ચૂક્યું હતું અને તે ભારત સામે સેમી ફાઈનલમાં આવ્યું હતું. ખરેખર તો એ મેચ વધારે કટોકટી ભરી હતી, કારણ સેમી ફાઈનલમાં ભારત, ઓસ્ટ્રેલિયા સામે એકથી વધુ વખત હારી ચૂક્યું હતું. એ જ સ્થિતિ ફરી એક વાર 2025માં ભારત સામે આવી હતી, પણ જેમિમાહ રોડ્રિગ્સે સેમી ફાઈનલમાં 127 રન ખડકીને ફાઈનલ પ્રવેશની, ભારતની સ્થિતિ મજબૂત કરી દીધી હતી. જેમિમાહે જ સેમી ફાઈનલની જીત પછી કહેલું, આટલે સુધી આવ્યાં, હવે એક જ મેચ બાકી છે. આ વાતથી આખી ભારતીય ટીમમાં નવી ઊર્જાનો સંચાર થયો. વધારામાં શેફાલી વર્માએ ફાઈનલમાં 87 રન કર્યા ને બે મહત્ત્વની વિકેટ લઈને ભારતની જીત પાકી કરી, એટલું જ નહીં, પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મેળવ્યો.
ભારતીય ટીમને વડા પ્રધાને શુભેચ્છાઓ પાઠવી. X પર તેમણે લખ્યું પણ ખરું કે આ ઐતિહાસિક જીત ભવિષ્યની ખેલાડીઓને રમતમાં ભાગ લેવા પ્રેરિત કરશે. પી.એમ. ભારતીય ટીમને મળ્યા પણ ખરા ને ટીમની વાતો પણ સાંભળી. તેમણે બહુ મહત્ત્વની વાત એ કરી કે તમામ ખેલાડીઓ એક દિવસ તેમની સ્કૂલમાં વિદ્યાર્થીઓ સાથે વીતાવે. આટલું થશે તો ઘણાં વિદ્યાર્થીઓને પ્રેરણા મળશે. તમામ ખેલાડીઓએ એ વાત માની પણ ખરી. વિશ્વકપની જીત પર સચિન તેંડુલકરે પણ X પર લખ્યું કે મહિલા ક્રિકેટ ટીમે ખરેખર કંઇ ખાસ કર્યું છે. ટીમે દેશભરની અગણિત યુવા મહિલાઓને બેટ અને બોલ ઉપાડીને મેદાનમાં ઉતરવા અને એ વિશ્વાસ કરવા પ્રેરિત કરી છે કે તે પણ એક દિવસ ટ્રોફી ઉપાડી શકે છે.
આ જીત રેડીમેઈડ નથી. વિશ્વ કપ જીત માટે સંજોગોએ પણ ઘણો ભાગ ભજવ્યો છે. દક્ષિણ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ટે તો કહ્યું પણ ખરું કે દક્ષિણ આફ્રિકા 21 વર્ષની શેફાલી વર્માને કારણે હાર્યું. શેફાલીએ મિડલ ઓવર્સમાં જે રીતે 2 વિકેટ લીધી, તેથી દક્ષિણ આફ્રિકા પાછળ પડ્યું ને ગમ્મત જુઓ કે શેફાલી વર્મા વર્લ્ડ કપ માટેની ટીમમાં જ ન હતી. તેને તો ખરાબ ફોર્મને કારણે વન ડે ટીમમાંથી વર્ષ પહેલાં જ ઘર ભેગી કરી દેવાયેલી, પણ બાંગ્લાદેશ સામેની મેચમાં પ્રતિકા રાવલ ઇન્જર્ડ થતાં ફાઈનલમાં તેની જગ્યાએ ઓપનર તરીકે રમવાનું તેડું આવ્યું. આ અણધારી તક મળતાં તે બોલી હતી કે ભગવાને મને કંઇ સારું કરવા મોકલી છે ને એ દર્શકોને જોવા મળ્યું પણ ખરું.

ક્રિકેટમાં જીત એક વ્યક્તિના પ્રયત્નથી મળતી નથી. વ્યક્તિ મહેનત કરે, પણ બાકી ખેલાડીઓનો સાથ ન હોય તો એકલ વ્યક્તિનો પ્રયત્ન જીતમાં ફેરવાતો નથી. સેમી ફાઈનલમાં જેમિમાહે 127 રન કર્યા એ ખરું, પણ તે રન કરવામાં તેને કેપ્ટન સહિત અન્ય ખેલાડીઓનો સાથ મળ્યો ને ભારતનો ફાઈનલમાં પ્રવેશ શક્ય બન્યો, જયારે ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાની કેપ્ટન વોલ્વાર્ટે 101 રન ફટકારીને જેમિમાહ જેવો જ શાનદાર દેખાવ કર્યો, પણ તેને અન્ય ખેલાડીઓનો સાથ ન મળ્યો ને દક્ષિણ આફ્રિકાએ ફાઈનલમાં હારનો સામનો કરવાનો આવ્યો. એવી જ સ્થિતિ જેમિમાહની પણ હતી. 2025 વર્લ્ડ કપમાં બે વાર ઝીરોમાં આઉટ થતાં ઇંગ્લેન્ડ સામેની મેચમાં જેમિમાહને પડતી મૂકવામાં આવી હતી, પણ વાપસી થઈ, તો બંને મસ્ટ વિન મેચમાં ન્યુઝીલેન્ડ સામે 76 રન અને ઓસ્ટ્રેલિયા સામે અણનમ સદી ફટકારી પોતાનું અને ભારતનું જીત માટેનું સ્થાન પાકું કરી દીધું.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની મહિલાઓમાંની ઘણી, સામાન્ય કુટુંબોમાંથી આવે છે. ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર 36 વર્ષની છે ને પંજાબના મોગાની છે. તેણે 9 મેચમાં 260 રન બનાવ્યા છે. માતા સતવિંદર કૌર ગૃહિણી છે ને પિતા હરમિંદર સિંહ ભુલ્લર બાસ્કેટ બોલ ખેલાડી છે. 29 વર્ષની સ્મૃતિ મંધાના મુંબઈની બેટર છે ને તેણે 9 મેચમાં 434 રન કર્યા છે. માતા સ્મિતા ગૃહિણી છે, જ્યારે પિતા શ્રીનિવાસ ઉદ્યોગપતિ છે. 25 વર્ષની પ્રતિકા રાવલ દિલ્હીની બેટર છે. તેણે સાત મેચમાં એક ફિફ્ટી અને એક સદી સાથે 308 રન કર્યા છે. તેની માતા રજની ગૃહિણી છે ને પિતા પ્રદીપ રાવલ એમ્પાયર છે. રોહતક, હરિયાણાની શેફાલી વર્માના પિતા સંજીવ વર્મા ઘરેણાંની દુકાન ચલાવે છે અને માતા પરવીન ગૃહિણી છે. 8 મેચમાં 292 રન બનાવનાર જેમિમાહ રોડ્રિગ્સ મુંબઈની છે. માતા લવિતા એક સ્કૂલમાં શિક્ષિકા છે ને પિતા ઇવાન કોચ છે. ઉમા છેત્રીના માતા પિતા ગ્રામીણ મજૂર છે. 27 વર્ષની હરલીન દેઓલ ચંદીગઢની છે. તેણે 7 મેચમાં 169 રન કર્યા છે. તેની માતા ચરણજીત કૌર સરકારી કર્મચારી છે ને પિતા બી.એસ. દેઓલ બિઝનેસમેન છે. સિલિગુડી, પશ્ચિમ બંગાળની રિચા ઘોષે એક ફિફ્ટી સાથે 8 મેચમાં 235 રન કર્યા છે ને તેની માતા સ્વપ્ના એક ગૃહિણી છે, તો પિતા માનવેન્દ્ર પૂર્વ ક્રિકેટર અને એમ્પાયર છે. કોરોના કાળમાં બધું ઠરી ગયું હતું ત્યારે રિચાએ છત પર નેટ લગાવી પ્રેક્ટીસ શરૂ કરી હતી. તેણે મહિલા વન ડેમાં સૌથી ઝડપી 1,000 રન કરવાનો રેકોર્ડ પણ કર્યો. આગ્રાની ઓલ રાઉન્ડર દીપ્તિ શર્મા(28)એ 9 મેચમાં 215 રન કર્યા અને 22 વિકેટ લીધી. એ સાથે તે સૌથી વધુ વિકેટ લેનાર ટોપ ત્રણ બોલરોમાં સ્થાન પામી છે. તેની માતા સુશીલા પૂર્વ પ્રિન્સિપાલ, હાલ ગૃહિણી છે ને પિતા ભગવાને રેલવેમાં કામ કર્યું છે. 25 વર્ષની ઓલ રાઉન્ડર અમનજોત કૌરે 7 મેચમાં 146 રન કર્યા અને 5 વિકેટ લીધી. તેની માતા રણજિત ગૃહિણી છે અને પિતા ભૂપિન્દર સિંહ લાકડાના ઠેકેદાર છે. ઉત્તરાખંડની સ્નેહ રાણાએ 6 મેચમાં 99 રન કર્યા અને 7 વિકેટ લીધી. તેની માતા વિમલા ગૃહિણી છે ને પિતા નટવર સિંહનું અવસાન થયું છે. ધુવારા, છતરપુર(મધ્ય પ્રદેશ)ની કાંતિ ગૌર (22) બોલર છે. તેણે 6 મેચમાં 9 વિકેટ લીધી છે ને તેની માતા નીલમ ગૃહિણી છે, તો પિતા મુન્ના ગૌર પોલીસ કોન્સ્ટેબલ છે. સીમલાની બોલર રેણુકા સિંહે (29) 6 મેચમાં 3 વિકેટ લીધી. તેની માતા સુનિતા ઠાકુર વર્ગ-4ની કર્મચારી છે અને પિતા કેહર સિંહનું મૃત્યુ થયું છે. 25 વર્ષની રાધા યાદવ મુંબઈની છે. તેણે 3 મેચમાં 4 વિકેટ લીધી. તેની માતા ગૃહિણી છે ને પિતા ઓમપ્રકાશ શાકભાજી વેચે છે. 21 વર્ષની શ્રી ચરણી એરામાલે, આંધ્રની છે. તેણે 9 મેચમાં 14 વિકેટ લીધી. પિતા ચન્દ્રશેખર થર્મલ પાવર પ્રોજેક્ટમાં કર્મચારી છે. જોઈ શકાશે કે મોટે ભાગની ખેલાડીઓની માતા ગૃહિણી છે ને પિતા કોચ, એમ્પાયર કે સાધારણ કામગીરી કરે છે.
ટૂંકમાં, સ્ટ્રગલ ઘરમાં છે ને મેદાનમાં તો છે જ !
જીતનું મહત્ત્વ તો છે જ, પણ એને નિમિત્તે ખેલાડીઓનાં અને ભારતીય જનતાનાં સંવેદનો આકાર લે છે એ પણ એટલાં જ મહત્ત્વનાં છે, કારણ મેદાન પર આવતાં પરિણામો એનો જ પડઘો હોય છે. અમનજોત કૌરની વાત કરીએ તો ફાઈનલ મેચમાં તેની દાદીને હાર્ટએટેક આવ્યો હતો, પણ અમનજોતનું ધ્યાન ન ભટકે એટલે પરિવારે તેનાથી વાત છુપાવી. જીત પછી તેના પિતાએ કહ્યું કે આ જીત ટેન્શનમાં અમારે માટે મલમ જેવી છે. રાધા યાદવ કોલિવરી ઝૂપડપટ્ટીમાં ઊછરી છે. શાકભાજી વેચતા તેના પિતા ઓમપ્રકાશ પાસે ક્રિકેટ અકાદમીની ફી ભરવાના પૈસા પણ ન હતા, પણ કોચ પ્રફુલ્લ નાઈકના માર્ગદર્શન અને પોતાની મહેનતથી રાધાએ ટીમ ઇન્ડિયામાં એવું સ્થાન બનાવ્યું કે વિપક્ષી ટીમને માટે એ પડકાર બની ગઈ છે.
મહિલા વિશ્વ કપ ભારત જીતે ને આખો દેશ ઊજવે તે તો સમજાય, પણ એક વીડિયો એવો વાઈરલ થયો છે, જેમાં એક બાળકી સહિત 3 પાકિસ્તાનીઓ ભારતને વિશ્વ કપ મેળવવા બદલ અભિનંદનો આપે છે, એટલું જ નહીં, ટી.વી. પર ગવાઈ રહેલું ‘જન ગણ મન’ દોહરાવે પણ છે. બીજું સંવેદનસભર દૃશ્ય હતું, ખેલાડીઓની ખેલદિલીનું. ફાઈનલ જીત્યા પછી સ્મૃતિ મંધાના, રાધા યાદવ, જેમિમા રોડ્રિગ્સ સહિત ઘણી ભારતીય ખેલાડીઓ દક્ષિણ આફ્રિકી ખેલાડીઓને આશ્વસ્ત કરતી દેખાઈ. એ જોઇને આઈ.સી.સી.એ લખ્યું પણ ખરું કે આ એક બીજા માટેનું માન-સન્માન દર્શાવે છે.
અંતે, ભારતીય વિશ્વ કપ વિજેતા મહિલા ટીમને હૃદયપૂર્વકનાં અભિનંદનો અને શુભેચ્છાઓ પાઠવીએ અને પ્રાર્થના કરીએ કે તેમને હાથે આ દેશની સર્વોત્કૃષ્ટ સેવા થતી રહે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 07 નવેમ્બર 2025
![]()

