
નેહા શાહ
આદર્શ હાઉસિંગ સોસાયટી કૌભાંડ યાદ છે? – કારગીલ યુદ્ધના શહીદોની વિધવા માટે બનાવવામાં આવેલાં ઘર ઉચ્ચ સ્તરના રાજકારણીઓ, અમલદારો અને લશ્કરી અધિકારી માટેના વૈભવી ફ્લેટ બની ગયાં હતાં ! એ જ રીતે મધ્ય પ્રદેશનું વ્યાપમ કૌભાંડ? – રાજકારણીઓ, સરકારી અધિકારીઓ અને ઉદ્યોગપતિઓએ ભેગા થઈને રાજ્ય કક્ષાની તેર જેટલી પ્રવેશ પરીક્ષાનો વેપાર કરતા હતા, જેમાં મેડીકલ કોલેજની પ્રવેશ પરીક્ષા પણ આવી ગઈ! આ ઉપરાંત કોમનવેલ્થ રમત કૌભાંડ, ૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડ, રેલવે ભરતી કૌભાંડ, ઈલેકટોરલ બોન્ડ સ્કીમ? આવા અનેક કૌભાંડો અને ગેરરીતિઓ ખુલ્લી પડવા પાછળનું જો કોઈ એક સામાન્ય પરિબળ હોય તો એ છે માહિતીના અધિકારનો કાયદો – રાઈટ ટુ ઇન્ફોર્મેશન (આર.ટી.આઈ.).
ઓક્ટોબર ૨૦૦૫માં આવેલા આ કાયદાને ૨૦ વર્ષ થયા. માહિતીનો અધિકાર આપીને લોકોનું સાચા અર્થમાં સશક્તિકરણ કરતો આ કાયદો સરકારના કલ્યાણકારી વલણને કારણે નથી આવ્યો – એની પાછલા આશરે બાર -પંદર વર્ષનો લોક સંઘર્ષનો ઇતિહાસ છે. અરુણા રોય, નિખીલ ડે અને શંકર સિંહ જેવાં લોક નેતા અને મઝદૂર-કિસાન શક્તિ સંગઠન જેવાં સંગઠને રાજસ્થાનમાં પંચાયતનાં કામો થકી ગેરરીતિઓ સામે શરૂ કરેલ સંઘર્ષમાંથી ઊભી થયેલી માહિતીના અધિકારની માંગ ધીમે ધીમે સમગ્ર દેશમાં ફેલાઈ અને ૨૦૦૫માં એને કાયદાકીય સ્વરૂપ મળ્યું. એટલે એવું કહી શકાય કે માહિતીનો અધિકાર લોકોએ સંઘર્ષ કરીને કમાયેલો અધિકાર છે. આ કાયદાની ઉપયોગિતા માત્ર કૌભાંડોને ઉજાગર કરવા પૂરતી નથી. પૂછાતા પ્રશ્નોમાં નિવૃત્તિ પછી પેન્શન કયા અને કેમ અટક્યું જેવા વ્યક્તિગત અધિકાર અંગે માહિતી મેળવવાથી શરૂ કરીને પાણી, સડક કે વીજળીની વ્યવસ્થા માટે સરકાર શું કરી રહી છે, પંચાયત કે કેન્દ્ર સ્તરે ચૂંટાયેલા પ્રતિનિધિએ શું નિર્ણય લીધા, સરકારી ખર્ચ કયા અને કેવી રીતે કરવામાં આવ્યા, કોને સરકારી કોન્ટ્રાકટ મળ્યા જેવા પ્રશ્નોનો સમાવેશ થાય છે. આ કાયદો લોકોની સતર્કતા વધારે છે અને લોક પ્રતિનિધિઓની જવાબદેહી. એટલે જ માહિતી અધિકાર ૨૦૦૫ના કાયદાને પારદર્શિતા નક્કી કરતો વિશ્વનો શ્રેષ્ઠ કાયદો ગણાવવામાં આવે છે. માહિતી અધિકારના કાયદા અંતર્ગત દર વર્ષે આશરે ૬૦ લાખ અરજી થાય છે, જેમાંથી પચાસ ટકા જેટલી અરજીના યોગ્ય જવાબ મળતા હોય છે. લોકોએ આર.ટી.આઈ.નો ઉપયોગ કરી સરકારી કામોનો અસરકારક અમલ કરાવ્યાના અનેક દાખલા છે. માહિતીનો અધિકાર અન્ય અધિકારો કરતાં એ રીતે નોખો પડે છે કે એની અસર માત્ર લાભાર્થીને થતા ફાયદા સુધી મર્યાદિત નથી રહેતી, પણ તે સરકાર અને સરકારી અધિકારીઓની જવાબદેહીને અસર કરે છે, જે લોકશાહી વ્યવસ્થાનું માળખું મજબૂત કરે છે.
જે અધિકાર નાગરિકોનું રાજકીય સશક્તિકરણ કરે છે એ રાજકીય વર્ગ માટે ખતરો બની જાય છે. એટલે જ જ્યારથી કાયદો અમલમાં આવ્યો છે ત્યારથી જ એના અસ્તિત્વ સામે જોખમ ઊભા થયા છે. કાયદાની જોગવાઈઓને નબળી પાડવાનો પહેલો પ્રયાસ ૨૦૦૬માં જ થયો હતો, જ્યારે નિર્ણય લેવાની પ્રક્રિયા દરમ્યાનની ચર્ચાઓમાં જે અભિપ્રાયો આવ્યા હોય, નોંધ લખાઈ હોય, કે જે સૂચનો અંગે ચર્ચા થઇ હોય એને આર.ટી.આઈ.ના દાયરામાંથી બહાર કાઢવા અંગે કેબીનેટ સ્તરે પ્રસ્તાવ રજૂ થયો હતો. નાગરિક સમાજ તરફથી આ પ્રસ્તાવનો વિરોધ થતા એને પડતો મુકવામાં આવ્યો. આટલાં વર્ષનો રેકોર્ડ છે કે દરેક સરકાર એક યા બીજી રીતે જવાબદેહીમાંથી છટકવાનો પ્રયાસ કરે છે. મહિનાઓ સુધી અપીલ પડી રહે અને એનો કોઈ જવાબ જ ન અપાય એવું દરેક જગ્યાએ બને છે. માહિતી કમિશ્નરનું પદ ખાલી રહે જેને કારણે કેસનું નિરાકરણ લાવવામાં વિલંબ થાય એ ઘટના પણ હવે સામાન્ય બની ગઈ છે. એક અભ્યાસ પ્રમાણે પાછલાં અગિયાર વર્ષમાંથી સાત વર્ષ એવાં રહ્યાં છે કે જ્યારે કેન્દ્રીય માહિતી કમિશનના પ્રમુખનું પદ ખાલી જ હતું. દસમાંથી આઠ કમિશનરના પદની નિમણૂક લાંબા સમય સુધી થઇ જ નહિ, જે માટે સુપ્રીમ કોર્ટે દખલ કરવી પડી. આ વર્ષે જૂન મહિનાના અંત સુધીમાં લગભગ ચાર લાખ જેટલી અપીલ અને ફરિયાદો અનિર્ણિત હાલતમાં પડી હતી. શાસનમાં ભા.જ.પ. હોય કે કાઁગ્રેસ પરિસ્થિતિ કોઈ પણ રાજ્યમાં સારી નથી જ. અધિકારીની નિમણૂક અને કેસની સુનાવણીમાં વિલંબ જેવા પ્રશ્નો દરેક રાજ્યમાં છે. માહિતી એક એવું શસ્ત્ર છે જેનો દરેક રાજકીય પક્ષને ડર લાગે છે. જો સાચી માહિતી લોકો સુધી પહોંચે તો રાજકીય હેતુ માટે જૂઠનો ઉપયોગ કરવો અઘરો થઇ પડે. એટલે જ પાછલાં બે-ત્રણ વર્ષમાં આપને જોઈએ છીએ કે ઘણી માહિતીઓને ગોપનિયતાના અધિકાર હેઠળ આવરી લેવાના પ્રયત્ન થઇ રહ્યા છે જે આર.ટી.આઈ. દ્વારા મેળવી શકાય નહિ. દા. ત. ૨૦૨૩માં આવેલો ‘ડીજીટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ’ જે અંતર્ગત કોઈ પણ માહિતીને વ્યક્તિગત માહિતીના નામે રોકી શકાશે. આ સુધારો જ્યારે પૂર્ણપણે અમલમાં આવશે ત્યારે માહિતીનો અધિકાર ઘણો બુઠ્ઠો થઇ જશે.
લોકશાહી સતત ઉત્ક્રાંત થતી રહેતી વ્યવસ્થા છે. આર.ટી.આઈ. જેવા કાયદા સાચા અર્થમાં આ પ્રક્રિયાને લોકાભિમુખ બનાવે છે. લોકસંઘર્ષની ફલશ્રુતિ રૂપે ઘડાયેલા આ કાયદાની જોગવાઈઓને બચાવવા સંઘર્ષ ચાલુ જ છે – જે દરેક નાગરિકની નિસ્બત હોવી જોઈએ.
સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

