
સુમન શાહ
મેં આ પહેલાંના લેખમાં કહેલું કે મારી તમારી કે તેની ઓળખની સમુચિત વ્યાખ્યા નથી કરી શકાતી. વળી, એમ પણ કહેલું કે ઓળખ ભેદકારી છે.
પણ મારી જ્ઞાતિમાં લગભગ દરેક પરિવારની એક વધારાની વિશિષ્ટ અટક પાડવામાં આવતી -જેમ કે, અમે દીવાસળીવાળા, પણ હાથપગવાળા, ઘાઘરીવાળા, બેમાથાંવાળા, ગાયવાછેડીવાળા કે ઉંદેડી, ધૂનિયો, લખોટી, મસ્તાન, વગેરે વગેરે — તો ઓળખ ચોખ્ખી થઈ જતી’તી, અને ભેદનો અનુભવ થતો ન્હૉતો. સૌને ભરોંસો રહેતો કે આપણે દશાલાડ વાણિયા છીએ, શાહ છીએ. અટકોના આ પ્રકારમાં રમૂજ ઘણી છે, ભેદ નહિવત્ છે.
એવું જ મને યાદ આવે છે કે અમારે ત્યાં કારીગર-વર્ગનું માન રાખવામાં આવતું. અમે નાના છોકરાઓ તો, મણિકાકા ભમરડો ઉતારી આપો ને, હિમ્મતકાકા મારા ચમ્પલની પટ્ટી તૂટી ગઈ છે, ચૂંક મારી આપો ને, મોહનકાકા ખમીસ માટે કેટલા વાયદા કરો છો, ક્યારે સીવી આપશો? મોટાઓ એ ય મણિયા, હેમતા કે મોહનિયા એમ કહેતા, પણ તેમાં ય ઊંચનીચ ભાવ ન્હૉતો, એક મીઠાશ હતી.
એ સંવાદી સમાજ આજે નષ્ટ થઈ ગયો છે. જમાનાની રફતાર એવી છે કે અટક તમારે છુપાવવી પડે!
+ +
અંગ્રેજી ભાષામાં સરખા દેખાતા બે શબ્દો છે, ‘પૉપ્યુલર’ અને ‘પૉપ્યુલિસ્ટ’, પણ બન્ને વચ્ચે ફર્ક છે. સામાન્યપણે બન્ને શબ્દ રાજનેતાઓના સંદર્ભમાં પ્રયોજાતા હોય છે. પ્રજાકીય કલ્યાણનાં કાર્યોમાં મળેલી સફળતાને કારણે લોકપ્રિય, તે પૉપ્યુલર પોલિટિસિયન. પ્રજાકીય કલ્યાણનાં કાર્યો અર્થે પ્રજા આગળ elites-ની ટીકા કરીને સફળ થવા નીકળેલો રાજનેતા, તે પૉપ્યુલિસ્ટ પોલિટિસિયન.
મેં elite શબ્દનું ગુજરાતી ન કર્યું કેમ કે એનો કોઈ ચૉક્કસ ગુજરાતી પર્યાય ઘડાયો નથી. એટલે મેં એની વ્યુત્પત્તિ જાણી. ‘elite’, લૅટિનના ‘eligere’ પરથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ છે, ‘to choose’. એટલે, એમ સમજાય છે કે સમાજમાં કે લોકમાં જનસામાન્ય કરતાં, મોભો માન કે ધન બાબતે પસંદગી પામેલી અથવા નજરે ચડેલી એટલે કે ચડિયાતી અને અગ્રણી વ્યક્તિને તેમ જ એવી વ્યક્તિઓના વર્ગને elite કહેવાય.
એ વ્યક્તિઓ બુદ્ધિશાળી પણ હોય એ કારણે elite એટલે ‘બુદ્ધિશાળી’, પરન્તુ જો elite -નો અર્થ માત્ર intellectule કહેતાં, ‘બૌદ્ધિક’ કરીશું, તો ગરબડ થશે; અલબત્ત, પસંદગી પામેલા વર્ગમાં ‘બૌદ્ધિકો’ ન હોય એવું ય નથી.
આજે પ્રજાજન પૉપ્યુલિસ્ટ પોલિટિક્સના સમયમાં જીવે છે, કેમ કે મોટાભાગના રાજનેતાઓ પૉપ્યુલિસ્ટ પુરવાર થઈ રહ્યા છે. તેઓ elite વર્ગની સીધી ટીકા કે વિરોધ કદાચ ન કરે, પણ ગણકારે નહીં, એટલું ચૉકક્સ.
જો કે એક મોટો ફર્ક એ જોવા મળે છે કે વર્તમાન રાજનેતાઓ શ્રીમન્ત ઉદ્યોગપતિઓની, અદાણી કે અંબાણીની; સિનેમાના લોકપ્રિય અભિનેતાઓની, બચ્ચનની કે શાહરુખની; વિખ્યાત રમતવીરોની, કપિલદેવ કે તેંડુલકરની ટીકા નથી કરતા, બલકે તેઓને પાંખમાં લઈ લે છે. પેલાઓ પણ તેમની ટીકા નથી કરતા, સહયોગી થઈ જાય છે. મને યાદ નથી અથવા બરાબર યાદ છે કે ટાટાએ, દિલીપકુમારે કે રાહુલ દ્રવિડે રાજકારણની ટીકાટિપ્પણી કરી હોય.
એટલે, elite -માં બચે છે, માત્ર દાર્શનિકો, વિચારકો, શિક્ષણવિદો, અને સાહિત્યકારો. બચેલો એ વર્ગ રાજનેતાઓને અને પૉપ્યુલિસ્ટ પોલિટિસિયન્સને ખાસ ખૂંચે છે, કેમ કે બચેલો એ વર્ગ વિચારચિન્તન, દર્શન કે કલાસર્જન પરત્વે સ્વાયત્ત હોય છે, અને શાસનની મુક્તપણે સમીક્ષા કરી જાણે છે.
++
પોતે લોકોના પ્રતિનિધિ છે એવી જાતે જ ઘોષણા કરનારા પૉપ્યુલિસ્ટો, હરારી કહે છે, સૂક્ષ્મ પણ ખતરનાક રીતે લોકશાહીનું અવમૂલ્યન કરતા હોય છે. એમનો દાવો હોય છે કે માત્ર તેઓ જ લોકોના પ્રતિનિધિ છે, ઉપરાન્ત, તેઓ ઠસાવતા હોય છે કે લોકો માત્રરાજકીય અધિકારનો સ્રોત નથી, પરન્તુ એકોએક અધિકાર માટે છે. તેઓ કહે છે કે વિના લોકેચ્છા અધિકાર મેળવેલી કોઈપણ સંસ્થા ઍન્ટિડૅમોક્રેટિક છે, લોકશાહી-વિરુદ્ધ છે. પૉપ્યુલિસ્ટો માત્ર રાજકીય ક્ષેત્રે નહીં પણ સર્વત્રે આધિપત્ય મેળવવા માગે છે, બલકે સમૂહમાધ્યમો, અદાલતો અને વિદ્યાપીઠો પર અંકુશ મેળવીને રહે છે. અન્તિમે જઈને તેઓ લોકસત્તા-ના સિદ્ધાન્તને એકહથ્થુસત્તાવાદમાં ફેરવી નાખે છે.
પરન્તુ હરારીએ એક સરસ વાત કરી છે. હરારી લોકશાહીને conversation કહે છે, – એનો ગુજરાતી પર્યાય, સાવ સમુચિત નહીં, પણ ‘વાતચીત’ કરી શકીએ. હરારી સાચું કહે છે કે લોકશાહીનો વિધિસરનો સ્રોત – legitimate source – લોકો છે. લોકશાહી વૈવિધ્યના પાયા પર ઊભેલી શાસનપદ્ધતિ છે. લોકશાહીમાં એ સમજ પ્રવર્તે છે કે લોક એકાત્મ હસ્તી – unitary entity – નથી, અને તેથી લોક એકમેવ એષણા કે હેતુ ધરાવે છે એમ ન કહેવાય. કોઈપણ લોકમાં બહુવિધ અભિપ્રાયો, એષણાઓ અને રજૂઆતો ધરાવતાં ભિન્ન ભિન્ન જૂથો હોય છે, અને એમ પણ હોય છે કે કોઈ જૂથ, બહુમતિ ધરાવતું જૂથ પણ, બીજા જૂથને લોકમાંથી કદી બાદ નથી કરી શકતું. હરારી કહે છે, this is what makes democracy a conversation.
