Opinion Magazine
Number of visits: 9579052
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહાત્મા ગાંધી – એક સાહિત્યકાર

આશા બૂચ|Gandhiana|10 December 2018

ગાંધીજીનું જીવન બહુ આયામી હતું. કોઈ તેમને રાજકારણી તો કોઈ આધ્યાત્મિક પુરુષ તરીકે ઓળખે. ઘણા લોકો તેમને એક સમાજ સુધારક માને, તો કેટલાકને મતે તેઓ નૈતિક અને સાંસ્કૃિતક મૂલ્યોના સંરક્ષક સમા ભાસે. આમ જુઓ તો તેઓ Jack of all and master of Satya and Ahimsa હતા. એથી જ એક સાહિત્યકાર ગાંધી પણ હતા, એ હકીકત તેમના સત્ય-અહિંસાના મસીહા હોવાપણા પાછળ કદાચ ઢંકાઈ ગઈ છે.

કેટલાક સાહિત્યકારોના પ્રદાનને કારણે તેમનાં નામનો એક યુગ રચાયો હતો, જેમ કે ટાગોર અને નર્મદનો યુગ. જ્યારે ગાંધીજી મુખ્ય વ્યવસાયે સાહિત્યકાર ન હોવા છતાં, ગુજરાત અને ભારતની અન્ય ભાષાઓના સાહિત્યમાં ‘ગાંધી યુગ’ અસ્તિત્વમાં આવ્યો. આ કેમ કરીને બન્યું? કારણ એ છે કે ગાંધીજીના વિચારો અને આચારનું બળ એટલું વ્યાપક અને ઊંડું હતું કે તત્કાલીન સમાજને ધરમૂળથી અસર કરી ગયું, એટલું જ નહીં, તેને મોટે પાયે પરિવર્તિત કરી ગયું જેનું પ્રતિબિંબ તે કાળના સાહિત્ય પર પડ્યું. પંડિત યુગની સંસ્કૃત ભાષાની અસર તળેની કૃતિઓને સ્થાને આમ પ્રજાને સમજાય તેવી સાદી અને સરળ છતાં ચોટદાર સાહિત્ય કૃતિઓનું નિર્માણ તે ગાંધી યુગનું સાહિત્ય.

ગાંધીજી મુખયત્વે કર્મના માણસ હતા, શબ્દના નહીં. કંઈ પણ વાંચે અને વિચારે તેને અમલમાં મૂકે તે ગાંધી।. ‘ઇન્ડિયન ઓપીનિયન’ કે ‘નવજીવન’ જેવાં સામાયિકો હોય કે તેમણે લખેલ પુસ્તકો હોય, ગાંધીજીનો લખવાનો મુખ્ય ઉદ્દેશ તો લોક જાગૃતિનો હતો એ સ્પષ્ટ જણાય છે.

આમ જુઓ તો ગાંધીજીએ પુસ્તકો ઓછાં લખ્યા. ‘હિન્દ સ્વરાજ’, ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’, ‘દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ’, ‘આરોગ્યની ચાવી’, ‘મંગળ પ્રભાત’ અને ‘અનાસક્તિ યોગ’. તેમના પત્રો, ભાષણો અને લેખોનો સંચય ઘણાં પુસ્તકોમાં થયો છે. તે સિવાયનું તેમનું સાહિત્ય સામયિકોમાં લખેલા તેમના લેખોમાં અંકિત થયેલ છે.

