હું ૨૧ વર્ષની વયે જાની પરિવારમાં ચોથા નંબરની પુત્રવધૂ તરીકે આવી. આજથી ૪૦ વર્ષ પહેલાં … મનીષી સાથે મારાં પ્રેમ લગ્ન અને સહજ રીતે જ અજાણ્યા કુટુંબમાં સ્વીકાર ને નવાં વાતાવરણમાં કેવી રીતે ગોઠવાઈશ તેની મૂંઝવણ! વળી, વિભક્ત કુટુંબમાંથી ને તેમાં ય અમે માત્ર બહેનો જ એટલે પાંચ ભાઈઓ, ત્રણ જેઠાણીઓ ને સાસુ-સસરાવાળાં કુટુંબમાં શું થશે? એમાં ય રસોઇ બિલકુલ આવડે નહીં … ને આપણા સમાજમાં સાસુને તો હંમેશાં વિલન તરીકે જ ચિતરવામાં આવી છે. .. …વળી, લગ્ન પણ કોઈ જાતનાં વિધિ-વિધાન વગર કમુરતાંમાં કરેલાં … ને તે પણ બ્રાહ્મણ કુટુંબમાં …. એટલે શું થશે એવી બધી જ મથામણ … પણ પહેલાં જ દિવસે મારાં સાસુ સહનબહેને મારું બહુ જ ઉમળકાભેર સ્વાગત કર્યું ને બધી જ દુવિધાઓ દૂર થઈ ગઈ. ને હંમેશ માટે હું આ પરિવાર સાથે ગોઠવાઈ ગઈ. મારી મમ્મીને પણ આશ્ચર્ય થતું કે આ છોકરી કોઈ દિવસ સાસુની ફરિયાદ કેમ નથી કરતી!
પિતૃસત્તાક સમાજની દ્રષ્ટિએ જોઈએ તો મારાં સાસુનું સ્થાન બહુ ઊચું કહેવાય … પાંચ દીકરાની મા ….. પણ માત્ર ચાર ચોપડી ભણેલી આ ગૃહિણી પોતાની જાતને તો સન્માન આપતાં, પરંતુ બીજાનાં સ્વાતંત્ર્યનું માન પણ રાખતાં અને સવિશેષપણે વહુઓ સમેત. સૌને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના પાઠ એ ક્યાંથી શીખ્યાં હશે એવો પ્રશ્ન સ્વાભાવિક રીતે થાય !
માત્ર 15 વર્ષની વયે તેમના લગ્ન થયેલાં ને સોળમે વર્ષે માતૃત્વ … 28 વર્ષ સુધીમાં એ પાંચ દીકરાઓ … અચ્યુતભાઈ, અશ્વિનભાઈ, કૃષ્ણકાંત, મનીષી અને ગૌરાંગ …. પોતાના ક્ષેત્રમાં સફળ, સામાજિક નિસ્બત ધરાવતા આ પાંચેય દીકરાઓનું માને ગૌરવ હોય તે સ્વાભાવિક હતું જ …
પણ અહીં વાત થોડી જુદી છે …. પાંચમાંથી ચાર દીકરાઓએ પ્રેમલગ્ન કર્યા અને એક દીકરાએ છાપાંમાં આવતી લગ્ન વિષયક જાહેરાતની મદદથી … પાંચેય વહુઓનાં સામાજિક સંદર્ભો ને કૌટુમ્બિક વાતાવરણ સાવ જુદાં … ડો. ભારતી પટેલ, ઉષા મહેતા, શ્રદ્ધા વ્યાસ, ડો. રૂપા મહેતા ને હર્ષા દવે. પણ સહનબહેને કે જેમને અમે બધાં મોટીબે’ન તરીકે સંબોધતાં, તેમણે બધી જ વહુઓનો એકસરખા પ્રેમ ને ઉષ્માથી સ્વીકાર કર્યો ને બધાંને સમાન ગણ્યાં. ને સૌથી મહત્ત્વની બાબત તો એ કે અમે ત્રણ વહુઓએ તો અમારું ભણવાનું પણ સાસરે આવી પૂરું કર્યું … મેં અને ભારતીભાભીએ તો અમારી maiden surname જ રાખી તો એની સામે મારા સાસુ સસરાએ કોઈ વાંધો ના ઉઠાવ્યો …. હકીકતમાં તેમને તેમની પાંચ પુત્રવધૂઓનાં ભણતર અને પ્રગતિનું હંમેશાં બહુ જ ગૌરવ હતું.
હું જ્યારે દૂરદર્શનમાં નોકરી કરતી ત્યારે મારા કાર્યક્રમોનાં નિયમિત દર્શક. નવરાત્રિ વખતે બનાવેલાં મારા ગરબા એમને સૌથી પ્રિય! એ મારાં કાર્યક્રમોની નિષ્પક્ષ ટીકાટિપ્પણ પણ કરતાં. મને એ ગમતું … હું સપ્ટેમ્બરમાં સેવાનિવૃત્ત થઈ ત્યારે કહે, “હવે માત્ર તને ગમતી જ પ્રવૃત્તિ કરજે."
કોઈને એ માનવું અઘરું છે કે જિંદગીના છેક છેલ્લા દિવસોમાં ય એ છાપાં વાંચતાં. સાંપ્રત ઘટનાઓથી સંપૂર્ણ વાકેફ. નવલકથાઓ, વાર્તા, મેગેઝીન વાંચવાં ને સંગીત સાંભળવું એ એમનાં પ્રિય શોખ … હમણાં માતૃદિનની રાત્રે હું એમની સાથે જ્યારે હોસ્પિટલમાં હતી, ત્યારે હોસ્પિટલના બિછાનેથી એમણે મને કહ્યું કે "મને ભગવાનના નામ કરતાં વાંચવામાં વધારે મઝા આવે છે.” કદાચ આજની પેઢી પણ 92 વર્ષનાં મોટીબે’નને વાંચવામાં હંફાવી ન શકે!
આપણાં અનેક લોકગીતોમાં સાસુનાં આકરાંપણાનું વર્ણન છે. મહેણાં મારવા .. વહુને ત્રાસ આપવો .. "સાસુ એટલે સૂરજમુખીનું ફૂલ જે દિવસ ઊગતાંની સાથે જ બોલવા લાગે ને સાંજ સુધી ભૂલો જ કાઢે" પણ સહનબહેન સાવ નિરાળાં … એમની પસંદગી નાપસંદગી બહુ strong હતી, સ્વચ્છતાપૂર્ણ ઘરકામનાં પણ બહુ જ આગ્રહી હતાં, પણ એમણે કોઈ દિવસ અમને નથી મહેણાં માર્યાં કે નથી કોઈ વહુ પર ઘાંટો પાડ્યો! સાચું કહું તો મોટાં કુટુંબમાં સમન્વય કેવી રીતે જાળવવો એ મને મોટીબે’ન પાસેથી શીખવા મળ્યું. તેમની પાસે સમગ્ર કુટુંબને એક સૂત્રે બાંધી રાખવાની કોઠાસૂઝ હતી. સૌની સ્વતંત્રતાને જાળવી કોઈને નારાજ નહીં કરવાની સરસ આવડત હતી, સહનબહેનમાં.
મોટીબે’ન જે દીકરાને ઘરે રહેવા જતાં તે ઘરની વિશિષ્ટ રહેણીકરણીમાં બહુ જ સરસ રીતે ગોઠવાઈ જતાં. મારાં ઘરે એમને વાંચવાની મઝા પડતી .. અમે સાસુ વહુ ક્યારેક મંદિર જતાં .. એમને મારી સાથે ગાડીમાં બેસી ફરવું ગમતું … બંનેને મઝા …
એમની ખુશી અને સંતોષ એમનાં દીકરા – વહુઓનાં આનંદમય દાંપત્ય જીવનમાં હતો .. પણ એનો અર્થ એવો નહીં કે વહુઓ એમના દીકરાની કોઈ પણ ટેવો પોષે. માત્ર દીકરાનો જ પક્ષ નહીં લેવાનો .. મારાં લગ્નના શરૂઆતના દિવસોમાં હું મનીષીને રાત્રે જ્યારે જમવા બેસે ત્યારે ગરમ ભાખરી કરી ખવડાવતી. મોટીબે’નને ખબર પડી એટલે કહે "આવી ખોટી ટેવ નહીં પાડવાની … ભાખરી કરીને મૂકી દેવાની .. મનીષી મોડા જમે તો ત્યાં સુધી રસોડું પકડીને બેસી નહીં રહેવાનું.” …
કોઈની કૂથલી નહીં .. નહીં કોઈનું પીઠ પાછળ ખરાબ બોલવાનું … એ બધી જ પુત્રવધૂઓનાં સારાં ને નબળાં પાસાંથી વાકેફ છતાં ય એમણે હંમેશાં અમારાં સારાં પાસાંને જ પ્રોત્સાહન આપ્યું. મોટીબે’ન ખૂબ સરસ રસોઇ બનાવતાં ને ખાવાનાં પણ શોખીન .. પણ મને રસોઇ કરતાં નહોતી આવડતી તો એમણે ક્યારે ય એના માટે મને ઉતારી પાડી હોય એવું મને યાદ નથી. ઊલટાનું પરંપરાગત વાનગીઓ સરળતાથી કેવી રીતે બનાવવી એ શીખવ્યું … અને આજે જ્યારે મારો હાંડવો સારો થાય ત્યારે મને મોટીબે’ન યાદ આવે .. કઈંક સારું બને એટલે પ્રેમથી વખાણ કરે. બધી વહુઓ પ્રત્યે સમભાવ …. અમારાં આરોગ્યની પણ ચિંતા કરે .. એમણે અમારાં બધાંનાં લગ્નજીવનની શરૂઆતમાં જ એમની પાસે જે કંઈ સોનું હતું એ અમને સૌને સરખે ભાગે વહેંચી દીધું હતું; ખાસ એમ કહીને કે "અત્યારે નહીં પહેરો ઓઢો તો ક્યારે પહેરશો?" એમાં એમને અમારાં બધાં પરનો એક વિશ્વાસ પણ હતો કે એ બધું જ આપી દેશે તો પણ ઘડપણમાં અમે બધાં જ તેમને સાચવશું જ! એમની સરળતા, તટસ્થતા અને ખાસ તો કોઈ માલિકીભાવ નહીં … આ બધી બાબતોને કારણે પાંચ વહુઓ વચ્ચે દેરાણી જેઠાણીપણું નહીં પણ સખીપણું વધારે રહ્યું છે!
બધા જ ભાઈઓ અલગ અલગ રહે પણ મોટીબે’નનો એ આગ્રહ કે બધા તહેવારો સાથે જ ઉજવવાના. એટલે તહેવારો વખતે 25 જણાંની ઘરમાં જ રસોઇ થાય … બધી જ પરંપરાગત વાનગીઓ એમની સાથે જ રહેતી પુત્રવધૂ શ્રદ્ધા બનાવે ….. અમે બધાં એના સહાયકો …. સમૂહ ભોજનની સાથે સાથે સંસ્કૃતિથી માંડી ને રાજકારણના સાંપ્રત પ્રવાહોની ચર્ચાઓ થાય જેમાં દીકરાઓ, વહુઓ, પૌત્રો, પૌત્રી ને સાસુ-સસરા બધાં જ સામેલ થાય … અને આ જ મોટીબે'નનો પરમ્ આનંદ !
સહનબહેન મૂળ ધર્મજના પરંપરાગત બ્રાહ્મણ પરિવારનાં દીકરી … સંપૂર્ણ ધાર્મિક વાતાવરણ, અમુક અંશે રૂઢિચુસ્તતા પણ ખરી … પણ મોટીબે’નનો અભિગમ સાવ અલગ .. She was quite flexible and not conservative. .. અને એટલે જ એમણે ક્યારે ય અમને કોઈ રૂઢિવાદી, પારંપારિક સામાજિક સંબંધોમાં કે બંધનોમાં ન બાંધ્યાં … વહુઓ મનગમતાં કપડાં પહેરી શકે … ને સૌથી મોટી વાત તો એ કે મારા સસરાના મૃત્યુ પછી એ ચાંદલો પણ કરતાં ને સારી સાડી પણ પહેરતાં .. અરે એક વાર તો મેં એમને મારો ડ્રેસ પહેરવાનો આગ્રહ રાખ્યો તો તે પણ પહેર્યો … વળી અમારાં પર કોઈ ધાર્મિક બંધન પણ નહીં .. મારાં ઘરમાં ભગવાનનો કોઈ ફોટો કે મૂર્તિ નથી તો એ અંગે કોઈ ટીકાટિપ્પણી નહીં … અમે વહુઓ ટૂંકા વાળ રાખીએ તો પણ આનંદ ને વેણી નાંખીએ તો પણ ખુશ … માત્ર દીકરાઓને જ નહીં, વહુઓને પણ પોતાને પોતાની રીતે રહેવાની પૂર્ણ સ્વતંત્રતા …
મોટીબે’ન એમનાં પૌત્ર-પૌત્રીઓને પણ ખૂબ વહાલાં. એ કદાચ Gender Equality શબ્દથી પરિચિત નહોતાં પણ એમણે બધાં જ પૌત્ર પૌત્રી વચ્ચે ક્યારે ય ભેદ નહોતો કર્યો ને બધાંને એક સરખો પ્રેમ વહેંચ્યો … એટલે આનંદ હોય કે મહાશ્વેતા બંને એમને માટે સરખા વ્હાલાં … આનંદનું સાસરું મધ્ય પ્રદેશ ને મહાશ્વેતાનું બિહાર … આ બંને પરિવાર સાથે એમણે સંબંધો કેળવ્યાં … અને એવો જ પ્રેમ Great grand childrenને પણ …. પણ સૌથી રસપ્રદ હતી એમનાં એમની બે પૌત્રવધૂઓ સાથેની આત્મીયતા …. દિવ્યજ્યોતિ ખરે અને ખ્યાતિ નાયક. બંને સાથે એમને બહુ જ ગમે … ઉંમરની ભેદ રેખા ક્યાં ય નડે નહીં … દિવ્યા અને ખ્યાતિનાં career developmentમાં પણ મોટીબે’ન રસ લે ..
મોટીબે’ન પાસે એક શીખવા જેવી વાત તે પોતાની જાતને પણ પ્રેમ કરવો … એ હંમેશાં પોતાના શરીરની માવજત કરતાં … અરીઠાં – આંબળાંથી માથું ધોવાનું, વાળમાં નિયમિત પોતાની જાતે જ તેલ ઘસવાનું … 92 વર્ષે એમના વાળ કાળા ને 60 વર્ષે મારા બધા વાળ ધોળા … અને વાળ હંમેશાં ઓળેલા જ હોય … બહુ જ સુધડ વ્યક્તિ … એમને ફોટો પડાવવાનું બહુ જ ગમતું, પણ પોતે કઈ રીતે બેસશે તો ફોટો સારો આવશે એનું ખાસ ધ્યાન રાખે …
મોટીબે’ન જિંદગી જીવવાનાં શોખીન હતાં … એમણે જિંદગીના બધા જ રંગ ને રસ માણ્યાં .. પોતે જોયેલાં અતિ કપરા દિવસો સામે પણ કોઈ ફરિયાદ નહીં … ચાર પેઢીના સુખને જોયાનો આનંદ અને સંતોષ …. એ હંમેશાં કહેતાં, "હું તો લીલી વાડી મૂકીને જવાની છું.”
મારાં સાસુ સહનબહેન .. મોટીબે’ન .. એ સૂર્યમુખીનું નહીં, પણ મોગરાનું ફૂલ હતાં કે જેની સુવાસથી માત્ર ઘરનો ઓરડો જ નહીં પણ અમે સૌ મહેંક્યાં!
સૌજન્ય : લેખિકાની ફેઇસબૂક દિવાલેથી સાદર