વાતચીત એટલે જ વિધિસરના અનેક અવાજોના અસ્તિત્વનો પહેલેથી થયેલો સ્વીકાર. તેમછતાં, જો લોક પાસે ભલે વિધિસરનો પણ એકમેવ અવાજ હશે, તો ત્યાં વાતચીત શક્ય નહીં બને. કદાચ, એમ બને કે એ એકમેવ અવાજ દરેક બાબતે આધિપત્ય ભોગવવા માગે.
એટલે સ્તો પૉપ્યુલિઝમ એવો દાવો આગળ કરે છે કે સૌએ લોકસત્તા – people’s power – સાથે જ જોડાયેલા રહેવું જોઈએ. જો કે હરારી લોકસત્તાનો દાવો આગળ કરતા પૉપ્યુલિઝમની કડક સમીક્ષા કરતાં કહે છે કે એથી તો લોકશાહીનો અર્થ જ ખતમ થઈ જાય છે અને એકહથ્થુસત્તાવાદ સ્થપાય છે. ભારત, યુ.ઍસ.એ. અને યુ.કે.ની લોકશાહીમાં એકહથ્થુસત્તાવાદનો સડો પૅઠો છે, એની ના પાડી શકાશે નહીં. એ વરિષ્ઠ નેતાઓ લોકને ઝટ ગળે ઊતરી જાય એવી સરળ અને મધઝરતી વાણી પ્રયોજે છે, અને public અને elite વચ્ચેના ભેદને દૃઢથી સુદૃઢ કરે છે.
હરારીનું એ મન્તવ્ય વાંચીને મને રશિયન ફિલસૂફ સાહિત્યસિદ્ધાન્તવિદ મિખાઇલ બખ્તિન (1895-1975) યાદ આવી ગયા. બખ્તિન કહે છે કે ભાષા dialogic છે, એટલે કે, સંવાદરૂપ છે. વિવિધ અવાજોથી રસાયેલી ભાષા હમેશાં conversation, વાતચીત, સ્વરૂપે હોય છે. આ dialogism નવલકથામાં પાત્રો કથકો અને સર્જકના પોતાના અવાજથી સરજાતી લીલામાં સ્પષ્ટ જોઈ શકાય છે. નવલમાં વિવિધ અવાજોની બહુલતા માટે એમણે પ્રયોજેલો શબ્દ છે, Heteroglossia. એમાં, એમણે જુદી જુદી પ્રાદેશિક તેમ જ સામાજિક બોલીઓ, લેખનના ભિન્ન ભિન્ન પ્રકારો અને વિચારસરણીઓનો સમાસ કલ્પ્યો છે. નવલકથામાં હાસ્ય, ઠઠ્ઠામશ્કરી કે ચિત્રવિચિત્રતાઓ કે વિકૃતિઓ વડે વર્ચસ્વી વિચારસરણીની ટીકાટિપ્પણી પણ થતી હોય છે. આ સઘળી વાતોના અનુલક્ષમાં બખ્તિન નવલકથાને carnival કહે છે.
જો કે ૨૦-મી સદીમાં નવલકથાના સ્વરૂપમાં આમૂલ પરિવર્તન જોવા મળે છે.
એ સંવાદી સમાજ નષ્ટ થઈ ગયો છે, એ પૉપ્યુલર પોલિટિસિયનો નથી રહ્યા, એ નવલકથા નથી રહી – એમ સૂચવ્યા પછી હું કહેવા શું માગું છું? એ જ કે બધું બહુ જ બદલાઈ ગયું છે, બદલાઇ રહ્યું છે …
(ક્રમશ:)
= = =
(16Dec24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર