Opinion Magazine
Number of visits: 9640345
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહાશ્વેતાદેવી: વંચિતોની કલમ, શતાબ્દી નમન

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|4 February 2026

પ્રકાશ ન. શાહ

થોડાં અઠવાડિયાં પર જાણ્યું કે મહાશ્વેતાદેવી કૃત ‘અરણ્યનો અધિકાર’ 4 દાયકાથીયે વધુ અંતરાલ પછી ગુજરાતમાં પુનઃ સુલભ થયું છે. આનું નામ જોગાનુજોગ: ‘અરણ્યનો અધિકાર’ના નાયક બિરસા મુંડાની સાર્ધ શતાબ્દીનો માહોલ છે. 1875ના નવેમ્બરમાં એ જન્મ્યા અને 1900ના જૂનમાં આખા 25 વરસનું યશસ્વી આયુષ્ય વીતાવી એ વીરમૃત્યુને વર્યા: આદિવાસી ઓળખ અને અધિકારનો અલખ જગવીને. 1757, 1857, 1947 એવા મેગા નેરેટિવમાં અને મોટી દઈત સામસામી જમાવટોના ઇતિહાસલેખનમાં આપણે ઝારખંડના બિરસા કે ઓખા પંથકના માણેક આસપાસની વીરગાથાઓ વિસારે પાડીને ચાલીએ છીએ. 

જો કે હવે સદ્દભાગ્યે કથિતપણે છેવાડાનાં પાત્રો અને એમની કારકિર્દી આપણી સામે આવી રહી છે. આ વાત શક્ય બની તેમાં ઇતિહાસના અભ્યાસીઓનો, ચાલુ રાજકારણથી ઊંચે ઊઠી શકતા જાહેર જીવનના જણનો આપણે પાડ માનવો જોઈએ અને મહાશ્વેતાદેવી જેવા સર્જકોનો પણ, જેમણે અપરિચિતોને ઓળખી બતાવ્યા … અને હવે, આરંભે કીધેલ જોગાનુજોગ બાબતે લગાર ફોડ પાડું? આ મહાશ્વેતાદેવીનું શતાબ્દી વર્ષ પણ છે (જાન્યુઆરી 14, 1926 : જુલાઈ 28, 2016). 

સર્જક મહાશ્વેતાદેવીની એક મોટી સેવા એમણે આપણને આદિવાસીઓથી માંડી કથિત ડી.એન.ટી. જાતિઓ સહિત અણપ્રીછ્યા તબકાને ઓળખતા ને ચાહતા કર્યા એ લેખાશે. મહાનગરોમાં ઘોલકાતી જિંદગી બસર કરતા ચાલવાસી હોય કે કોલસાની ખાણોમાં રવરવતા શ્રમજીવી, એમના જીવન પરિચય પોતાની પ્રતિબદ્ધ કલમચર્યાએ કરાવતા પિતા મનીષ ઘટક (હાજી, એ જ ઘરાણું, જે જમાતજુદેરા ફિલ્મકાર ઋત્વિક ઘટકનું પણ) અને પર્લ બર્કને બાંગલાવગાં કરતી માતા ધરિત્રીદેવીનું આ સંતાન – એટલે મુખ્ય પ્રવાહની બહાર જવાની ને હાંસિયાજીવી સમુદાયો સાથે કથિત મુખ્ય પ્રવાહને મુખોમુખ કરવાની એને ક્યાંથી નવાઈ હોય. 

બને કે મોટા ભાગના ગુજરાતને મહાશ્વેતાદેવીનો પ્રારંભિક પરિચય કદાચ ‘રુદાલી’ જેવી ફિલ્મથી થયો હોય. મારી પ્રારંભિક સાંભરણ જેમ એમના થકી બંધાયેલા મુંડા-માયાની છે તેમ ‘હજાર ચુરાશીર મા’ વિશે સુરેશ જોષીએ વન્સ અપોન અ ટાઇમ સાપ્તાહિક કોલમમાં આલેખવા માંડેલી પરિચયમાળાની છે. સુરેશભાઈની કોલમકારીના એ ગાળામાં જ આપણા બે, ‘રહેને કો ઘર નહીં : ઔર સારા જહાં હમારા’ જેવી જિંદગી બસર કરતા એમ.એલ. મિત્રો અશ્વિન ને કર્દમ પાસેથી જાણવા મળેલું કે નિઃસ્પૃહા દેસાઈ એક હજાર ચોરાસીની માને ગુજરાતમાં અવતારી રહ્યાં છે. 

મહાશ્વેતા દેવી

ફિલ્મ તો તે પછી મોડેથી આવી, જયા ભાદુરીના અભિનયમાં, પણ મહાશ્વેતાદેવીએ માંડેલી આ વાર્તા 1974માં, જોગાનુજોગ જે.પી. આંદોલનના અરસામાં, પ્રગટ થઈ હતી. જોગાનુજોગ કહું છું તે એટલા માટે કે એનું વસ્તુયે એક જુદે છેડેથી ચાલેલ પરિવર્તન આંદોલનનું હતું. નક્સલ ચળવળની પૃષ્ઠભૂ પર, એમાં સામેલ પુત્રને પગલે નિર્ભ્રાંત-મુક્ત-પ્રવૃત્ત થતી માતાની આ દાસ્તાન છે. નક્સલ પુત્ર માર્યો ગયો છે. એક અણઓળખી લાશ નંબર એક હજાર ચોરાસી રૂપે પડ્યો છે. દકિયાનુસી બાપ એને ઓળખવા બાબતે ચહીને આઘા રહેવું પસંદ કરે છે. પણ સુજાતા (મા) એમ પાછી પડતી નથી. ભદ્રવર્ગી ગિન્ની (ગૃહિણી) જાણે કે પિતૃસત્તાક, પુરુષપ્રધાન ને સામન્તી એવી સમાજ – અને – શાસનપ્રથાથી ઊંચે ઊઠે છે. 

સુજાતાનું પાત્ર વાંચતે વાંચતે ઊઘડતું આવતું હતું ત્યારે મને સાથોસાથ થઈ આવતું સ્મરણ મેક્સિમ ગોર્કીની ‘મધર’(1906)નું અને ઇબ્સનની નોરા(‘ડોલ્સ હાઉસ’, 1879)નું હતું; અને હા, એમ તો, ઘરઆંગણે સત્યજીત રાયની ‘મહાનગર’(1963)ની નાયિકા આરતી(માધવી મુખરજી)નુંયે. સત્યજીતની આરતી એક ભદ્રવર્ગી ગિન્ની છે, અને કુટુંબની આવકખોટ પૂરવા એ પહેલી વાર ઘરની બહાર કામે ચડે છે. મહિનો વીત્યે હાથમાં પગાર આવે છે, કડકડતી નોટોનો! એ પર્સમાં તો મૂકે છે, પણ હાય પેલી કડકડતી અનુભૂતિ … વારે વારે ‘ફેસિલિટી’માં જાય છે અને પેલી નોટોને હાથમાં લઈ પુનઃ પુનઃ રોમાંચ અનુભવે છે. એક અર્થમાં આ સ્મિત પણ મુક્તિનો સ્પંદ હતો. આવતી કાલે કદાચ એ ઇબ્સનની નોરા પેઠે બારણું ધડામ વાસી બહાર પણ નીકળી પડે. 

પણ મને ‘મધર’ કેમ આકર્ષે છે, કહું? નિરક્ષર છે, કોઈ આઇડિયોલોજીનો કે વ્યાપક સમાજઘટનાનો અમથો પણ અહેસાસ નથી, કામદાર પુત્રનું સભાન થવું, ચળવળમાં જોડાવું, અને મદદ કરવા છૂપી પત્રિકાનું વિતરણ કરવું એમ મા બેપ્ટાઈઝ થતી જાય છે અને આંદોલન યુનિવર્સિટીની સ્નાતક પણ … ઘરખૂણાની રોજિંદી જિંદગીને બદલે એક નવઉઘાડની કહાણી — બિરસાની સાથે કહીએ તો ઉલગુલન અને ક્રાંતિકારી પરિવર્તન! મહાશ્વેતાદેવીની સુજાતા, બને કે, ગોર્કીની અમ્મા પેઠે ખીલવા કરે. 

લેનિન જેને ‘ઇન્ફન્ટાઈલ + એડવેન્ચરિઝમ’ તરીકે કદાચ ખપાવે એવી નક્સલ કુરબાની પિતાને ન સ્પર્શી પણ આ પ્રક્રિયા દરમિયાન માતાને સ્પર્શીયે જાય … નવજાતા સુજાતા, ક્યાં છો તું? સામાન્યપણે ડાબેરી રુઝાન સારુ જાણીતાં મહાશ્વેતાને ક્રાંતિનો જે વીંછી ડંખેલો એમાં સર્જક સહજ સહૃદયતાનેય કંઈક સ્થાન હતું. એટલે સ્તો નંદિગ્રામ ઘટના વખતે ડાબેરી સરકાર સામે પ્રતિકારમાં એ પહેલી હરોળના બૌદ્ધિક તરીકે બહાર આવી શક્યાં હતાં.

શતાબ્દી વંદના સમેટતાં રૂડું સ્મરણ કે નારાયણ દેસાઈના નિમંત્ર્યાં એ સાહિત્ય પરિષદમાં અતિથિવિશેષ રૂપે સામેલ થયાં હતાં. 

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 04 ફેબ્રુઆરી  2026

Loading

4 February 2026 Vipool Kalyani
← વસંતાગમન …

Search by

Opinion

  • મૂન આઈલેન્ડ
  • બજેટ : પહેલાં અને પછી : આશા અને નિરાશા –
  • જમી લીધું?
  • મધર ઑફ ઓલ ડીલ્સ : ટ્રમ્પને હાથનાં કર્યાં હૈયે વાગ્યાં, ભારતે અમેરિકાની દાદાગીરી અવગણી યુરોપનો રસ્તો લીધો
  • ચલ મન મુંબઈ નગરી—326

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved