
રવીન્દ્ર પારેખ
ઓકટોબર, 2024માં કેન્દ્રીય કેબિનેટમાં મફત અનાજની યોજના 2028 સુધી લંબાવવાની વાત થઈ ને લગભગ 81 કરોડથી વધુ લોકોને 2028 સુધી મફત અનાજ મળવાનું પાકું થયું. સરકારે એમ પણ કહ્યું કે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના લંબાવાને કારણે કેન્દ્રની તિજોરી પર 11.8 લાખ કરોડનો બોજો પડશે. એવો જ બોજો 1 લાખ કરોડનો પડવાની વાત બજેટ વખતે નાણાં મંત્રીએ પણ કરેલી. 12 લાખની આવક સુધી ઇન્કમટેક્સ ન લાગવાને કારણે આ બોજો પડે એમ છે. જો કે, અન્ન યોજના સંદર્ભે સરકારે એમ પણ ઉમેર્યું કે સરકારને પૈસાની કોઈ કમી નથી. અહીં સવાલ એ થાય કે આટલા પૈસા સરકાર ઊભા કેવી રીતે કરે છે? ગયે વર્ષે ઇન્કમટેક્સથી સરકારને 12 લાખ 31 હજાર કરોડ મળ્યા હતા, તે આ વખતે, 1 લાખ કરોડની ઇન્કમટેક્સમાં ખોટ ખાવા છતાં, 14 લાખ 38 હજાર કરોડ થશે. જી.એસ.ટી.માં ગયા વર્ષ કરતાં આ વખતે 1,48,182 કરોડ વધારે મળવાની વાત છે. આ વર્ષે જી.એસ.ટી.નો આંકડો 11 લાખ 78 હજાર કરોડનો છે, જે ગયા વર્ષે 10 લાખ 30 હજાર કરોડનો હતો. આની વચ્ચે ઇન્કમટેક્સના 1 લાખ કરોડ જતાં કરવાની વાત સરકાર કરે તો હસવું જ આવે કે બીજું કૈં? ટૂંકમાં, બોર આપીને કલ્લી કઢાવતાં સરકારને આવડે છે, છતાં આટલી અઢળક કમાણી સરકાર મધ્યાહ્ન ભોજન યોજના, ગરીબ કલ્યાણ અન્ન યોજના ને બીજી યોજનાઓ માટે ખર્ચે છે તે આવકાર્ય છે. કોરોના વખતે દુનિયા જ બંધ થઈ ગયેલી ને કામકાજ ઠપ થઈ ગયેલાં, ત્યારે સરકારે ગરીબોને મફત અનાજ આપવાનું સરાહનીય પગલું ભર્યું, પણ પછી કોરોના ગયો ને વ્યવહાર પૂર્વવત થયો, તો હવે 2028 સુધી અન્ન યોજના લંબાવવાનું ફેર વિચારણાને પાત્ર છે, એવું નહીં? 142 કરોડમાં અડધાથી વધુ વસ્તી-81 કરોડ-ને મફત અનાજ આપવું પડે એનો સંકોચ થવો જોઈએ, પણ ગૌરવ લેવાય છે.
સરકાર જાણે છે કે મફતનો લાભ ગરીબ નથી એવા લોકો પણ લે છે. આટલા વખતમાં મફતની એવી ટેવ પડી છે કે લોકો મહેનત કરીને રોટલો રળવા નથી માંગતા. એક તરફ શિક્ષિતોને કામ નથી મળતું ને બીજી તરફ મફત ખાનારો વર્ગ ખેતી ને અન્ય કામો કરવા તૈયાર નથી. આ સ્થિતિ વિકાસનાં કામો માટે બાધક બને તો નવાઈ નહીં ! જે વૃદ્ધ છે, અશક્ત છે ને કામ કરી શકે એમ જ નથી એવા ગરીબોને સરકાર મફત યોજનાનો લાભ આપે તે જરૂરી છે, પણ જે કામ કરી શકે એમ છે તેમને મફતની ટેવ પાડીને પાંગળાં બનાવવામાં દેશ સેવા નથી થતી તે રાજકીય પક્ષોએ સમજી લેવાની જરૂર છે. એવું ય નથી કે મફતથી મતદારો મત આપે જ છે. રાજકીય પક્ષો વિવેક વગરના વાયદાઓ ભલે કરે, પણ પ્રજા તો વિવેક વાપરે જ છે અને એ 2025ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં, વધુ વખત જીતેલી ‘આપ’ પાર્ટી પર મતદારોએ ઝાડુ ફેરવીને સાબિત કરી દીધું છે. આપના અધિષ્ઠાતાને તો એવું જ હતું કે દિલ્હીમાં આપને, આ જન્મમાં હરાવવાનું શક્ય જ નથી, એ આપ પર કાપ એવો પડ્યો કે આ જન્મમાં જ સત્તા જાળવવાનું શક્ય રહ્યું નહીં. વારુ, કાઁગ્રેસને એક પણ સીટનું નુકસાન નથી થયું કારણ, એક પણ સીટ તેને મળી જ નથી. એવું ન હતું કે મફતની લાલચ આપ પાર્ટીએ જ આપી હતી, પણ આમ આદમીએ જ, આમ આદમી પાર્ટી(આપ)ને વિપક્ષમાં બેસાડી દીધી.
સત્તામાં હોય તે પક્ષ તો લહાણી કરે જ, પણ સત્તામાં આવવા પણ પક્ષો લાલચો આપતા રહે છે. કમાલ એ છે કે આવી યોજનાઓ ચૂંટણી વખતે જ જાહેર થતી હોય છે. 2024માં શરૂ કરવામાં આવેલી ‘લાડકી બહિણ’ યોજના મહારાષ્ટ્રમાં જીતનું મોટું કારણ બની. આ યોજના હેઠળ 21થી 65ની ઉંમરની તમામ મહિલાઓને 1,500 આપવાનું ઠરાવાયું. મહાયુતિએ એ રકમ વધારીને ચૂંટણી વખતે 2,100 કરી દીધી. ઝારખંડમાં પણ 2024માં ચૂંટણી હતી. તેમાં ‘મૈયા સન્માન’ યોજના હેઠળ 1,000ની રકમ વધારીને 2,500 કરી દેવાઈ હતી. ભા.જ.પે. 2023ની મધ્ય પ્રદેશની ચૂંટણી જીતી, તે કદાચ ‘લાડલી બહેના’ યોજના હેઠળ દર મહિને 1,000ની સહાય મહિલાઓને આપવાનું શરૂ કર્યું એટલે. એની સામે કાઁગ્રેસે 1,500 આપવાની જાહેરાત કરી તો ભા.જ.પે. 1,000ની રકમ વધારીને 1,250 કરી નાખી. મધ્ય પ્રદેશમાં બીજી યોજના ’લાડલી લક્ષ્મી’ દાખલ થઈ, જેમાં બલિકાઓને દર વર્ષે 6,000 જમા કરાવીને, પાંચ વર્ષને અંતે 30,000 ચૂકવવાની વાત હતી. 2025ની દિલ્હીની ચૂંટણી જીતવા આપ પાર્ટીએ ‘મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના’ની જાહેરાત કરી. તેમાં 18 કે તેથી વધુ વયની મહિલાઓને, દિલ્હી સરકારે, પરિવારની વાર્ષિક આવક ત્રણ લાખથી ઓછી હોય તેને, 1,000 રૂપિયા આપવાનું ઠરાવ્યું ને પાછળથી 1,000ની રકમ વધારીને 2,100 કરવામાં આવી.
આવી યોજનાઓનું કારણ એ હતું કે 2024માં મહિલા મતદારોની સક્રિયતા જ નહીં, સંખ્યા પણ પુરુષ મતદારો કરતાં વધી હતી. 2023માં કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પહેલાં કાઁગ્રેસે જાહેરાત કરેલી કે તે સત્તામાં આવશે તો ગૃહલક્ષ્મી યોજના હેઠળ પરિવારની મુખ્ય મહિલાને દર મહિને 2,000ની સહાય આપશે. છત્તીસગઢ સરકારે વિવાહિત મહિલાઓને ‘મહતારી વંદના યોજના’ હેઠળ વાર્ષિક 12,000 આપવાનું ઠરાવ્યું. આજ રીતે મહિલાઓને પશ્ચિમ બંગાળ, ઓડિશા, ગુજરાત, હિમાચલ પ્રદેશની સરકારોએ મહિલાઓના મત મેળવવા જુદી જુદી યોજનાઓ દાખલ કરી છે. તેનું મુખ્ય કારણ એ છે કે કોઈ પણ પક્ષને મહિલાઓના મત ગુમાવવાનું પાલવે એમ જ નથી.
સરકાર ગમે તેટલા મોટા દાવા કરે તો પણ, દેશમાં ગરીબી છે તેનો ઇન્કાર થઈ શકે એમ નથી, પણ તેનો ઈલાજ ‘મફત’માં નથી. લોકોને કામ આપીને આત્મનિર્ભર બનાવવાને બદલે, મફત આપીને સરકાર, મફતિયા પેઢી ઊભી કરી રહી છે. સમાન તકો ઊભી કરવાને બદલે, મત ખરીદવા રોકડા ચૂકવવા જેવું જ છે આ ! આ ચૂકવણી સત્તાધારી પક્ષોને કદાચ પરવડે, પણ વિપક્ષો એ કેવી રીતે મેનેજ કરતાં હશે તે સમજી શકાય એવું છે. ટૂંકમાં, એ માર્ગો સીધા અને સાચા હોવા વિષે શંકા જ રહેવાની.
બે જજોની સુપ્રીમની બેન્ચ પાસે એક અરજી આવી. અરજીમાં શહેરી વિસ્તારમાં બેઘર લોકોને ઘર આપવાની વાત હતી. એની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એ મુદ્દે ટીકા કરી કે મફતમાં અનાજપાણી મળી રહેતાં હોય તો કોઈ મજૂરી શું કામ કરશે? સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી સાચી ને સમયસરની છે, પણ મફતની યોજનાઓ પર આજ સુધી પ્રતિબંધ મુકાયો નથી કે નથી તો રાજકીય પક્ષો માટે કોઈ સૂચના કે ચેતવણી અપાઈ. આવું હોય તો સુપ્રીમ કોર્ટ ટીકા કર્યા કરે ને રાજકીય પક્ષો લહાણી કર્યા કરે એનો અર્થ નથી.
અગાઉ ત્રણ વર્ષ પર, મફત પર પ્રતિબંધની માંગ સાથે સુપ્રીમમાં અરજી થયેલી, તેનો ચુકાદો હજી આવ્યો નથી. એટલે રાજકીય પક્ષો બરાબર જાણે છે કે ચુકાદો આવશે ત્યાં સુધીમાં તો બિનઅસરકારક થઈ ચૂક્યો હશે. ભા.જ.પ.ના જ એક નેતાએ માર્ચ, 2022માં પબ્લિક ઇન્ટરેસ્ટ લિટીગેશન (પી.આઈ.એલ.) કરીને માંગ કરી હતી કે મફતિયા સંસ્કૃતિ બંધ થાય ને ચૂંટણી પંચ એવી સંસ્કૃતિને પોષતા પક્ષોની માન્યતા રદ્દ કરે. ઓકટોબર, 2024માં સુપ્રીમમાં એક અરજી એવી પણ થયેલી કે આ રીતે મફત અપાતાં નાણાંને લાંચ ગણવામાં આવે. આવી અરજીનો કોઈ મતલબ રહેતો નથી, કારણ તે પછી પણ હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર, દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોએ લહાણી કરવામાં કોઈ કસર રાખી નથી.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં વધામણી ખાધી કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013 હેઠળ દેશ 81 કરોડ લોકોને મફત અથવા સબસીડીવાળું રેશન આપે છે, તો સુપ્રીમનો સોંસરો સવાલ એ હતો કે ક્યાં સુધી આમ મફત અનાજ વહેંચવામાં આવશે? આને બદલે સરકાર રોજગારીની તકો કેમ ઊભી નથી કરતી? ખરેખર તો લોકોને કામ સોંપીને મુખ્ય પ્રવાહમાં લાવવા જોઈએ ને રાષ્ટ્રના વિકાસમાં યોગદાનની તકો આપવી જોઈએ, પણ, સરકારે એ વાત ધ્યાને લીધી નથી. આ મામલે સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારને અને ચૂંટણી પંચને નોટિસ પણ આપી ચૂકી છે, પણ સરકારને કે ચૂંટણી પંચને એથી કોઈ ફરક પડ્યો નથી.
સરકારે સારા હેતુથી શરૂ કરેલી અન્ન યોજના અને રોકડની સહાય લોકોને મફતનું ખવાની ટેવ પાડી રહી છે તે ઠીક નથી. યોજના માટે ખર્ચાતાં નાણાં કરદાતાઓની પ્રમાણિકતાનું પરિણામ છે ને કમનસીબી એ છે કે એનો લાભ લેનારાઓને એ પ્રમાણિકતા, અપ્રમાણિક બનવાને માર્ગે લઈ જઈ રહી છે. મફતની આ આફત દૂર થવી જ જોઈએ ને લોકોને સ્વમાનભેર જીવવાની કિંમત સમજાવી જોઈએ. કોઈ પણ યોજના પ્રજાને સ્વમાન વિહોણા બનાવે તે ક્ષમ્ય નથી. નથી જ !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 17 ફેબ્રુઆરી 2025