જેમ વક્તવ્યમાં તેમ જ લખાણમાં પણ ગાંધીજી મીતાક્ષરી હતા. તેઓ સરળ અને સુપાચ્ય  શૈલીથી લખનાર હતા જેને પરિણામે અલ્પ શિક્ષિતથી માંડીને સાક્ષર વાચકો તથા નાના મોટા સહુને સ્પર્શે એવું સાહિત્ય આપી  શક્યા. તેમનાં પુસ્તકોને સાહિત્યની દ્રષ્ટિથી જોઈએ. તેમાં સહુ પ્રથમ આત્મકથા લઈએ, 'સત્યના પ્રયોગો અથવા આત્મકથા'. આ પુસ્તક દુનિયાની શ્રેષ્ઠ આત્મકથાઓમાં સહેલાઈથી સ્થાન પામી ચૂક્યું છે. જુઓ, અહીં પણ ગાંધીમાં ‘હું પદ’નો સંપૂર્ણ અભાવ જોવા મળે છે. આત્મકથા વ્યક્તિની નિજી જીવનની કથા હોવાને કારણે તેના શીર્ષકથી જ ‘હું’નો ઘોષ સંભળાય તે સ્વાભાવિક લેખાય. પરંતુ ગાંધીજીનું સાહિત્ય પણ તેમના જીવનની માફક સ્વકેન્દ્રી ન રહેતાં વિષય કેન્દ્રી અને લોક કેન્દ્રી રહ્યું એ દેખાઈ આવે. પોતાનું જીવન સત્યના પ્રયોગો કરવામાં ગાળ્યું. પ્રયોગો કરો તો નિષ્ફળ પણ થવાય અને પૂર્વ ધારણાઓ ખોટી પણ પડે. પણ જો પ્રયોગને અંતે પૂર્વધારણા સાચી સાબિત થાય તો એ પ્રયોગ સર્વમાન્ય, સર્વકાલીન અને સર્વદેશીય બને. આથી એમ સમજાય કે ગાંધીજીએ પોતાના સ્વભાવ મુજબ શબ્દોની પસંદગી બહુ કાળજીપૂર્વક કરી લાગે છે.

ન જાણે કેટલી ય વાર આ આત્મકથા વાંચી હશે. જીવનના દરેક તબક્કે તેમાંથી જુદું જુદું તત્ત્વ પ્રગટ થતું અનુભવ્યું છે. આજે તેને સાહિત્યના એક પ્રકારની દ્રષ્ટિથી જોતાં સવાલ થાય છે કે દુનિયાની તમામ ભાષાઓમાં અગણિત આત્મકથાઓ લખાઈ છે, તો ‘સત્યના પ્રયોગો’ કઈ રીતે વિશિષ્ટ છે? કદાચ લખનાર વ્યક્તિનું જીવન અને કાર્ય એટલાં પારદર્શક હતાં કે તેમાં વપરાયેલી ભાષા પણ એટલી જ નિર્મળ અને સરળ લાગે છે. જન્મ અને બચપણની વાતો કહેતાં બે પ્રકરણો અન્ય કોઈના જીવનની કથા જેવાં જ લાગે. ત્યાર બાદ ગાંધીના જીવનની ઘટનાઓ, તેનો ચિતાર અને એ બનાવોને સમજવાની આંતરદ્રષ્ટિ, તેમાં તેમનો શો ભાગ હતો અને એ તમામનો નિષ્કર્ષ શો હતો એ વિગતો જગતના કોઈ પણ આમ કે ખાસ આદમીની કથા અને શૈલી કરતાં અલગ તરી આવે છે.

ગાંધીજીની આત્મકથાના પાંચે પાંચ ભાગમાં એક ધાગો આદિથી અંત સુધી પરોવાયેલો દેખાઈ આવે છે, અને તે છે આડંબર વિનાના શબ્દોનો ઉપયોગ, નાનાં વાક્યો અને વિચારોની સ્પષ્ટતા. મોહન કે મોનિયા તરીકે કરેલી પિતાની સેવા અને માતૃભક્તિની વાત જે સહજતાથી કરી છે તેવી જ સહજતાથી તે સમયે કરેલ માંસાહાર અને ચોરીની વાત પણ કરી છે. આત્મકથાના લેખન સમયે ધારે તો લેખક કેટલીક વાતોને પડદા પાછળ ઢાંકી શકે. પણ આ સત્યશોધક મોહન પોતાની એક પણ ત્રુટિને સંતાડવા માગતા નહોતા. અહીં તેનું એક ઉદાહરણ બસ થઇ પડશે. મુંબઈમાં ગાંધીજીને પહેલો કેઈસ મળ્યો ત્યારની આ વાત. પ્રતિવાદી તરફથી ઊલટ તપાસ કરવા ઊભા થયા પણ બોલી જ ન શક્યા. બાકીનું તેમના જ શબ્દોમાં, “હું નાઠો. મને યાદ નથી કે અસીલ જીત્યો કે હાર્યો. હું શરમાયો. પૂરી હિંમત ન આવે ત્યાં લગી કેઈસ ન લેવાનો નિશ્ચય કર્યો ને દક્ષિણ આફ્રિકા ગયો ત્યાં લગી કોર્ટમાં ન જ ગયો. આ નિશ્ચયમાં મારી કશી શક્તિ નહોતી. હારવાને સારુ પોતાનો કેઈસ મને કોણ આપવા નવરું હોય? એટલે નિશ્ચય વિના પણ મને કોર્ટમાં જવાની તસ્દી કોઈ આપત નહીં.”

આત્મકથા વિષે એક બીજી ખૂબી પણ ધ્યાનમાં આવ્યા વિના રહેતી નથી. ગાંધીજીએ પહેલા પ્રકરણ પોતાના જન્મથી માંડીને છેલ્લા પ્રકરણ નાગપુરમાં ભરાયેલ મહાસભાની વાર્ષિક બેઠક સુધીના લગભગ 160 પ્રકરણોમાં ભાગ્યે જ કોઈ ઘટના અંગે તારીખ લખ્યાનું મળી આવે છે અને છતાં કાળક્રમ બરાબર જળવાઈ રહ્યો છે. પૂર્ણાહુતિ પ્રકરણમાં ગાંધીજી પોતે જ લખે છે કે આ પ્રકરણો બંધ કરવાનો સમય આવી પહોંચ્યો છે, કેમ કે તેઓનું જીવન એટલું બધું જાહેર થઇ ગયેલું કે પ્રજા ન જાણતી હોય એવું ભાગ્યે જ કશું હોય. આ વાત છે 1920-21 પછીની. ખરું જુઓ તો ગાંધીજીના જીવનના પાંચ દાયકાઓની કહાની તેમાં કહેવાઇ ચૂકી હતી જેમાં તેમનો ઉછેર, અભ્યાસ અને ઘડતર જેવી જીવનની મુખ્ય બીનાઓનો સમાવેશ થઇ ચુક્યો હતો. ત્યાં સુધીમાં તેઓ ‘ગાંધીભાઈ’ મટીને ‘બાપુ’ અને ‘મહાત્મા’ બની ગયા હતા. પરંતુ ભારતમાં રહીને આદરેલ સ્વાતંત્ર્ય સંગ્રામે તેમને ખરેખાત વિશ્વ તખ્તા પર સ્થાપિત કર્યા. ત્રણ મુખ્ય સ્વાતંત્ર્ય સંગ્રામ તે પછી જ થયા અને ભારતની સમગ્ર પ્રજાનું ઘડતર અને પરિવર્તન પણ તે દરમ્યાન થયું, તો 1920થી તેમના અંતિમ દિવસો સુધીની કથા લખી હોત તો તેમણે શું લખ્યું હોત, એવો વિચાર આવે. જોવાનું એ છે કે દુનિયા તેમને ભાઈ, બાપુ કે મહાત્મા ગમે તે રીતે તરીકે ઓળખે પોતાના જીવનની અંગત હકીકતો કે જાહેર જીવનની ઘટનાઓને તદ્દન પ્રામાણિકપણે સચ્ચાઈને વળગી રહીને છતાં અન્યને નીચા કે ખોટા ન ઠેરવીને જે રીતે આત્મકથા લખવાનું તેમણે નિર્ધારેલું તેમાં કશો ફર્ક ન પડ્યો હોત.

