દિવાળીના દીવાના ઉજાસમાં વિક્રમના નવ વર્ષમાં પ્રવેશ વેળાએ દેશનું ચિત્ર કેવુંક દીસે છે વારુ. એક વાત સાચી કે એકાદ એગ્ઝિટ પોલ બાદ કરતાં મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાનાં પરિણામોમાં ભાજપી એકાધિકાર(શું કહીશું, બુલડોઝર)નું જે ચિત્ર સામે આવ્યું હતું એ પાછું પડ્યું છે; અને વિપક્ષ નામ કે વાસ્તે માલૂમ પડે છે. લોકશાહી મોરચે આ અલબત્ત એક સારા સમાચાર છે અને ૨૦૨૪ લગી પહોંચતાં વિધાનસભે વિધાનસભે સત્તાપક્ષી સરસાઈ સામે ટટ્ટાર ઉભરી શકતો વિપક્ષ, બને કે, જનસાધારણને ‘સિતારોં સે આગે જહાં ઔર ભી હૈ’ની તરજ પર પતીજનું પાથેય બંધાવી શકે.
૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં આપણે જે પરિણામ જોયું તેમાં વિપક્ષની ખુદની મર્યાદા છતાં અને તે ઉપરાંત પ્રજાકીય છેડે એક વાજબી ચિંતા હતી – અને તે એ કે પ્રજાનાં વાસ્તવિક સુખદુઃખ આ પરિણામોમાં કેમ પડઘાતાં નથી. એક રીતે, આ સ્તો એ મુદ્દો હતો જેણે જયપ્રકાશના આંદોલનનો કંઈક સમો બાંધ્યો હતો અને પ્રજાસૂય પડો વજડાવ્યો હતો. લાંબી ચર્ચામાં નહીં જતાં અહીં એટલું જ કહીશું કે શહેરી શ્રમિકોની દુર્દૈવ વાસ્તવિકતા અને ગ્રામીણ અજંપો (કિસાન આત્મહત્યાનો એકધારો દોર) પરિણામોમાં પ્રતિબિંબિત થઈ શક્યાં નહોતાં. કદાચ, રાષ્ટ્રવાદને નામે બહુમતીવાદના એકચક્રી સપાટાનું મનોવિજ્ઞાન જમીની વાસ્તવ સામે ચડિયાતું પુરવાર થયું હતું.
ઓણ, હરિયાણા અને સવિશેષ તો મહારાષ્ટ્રમાં પણ ધાસ્તી તો એવા જ એકચક્રી સપાટાની હતી. પણ ગ્રામીણ અજંપો છેવટે એટલો તો પ્રગટ થયો જ કે ભા.જ.પ.ની ફતેહ અને સુનામી ચક્રવર્તીત્વ વચ્ચે અણચિંતવ્યું અંતર રહ્યું. ૩૭૦ની નાબૂદી અને એન.આર.સી.નો ચીપિયો, બેઉ ખખડાવવામાં સત્તાપક્ષે કશી કસર ન છોડી. પણ અગાઉને મુકાબલે તે પાછો પડ્યો અને વિપક્ષ અંશતઃ આગળ વધી શક્યો. મહારાષ્ટ્રમાં તો કૉંગ્રેસના પક્ષે એક હારણ મનોદશા હતી છતાં તેની કંઈક હાજરી વરતાઈ. અલબત્ત, પવારની વ્યક્તિમત્તાએ એન.સી.પી.માં પૂર્યું એવું ને એટલું જોમ પૂરનારું મહારાષ્ટ્ર કૉંગ્રેસમાં કોઈ નહોતું. હરિયાણા કૉંગ્રેસ પાસે હતા અને છે એવા હુડા પણ મહારાષ્ટ્ર કૉંગ્રેસ કને નથી તે નથી.
ગોવા, કર્ણાટક સહિતનાં રાજ્યોમાં સરકારની રચનાના જે આટાપાટા (અને ચટાપટા) આપણે જોયા છે એવા, બને કે, આ કિસ્સામાં – ખાસ કરીને હરિયાણામાં જોવામાં આવે. નૈતિક ધોરણો અને પરિણામની પવિત્રતા વચ્ચે છત્રીસનો સંબંધ ઉત્તરોત્તર વધુ સ્ફૂટ થતો આવે છે, તે હવેના દિવસોમાં પણ મોટે પને અને પાકે પાયે જણાશે. વિપક્ષે કાપવાની મજલ કે સત્તાપક્ષે ધોરણસરની રાજનીતિ માટે કેળવવાની સમજ, બેઉ હાલ તો અંધારા બોગદાની પેલી મેર શું હશે એવા સવાલિયા નિશાનનાં હકદાર છે.
બે ઠીક ઠીક સૂચક હોઈ શકે એવા આંકડા હમણે હમણે આપણા વિમર્શમાંથી અધિકૃતપણે ગેરહાજર રાખવાનો એક સિલસિલો એન.ડી.એ. હસ્તક રાજકીય કૌશલરૂપે વિકસેલ છે. હજુ આ દિવસોમાં જ નેશનલ ક્રાઈમ રેકોર્ડઝ બ્યુરો(એન.સી.આર.બી.)ના આંકડા દોઢ વરસના મીંઢા મૌન પછી બહાર આવ્યા પણ એમાંથી મૉબ લિન્ચિંગ બાકાત છે તે શું સૂચવે છે? અલબત્ત, સરસંઘચાલક ભાગવત તમને આશ્વસ્ત કરી શકે કે આપણી કોઈ પણ ભાષામાં જે શબ્દ (લિન્ચિંગ) નથી તે કેટલાંક સ્થાપિત તત્ત્વોએ અમથો જ ચલાવ્યો છે. એન.સી.આર.બી. હેવાલ અંગ્રેજીમાં બહાર પડ્યો એટલે શબ્દ ન હોવાનો સવાલ નથી, પણ એણે ભારતીય ભાષાઓની લાજ રાખવાપણું અને સત્તાપક્ષી વિચારધારાનો લિહાજ કરવાપણું જોયું એ સમજી શકાય છે.
ખબર નથી, કેટલા લોકોનું ધ્યાન મનરેગાના એ હેવાલ તરફ ગયું છે કે તાજેતરનાં વરસોમાં મનરેગાના લાભાર્થી તરુણોની સંખ્યા વધતી જાય છે. તરુણ લાભાર્થીઓ સો દિવસની રોજી માટે ઝાંવાં નાખે એનો અર્થ એ છે કે બેરોજગાર યુવા વસ્તી ઉત્તરોત્તર વધતી જાય છે. રવિશંકર પ્રસાદ, જેમને બ્રેડ નથી મળતી તે કેક કેમ નથી ખાતા એવું વિમાસતાં ફ્રેન્ચ શાહબાનુની કલાસિક બેફિકરાઈથી બોલતાં શું બોલી ગયા કે ત્રણ હિંદી ફિલ્મોનો પહેલા દિવસનો અધધ વકરો તો જુઓ. (સો દિવસ બાદ કરતાં મનરેગા-મુક્ત દિવસોમાં તો ફિલ્મોનો વિકલ્પ છે જ ને?) કટાક્ષનો આ કાકુ આમ નિયોજવો નથી ગમતો, પણ મંદી જે રીતે હિંદના હાડમાં ઊતરતી જાય છે તે નીતિનિર્માતાઓ જોતે છતાં જોતાં નથી. ૩૭૦ની નાબૂદી જેવી અસ્સલ રાષ્ટ્રવાદી જડ્ડીબુટ્ટી સામે જગત જખ મારે છે, બીજું શું. સામાન્ય માણસને સ્વલ્પ પણ ખરીદશક્તિ આપો એવો સાદો વ્યૂહ ચીંધતા અભિજિત બેનરજી અને સાથીઓની નૉબેલ જાહેરાત વખતે પીયૂષ ગોયલની પ્રતિક્રિયામાં સત્તાપક્ષનું માનસ બરાબરનું ડોકાતું હતું. એમના સહજ તુચ્છકાર પછીનો સમય વડાપ્રધાને અભિજિતની આવભગતથી સાચવી લીધો, પણ વાસ્તવિક પ્રશ્નોના વાસ્તવિક હલનો સવાલ તો વણઉકલ્યો તે વણઉકલ્યો. નોટબંધી વગેરે ઉપચારો પછી વૃદ્ધિદરને ખાસી હાણ પહોંચી છે અને ફેક કરન્સીમાં ગુજરાત મોખરે છે : આ બે બીનાની જુગલબંદીમાં શું વાંચવું, ભલા.
આ સંજોગોમાં મહારાષ્ટ્ર અને હરિયાણાનાં પરિણામોમાં અસંમતિ અને ભિન્નમતને અંશતઃ પણ પ્રતિબિંબિત થતા જોઈ લગરીક સધિયારાનું સુખ વિક્રમના નવા વરસનાં પ્રવેશ દિવસોમાં જરૂર ગાંઠે બાંધીએ. માત્ર, વિપક્ષે વિમર્શવિવેક પૂર્વકની ધારાધોરણની રાજનીતિ વિકસાવવી રહે છે. પ્રજામત (એ.વી.એમ.ની એસીતેસી) જે રીતે પ્રતિબિંબિત થતો માલૂમ પડે છે – જેમ કે, ગુજરાતની પેટાચૂંટણીમાં અલ્પેશ, ધવલને હરાવીને – એની સામે પક્ષોએ પોતાનો હિસાબ આપવાપણું હતું, છે અને રહેશે.
(ઑક્ટોબર ૨૪, ૨૦૧૯)
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2019; પૃ. 01-02