અમેરિકામાં જે ઘટના બની છે એ આવનારા દિવસોનો સંકેત આપે છે અને એ ભારત માટે કપરા હશે. અમેરિકામાં વિલયમ સિંગર નામના માણસે અમેરિકાની નવ યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવવાનું અને પાસ કરાવવાનું કૌભાંડ કર્યું છે. મુન્નાભાઈ એમ.બી.બી.એસ.ની માફક નકલી આઇડેન્ટિટી કાર્ડ બનાવીને એકની જગ્યાએ બીજો પરીક્ષા આપવા જાય એવું કેટલાક કેસમાં બન્યું હતું. વિદ્યાર્થી ભણવામાં ધીમો છે એવું ડૉક્ટર પાસેથી સર્ટિફિકેટ મેળવીને પરીક્ષા આપવામાં પંદર મિનિટ વધારે અપાવવી અને રમતગમતના માર્કમાં વધારો કરાવવો એવી કેટલીક તેની તરકીબ હતી. અમેરિકાનું યુનિવર્સિટી પ્રવેશ કૌભાંડ એક અબજ ડોલર કરતાં મોટું છે. કહેવાની જરૂર નથી કે સિંગરના ગ્રાહકો ધનપતિઓ અને સિનેતારકોનાં સંતાનો હતાં.
અમેરિકામાં વહીવટીતંત્ર અને ન્યાયતંત્ર ભારત જેવું નમાલું નથી એટલે કૌભાંડ બહાર આવતાંની સાથે જે પગલાં લેવાવાનું શરૂ થયું હતું. સિંગર જેલમાં છે, આપવામાં આવેલા પ્રવેશો રદ્દ કે સ્થગિત કરવામાં આવ્યા છે અને અદાલતમાં ખટલો માંડવામાં આવ્યો છે. આવનારા એક કે વધુમાં વધુ અપીલ સાથે બે વરસમાં આરોપી સિંગર તકસીરવાર ઠરશે તો જેલમાં જશે. આટલી જે રાહત છે એ કાયદાના રાજની છે, હજુ સુધી આપણે ત્યાં જોવા મળે છે એમ ટ્રમ્પસાહેબ કાયદાના રાજની ઐસીતૈસી કરી શક્યા નથી, પણ સવાલ એ છે કે આવું બન્યું કેમ? ખાસ કરીને એવા દેશમાં જ્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત છે. કૌભાંડ કરનારાને અને તેનો ફાયદો લેનારાઓને જાણ હતી કે કૌભાંડ ઊઘાડું પડી શકી છે અને જો ઉઘાડું પડ્યું તો જેલમાં જવું પડશે અને લેવામાં આવેલા લાભ ગેરલાભમાં ફેરવાઈ શકે છે.
કૌભાંડનાં પરિણામ અંગેની પૂરી જાણકારી હોવા છતાં શા માટે આવું બન્યું?
કારણ બહુ સ્પષ્ટ છે; માર્કેટમાં જોબ નથી. યુવાન થયા પછી કરવું શું એ સમસ્યા છે. દરેક માણસને રોજી રળવી પડે છે. કામને અને કામનાં સ્વરૂપને સમાજે સામાજિક પ્રતિષ્ઠા સાથે જોડી દીધું છે. ખેડૂતની પ્રતિષ્ઠા નથી પણ કારકુનની છે. દરેક વ્યક્તિ ઓછીવત્તી ઉત્પાદકતા અને સર્જકતા ધરાવતી હોય છે એટલે દોમદોમ સાહેબી હોય તો પણ અને કમાવાની જરૂર ન હોય તો પણ કામ તો જોઈએ જ. અંગ્રેજીમાં કહીએ તો દરેક માણસને એન્ગેજ રાખવો પડતો હોય છે અને નવયુવાનને એન્ગેજ રાખવા માટે કોઈ કામ નથી. આમ કામ એ શારીરિક, માનસિક અને આત્મિક એમ ત્રણેય પ્રકારની જરૂરિયાત હોય છે અને એ નજરે પડતું નથી.
આ જે નવી સ્થિતિ પેદા થઈ છે તેને અંગ્રેજીમાં આઈ.આર.-૪.૦ કહેવામાં આવે છે એટલે કે ફોર્થ ઇન્ડસ્ટ્રીઅલ રિવોલ્યુશન અર્થાત્ ચોથી ઔદ્યોગિક ક્રાંતિ. પહેલી ક્રાંતિ જળ અને વરાળની ઉર્જાને કારણે થઈ હતી. બીજી ક્રાંતિ વીજળી અને યંત્રો દ્વારા વ્યાપક ઉત્પાદન(માસ એસેમ્બલી લાઈન પ્રોડક્શન)ને કારણે થઈ હતી. ત્રીજી ક્રાંતિ કમ્પ્યૂટરોને કારણે થઈ હતી અને ચોથી ક્રાંતિ સાયબર ફીઝિકલ સિસ્ટમ અથવા આર્ટિફીશિયલ ઇન્ટેલિજન્સ અથવા રોબોટાઈઝેશનના કારણે થઈ રહી છે. ૨૦૧૧માં હૅનૉવર બીઝનેસ ફૅરમાં આકાર લઈ રહેલી આ નવી સ્થિતિને આઈ.આર. ૪.૦ એવું નામ આપવામાં આવ્યું હતું.
બીજી અને ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિમાં માનવહાથની જગ્યા મશીને લેવા માંડી હતી. આ ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં માનવચિત્તની જગ્યા સાયબર ફિઝીકલ સ્પેસ લેશે. હવે તમારે ટેક્સી ગોતવા ગલીને નાકે નથી જવું પડતું. ઓલા કે ઉબર દ્વારા ટેક્સી તમારે ઘરે પહોંચી જશે અને એ કામ ઓલા કે ઉબરના કન્ટ્રોલ ટાવરમાં પ્રોગ્રામ્ડ ઇલેક્ટ્રોનિક ગેજેટો કરે છે. પાંચ હજાર જેટલી ટેક્સીની ફ્લીટ મેનેજ કરવા માટે પચાસ માણસનો સ્ટાફ નથી હોતો. ધારો કે તમારે કોઈક જગ્યાએ જવું છે અને તમે ટેક્સી સર્ચ કરો છો. કંપની તમને તમારા ગંતવ્ય સ્થળનું અંદાજીત ભાડું ૧૫૦ રૂપિયા બતાવે છે. તમે ટેક્સી બૂક નહીં કરી અને એપમાંથી એક્ઝીટ લીધી. થોડી વાર પછી પાછા જશો તો એ જ સ્થળ માટેનું ભાડું ૧૭૫ બતાવશે, પણ એ જ ક્ષણે તમારો પુત્ર જો બીજા મોબાઈલમાંથી એ જ રૂટ માટે ટેક્સી શોધતો હશે તો તેને ૧૫૦ કે કદાચ તેના કરતાં પણ ઓછા બતાવશે. પ્રયોગ કરી જોજો. ગેજેટને ખબર પડી ગઈ છે કે કાં તો પ્રતિસ્પર્ધી કંપની વધુ ભાડું માગે છે અથવા તમારા વિસ્તારમાં નજીકમાં કોઈ ટેક્સી નથી. ત્રીજી વાર જશો તો હજુ વધુ ભાડું બતાવશે. કન્ટ્રોલ રૂમમાં કોઈ માણસ નથી, પ્રોગ્રામ્ડ કરેલું ગેજેટ છે જે આપણી ગરજ ઓળખી લે છે.
ભારતે પાકિસ્તાનમાં બાલાકોટ ખાતે ત્રાસવાદી છાવણી પર હુમલો કર્યો અને ત્રણસોથી પાંચસો ત્રાસવાદી માર્યા ગયા હોવાનો દાવો ભારતીય મીડિયામાં કરવામાં આવતો હતો ત્યારે એમ લાગતું હતું કે વિશ્વભરના પત્રકારો બાલાકોટ પહોંચી જશે. જો ભારતીય મીડિયા કહે છે એમ મોટી સંખ્યામાં ત્રાસવાદી માર્યા ગયા હશે, તો પાકિસ્તાન સરકાર વિદેશી પત્રકારોને બાલાકોટ જવા જ નહીં દે અને એમાં જ જે સમજવાનું છે એ સમજાઈ જશે. શું બન્યું ખબર છે? એક પણ પત્રકારે બાલાકોટ જવાની જહેમત લીધી નહીં. રૉયટરે સીધા ગૂગલ મેપ પાસેથી બે સેટેલાઈટ તસ્વીરો ખરીદી લીધી. એક ઘટના પહેલાની અને બીજી પછીની. એ તસ્વીરો દુનિયાભરમાં રિલીઝ થઈ, એ પછી ભારતના વાયુ દળના વડાએ કહ્યું હતું કે અમારું કામ હુમલો કરવાનું છે, જમીન પર કેટલું નુકસાન થયું તેની ગણતરી માંડવાનું નથી. ટૂંકમાં ઉત્પાદન હોય, સેવા હોય કે સુરક્ષા; માણસની જરૂરિયાત ઘટી રહી છે. જીવતો પણ ઉત્પાદન પ્રક્રિયામાં ખપ વિનાનો યુવાન એ આજના જગતની વાસ્તવિકતા છે.