આત્મકથાની હરોળમાં મૂકી શકાય અને ચિરંજીવ બની રહ્યું તે પુસ્તક છે ‘હિન્દ સ્વરાજ’. 1909ની સાલમાં, લંડનથી પાછા ફરતાં કિલડોનિયન જહાજમાં આ પુસ્તક લખાયું. જમણો હાથ થાક્યો, તો ડાબે હાથે લખ્યું. દક્ષિણ આફ્રિકાથી પ્રગટ થતા ‘ઇન્ડિયન ઓપીનિયન’માં મૂળ ગુજરાતીમાં લેખ રૂપે લખાયેલ અને બાદમાં પુસ્તકાકારે ઉપલબ્ધ થતાં જ બ્રિટિશ સરકારે જેના પર પ્રતિબંધ લાદ્યો તે હજુ આજે પણ એટલું જ પ્રસ્તુત છે. આ પુસ્તકને માત્ર હિન્દના જ નહીં, સારાયે વિશ્વના સમુચિત વિકાસ અને માનવ માત્રના જીવનને યોગ્ય માર્ગે લઇ જવા માટેની એક પથદર્શિકા ગણી શકાય. 1909માં લખાયેલ ‘હિન્દ સ્વરાજને 1921માં ગાંધીજીએ ‘જીવનના સંપૂર્ણ સિદ્ધાંત’ તરીકે પ્રમાણેલી. એટલું જ નહીં 1938માં તેમણે કહેલું, “મને તે વખતે લખેલ મારા લખાણમાં દર્શાવેલ વિચારોમાં ફેરફાર કરવાને સારુ એક પણ કારણ જડતું નથી.” એ પુસ્તકમાં તે વખતે પ્રચલિત અને બહુમાન્ય ગણાતા તેવા તમામ રાજકીય અને આર્થિક સિદ્ધાંતોને પડકાર ફેંક્યો છે. અને આજે એકવીસમી સદીમાં પણ તેમના આ વિચારોને ભાગ્યે જ કોઈ પડકારી શક્યું છે એટલું જ નહીં પરંતુ નૈતિકતા, આધુનિકતા, શોષણ મુક્ત સમાજરચના વગેરે સૂત્રોચ્ચાર સાથે આજે અનેક દેશોમાં વિવિધ રાજકીય અને આર્થિક ચળવળો ચાલી રહી છે, જે છેવટ ‘હિન્દ સ્વરાજ’માં ગાંધી ચિંધ્યા માર્ગે આપણને જાણ્યે અજાણ્યે દોરી જઇ રહી છે. આ હકીકત પૂરવાર કરે છે કે જે સાહિત્ય સમય, કાળ અને સ્થળને અતિક્રમીને દીર્ઘાયુ બને તે લેખકના અનુભવપૂત જીવનનો જ પરિપાક હોઈ શકે.

‘હિન્દ સ્વરાજ’ની લેખન પદ્ધતિ સાવ નિરાળી. દુનિયા ભરના સાહિત્યમાં ગુરુ-શિષ્ય સંવાદો મળી આવે, પણ આ રીતે વાચક અને અધિપતિ વચ્ચેની પ્રશ્નોત્તરી દ્વારા સ્વરાજ જેવી વિભાવનાને રજૂ કરવાનો આ પ્રથમ અને કદાચ એક માત્ર પ્રયોગ કોઈ પણ ભાષાના સાહિત્યના ઇતિહાસમાં નોંધાયો હશે. પ્રશ્ન પૂછનાર વાચક ધારદાર શબ્દોમાં પ્રશ્નો પૂછે છે અને અધિપતિ સ્પષ્ટ શબ્દોમાં છતાં કયારેક પ્રસ્થાપિત વિચારો અને માન્યતાઓ પર પ્રહાર કરતા ઉત્તરો આપે છે. અહીં બન્ને પક્ષે નિર્ભયતાનો અહેસાસ થાય છે. અગાઉ કહ્યું તેમ ગાંધી કર્મના માણસ. એટલે પોતાની મોજ ખાતર આ પુસ્તક નહોતું લખ્યું. વિલાયતના ચાર માસના રહેવાસ દરમ્યાન હિંદીઓ અને અંગ્રેજો સાથેના વિચાર વિમર્શ પછી તેમના જ શબ્દો ટાંકુ તો “જ્યારે મારાથી નથી રહેવાયું ત્યારે જ મેં લખ્યું”. અને સાચ્ચે એટલું જ લખ્યું. વળી, પોતાના વિચારો ભારત અને દક્ષિણ આફ્રિકાના ભારતીયો સમક્ષ રજૂ કરવા એ પોતાની ફરજ છે તેથી લખ્યું છે; અને આથી જ તો ‘હિન્દ સ્વરાજ’ના 20 પ્રકરણોની ભાષા ક્યારેક થોડી અનૌપચારિક, તો ક્યારેક વાચક અને અધિપતિ પરસ્પરને પડકાર ફેંકતી કે દલીલ કરતી અનુભવાય છે. ‘હિન્દ સ્વરાજ’માં ગાંધીજીના બધા સિદ્ધાંતો ઉજાગર થયા છે જેમ કે સાધન શુદ્ધિના ખ્યાલો, અધિકાર અને ફરજો વચ્ચનો સંબંધ અને અલગ અલગ કોમ વચ્ચેના સંબંધો. તદુપરાંત ઇતિહાસનું સમાજમાં સ્થાન, નાગરિકતા, દેશભક્તિ, શિક્ષણ અને ટેક્નોલોજી વિષે પણ ઘણી ઊંડી ચર્ચાઓ જોવા મળે છે. આ મુદ્દાઓ આજે પણ દુનિયાભરમાં ખૂબ જ પાયાનું મહત્ત્વ ધરાવે છે અને એટલે જ તો કદાચ ‘હિન્દ સ્વરાજ’ કાલાતીત ગણાયું છે. તેથી જ એ પુસ્તકને અંતે ગાંધીજીએ સવાલ પૂછ્યો તે આજે પણ મનન કરવા યોગ્ય છે. “ભારત કેવી રીતે મુક્ત થશે?” “હિંદને વિદેશી સલ્તનતથી અને પ્રજાને પોતાની રાજકીય તેમ જ સામાજિક ત્રુટિઓથી છુટકારો કેવી રીતે મળશે?”

અહીં આપણે સહુએ નોંધ લેવી રહી કે  ‘હિન્દ સ્વરાજ’ને અંતે ગાંધીજીએ કહેલું તે અત્યંત મહત્ત્વનું છે. તેમણે સ્પષ્ટ કહ્યું, “જે કઇં મેં કહ્યું છે તે અંગ્રેજના દ્વેષભાવે નહીં, પણ તેમના સુધારાના દ્વેષભાવે કહ્યું છે.” વ્યક્તિ કે સમૂહને નહીં પણ તેના કર્તુત્વને નકારવાની વાત અહીં છે. વળી ગાંધીજીએ એમ પણ લખ્યું છે, “મને લાગે છે કે આપણે સ્વરાજનું નામ લીધું છે પણ તેનું સ્વરૂપ સમજ્યા નથી.” આજે 70 વર્ષ સુધી આઝાદી ભોગવ્યા બાદ હજુ આ જ હકીકત સાચી લાગે છે. આવા દૂરંદેશી વિચારોને એક અવનવી ઢબમાં શબ્દસ્થ કરવાની કલા કેટલાને સાધ્ય હશે?

ગાંધીજીની રાજકીય કારકિર્દીના મંડાણ દક્ષિણ આફ્રિકામાં થયાં જેની ગતિવિધિ દર્શાવતું પુસ્તક તે ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’. એ પુસ્તક આપણને આફ્રિકાની રાજકીય, વહીવટી અને કાયદાકીય માહિતી આપે છે, જેમાં બેરિસ્ટર ‘ગાંધી ભાઈ’નું પાસું નીખરી ઊઠે છે. સાથે સાથે સત્યાગ્રહમાં ભાગ લેનાર તમામ હિન્દવી પ્રજાની સામાજિક પરિસ્થિતિનો ઝીણવટ ભર્યો ચિતાર પણ આપ્યો છે. સરકારી પગલાંઓ અને તે સામેના સત્યાગ્રહની એકેએક વિગતો આપ્યા છતાં એક પણ શબ્દ સંદર્ભ વિનાનો ન લાગે એવું અર્થ સભર વિવરણ કરવું એ લેખકની વિચારો અને ભાષા પરની પકડ સૂચવી જાય છે.

ગાંધીજીએ યરવડા મંદિરમાં (યરવડા જેલ) છાપાંઓ વાંચવાં, આશ્રમમાંથી સંખ્યાબંધ પત્રો આવે તે વાંચીને તેના ઉત્તર પાઠવવા, સૂત્રયજ્ઞ કરવો અને ગીતાનું મનન કરવામાં પોતાનો સમય વહેંચી લીધેલો. સાબરમતી આશ્રમના જીવનમાં વધુ ચેતન રેડવાની આવશ્યકતા છે એવું સૂચન થવાથી ગાંધીજીએ દર મંગળવારે પ્રાર્થના બાદ એક પ્રવચન લખી મોકલવાનું શરૂ કર્યું. એ પ્રવચન સંગ્રહ તે આ ‘મંગલપ્રભાત’. 22 જુલાઈ 1930થી શરૂ થયેલ એ પ્રેરણાદાયી પ્રવચનો 14 ઓક્ટોબર 1930ના સમાપ્ત થયાં. મુખ્યત્વે અગિયાર વ્રતોની વાત એક વત્સલ પિતા તેના સંતાનોને કહે તેવી શૈલીથી લખાયેલ છે. અહીં ‘અનાસક્તિ યોગ’ અને ‘આરોગ્યની ચાવી’ એ બે પુસ્તકોની વિગતોમાં સમાયાભાવે ઊતરી શકાય તેમ નથી.

અગાઉ કહ્યું તેમ પુસ્તકો ઉપરાંત પત્રો, સામાયિકોમાં લખાતા લેખો અને પ્રવચનોના સંકલનને પણ એક અલગ સાહિત્ય પ્રકારમાં ગણાવી શકાય. ગાંધીજીએ એ દિશામાં પણ સારું એવું ખેડાણ કર્યું છે. પત્રો દ્વારા કેળવણી એ એમની આગવી શિક્ષણ પ્રથા હતી. દેશના કોઈ પણ ખૂણે કામ કરતા હોય, રેલમાં હોય કે જેલમાં, છતાં આશ્રમવાસીઓ, ચાહે તે નાનાં બાળકો હોય કે સ્ત્રીઓ હોય, તેમને પત્રો નિયમિત લખતા. પછી એ રાજકીય બાબતો હોય કે સામાન્ય સ્વાસ્થ્યને લગતી વાત હોય. ગાંધીજી સાથેના પત્રવ્યવહારમાંથી પુષ્કળ માહિતી અને તેમનાં વિચારો, મૂલ્યો અને સૂચનોનું ભાથું મળી આવે. ગાંધીજીના પત્રોના સંચય મોટી સંખ્યામાં થયા છે.  

અન્ય લેખકોએ ગાંધીજીના વિચારો, ભાષણો અને લેખોને પોતાના પુસ્તકમાં સમાવ્યા હોય તેનો સમાવેશ પણ એક સાહિત્ય કોટિમાં થઇ શકે. ‘રચનાત્મક કાર્યક્રમ – તેનું રહસ્ય અને સ્થાન’. આ પુસ્તકમાં કોમી એકતા અને અસ્પૃશ્યતા નિવારણથી માંડીને રાષ્ટ્રભાષા પ્રચાર-પ્રસાર તથા વિદ્યાર્થીઓનો સમાજ નિર્માણમાં હિસ્સો જેવા અઢારેક જેટલા રચનાત્મક કાર્યોને સમાવી લેવાયા છે કેમ કે રચનાત્મક કાર્યક્રમ એ પૂર્ણ સ્વરાજ મેળવવાનો સત્ય અને અહિંસાનો રસ્તો છે અને તેનો પૂરેપૂરો અમલ એ જ પૂર્ણ સ્વરાજ છે, એવી ગાંધીજીની અતૂટ શ્રદ્ધા હતી. સંક્ષેપમાં વિવિધ વિષયો પરના પોતાના વિચારોને સચોટ રીતે વ્યક્ત કરવામાં ભારે કૌશલ્ય રહેલું છે જે ગાંધીજીને સહજ સાધ્ય હતું.

એવા એક બીજા પુસ્તક ‘સ્ત્રીઓ અને સ્ત્રી જીવનની સમસ્યાઓ’ની વાત કરું. ગાંધીજી અને અન્ય લેખકોએ લખેલ પુસ્તકોમાં ભારતની સ્ત્રીઓ અને તેમના જીવનની સમસ્યાઓ વિષે ગાંધીજીના લખેલ લખાણોનો સંચય આ પુસ્તકમાં થયો છે. અત્યંત સંવેદનશીલ અને અંગત કહી શકાય તેવા સ્ત્રીઓના સામાન્ય જીવન અને સમસ્યાઓને સ્પર્શતા 30-35 મુદ્દાઓની ચર્ચા ગાંધીજીએ લેખો/પત્રો/ડાયરીની નોંધોમાં કરેલી તેનો સંગ્રહ અહીં કરાયો છે. આ પુસ્તકમાં થયેલ ભાષાપ્રયોગ તેમની સ્ત્રીઓને સ્પર્શતા વિવિધ વિષયો પરની જાણકારી અને તેને સંયત રીતે સાદર રજૂ કરવાની ક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ છે.

