Opinion Magazine
Number of visits: 9449545
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માધવ તત્ત્વ

સંજય એમ. વૈદ્ય|Opinion - Opinion|23 April 2022

… તમે

હા તમે જ ..

તમે જ્યારે પણ મળો ત્યારે

પહેલા વરસાદ પછીની ચિરપરિચિત હવા જેવી હૂંફાળી ભીંસ મારી હથેળીમાં પરોવી દો છો, ત્યારે વાદળ જેવું ભીંજવી દેતું આપનું શિયાળાની સવારના કૂણાં તડકા જેવું વહાલ તમે મારી પર ઓઢાડી દો છો અને હું ગણગણતો રહું છું કે આવું અદ્દભુત હસ્તધૂનન આજ સુધી બીજે ક્યાં ય સાંપડ્યું નથી!

સહજ શ્યામવર્ણ અને પાતળા દેહ પર સદાય અડધી બાંયનો ખાદીનો ઝભ્ભો જાણે તમારા માટે જ સર્જાયો હોય એટલો સહજ. અને ચહેરા પર એ જ કાયમી અજવાળિયું સ્મિત તમારા વ્યક્તિત્વની આરપાર ઝળહળતું રેલાતું રહે … ધીમા અવાજે તમારા હોઠથી સરતા શબ્દો પણ મધુરપથી ભરપૂર …

જાણે ભાષાનો ઋજૂતમ આવિર્ભાવ!

તમે ગામડામાં જન્મ્યા, કુદરતના ખોળે ઊછર્યા, તળપદી ભાષા અને જાનપદી લાગણીઓ સાથે નગરપ્રવેશ કર્યો અને પ્રાકૃતિક પરિવેશની પારદર્શકતા જાળવીને અમારી પેઢીને સ્પર્શ્યા, પતંગિયાની પાંખને થતાં ચુંબન જેવું!

ર્ષ ૧૯૬૮. ફાઇન આર્ટ્સ કોલેજના તમારા અભ્યાસના છેલ્લા વર્ષમાં કોણાર્ક, જગન્નાથપુરી અને કલકત્તાની એક અભ્યાસ યાત્રા દરમ્યાન બંગાળમાં ઠેર ઠેર નાની નાની તલાવડીમાં ગલ નાખીને બેઠેલા માણસોને જોતાં જોતાં કદાચ તમારી પ્રથમ કવિતા પાંગરેલી :

     ગલ સંગાથે
   રમે માછલી એક
    સ્તબ્ધ પોયણાં.

… અને એ જ વર્ષે કુમાર કાર્યાલયમાં મળતી બુધસભામાં તમારી સુઘડ રીતભાત અને મધુર વ્યક્તિત્વ સાથે દાખલ થયા તમે … અને વડીલ કવિશ્રી પિનાકિન ઠાકોર નોંધે છે : "અવાજ પણ સાંભળવો ગમે એવો – બે અર્થમાં; અવાજના રણકાથી અને એક આશાસ્પદ કવિના નોખા, અનોખા અવાજમાં પ્રગટતી કવિતાના અણસારથી …."

ને એ પછી સળંગ ત્રણ વર્ષ – '૬૯, '૭૦, '૭૧ દરમ્યાનના બુધસભા અને બુધ સભાધિપતિ મુ. શ્રી બચુભાઇ રાવતના સ્મરણો આજે ય તમારા અંતરમાં અકબંધ છે. કંઈ કેટલી ય રચનાઓ કુમારમાં પ્રગટ થયા પછી ય ખાસ સ્મરણ તો એ બે કવિતાઓનું, જે બચુભાઈએ પરત કરેલી, કે જે પછીથી તરત જ 'સમર્પણ' અને 'કવિતા'માં પ્રગટ થયેલી અને આજ સુધી એ બંને ગીતો એવાં ને એવાં જ ગમતાં રહ્યાં છે ..

૧. "ગોકુળમાં કોક વાર આવો ને કાન …."