જીવતો જાગતો, તંદુરસ્ત પણ ઉત્પાદન પ્રક્રિયામાં ખપ વિનાનો યુવાન એ બહુ ડરામણું દૃશ્ય છે. કલ્પના કરી જુઓ; લખલખું પસાર થઈ જશે. લોકોનો બુઢાપામાં નિવૃત્તિ પછી સમય કપાતો નથી, તો અહીં તો જનમ સાથે નિવૃત્તિ. જીવનનિર્વાહને લાગેવળગે છે ત્યાં સુધી દરેક નાગરિકને યુનિવર્સલ બેઝીક ઇન્કમ (યુ.બી.આઈ.) આપવામાં આવશે. આ ઉત્પાદન પ્રક્રિયામાં આડે નહીં આવવાનું ભથ્થું છે. કુબેરપતિઓને સરકાર દ્વારા અપાનારા યુ.બી.આઈ.માં હિસ્સો આપવો પરવડશે, માણસ નથી પરવડતો. માણસની અનુમાન કરવાનો અને નિર્ણય લેવાનો ગુણ ગેજેટે મેળવી લીધો છે. બીજી બાજુ માણસના ત્રાસ પામવાના અને આપવાના દુર્ગુણથી ગેજેટ મુક્ત છે. આનાથી વધારે બેસ્ટ ડીલ બીજું કયું હોઈ શકે અને આઈ.આર.-૪.૦ નવમૂડીવાદ માટે બેસ્ટ ડીલ છે.
માણસનો ભોગ લેવાઈ રહ્યો છે. લવરમૂછિયા યુવાનનો ભોગ લેવાઈ રહ્યો છે અને સમાજ લાચાર છે. અસંતોષ વિસ્ફોટમાં ન પરિણમે એ માટે યુ.બી.આઈ. આપવામાં આવે છે કે આપવામાં આવશે. તેને પાણીના ભાવે કે મફત ડેટા આપવામાં આવે છે કે જેથી તે મૂકેશ અંબાણીની દીકરીનાં લગ્નની કલીપ જોઇને ઘેર બેઠા જાનૈયો થઈને માણે અથવા કન્યાવિદાય જોઈને ગળગળો થઈ જાય. વળી લવરમૂછિયા યુવાનનો સમય પસાર કરાવનારાઓ પાછા એમાં પણ કમાય છે. બાવાઓ અને બાપુઓ પોઝિટીવ થીંકીંગ શીખવાડે છે એટલે તમે તમારો વર્તમાન જોઇને હતાશ ન થાઓ. પોઝિટીવ બનો. જિંદગીના પ્રશ્નોની બાબતમાં પોઝિટીવ બનો. ઘણીવાર મનમાં સવાલ થાય કે ન્યુટને, આઇન્સ્ટાઇને, ગાંધીજીએ, ગેલેલિયો જેવા બાપુઓના મંડપમાં આળોટતા રહ્યા હોત અને પોઝિટીવ થીંકીંગ કરતા રહ્યા હોત, તો જગત આજે ક્યાં હોત? વળી પરમ પૂજ્યો જીવનની બાબતમાં પોઝિટીવ હોતા નથી. હજારો કરોડના સામ્રાજ્યોના માલિક છે અને હજુ વધુ ભેગું કરે છે.
બીજા રાજકારણીઓ છે જે આજની હતાશાની સ્થિતિનો લાભ લઈ રહ્યા છે. અમને વોટ આપો અમે તમારી સમસ્યા ચૂટકી વગાડતા ઉકેલી આપીશું. દરેક બીમારીનો ઈલાજ હું છું. આજે જગત આખામાં પ્રતિક્રિયાવાદી, તાનાશાહી મનોવૃત્તિ ધરાવતા નેતાઓ લોકપ્રિય થઈ રહ્યા છે. આપણે આપણી સ્વતંત્રતા અને લોકતાંત્રિક મૂલ્યો ફગાવી દેવા તૈયાર થઈ ગયા છીએ, જે આપણા પૂર્વજોએ ઝઘડીને, શહીદી વહોરીને મેળવ્યા હતા. હતાશામાં તારણહાર જોઈએ છે એટલે ખોટા માણસની આંગળી પકડતા પણ અચકાતા નથી. રાષ્ટ્રવાદ અને દેશપ્રેમ એ ઘેનમાં રાખવાની ગોળી છે. ત્રીજા ઠગ છે જે આજની સ્થિતિનો લાભ લઈ રહ્યા છે. વાસ્તુ, દોરાધાગા, ગ્રહદશા બદલી આપવાનો દાવો કરનારા, દોરાધાગા અને વિઘ્નો હટાવવા હવન કરનારાઓ, મંત્રેલી વીંટી ફેરવનારાઓ વગેરે છે.
ચોથા છે; કોચિંગ કલાસીસ ચલાવનારાઓ, વગર વિઝાએ ગેરકાયદે વિદેશમાં ઘુસાડી દેવાની કબૂતરબાજી કરનારાઓ અને સિંગર જેવા દલાલો. અમે તમને ડેસ્ટીનેશન પર પહોંચાડી દઈશું, પછી તમારું નસીબ.
પણ જોબ જ નથી ત્યાં નસીબ શું કરે?
સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 માર્ચ 2019