ઈશ્વર સત્ય છે એમ દુનિયાના ઘણા આસ્તિક લોકો માને છે. ગાંધીજીને પ્રતીત થયું કે સત્ય એ જ ઈશ્વર છે. ‘સત્ય એ જ ઈશ્વર છે’ પુસ્તકમાં ગાંધીજીના પત્રો અને અન્ય પુસ્તકોમાંના લખાણો તેમ જ ભાષણોમાંથી ઈશ્વર, ઈશ્વરનો સાક્ષાત્કાર અથવા અનુભવ અને ઈશ્વરમય જીવન વિશેના વચનોને સંપાદિત કર્યાં છે. ઈશ્વર છે, કેવળ એક ઈશ્વર છે અને સત્ય એ જ ઈશ્વર છે એવું પ્રતીત થયું. તેમણે ઈશ્વરને પ્રેમ, સચ્ચિદાનંદ, કુદરત અને દરિદ્રનારાયણના રૂપમાં પારખ્યા. ઈશ્વરનો અવાજ કેમ સંભળાય અને તેનો અનુભવ કેવી રીતે થાય તે વર્ણવ્યું છે. ધર્મોની સ્થાપનાથી માંડીને ધર્માંતરણ અને ધર્મો વચ્ચે સમાનતા જેવા અનેક મુદ્દાઓ પર ટૂંકા છતાં સચોટ વચનો લખેલાં કે કહેલાં તેનો સુંદર સંપૂટ તે આ પુસ્તક.

શિકાગોની ‘સોસાયટી ફોર એથિકલ ક્લચર’ના સ્થાપક વિલિયમ મેકિનટાયર સોલ્ટર લિખિત ‘એથિકલ રિલિજિયન’ નામના પુસ્તકમાંના પંદરમાંથી આઠ પ્રકરણોનો ગાંધીજીએ સારાનુવાદ આપ્યો હતો અને તે આ માત્ર 30 પાનાની પુસ્તિકા – ‘નીતિધર્મ અથવા ધર્મનીતિ’, જે  આજના યુગમાં ઘણું પ્રસ્તુત થઇ પડે તેવું પુસ્તક છે. ઉત્તમ નીતિ કોને કહીશું, નીતિ વિના ધર્મ નભી શકે કે નહીં, નીતિવાળાનું શું કામ, શું ઉત્તમ કાયદો છે? નીતિમાં ધર્મ સમાય? સામાજિક આદર્શની વ્યાખ્યા શી અને વ્યક્તિગત નૈતિકતા એટલે શું એ વિષે બહુજ સંક્ષિપ્તમાં વિવરણ થયું છે, પરંતુ આ પુસ્તિકા વાંચ્યા બાદ સતત વિચાર આવે કે આજના પાખંડ પોષિત ધર્મનું અનુસરણ કરવું યોગ્ય છે કે પછી દુનિયાના બધા ધર્મોના નિચોડ રૂપ નીતિઓને અનુસરવામાં માનવની ભલાઈ છે?

હવે જોઈએ ગાંધીજીને એક સામાયિકોના સ્થાપક, તંત્રી અને કટાર લેખક તરીકે. ગાંધીજીનાં કાર્યક્ષેત્રો અને પત્રવ્યવહારો જોતાં ખ્યાલ આવે કે માનવ જીવનનું એક પણ પાસું એવું નથી જેને તેમના વિચારો સ્પર્શ્યા ન હોય. કદાચ એથી જ તો સામાયિકોમાંનાં તેમનાં લખાણો મારફત ગાંધીજીએ ભારતીય જીવનને અનુરૂપ કેળવણીપ્રથા, આહાર અને આરોગ્ય વિષયક મુદ્દાઓ, રાજકીય પ્રશ્નો, સામાજિક પરિસ્થિતિ અને સમસ્યાઓ અને નૈતિક તેમ જ સાંસ્કૃિતક મૂલ્યો વિષે પોતાના વિચારો અત્યંત સ્પષ્ટ રીતે રજૂ કર્યા.

એ સામયિકોમાંનું ‘ઇન્ડિયન ઓપીનિયન’ સાપ્તાહિક દક્ષિણ આફ્રિકામાં 1903થી 1915ના સમય ગાળામાં ગુજરાતી અને ઇંગ્લિશમાં છપાતું, જો કે થોડો સમય એ તમિળ અને હિન્દીમાં પણ પ્રગટ થયું। ‘યંગ ઇન્ડિયા’ ભારતમાં 1919થી 1931 સુધી જીવિત રહ્યું જેની ગુજરાતી આવૃત્તિ ‘નવજીવન’ નામે પ્રકાશિત થતી. અને ‘હરિજન’ 1933-1942 અને 1946-1948 દરમ્યાન પ્રગટ થયું જેના લેખો ગુજરાતી અને હિન્દી ભાષામાં પ્રગટ થતા .. આ બધા સામાયિકોને ગાંધીજી ‘વ્યૂઝ પેપર’ તરીકે ઓળખાવતા. કેમ કે એ બધા તેમની રાજકીય અને સામાજિક ચળવળો લોકો સુધી પહોંચાડવાનાં માધ્યમો હતાં જેમાં એ મુદ્દાઓ ખૂબ જ ધ્યાનપૂર્વક ચર્ચાતા અને જે પ્રશ્નો માટે તતકાલિક પગલાં લેવાના હોય તેને સહાયરૂપ થતા. તેમણે એ સામાયિકોનો ઉપયોગ લોક કેળવણી અને પ્રજા જાગૃતિ માટે કર્યો. આટલી વ્યસ્તતા વચ્ચે અને રાજકીય ગૂંચવણોમાં અટવાયેલા રહેવા છતાં એ સાપ્તાહિકોમાં નિયમિત રીતે લખવાનું ચાલુ રાખેલું.

જીવનનાં અનેક પાસાંઓને આવરી લેતાં કાર્યોમાં વ્યસ્ત રહેતા હોવા છતાં ગાંધીજી એક લેખક અને તંત્રી બન્યા કેમ કે તેઓ બ્રિટિશ રાજ્ય વિરુદ્ધ પોતાનો અવાજ ઉઠાવવા માગતા હતા, ભારતની 30 કરોડ જનતા સુધી પહોંચવા માગતા હતા, અલગ અલગ ધર્મના લોકોને ભાઈ-બહેન તરીકે જોડવા માગતા હતા, પોતાના આધ્યાત્મિક વિચારોને પ્રજા સમક્ષ રજૂ કરવા માગતા હતા અને ‘સર્વોદય’ની પોતાની વિભાવનાને એ લખાણો દ્વારા સાકાર પણ કરવા માગતા હતા.

સમાપનમાં એટલું જ કહી શકું કે ગાંધીજીને એક સાહિત્યકાર તરીકે પારખવા હોય, તો પ્રથમ તેમના વિચારો અને તેને અમલમાં મૂકવા કરેલ કાર્યોને સમજવા રહ્યા. કોઈ પણ પ્રકારનાં લેખન પાછળનો તેમનો હેતુ પોતાના જીવન કાર્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો હોવાથી જ આટલાં બહોળાં પ્રમાણમાં લખાણ તેમણે કર્યું. જેમણે ગાંધી લિખિત સાહિત્યમાંથી થોડુંક પણ આચમન કર્યું હશે તે જરૂર સહમત થશે કે આ જ છે એક એવો સાહિત્યપ્રકાર જેમાં કોઈ સાહિત્યિક અલંકારો, શોભાયુક્ત શબ્દભંડોળની ભીડભાડ કે અતિશયોક્તિથી ભારેખમ બનેલ લખાણની ગેરહાજરી; છતાં – અને કદાચ એટલે જ એ લોકપ્રિયતાના શિખરો સર કરી ગયો અને ચિરંજીવ બની ગયો.  

e.mail : 71abuch@gmail.com

[ગુજરાતી સાહિત્ય અકાદમીની માસિકી બેઠકમાં − ‘ગાંધી સાર્ધશતાબ્દી ઉજવણી’ – નામક અવસરે રજૂ કરાયેલું વક્તવ્ય; 06 ઑક્ટોબર 2018]

Loading

10 December 2018 admin
← છાવણીઓ રચવાની જરૂર જ શું છે જ્યારે સરોકાર સહિયારો હોય? ઊલટું છાવણીઓ નિસબતને નિરસ્ત કરે છે
આજનાં મુખ્યત્વે ત્રણ રાજ્યોનાં પરિણામો ૨૦૧૩ કરતાં પણ વધુ નિર્ણાયક સાબિત થવાનાં છે →

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved