Opinion Magazine
Number of visits: 9448445
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એમ.એસ. સુબ્બલક્ષ્મી, એમ.એફ. હુસૈન અને ભિષ્મ સહાની − શતાબ્દી સિતારા

તેજસ વૈદ્ય|Opinion - Literature|23 September 2015

કર્ણાટકી સંગીતની પવિત્રતાના પર્યાય એવાં ગાયિકા એમ.એસ. સુબ્બલક્ષ્મી અત્યારે હયાત હોત તો એક સોમાં વર્ષમાં પ્રવેશ્યાં હોત. ભારતીય ચિત્રકલાને જેમણે ભારત તેમ જ વિદેશમાં વધુ પોપ્યુલર કરી એવા દરજ્જેદાર ચિતારા એમ.એફ. હુસૈન જો હયાત હોત તો એક સોમાં વર્ષમાં પ્રવેશ્યા હોત. 'તમસ' જેવી સોંસરવી નવલકથા આપનારા તેમ જ ન માત્ર હિન્દી બલકે ભારતીય સાહિત્યના નોંધપાત્ર સાહિત્યકાર ભીષ્મ સહાની જો હયાત હોત તો સદી પૂરી કરીને એકસો ને એક વર્ષમાં પ્રવેશી ચૂક્યા હોત. યાદ કરીએ આ ત્રણેય મહાન કલાકારોને …

એમ.એસ. સુબ્બલક્ષ્મી જેમનો અવાજ કાનને પાવન કરી દે

લતા મંગેશકરને ૨૦૦૧માં ભારતરત્ન મળ્યો અને એમ.એસ. સુબ્બલક્ષ્મીને ૧૯૯૮માં ભારતરત્ન એનાયત થયો હતો. લતા મંગેશકરને ભારતરત્ન એનાયત થયો એના ત્રણ વર્ષ અગાઉ એમ.એસ. સુબ્બલક્ષ્મીને એ ઇલકાબ એનાયત થયો હતો. એમ.એસ. સુબ્બલક્ષ્મી ભારતનાં પહેલા મહિલા ગાયિકા છે જેમને ભારતનો પહેલો સંગીતક્ષેત્રનો ભારતરત્ન ઇલકાબ મળ્યો હતો. છતાં કોઈએ લતા મંગેશકરનું નામ સાંભળ્યું હોય અને એમ.એસ. સુબ્બલક્ષ્મીનું નામ ન સાંભળ્યું હોય એવું બની શકે છે. બંને સંગીતક્ષેત્રની હસ્તીઓ છે. બંને દેવીઓ છે. દેવીઓમાં સરખામણી ન હોય છતાં આ તો એક સાદો અભ્યાસ છે. સરખામણી કોઈને નીચા દેખાડવા માટે જ ન હોય, પણ એક પ્રમાણ મેળવવા માટે પણ હોઈ શકે. બસ એ રીતે જ આ સરખામણીને નિહાળવી. છતાં કોઈને એવું લાગતું હોય કે આ ગુસ્તાખી છે તો મિચ્છામી દુક્કડમ.

સુબ્બલક્ષ્મી જેવાં મહાન ગાયિકાથી ન માત્ર ગુજરાત બલકે ઉત્તર ભારત પણ ખાસ પરિચિત નથી. જે ખરેખર ખોટનો સોદો છે. જો કે, ખબર ન હોય તો કંઈ વાંધો નહીં! ખબર પડે પછી તો જાણવાની શરૂઆત થઈ શકેને! હવે એમ.એસ. સુબ્બલક્ષ્મી વિશેની વિગતોમાં વધુ ઊંડા ઊતરીએ.

નાકમાં બે હીરા. કપાળે દક્ષિણ ભારતીય ભરાવદાર ચાંદલો. માથામાં વેણી સાથે શ્રોતાઓને વંદન કરીને એમ.એસ. સુબ્બલક્ષ્મી દક્ષિણ ભારતીય શાસ્ત્રીય સંગીતની સરવાણી વહાવે ત્યારે ઓડિટોરિયમ આરાધનાખંડ બની જતો હતો. અવાજમાં પવિત્રતા શું છે એ જો જાણવું અને પામવું હોય તો કોઈ દિવસ ઘરે નીરવ શાંતિમાં ઘરની મ્યુિઝક સિસ્ટમ પર કે કાનમાં હેડફોન માંડીને એમ.એસ. સુબ્બલક્ષ્મીને સાંભળજો. પવિત્રતાની વ્યાખ્યાઓ સમજવા માટે વેદ-કુરાન નહીં ભણવા પડે કે કોઈ સંતનાં લેક્ચર સાંભળવાં નહીં પડે. સંગીતની સમજ નહીં હોય તો ચાલશે, શરત માત્ર એટલી જ કે તમારી અંદર સંવેદનાનો તંતુ હોવો જોઈએ. તમારી માત્ર આટલી તૈયારી હશે તો એમ.એસ. સુબ્બલક્ષ્મી ઉર્ફે અમ્મા સીધાં તમારા રુદિયાના દ્વાર ખખડાવશે. તેમની કર્ણાટકી ભાષા તમને ક્યાં ય બાધક નહીં રહે એની બાંહેધરી.

શાસ્ત્રીય સંગીતમાં પટિયાલા ઘરાણાના ઉસ્તાદ બડે ગુલામ અલી ખાનનું નામ કૈલાશ ગિરિશિખર જેવું છે. બડે ગુલામ અલી ખાને લતા મંગેશકરને તેમની યુવાનીમાં સાંભળ્યાં ત્યારે પ્રેમથી એવું કહ્યું હતું કે, "કમબખ્ત કભી બેસૂરી નહીં ગાતી." લતા મંગેશકર માટે એ પ્રમાણપત્ર જેવી વાત હતી. એ જ ઉસ્તાદ બડે ગુલામ અલી ખાને સુબ્બલક્ષ્મીને 'શુદ્ધ સ્વરોની દેવી' કહીને નવાજ્યા હતા.

અમ્માની મહાનતા એ હતી કે શાસ્ત્રીય સંગીતના પરખંદાઓ તેમની ગાયકીને જેટલા દિલથી માણે છે એટલા જ દક્ષિણ ભારતના ચાની લારીવાળા, હોટેલવાળા, રેંકડી ખેંચતા, નાળિયેર કે ઢોંસા-ઈડલી વેચતા લોકો પણ માણે છે.

ભારત સાંસ્કૃિતક દેશ છે અને એની જે છટાદાર મોરનાં પીંછાં જેવી ઇમેજ છે, એ ઇમેજનો એક રંગ એમ.એસ. સુબ્બલક્ષ્મી છે. વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પણ સુબ્બલક્ષ્મીની ગાયકીના મુરીદ હતા. એક કાર્યક્રમમાં એમ. એસ. સુબ્બલક્ષ્મીનો પરિચય આપતાં નેહરુએ કહ્યું હતું કે, "હું તો કેવળ એક વડાપ્રધાન છું, પણ એમ. એસ. તો કર્ણાટકી શાસ્ત્રીય સંગીતનાં ક્વીન છે."

શીખતા રહેવું એના જેવો કોઈ સદ્દગુણ નથી. શીખવાની પ્રક્રિયા આજીવન ચાલે છે અને એ ગુણ વ્યક્તિને વિનમ્ર બનાવે છે. એમ. એસ. સુબ્બલક્ષ્મી આજીવન શીખતાં રહ્યાં.

એક સરસ કિસ્સો વાંચો. સુબ્બલક્ષ્મી એક વખત દિલ્હીમાં ગાંધીજીને મળ્યાં હતાં અને તેમની સમક્ષ રામધૂન ગાઈ હતી. ગાંધીજીએ એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે તેઓ મીરાંબાઈનું ભજન 'હરિ તુમ હરો …'નું ગાયન કરે. કર્ણાટકી સંગીતનાં સુબ્બલક્ષ્મી ત્યારે એ ભજનથી એટલાં પરિચિત ન હતાં. જો કે, ગાંધીજીની ઇચ્છા હતી તેથી તેમણે એ ભજનના શબ્દોનું ઉચ્ચારણ અને એ ભજન ગાવાનું શીખવાનું શરૂ કર્યું. થોડા દિવસમાં તેમણે જ્યારે એ ભજન બરાબર ગાતાં શીખી લીધું ત્યારે મદ્રાસના ઓલ ઇન્ડિયા રેડિયોના રેકોર્ડિંગ સ્ટુડિયોમાં એનું રેકોર્ડિંગ થયું. ૧ ઓક્ટોબરે મધરાત બાદ બે વાગ્યે એ રેકોર્ડિંગ થયું હતું. બીજા દિવસે બીજી ઓક્ટોબરે એ રેકોર્ડેડ ભજન સાંજે દિલ્હીમાં ગાંધીજીની સમક્ષ વગાડવામાં આવ્યું હતું. એ દિવસે ગાંધીજીનો ૭૮મો જન્મદિવસ હતો. વર્ષ ૧૯૪૭નું હતું. [લેખને અંતે આ ગાયિકાએ ગાયેલું આ પદ મુકાયું છે. : તંત્રી]

થોડા મહિનાઓ પછી ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ ગાંધીજીની હત્યા થઈ ત્યારે ઓલ ઇન્ડિયા રેડિયોએ સુબ્બલક્ષ્મીએ ગાયેલું મીરાંનું એ ભજન સતત વગાડયું હતું. 

મકબૂલ ફિદા હુસૈન દાઉદ કરતાં પણ જેમની સામે વધુ કેસ હતા

મુંબઈમાં મકબૂલ ફિદા હુસૈનનાં કેટલાંક ચોક્કસ ઠેકાણાં હતાં. જેમ કે, તળ મુંબઈમાં આવેલા મેટ્રો સિનેમા પાસેની ઈરાની કેફે. ત્યાંના પારસી ઢબના ગોળ ટેબલ અને ટિપિકલ ખુરશીઓ પર બેસીને હુસૈનસાહેબ કલાકો કાઢી નાખતા હતા. ઉપરાંત, ક્યારેક જુહૂના પૃથ્વી થિયેટરમાં જઈ ચઢે. અમદાવાદ આવે ત્યારે જૂના અમદાવાદની લકી રેસ્ટોરાંની ચા પીવાનું ન ચૂકે. એ રેસ્ટોરાંને ખાસ ચિત્ર દોરીને હુસૈનસાહેબે ભેટ આપેલું જે આજે રેસ્ટોરાંની રોનક વધારે છે.

૯૦ની ઉંમર વટાવી ગયેલો ડોસલો કોલેજમાં પ્રવેશેલા લવરમૂછિયા જેવા જીન્સ અને જેકેટ પહેરે અને સરફિરાની જેમ ફર્યા કરે અને ચિત્રો દોર્યા કરે. મિજાજ એટલે કે એટિટયૂડ પણ એવો જ રંગદાર. ફિલ્મ જોવા બેઠા હોય ને ગીત ગમવા માંડે તો નાચવા માંડે. ૯૦ વટાવી ચૂકેલા હુસૈનને કોઈ કહી ન શકે કે તેમની એક ટાંગ કબરમાં છે. આ થયો તેમનો બાહ્ય પરિચય.

અફસોસ કે હુસૈનનું નામ પડે એટલે તેમનાં ચિત્રો કરતાં વિવાદ કેટલાંક લોકોને વધુ યાદ આવે. ડબલ અફસોસ એ કે હુસૈનનાં કેટલાંક ચિત્રો સામે વાંધો ઉઠાવનાર લોકોએ તેમના એ સિવાયનાં અન્ય ચિત્રોનો અભ્યાસ કરવાનો ક્યારે ય પ્રયાસ ન કર્યો.

'મીનાક્ષી' અને 'ગજગામિની' જેવી ફિલ્મો બનાવનાર ચિત્રકાર મરહૂમ મકબૂલ ફિદા હુસૈનની લાઇફ ખુદ એક બાયોપિકનો વિષય છે. જે દેશમાં તેમના ચિત્રપ્રદર્શન પર હુમલા થતા હોય ત્યાં કોઈ ફિલ્મમેકર ફિલ્મ બનાવવાની હિંમત કેમ કરે!? સવાલ માત્ર ભાંગફોડિયાં તત્ત્વોનો જ નહીં સેન્સરનો પણ છે. રાજા રવિ વર્માની બાયોપિક બનાવ્યા પછી ફિલ્મમેકર કેતન મહેતાને છ વર્ષની રાહ જોવી પડી હતી. રાજા રવિ વર્માથી માંડીને એમ. એફ. હુસૈન સુધીના તબક્કામાં પહોંચતાં આપણે ઘણી પ્રગતિ કરી છે. ડિજિટલ ક્રાંતિ થઈ ગઈ છે, પણ સાંપ્રદાયિક સ્થાપિત હિતો આજે પણ એટલાં જ સક્રિય છે જેટલાં રાજા રવિ વર્માના સમયમાં હતા. તેથી લોકશાહી મૂલ્યોની બાબતમાં આપણે કેટલા આગળ વધ્યા છીએ એ તમારે અને મારે નક્કી કરવાનું છે.

હાલમાં જ ગૂગલે હુસૈનની જન્મશતાબ્દી નિમિત્તે ડૂડલ બનાવ્યું. ટાઇમ મેગેઝિને પણ નોંધ લીધી. એમ.એફ. હુસૈન મહાન ચિત્રકાર હતા એવું ભારત સિવાયના દેશો પણ કહે છે. તેમની મહાનતા, ડૂડલ, ટાઇમ મેગેઝિન વગેરે યાદ રહે કે ન રહે, પણ તેમની સાથે જે અન્યાય થયો ત્યારે એ વખતની બિનસાંપ્રદાયિક યુપીએ સરકારે કેવા આંખ આડા કાન કર્યા હતા એ યાદ રાખવું જરૂરી છે અને તેનો સમયાંતરે હિસાબ મેળવવો પણ જરૂરી છે.

હુસૈનનાં ચિત્રો પ્રર્દિશત કરવા આર્ટ ગેલેરીઓ માટે મુસીબત થઈ પડી અને ખુદ હુસૈને દેશ છોડીને વિદેશ જતાં રહેવું પડયું ત્યારે સેક્યુલર ચહેરો ધરાવતી કોંગ્રેસના વડપણ હેઠળની એ સરકારનું વલણ ખેદજનક હતું.

માત્ર સાંપ્રદાયિક છબી ધરાવતી સરકારો જ નહીં, પણ બિનસાંપ્રદાયક છબી ધરાવતી સરકારે પણ હુસૈનના બચાવમાં માત્ર ખાનાર્પૂિત સિવાય કશું કર્યું નહોતું જે વધુ ખેદજનક હતું. હુસૈનના નિધન વખતે શ્રદ્ધાંજલિ આપતાં વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું હતું કે, "હુસૈને ભારતીય કલાને ભારત તેમ જ વિદેશમાં પોપ્યુલર કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી. દેશે એક આઇકોનિક સિતારો ગુમાવ્યો છે." એ વખતે વડાપ્રધાન મનમોહન સિંહે મોટા મને શ્રદ્ધાંજલિ તો વ્યક્ત કરી હતી, પણ હુસૈન જીવતા હતા ત્યારે તેઓ ભારતમાં કોઈ ભય વગર રહી શકે એવી કોઈ વ્યવસ્થા કરી નહોતી કે ન તો બાંહેધરી આપી હતી. ૨૦૦૬માં ઇન્દૌરની એક અદાલતે હુસૈનને એક કેસમાં અદાલતમાં હાજર થવાનું ફરમાન કર્યું હતું. આરોપ હતો કે હુસૈન તેમની કલાકૃતિ દ્વારા ભારતની એકતાને તોડવાનો અને અશ્લીલતાને ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો ખરેખર જ એવું હોત તો હાલમાં જ હુસૈનની ૧૦૦મી જન્મજયંતી ઉજવાઈ ત્યારે ગૂગલે ડૂડલ ન બનાવ્યું હોત અને ટાઇમ મેગેઝિન સહિત વિશ્વભરનાં માધ્યમોએ તેમની નોંધ ન લીધી હોત. ઇન્દૌર, રાજકોટ, મેરઠ, દિલ્હી સહિત અનેક શહેરોમાં હુસૈનની સામે અનેક કેસ નોંધાયેલા હતા. દેશમાં દાઉદ ઇબ્રાહિમ કરતાં વધુ કેસ એમ.એફ. હુસૈન સામે હતા ! એ છતાં કેન્દ્રની ધર્મનિરપેક્ષ મનમોહન સિંહની સરકાર આંખ આડા કાન કરતી રહી.

યુપીએ સરકારે દિલ્હી અને મુંબઈ પોલીસને પુરાવાઓની પર્યાપ્તતાને આધારે હુસૈનની સામે કાર્યવાહી કરવાની છૂટ આપી હતી. એ પછી લંડનમાં એશિયા હાઉસ ગેલેરીમાં યોજાયેલા તેમના ચિત્રપ્રદર્શન પર કેટલાંક લોકોએ હુમલો કર્યો હતો. ગેલેરીએ પ્રદર્શન તો બંધ જ કરી દીધું, પણ પોતાની વેબસાઇટ પરથી હુસૈનનો ઉલ્લેખ પણ હટાવી દીધો હતો. એ વખતે લોર્ડ મેઘનાદ દેસાઈએ એ હુમલાને તેમ જ એશિયા હાઉસ ગેલેરીના વલણની આકરી ટીકા કરી હતી. વક્રતા જુઓ કે એ વખતે દેશનાં વિવિધ રાજ્યોમાં વિવિધ કારણસર સાંપ્રદાયિક છમકલાં થતાં તો કેન્દ્ર સરકાર એવો જવાબ આપતી કે કાયદો અને વ્યવસ્થા તો રાજ્ય સરકારનું કાર્યક્ષેત્ર છે, બંધારણીય રીતે કેન્દ્રના હાથ ત્યાં બંધાયેલા છે!

જે લોકોએ રાજા રવિ વર્માને નહોતા છોડયા તેમના માટે હુસૈન તો નિશ્ચિત ટાર્ગેટ હોવાના જ. જે સરકાર બિનસાંપ્રદાયિક હોવાનો ચહેરો ધરાવતી હોય એ જ્યારે આંખ આડા કાન કરે ત્યારે ભારતની જે સર્વસમાવેશક અખંડિતતાની છબી છે એનું વ્યાપક ધોવાણ થાય છે.

જે સરકાર એવો ચહેરો પણ ધરાવતી ન હોય એના વિશે તો ચર્ચા કરવાનો પણ મતલબ નથી.

ભીષ્મ સહાની હિન્દી જ નહીં ભારતીય સાહિત્યનો નોંધપાત્ર ચહેરો

૩ જાન્યુઆરી, ૧૯૮૮ના રોજ દૂરદર્શન પર 'તમસ' ટીવીસિરીઝ તરીકે રજૂ થવાની શરૂ થઈ ત્યારે લોકો હલબલી ગયા હતા. ચાર હપ્તાની એ ટીવીસિરીઝ એક વૈચારિક આંદોલન જેવી હતી. [આ લેખને અંતે આ ચારે ય ભાગની કડી મૂકી છે : તંત્રી] હિન્દીના મહાન સાહિત્યકાર ભીષ્મ સહાનીની નવલકથા 'તમસ' પરથી ફિલ્મમેકર ગોવિંદ નિહલાનીએ ટીવીસિરીઝ બનાવી હતી. જેમાં દીના પાઠક, ઓમ પુરી, દીપા સાહીથી માંડીને મંજાયેલાં કલાકારોનો જમાવડો હતો. ભારત-પાકિસ્તાનના વિભાજન બાદ દેશ બે ટુકડાઓમાં વહેંચાઈ ગયો અને પછી જે ખાનાખરાબી સર્જાઈ એનું રુવાંટાં સળગાવી દે એવું ચિત્રણ 'તમસ'માં છે.

'તમસ' નવલકથા પર લેખકનું નામ ન લખ્યું હોય અને વાંચો તો એ ઉર્દૂના ક્રાંતિકારી વાર્તાકાર સઆદત હસન મન્ટોએ લખેલી કોઈ નવલકથા લાગે. ભીષ્મ સહાનીની 'તમસ' ઉપરાંત 'ઝરોખે', 'બસંતી', 'નીલૂ નીલિમા નિલોફર', 'મય્યાદાસ કી માડી' વગેરે નવલકથાઓ લોકોને પસંદ પડી હતી. 'અમૃતસર આ ગયા', 'વાંગ્ચૂ' જેવી વાર્તાઓ તેમ જ 'કબીરા ખડા બાઝાર મેં' અને 'હાનૂશ' જેવાં નાટકો પણ લોકોને પસંદ પડયાં હતાં.

આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યોં આતા હૈ', 'સલીમ લંગડે પે મત રો', 'અરવિંદ દેસાઈ અજીબ દાસ્તાન', 'મોહન જોશી હાઝિર હો' જેવી નોંધપાત્ર ફિલ્મો ડિરેક્ટ કરનારા ડિરેક્ટર સૈયદ મિર્ઝા ભીષ્મ સહાનીના સાહિત્યના ફેન હતા. તેમણે 'તમસ' નવલકથા અનેક વખત વાંચી છે. સૈયદ મિર્ઝાએ ભીષ્મ સહાનીને એક્ટર તરીકે લઈને 'મોહન જોશી હાઝિર હો' ફિલ્મ બનાવી હતી. ભીષ્મ સહાનીને એક્ટર તરીકે રજૂ કરવા અંગેની કૈફિયત જણાવતાં તેમણે કહ્યું હતું કે, "જ્યારે હું 'મોહન જોશી હાઝિર હો' બનાવી રહ્યો હતો ત્યારે મને એક એવા ચહેરાની તલાશ હતી જે ચહેરામાં જમાનાની તસવીર વંચાય, ઇતિહાસ દેખાય. ઇતિહાસ એટલે પાઠયપુસ્તક બ્રાન્ડ ઇતિહાસની વાત હું નથી કરી રહ્યો. હું કહેવા માગું છું કે ઇતિહાસ એટલે જેના ચહેરા પર લાંબી સફર અને લાંબા અનુભવની ઝાંખી થતી હોય. જમાનાની તાસીરને જેણે જીવી જાણી હોય એવું વ્યક્તિત્વ. ભીષ્મ સહાનીના ચહેરામાં મને એ ઇતિહાસ વંચાતો હતો, તેથી તેમને મેં 'મોહન જોશી હાઝિર હો'માં લીધા હતા." અપર્ણા સેનની મિસ્ટર એન્ડ મિસિસ ઐયરમાં પણ તેમણે નાની ભૂમિકા ભજવી હતી.

ભીષ્મ સહાની કર્મશીલ તરીકે ભારતનાં કેટલાંક પ્રગતિશીલ આંદોલનોમાં પણ સક્રિય રહ્યા હતા. ઇપ્ટા – ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિએશનમાં પણ સક્રિય હતા.

ભીષ્મ સહાનીએ લોલીપોપ લિટરેચર કે લુગદી સાહિત્ય એટલે કે પલ્પ ફિક્શન નહોતાં લખ્યાં. તેમણે ભારત – પાકિસ્તાનના ભાગલા, સામાજિક વર્ગવિગ્રહ વગેરે પેચિદા વિષયોને કેન્દ્રમાં રાખીને સમસામયિક નવલકથા, વાર્તા અને નાટકો લખ્યાં હતાં. આ એવા વિષયો હતા કે જેમાં લેખકનો એક કચકચતો સૂર પ્રગટે. એમાંય ભીષ્મ સહાની તો કમ્યુિનસ્ટ હતા તેથી તેઓ તો લાલચોળ રીતે પોતાનો અભિપ્રાય પ્રગટ કરે એ સ્વાભાવિક માની શકાય. જો કે, તેઓ તેમની રચનાઓમાં લેખક તરીકે અભિપ્રાય આપતા ખચકાયા છે. એનો મતલબ એવો નહોતો કે તેઓ અડૂકિયાંદડૂકિયાં હતા કે કન્ફ્યૂઝ હતા કે બંને પક્ષે સંતુલિત રહેવા માગતા હતા. અભિપ્રાય ન આપવો એ તેમની વિનમ્રતા હતી. તેઓ માનતા હતા કે કલા-સાહિત્યનું કામ વિચાર અને સંવેદના જગવવાનું છે, અભિપ્રાય આપવાનું નહીં. તેથી તેમની રચનાઓ વાંચશો તો માલૂમ પડશે કે તેમણે પરિસ્થિતિ રજૂ કરી છે, અભિપ્રાય થોપ્યા નથી.

ભીષ્મ સહાની હિન્દી સિનેમાના બેનમૂન અભિનેતા બલરાજ સહાનીના નાના ભાઈ હતા. ભિષ્મ સહાનીના વખણાયેલા નાટક 'કબીરા ખડા બજાર મેં'નો પહેલો શો ૧૯૮૨માં થયો હતો અને છેલ્લો શો ૧૯૯૨માં થયો હતો. છેલ્લો શો સુરતમાં થયો હતો. ૧૯૯૮માં તેમને સાહિત્ય માટે પદ્મ ભૂષણ ઇલકાબ મળ્યો હતો.

દિલ્હી યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર ભણાવતાં તેમ જ રાજકીય વિશ્લેષક અપૂર્વાનંદે કહ્યું હતું કે, "કેટલાંક લોકો ભીષ્મ સહાની વાંચતાં ડરે છે. તેમને ડર છે કે સહાનીનું સાહિત્ય વાંચ્યા પછી તેમની અંદરની માણસાઈ તેમના સૂતેલા આત્માને ઢંઢોળીને જાગૃત કરી દેશે."

આ શબ્દો ભીષ્મ સહાનીની સાહિત્યિક સંવેદનાને યથાર્થ રીતે રજૂ કરે છે. 

e.mail : tejas.vd@gmail.com

સૌજન્ય : ‘છપ્પનવખારી’ નામક લેખકની કોલમ, “સંદેશ”, 23 સપ્ટેમ્બર 2015

http://www.sandesh.com/article.aspx?newsid=3137149

એમ.એસ. સુબ્બલક્ષ્મીએ ગાયેલું મીરાંકૃત ભજન, ‘હરિ તુમ હરો … ’ની કડી :
 https://www.youtube.com/watch?v=DuRp3OmnoMo

Tamas ( Darkness) (1987) is a period television film directed by Govind Nihalani, based on the Hindi novel of the same name written by Bhisham Sahni (1974), which won the author the Sahitya Akademi Award in 1975.

૧. https://www.youtube.com/watch?v=baAYhFuCK7A

૨. https://www.youtube.com/watch?v=0vI1UjpiSvc

૩. https://www.youtube.com/watch?v=03_m2uWiDW0

૪. https://www.youtube.com/watch?v=qvI5yjvXEj4

Loading

23 September 2015 admin
← Looking at the Past: Jaundiced Views
નાગરિકપણાની ‘નેટ’ પ્રેક્ટિસ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved