સુરેશ જોષીના એક કાવ્યની પંક્તિ છે : હસી શકે તો હસજે જરા વધુ : ‘સન્નિધાન’-ના તેમ જ ભાવનગર યુનિવર્સિટીના ગુજરાતી વિભાગે યોજેલા અભ્યાસ શિબિરોમાં મારું વ્યાખ્યાન સમ્પન્ન થાય પછી વિદ્યાર્થીઓ ઑટોગ્રાફ તો માગે જ પણ આગ્રહ કરે કે કશીક પંક્તિ લખી આપો. વીસેક વર્ષ થઈ ગયાં. ભાવનગર તો ગણ્યા ગણાય નહીં એટલા બધા કવિઓનું ગામ, મારે લખવું શું? હું ‘સુમન શાહ’ સહી કરતો ને અવતરણ ચિહ્ન સાથે લખી દેતો, “હસી શકે તો હસજે જરા વધુ”.
મને એવી જ પણ સામે છેડેની પંક્તિ રચવાનું મન થાય છે : રડી શકે તો રડજે જરા વધુ : કેમ કે સમ્બન્ધોમાં મને હાસ્યની જરૂરત વરતાય છે તેમ રુદનની પણ વરતાય છે.
મારી એવી સમજ છે કે બે સમ્બન્ધીનાં મન હાસ્યથી તેમ રુદનથી સ્વસ્થ રહે છે, કેળવાય છે. કનેક્ટેડ કેબલ્સ ચોખ્ખા અને મજબૂત થઈ જાય છે, તૂટી જવાનો ડર ટળે છે. બીજી રીતે કહું કે સમ્બન્ધમાં હાસ્ય અને રુદનને હું ઊંજણ ગણું છું – એક એવું ગ્રીઝ, એવું લુબ્રિકન્ટ, એવું ઑઇલ, જેથી સમ્બન્ધની સ્નિગ્ધતા – ચીકાશ – ભીનાશ જળવાઈ રહે છે, કાટ તો લાગતો જ નથી. સમ્બન્ધ ચિરંજીવી બની રહે છે.
એક વાર ભાવનગરની એક વિદ્યાર્થિનીએ પૂછ્યું : સર, હસી શકે તો – એવું કેમ કહ્યું છે? : મેં એને કહ્યું, તને યોગ્ય સવાલ થયો છે. જો, ખાસ સંજોગો ન હોય તો આપણે નથી હસતાં. ઘણી વાર તો બધાં હસે, પણ આપણને હસવું ન આવે, ખરું કે નહીં? : હા સર, એવું કેટલીયે વાર બને છે, મને તો એ બધાં મૂરખાં લાગે : પણ ક્યારેક એવું બનતું હશે કે બધાં ન હસતાં હોય, પણ તું હસતી હોય, બને છે? : હા સર, જરૂર બને છે : સમજવાનું એ છે કે કેટલીયે બાબતે આપણે નથી હસી શકતાં, પણ જો શકીએ, તો સુરેશ જોષીના કાવ્યની આ પંક્તિ એમ કહે છે કે – હસજે જરા વધુ. કેમ કે તે વખતનું એ હાસ્ય આપણું પોતાનું હોય છે, કીમતી હોય છે. એ હાસ્ય સહજ હોય છે, કેમ કે આપણે દેખાદેખીથી ન્હૉતાં હસ્યાં. એ હાસ્યને અટકાવવાનું નહીં, વધારવાનું, બરાબર? : હા સર, સમજાઈ ગયું, સરસ.
કોઈનું પણ મનોસ્વાસ્થ્ય બરાબર છે, એ કેમ જાણવું? પૂછવું કે દિવસમાં તમે હસ્યા ખરા? કેટલું? કેટલી વાર? બને છે એવું કે પત્ની હસમુખી, પતિ મૂજી. પતિ હસમુખો, પત્ની મૂજી. પોતે બોલકણો, મિત્ર મીંઢો. આમ તો આ વસ્તુ સ્વભાવગત છે. સ્વભાવે હસમુખને કે સ્વભાવે મૂંજીને, સ્વભાવે બોલકણાને કે મીંઢાને, બદલી ન શકાય, પણ શકાય તો શકવું. બને કે કોઇક વાર તો એ મૂંજી મલકાઈને હસી જ પડે. બને કે કોઇક વાર તો એ મીંઢો ચપચપ બોલવા માંડે ..
રસશાસ્ત્રીઓએ શૃંગાર રસને શ્રેષ્ઠ ગણ્યો છે – રસરાજ. પણ ભવભૂતિએ ‘એકો રસ: કરુણ’ – કહીને સૂચવ્યું છે કે રસ હોય તો એક જ છે, કરુણ. શૃંગાર વગેરે પણ કરુણનાં જ રૂપો છે, નિમિત્ત ભેદે એ જુદા લાગે છે – જેમ એક જ જળમાં ઊઠતા તરંગોને કારણે જળ ભિન્ન ભિન્ન ભાસે છે.
ભવભૂતિ અને વિશ્વનાથ જેવા કાવ્યાચાર્યો કરુણને સુખાત્મક પણ ગણે છે. વાત સાચી નથી? રંગમન્ચ પર પુત્રના અવસાનને કારણે શોકગ્રસ્ત માતાનું રુદન પ્રેક્ષકોને ‘સુન્દર’ અને ‘રસપ્રદ’ લાગે છે. કરુણનો આ રસ-પરક મહિમા મને ખૂબ ગમ્યો છે.
પણ પેઇનનો, એટલે કે કરુણનો, જીવન-પરક મહિમા નિત્શે કરે છે. લાઇફને એ બ્યુટિફુલ કહે છે. પણ કેમ, તો કહે છે – બીકૉઝ ઇટિઝ પેઇનફુલ.
પરન્તુ મારી દૃષ્ટિએ સૌથી મુશ્કેલ હાસ્યરસ છે. તમે ગમે તેટલું સરસ લખ્યું હોય પણ સામો માણસ હસી શકે જ નહીં તો? કોઈને સરળતાથી રડાવી શકાય એ શક્ય છે પણ કોઈને હસાવી શકાય એ મોટે ભાગે અઘરું છે. કેટલાક દાખલામાં તો ગલીપચી કરો તો પણ એ કામ નિષ્ફળ નીવડે છે. આપણે કરેલો જોક અફલાતૂન હોય પણ પેલો તો જેમનો તેમ, ટાઢો પથરો ! મરકે તો દોરા જેટલું. આપણે છોભીલા પડી જઈએ.
યાદ કરો, હસતાં મનુષ્યો આપણને ગમી ગયાં હોય છે. હસતા ચ્હૅરાની અકારણ યાદથી આપણે મલકી પડીએ છીએ. વર્ગમાં એવો વિદ્યાર્થી ભાગ્યે જ મળે જે વાતે વાતે હસતો હોય. ચાલુ વ્યાખ્યાનમાં વાત ભલે ને હળવી કે ગમ્ભીર હોય, અમારી એવી એક વિદ્યાર્થિનીને હસવું બહુ આવતું. તાકી નજરથી એને સૂચવી શકાતું કે સંભાળ … વિદેશમાં અમારાં એક બેન છે, બિન્દુ. પણ હસે એટલું બધું કે ‘બિન્દુ’ ન લાગે …
એક સત્ય આપણે સૌ સ્વીકારીશું કે એવાંઓનાં હાસ્ય નિર્દોષ હોય છે. ઉપરાન્ત, એ હાસ્યની એક જુદી હકારાત્મક અસર પણ થતી હોય છે. જરૂરી ન હોય છતાં કોઈ વાર અધ્યાપક એને હસવું આવે એવું ચાહીને બોલે છે. બધાંને એ હસતી સહ-વિદ્યાર્થિનીની ગેરહાજરી સાલતી હોય છે. વાત બહુ ગૂંચવાઈ હોય ને ટૉપિક ચેન્જ કરવાની જરૂર લાગતી હોય તો બધાં બોલી ઊઠે છે – અરે, બિન્દુબેનને બોલાવો, વાત તરત પતી જશે.
હાસ્ય ગામ્ભીર્યને ઑગાળી નાખે છે. એક કામચલાઉ પણ અતિ જરૂરી રીલિફ મળે છે. નહિતર સંભવ છે કે જીવનના કોયડાઓ આપણને મૂંઝવી મારે, કશાક ડેડ-એન્ડ પાસે આપણે બેસી પડીએ.
હા, એ ખરું કે હસી શકીએ એવા સંજોગો જીવનમાં સ્વલ્પ અને દુષ્કર હોય છે. સમજીએ તો ઘણુંક રુદનમય જ છે. પણ એટલે જ એનું એક આગવું મૂલ્ય છે. જરાક વિચારો કે કાયામાં રુદનની સગવડ જ ન હોત તો શું થાત …
આંસુવદનને જોઈને એમ ન કહી દેવાય કે – તું પોચટ છું, સૅન્ટિ છું. કોઈનાં આંસુ જોઈને દયા ન આવવી જોઈએ પણ વિશ્વાસ પડવો જોઈએ કે સાચકલું દિલ છે એની પાસે. વ્યક્તિને થવું જોઈએ કે હું અને મારી વાત એમાં ઠરી શકીશું, સમ્બન્ધાઈ શકાશે એની જોડે.
પ્રેમસમ્બન્ધ કે કોઈ પણ માનુષ્યિક સમ્બન્ધ રુદનથી, આક્રન્દથી, વિલાપથી પુરવાર થાય છે.
કોઈનાં આંસુ આપણને એના અને આપણા જીવનદુ:ખમાં સહભાગી થવાનું નિમન્ત્રણ આપે છે. એ તો ખરું જ પણ પ્રેમમય સહજીવન જીવ્યાં હોય એવાંઓની કરુણ જીવનકહાણી આપણને રસભીનાં કરી દે છે, ઘણું બળ પાય છે. મારી પાસે એવાં સમ્બન્ધી-જોડાંના દાખલા નથી, પણ સાહિત્યમાંથી તો ઘણા છે.
રામ વિલાપ કરે છે. તુલસીદાસના રામ વદતા હોય છે – હે ખગ મૃગ હે મધુકર શ્રેની, તુમ્હે દેખી સીતા મૃગનૈની?
કવિ કાલિદાસનો વિરહી યક્ષ જે કંઈ કહે છે એ બધું મેઘને જ કહે છે, પણ મારું મન્તવ્ય છે કે જોડેજોડે એ પોતાની જાતને પણ કહે છે. એને ભાન છે કે પ્રિયાએ બધી રાત્રિઓ સંતાપ અને આંસુથી ગાળી છે. મેઘને જણાવે છે કે મારું શરીર વિરહથી સુકાઈ ગયું છે એવું એના મનમાં મારું ચિત્ર આલેખતી હશે. વિયોગ અને દુઃખના સ્મરણથી આંસુ ઉભરાઈ આવ્યાં હશે. એ આંસુને લીધે એ ચિત્રાલેખન અધૂરું રહી ગયું હશે. એને પડતું મૂકીને એ કોઇ બીજા વિનોદમાં પ્રવૃત્ત થતી હશે. કહે છે, ચન્દ્રને જોતાંમાં જ એને આંસુ ઉભરાઈ આવે છે. એ ઉદ્રેકને છુપાવવા આંખો ઢાંકી દે છે, પણ પાંપણ દબાતાં આંસુ તો સરી પડે છે.
Pic courtesy : Pinterest — TRAGICOMEDIA
પોતાની સમગ્ર અવસ્થાને યક્ષ કરુણાજનક ગણે છે, એને એમ પણ થાય છે કે એથી વનદેવતાઓની આંખમાંથી, વૃક્ષોમાંથી, આંસુ સરે છે. એ આંસુને યક્ષે અને કાલિદાસે મોતી જેવાં કહ્યાં છે.
યક્ષનું આ અવર્ણિત આક્રન્દ છે. મન્દાક્રાન્તા છન્દનું ભાવવાહી અને એકધારું ગાન કરવાથી સમજાશે, મને તો હમેશાં સમજાયું છે. ‘મેઘદૂત’-ના પહેલા પહેલા રસાનુભવથી હું દ્રવી ગયો’તો. આંખ કિંચિત્ ભીની થઈ ગઈ’તી. જીવનના તળિયે સૂતેલી કરુણતાની સણક અનુભવાયેલી. મારા એ રસાનુભવમાં રસશાસ્ત્રીઓ ભલે ને ‘વિઘ્ન’ જોતા, ’દોષ’ જોતા …
ડૅસ્ડેમોનાએ બેવફાઈ કરી છે એ વાતે ધૂંવાંપૂંવા ઑથેલો એની હત્યા કરવાને તત્પર થઈ ગયો છે. એ પળે બોલે છે –
પુટ આઉટ ધ લાઈટ, ઍન્ડ ધેન પુટ આઉટ ધ લાઇટ.
આ દીવો બુઝાવી દઉં ને પછી આ દીવો – એટલે કે, ડૅસ્ડેમોનાનો જીવનદીપ. મીણબત્તી બુઝાવી દે છે ને ડૅસ્ડેમોનાની હત્યા કરે છે.
પરન્તુ મારું અર્થઘટન છે કે ઑથેલોનો એ નિશ્ચય દોદળો હતો કેમ કે હત્યા પ્રિય પત્નીની થવાની હતી ને એના પોતાના હાથે થવાની હતી. એ ઘડી જાતે વૉરી લીધેલા સમ્બન્ધનાશની ઘડી હતી. એનું અંતર તો રડતું’તું. એ બોલેલો પણ ખરો કે –
શૂડ આઈ રીપેન્ટ મી, બટ વન્સ પુટ આઉટ ધાય લાઇટ.
એની એ મનોયાતના જીવલેણ નીવડે છે, ઑથેલો આત્મહત્યા કરે છે. કરુણની એ અવધિ હતી. શેક્સપીયરે લખેલી ચાર ટ્રેજેડીમાં આ મને ઉત્તમ લાગી છે.
જે સ્ત્રી કે પુરુષ કદી રડે જ નહીં એને શું કહીએ? દુ:ખ પારાવારનું હોય તો રડાય પણ નહીં એ હું સમજું છું પણ ક્યારેક તો માણસને ઝળઝળિયાં આવે કે નહીં? કોઈનાં આંસુ જોઈને માણસ ઢીલું તો પડે કે નહીં? પ્રાણીઓ હસે છે કે રડે છે એની મને ખબર નથી, પણ બાજુના ફળિયાની ગાયની આંખો નીચે દ્રવ મેં ઘણી વાર દેખેલું. એ આંસુ હતાં કે કેમ, નથી ખબર, પણ એનું ભોડું પડી ગયેલું દેખાતું હતું …
જો કે શું હાસ્ય કે રુદન, બન્ને વચ્ચેનો સમ્બન્ધ એક જ સિક્કાની બે બાજુ જેવો છે. ૧૯૬૬-થી ૭૨ દરમ્યાન કપડવણજમાં હું પ્રૉફેસર હતો. એક સહકાર્યકર મિત્રનું અવસાન થયેલું. એમની દીકરી રડતાંરડતાં બધી કથની ક્હૅતી’તી ને પિતાની ખાસિયતો યાદ કરતી’તી. પણ વાતમાં ને વાતમાં એક વળાંક પર એ હસી પડી. ગાલ પરનાં આંસુ સાથેનું એનું હાસ્ય જોઈ હું સ્તબ્ધ થઈ ગયેલો. મારી બા એમની બે દીકરીઓને ધ્યાનમાં રાખીને અવારનવાર બોલતી : મારી એક આંખ હસે છે ને બીજી રડે છે : કેમ કે નાનીની સરખામણીમાં મોટીનું ભાગ્ય ઘણું ઊંચું – આસમાને. બૅકેટે ‘વેઇટિન્ગ ફૉર ગોદો’ પર ટૅગ લગાડી છે – અ ટ્રેજીકૉમેડી. આપણી પ્રવર્તમાન જીવનશૈલીમાં કાં ટ્રેજેડી, કાં કૉમેડી, એવું બ્લૅક ઍન્ડ વ્હાઇટ નથી રહ્યું. નથી નરી ટ્રેજેડી, નથી નરી કૉમેડી. બૅકેટના એ નાટકમાં ટ્રેજેડી અને કૉમેડીની સદીઓ પુરાણી નાટ્યપરમ્પરાઓનું નિરસન થયું છે.
હાસ્ય અને રુદન વચ્ચે બહુ છેટું નથી, પાતળી રેખા છે. પડખે આ, તો પડખે આ. આપણે શકીએ તો બન્નેમાં આવ-જા કરી શકીએ …
= = =
(May 21, 2021: USA)