૨. "એક વાર યમુનામાં આવ્યું'તું પૂર …"

અમદાવાદથી લગભગ સોએક કિલોમીટર દૂર, જે ભાલ પ્રદેશ તરીકે ઓળખાય છે, કહેવાય છે કે ત્યાં પહેલા દરિયો હતો અને લોથલ નામે મોટું બંદર હતું, એવા ભાલ વિસ્તારમાં બે એક હજારની વસ્તીવાળું પચ્છમ નામનું ગામ ને ત્યાં તમારો જન્મ. પિતાજી વૈદ હતા. એમનું નામ ઓધવ અને તમારું નામ પાડ્યું માધવ. બાળપણમાં પિતાજી બહુ સરસ કથા વાર્તા કરતા. અને એમણે તમને શાળા પ્રવેશ પહેલાં, વાંચતા શીખવાડી દીધેલું …

ને ગામની શેરીમાં લગભગ દર ત્રણ ચાર દિવસે બધી બહેનો ભેગી થઈને ઢોલી બોલાવે, ગરબા ગાય … આમ અનાયાસે બધું મનમાં સંગ્રહાતું ગયું અને લોકગીતો, લોકવાર્તાઓ, તહેવારો વગેરે તમારા મનમાં જે સંચિત કર્યું તે આગળ જતાં કવિતા રૂપે પ્રગટ્યું!

કદાચ એટલે જ તમારી અંદર કે ઉપર સાહિત્યકાર તરીકેનો કોઈ ભાર વર્તાતો નથી. ભારેખમ ભાષાથી સામાને આંજી દેવાની કોઈ વૃત્તિ કે એનો અણસાર સુદ્ધાં નહીં! ઊલટું એવી નિતાંત સહજ સાલસતા કે સાંભળતાવેંત આપણે પણ હળવાફૂલ થઈ જઈએ.

અને એટલે જ પદ્ય અને ગદ્ય ઉપરાંત સર્જનશીલતાના વિવિધ પાસાંઓથી તમે સમૃદ્ધ થયા …

તમારા પ્રથમ કાવ્યસંગ્રહ ‘તમે'-ને રાજ્ય પારિતોષિક, ત્યાર બાદ તેમની કૃતિ 'પિંજરની આરપાર'ને અકાદમી એવોર્ડ તથા સાહિત્ય પરિષદનો એવોર્ડ પ્રાપ્ત થયેલા. શેઠ સી.એન. કૉલેજ ઑફ ફાઇન આર્ટસમાં આજીવન ચિત્રકળાના અધ્યાપક અને પછી આચાર્ય તરીકે નિવૃત્ત થયા દરમ્યાનની તમારી સર્જનયાત્રાના બહુરંગી પડાવોમાં નાટક, ભવાઈવેશ, નવલકથા, ફિલ્મ-ટી.વી., બાળ સાહિત્ય અને ચિત્રકળા આવ્યાં. પણ તમારી ભીતરનું નખશિખ કવિત્વ તમારા વ્યક્તિત્વને સતત સભર કરતું રહ્યું …

કેટલું સહજ રીતે એક વાર તમે મને સમજાવેલું કે, જન્મતાંની સાથે સંગીતનો સ્પર્શ પામીએ છીએ આપણે સૌ. નવજાત શિશુનું પ્રથમ રુદન પણ એક પ્રકારનું સંગીત છે! પણ મને લાગે છે કે માતાના હાલરડાંમાંથી આપણને સંગીતના સંસ્કાર મળે છે! સંજોગોનો સુમેળ પણ કેવો અદ્દભુત, કે મૂળે ગીતકાર એવા તમને આજીવન સંગાથ મળ્યો સંગીતકાર જીવનસાથીનો. પત્ની સંગીત વિશારદ અને પછી દીકરી પણ સંગીત વિશારદ!

બસ, આમ જ ગીત અને સંગીત બંનેમાં 'માધવ તત્ત્વ' સદાય ઝળહળતું રહ્યું તમારી આ સદાબહાર રચનાની જેમ ….

અંદર તો એવું અજવાળું, અજવાળું …
ટળવળતી હોય આંખ જેને જોવાને,
એ મીંચેલી આંખે ય ભાળું.
અંદર તો એવું અજવાળું, અજવાળું ….
ઊંડે ને ઊંડે ઊતરતાં જઇએ,
ને તો ય લાગે કે સાવ અમે તરીએ
મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને એમ
ઝળહળતા શ્વાસ અમે ભરીએ
પછી આરપાર ઉઘડતાં જાય બધાં દ્વાર,
નહીં સાંકળ કે ક્યાં ય નહીં તાળું …
અંદર તો એવું અજવાળું ……

અને તમારી અંદરનું અજવાળું એવું જ્યોતિર્મય રહ્યું કે આપના પૂજારી પૂર્વજો આપના જીવનકવન થકી શાતા અનુભવી રહ્યા હશે એ ચોક્કસ!

તમે ભલે કહો કે, ઓછું લખાય છે, પણ એ અર્ધસત્ય છે. લખવાનું મન થતું નથી એ વળી બીજું અર્ધસત્ય હોઈ શકે, પણ બંનેનો સરવાળો થાય તો રોકડું સત્ય ઊઘડે અને ગુજરાતી સાહિત્ય વધુ રળિયાત થાય એમ બને! ક્યારેક સુખ નાગણની જેમ ડંખે છે દુઃખ ચંદનલેપ કરે છે. કોણ શ્રાપ અને કોણ વરદાન એની ખબર નથી પડતી …. કોની ક્યારે અદલબદલ થાય છે એ અટકળનો નહીં, અનુભવનો વિષય છે. જો કે એ પણ એટલું જ સાચું છે કે લખવા સિવાય પણ પૂરેપૂરા રોકી રાખે એવું ઘણું બધું તમે વહોરી લીધું છે! અને એક વાર આપણે એવી પણ ચર્ચા થયેલી કે –

રાણાની જંજીરને
ઝાંઝરમાં ફેરવે
તે મીરાં –
કે મીરાંની કવિતા!

ઉંમરના આઠમા દાયકે અંતર કોરાય પણ ખરું અને અંતરનું એકાંત ઉભરાય પણ ખરું ….

આપની જ આ રચના જૂઓ :

ઓતપ્રોત આંસુમાં થઈએ,
ચાલો પાંપણ પાસે જઈએ.
આસપાસ ઉંમરનો દરિયો,
તળિયે જઈને મોતી લઈએ.
શૂન્ય પછીનો આંક મળે તો,
નવો દાખલો માંડી દઈએ.
હળવે હળવે નથી ચાલવું,
મંઝિલની આગળ થઈ જઈએ.
આગ ભલેને બળતી જાતે,
રાખ બની આળોટી લઈએ.

યાદ છે?

૧૯૭૮ની ત્રીસમી ઑગસ્ટે કવિ શ્રી હરિકૃષ્ણ પાઠકને તમે 'તમે'ની નકલ ભેટ ધરેલી; જેમાં એક ગીતપંક્તિ લખેલી તમે :

ઝાકળની પાંખડીઓ વેરાણી ફળિયામાં,
પગલાં ઢંકાઈ ગયા રાતના …

યાદ આવે છે ગયા વર્ષની,

૨૦૨૧ની ૨૨મી ફેબ્રુઆરી …

જ્યારે તમે મને એક નકલ ભેટ આપેલી

'અંતરના એકાંત’ની ..

આપના વ્યક્તિત્વ જેટલી જ કલાત્મક સહી સાથે આપે લખેલું :

"વ્યક્તિત્વમાં અને અંતરમાં પારદર્શી સૌંદર્યની અનુભૂતિ છે …."

અને આજે ૨૦૨૨ની ૨૨મી એપ્રીલ છે …

તમારી જ કેટલીક પંક્તિઓ,

બહુ જાણીતા રદીફ સાથે

તમારા માટે ….

ન પૂછો કશું યે, ન બોલો કશું યે
અમસ્તાં મલકાઓ, ખરાં છો તમે!
આ વિશ્વમાં ઘર એક એવુંય શોધો,
કશા કારણ વિણ જઈ શકો જ્યાં તમે.
ઢળે નેણ ને મળે આછેરો આવકાર,
થતાં એટલાથી ન્યાલ? ખરાં છો તમે!
તમે લયના ઝબકારે ધબક્યા કરો છો
એકાંતે અંતરનાં ઝળહળતા રહો, ખરાં છો તમે!

સૌજન્ય : સંજયભાઈ એમ. વૈદ્યની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

23 April 2022 admin
← ‘નોટ જસ્ટ અ સિવિલ સર્વન્ટ’ : એક સનદી અધિકારીના અનુભવ …
અરુણ શૌરીએ સંઘને સમજવામાં ભૂલ કરી કે આળસ ? →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved