સૅક્સ્યુઅલ રીલેશનશિપ : લેખાંક -11 : (સમ્પૂર્ણ)
સૅક્સ્યુઆલિટીને વિશેની સાર્ત્રની વિચારણાને સમજવા માટે સાર્ત્રે પોતે કહ્યું છે એમ એમને આપણે એક સિસ્ટમ તરીકે સ્વીકારવા જોઇશે. નીચે મુજબનો એક કામચલાઉ સાર ઉપકારક નીવડશે :
સાર્ત્ર ત્રણ ઑન્ટોલૉજિકલ વિચારણાઓ રજૂ કરે છે : ૧ : બીઇન્ગ-ફૉર-ઇટસૅલ્ફ એટલે કે ચેતના : ૨ : બીઇન્ગ-ઇન-ઇટસૅલ્ફ એટલે કે ન-ચેતના : ૩ : ધી અધર, એટલે કે અન્ય અથવા બીજું. એ ચેતના અને ન-ચેતનાની વચ્ચેની ડાયલૅક્ટિક વિચારણા છે. (ડાયલૅક્ટિક -ને એ બે વચ્ચેના દ્વન્દ્વનું રૂપ છે).
હવે, ચેતના તો શરીરમાં જ વસે છે, ન અન્યત્ર. (મર્લૉ પૉન્તિ તો શરીરને જ આત્માસ્વરૂપ ગણે છે). આ શરીર ત્રણ ઑન્ટોલૉજિકલ ડાયમેન્શન્સ ધરાવે છે : ૧ : મારા શરીર રૂપે : ૨ : અન્યોને માટે વસ્તુ રૂપે : ૩ : અન્યોએ મને ઘટાવ્યો તે રૂપે.
સાર્ત્ર અનુસાર, બીઇન્ગ-ફૉર-અધર્સનાં ત્રણ વલણો છે :
૧ : જાતને વસ્તુ ગણવી અને બીજાને વ્યક્તિ. એમાંથી જન્મે છે, એક તરફ, માસોચિઝમ અને બીજી તરફ, લવ. એમાં, માસોચિસ્ટ – સ્વપીડક વ્યક્તિ – જાતને પીડા આપીને જાતીય આનન્દ મેળવે છે અથવા પ્રેમ કરવાનું ચાલુનું ચાલું રાખે છે. (હું દાખલો આપું, રીઢા પ્રેમીઓનો).
૨: જાતને વ્યક્તિ ગણવી અને બીજી વ્યક્તિને વસ્તુ. (હું દૃષ્ટાન્ત આપું : મોટાભાગની સ્ત્રી-વેશ્યાઓ કે પુરષ-વેશ્યાઓ અને તેમનાં ગ્રાહકો) એ છે, પરપીડક વ્યક્તિ. એમાંથી જન્મે છે કાં તો સૅડિઝમ – પરપીડન – કામેચ્છા અને લાપરવાઇ.
સૅડિસ્ટ વ્યક્તિને પરપીડક કહેવાય. એ જાતીય આનન્દ માટે બીજા પ્રત્યે ક્રૂરતા આચરે, દુ:ખ આપે, સિતમ ગુજારે. એ વ્યક્તિ જાતે મુક્તતા અનુભવે છે પણ સત્તા વાપરીને કે આચરીને બીજાની મુક્તતા હરી લે છે. માંસ ગુલામી સરજે છે. મોટા ભાગે સ્ત્રીઓ પરપીડકોનો ભોગ બને છે.
૩ : ત્રીજું વલણ એ છે કે બીજી વ્યક્તિ સાથેના સમ્બન્ધને ફગાવી દેવાની લાગણી થાય છે – એ જ વ્યક્તિ માટે તિરસ્કાર જન્મે, ઘૃણા થાય, જેની જોડે નિત સૂવાની ઘટનાઓ ઘટી હોય !
સાર્ત્રની ફિલસૂફીમાં, મનુષ્યચિત્ત અને વિશ્વની વસ્તુઓ નહીં પણ શૂન્યત્વ અને સતનો – નથિન્ગનેસ ઍન્ડ બીઇન્ગનો – મુદ્દો પ્રાધાન્ય ભોગવે છે.
એવું દ્વૈત છે જેને કદી પણ નષ્ટ કરી શકાતું નથી. એમાં, સંસારમાં અસ્તિત્વને પડતાં દુ:ખોની વારતા છુપાઇ છે.
એ દ્વૈતે પેદા કરેલાં ટેન્શન્સનો માણસ સામનો તો કરે છે, પણ કેવી રીતે? એવો દમ્ભ ઓઢીને કે સામી વ્યક્તિ માણસ નથી પણ વસ્તુ છે – સબ્જેક્ટ નથી પણ ઑબ્જેક્ટ છે. સાર્ત્ર એને આત્મવંચના કહે છે – બૅડ ફેઇથ.
સમજવાનું એ છે કે આ આત્મવંચના સૅક્સ્યુઆલિટીમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. જગજાહેર હકીકત એ છે કે તમામ સૅક્સ્યુઅલ વિનિમયોમાં, સમ્ભોગમાં સવિશેષે, પુરુષ સ્ત્રીને અથવા સ્ત્રી પુરુષને ગમે તે ઘડીએ વસ્તુ ગણતાં થઇ જાય છે.
++
અસ્તિત્વાદ – સંલગ્ન પૂર્વોક્ત વિચારસરણીઓની ભૂમિકાએ થોડું નવેસર વિચારીએ. એથી, સમજાશે કે માનવસમ્બન્ધો લૂઝ કેમ પડી જાય છે. એથી, એમ પણ સમજાશે કે વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના જાતીય સમ્બન્ધો કેમ નષ્ટભ્રષ્ટ થઈ જાય છે.
ઉચ્ચોચ સત્ય એ છે કે સૅક્સ – કામ – મનુષ્યજીવનનું તેમ જ સજીવ માત્રના જીવનનું મહત્તમ પરિબળ છે, એથી વિશેષ કશું હોઈ ન શકે. કામ પાયાની મૂળવૃત્તિ છે, એટલી તો પ્રબળ છે કે એને વિશે કશું પણ બોલવું મિથ્યા છે.
કામેચ્છા જાગે પછી કામકૃતિને વાર નથી લાગતી, એટલે સુધી કહેવાય કે વૃ્ત્તિ અને વર્તન વચ્ચે કશો ઝાઝો ફર્ક રહેતો નથી. જોવા જઈએ તો જીવન સમગ્ર જાતીયતાનો ઉલ્લાસ છે – નાનામાં નાની ક્રિયા પણ જાતીયતાથી રંજિત છે.
સુજ્ઞજનો એટલે જ ઘણીવાર કહેતા હોય છે કે આખા વિશ્વમાં કામથી વધારે શક્તિશાળી કોઈ તત્ત્વ નથી. કામથી જ સંસાર ચાલ્યો છે, અને એથી જ ચાલશે. કામ સંસારનું કારણ છે, પરિણામ પણ કામ છે. કારણ-પરિણામ-કારણ-પરિણામની એ અવિરામ શૃંખલાથી જીવનલીલા સંભવી છે.
Masochist
Sadist
Pic courtesy : Google Images
કામમાં સર્વોપરિ ઘટના, શારીરિક સમ્ભોગ છે. નર અને માદા કે પુરુષ અને સ્ત્રી એકમેકનાં શરીરને સમ્ભોગે છે ત્યારે ભોગવીને આનન્દનો અનુભવ કરે છે. વિશ્વના બધા આનન્દોમાં સમ્ભોગાનન્દ શ્રેષ્ઠ છે. એથી મહામોટું સુખ એકેય નથી.
જુઓ, મનુષ્ય સિવાયના સજીવો આ સહજ વૃત્તિવશ જીવતાં હોય છે, પણ માણસે એ વૃત્તિને સંસ્કારવાનો, કેળવવાનો કે કલાત્મક કરવાનો પ્રયાસ કર્યો છે. કામ વિશે માણસે શાસ્ત્ર રચ્યાં છે, કામસૂત્ર વગેરે; વિજ્ઞાન રચ્યાં છે, સૅક્સોલૉજિ વગેરે; શિશ્ન અને સમ્ભોગરત યુગલોનાં રમકડાં, સૅક્સી મૂવીઝ કે પૉર્નોગ્રાફી વગેરે કામ-કલાઓ કરી છે.
સવાલ એ છે કે એથી કરીને એ સર્વશ્રેષ્ઠ આનન્દમાં કે એ મહામોટા સુખમાં શો ફર્ક પડે છે. અને, એ સર્વોપરિ ઘટનાને, શારીરિક સમ્ભોગને, સમાધિ જેવી આધ્યાત્મિક ચિત્તાવસ્થા જોડે મૂકીને કશુંક દર્શન પણ ભલે રચી લેવાય, શો ફર્ક પડે છે?
સમ્ભોગ અને સમાધિનું એ જોડકું હકીકતે શું છે એ સમજવું જરૂરી છે : સમ્ભોગ શારીરિક છે, સમાધિ આધ્યાત્મિક છે.
પણ અહીં કેટલાક વાસ્તવિક પ્રશ્નો છે : સૅક્સને સ્થૂળ કહીને સમાધિને સૂક્ષ્મ કહેવી એ તર્કચાતુરી નથી? મોટો પ્રશ્ન એ છે કે વ્હાય ડુ યુ ફિલોસોફાઇઝ ધિસ સો પાવરફુલ ઇન્સ્ટીન્ક્ટ? ઍન્ડ ફૉર હુમ? કોને માટે? માનવસંસારમાં, કેટલી મનુષ્યવ્યક્તિઓ સમ્ભોગથી સમાધિ ઝંખે છે? નરી સહજ બલકે પ્રાકૃતિક હકીકતને એ દર્શન સામાન્ય જનને શું સંપડાવે છે? એમ કે એણે સમ્ભોગ જ્યારે પણ કરવો ત્યારે સમાધિની આશા અપેક્ષાથી કરવો? અરે ભાઈ, એને એ સાવ કુદરતી બાબતે જેમ જીવે છે એમ જીવવા દેવો કે નહીં?
સમ્ભોગ અને સમાધિ એકમેકનાં વિરોધી છે, એને જોડવાના પ્રયાસનું ફલિત છે, એક જાતની દાર્શનિકતા ! સમ્ભોગ અને સમાધિને એક દૃષ્ટિએ બાયનરી ઑપોઝિશન ગણી લઇએ તો પણ એકને બદલે બીજા પર ભાર મૂકવાનું જ થશે. બન્નેની વચ્ચે ફ્રી પ્લેનો જે ઇલાકો છે એના પર ધ્યાન આપવું જરૂરી છે.
સમ્ભોગથી સમાધિ લાધી શકાતી હોય તો ભલે એ લાભ પર પ્હૉંચાડનારી પ્રક્રિયા શી છે? કામશાસ્ત્રીઓએ ભોગાસનો લખી-આલેખીને કામસંતુષ્ટિનો સરસ ઉપાય બતાવેલો છે, તેમછતાં, કેટલા લોકો પાસે ભોગાસનો ભોગવવા માટેનો સમય છે?
સંસારમાં અતિભોગીઓની તેમ જ વિકૃતોની – પર્વર્ટોની – સંખ્યા મોટી નથી, નાની છે. અતિભોગ માણસને રંજાડશે, રોગો માણસને ઝડપી લેશે, એ હકીકત છે. પણ એની માણસને ખબર છે જ, વળી, રોગો ભોગ-સંયમીને કે સમાધિ-વાંછુને પણ કદી નથી છોડતા, ઝડપે જ છે.
દાર્શનિકો, સન્તો કે તાન્ત્રિકોના બે વર્ગ છે : એક વર્ગ ભોગના ત્યાગની વાત કરે છે, બીજો વર્ગ ભોગના સ્વીકારની વાત કરે છે. ઘણી વાર તો એક-ની-એક વાત જુદા જુદા શબ્દોમાં કહેવાયા કરે છે. બન્નેની વાતમાં સત્ય જરૂર છે પણ સત્યનો એ એક માત્ર અંશ છે.
પૂર્ણ સત્ય એ તથ્ય પર ઊભું છે કે મનુષ્યસમેતના સચરાચર જીવો જેમ જેટલું ભોગવાય એમ એટલું ભોગવીને જેવા મળે તેવા સુખે જીવન વીતાવે છે. સામાન્ય જન પાસે એવી સવલત નથી હોતી કે એ અનેક સ્ત્રીઓને ભોગવી શકે. એને મળે ક્યાંથી? અને સંસાર સામાન્યોથી બનેલો છે. આ હકીકત કોઈ પણ ઇન્દ્રિયના ભોગને લાગુ પડે છે. દાખલા છે કે બધાંને દાળભાતશાક રોટલી રોજે રોજ નથી મળતાં. બધાંને સૂટબૂટ ને ટાઈ નથી મળતાં. બધાંને ઍસીની સગવડવાળા નિવાસ નથી મળતા. વગેરે. તેમ છતાં, સૌ જીવી લે છે.
ખરી વાત તો એ છે કે મોટાભાગે સૅક્સ બાબતે સ્ત્રીનું શોષણ થાય છે, એના શરીરની દુર્દશા થાય છે. માનસિક યન્ત્રણાઓનો શિકાર સ્ત્રી બને છે. ઇચ્છે તો પણ એને સમાધિની તક નથી મળતી કે જડતી.
માણસને જેવો છે એવો રાખીને, માણસ જ રાખીને, વિચારવું તે કોઈપણ દાર્શનિક માટે સફળતા-માર્ગ છે. અસ્તિત્વવાદીઓ એનું અપ્રતિમ દૃષ્ટાન્ત છે. વિચારીએ …
= = =
(April 29, 2022 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર