
રવીન્દ્ર પારેખ
ભારતની લોકશાહી શરૂથી જ લોહિયાળ રહી છે અને હજી તેને લોહિયાળ કરવાના મેલા ઈરાદા રખાય છે તે શરમજનક છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કેરળની આજની મુલાકાત દરમિયાન મોતને ઘાટ ઉતારવાની ધમકી અપાઈ છે, તે નિંદનીય છે. 14મી ઓગસ્ટ, 1947ને રોજ પાકિસ્તાન થયું અને 15 ઓગસ્ટે ભારત આઝાદ થયું. આ ભાગલામાં એટલી લાશો પડી કે એટલી તો કોઈ યુદ્ધમાં ય પછી પડી નથી. મહાત્મા ગાંધીની અહિંસાનો એ વખતે પૂરેપૂરો ઉપહાસ થયો. એ પછી તો 1948ની 30 જાન્યુઆરીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની નિર્મમ હત્યા થઈ. તેમની વિચારધારા જોડે કોઈ સંમત થાય કે ન થાય, પણ પૂરી નિર્મમતાથી વિચારનારને પણ એ માણસ કોઈ રીતે હત્યાને લાયક જણાતો નથી. સાચું તો એ છે કે ગમે તેવો હત્યારો પણ હત્યાને પાત્ર નથી, તો ગાંધીની હત્યા તો થાય જ કેમ?
ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ 1964ની 27 મે-એ મૃત્યુ પામ્યા. તે પછી લાલબહાદુર શાસ્ત્રી બીજા વડા પ્રધાન બન્યા ને 11 જાન્યુઆરીએ તાશ્કંદમાં તેમનું રહસ્યમય રીતે મૃત્યુ થયું. 1965માં પાકિસ્તાને ભારત સામે યુદ્ધની સ્થિતિ ઊભી કરી, પણ પાકિસ્તાને છેવટે તાશ્કંદ કરાર માટે સહમત થવું પડ્યું. આ કરાર અમલમાં આવ્યાના બીજા જ દિવસે શાસ્ત્રીજીને હૃદય રોગનો હુમલો આવ્યો ને તાશ્કંદમાં જ એમનું મૃત્યુ થયું. એ પછી પણ વડા પ્રધાનો તો આવ્યા, પણ ઇન્દિરા ગાંધી 25 જૂન, 1975ને રોજ કટોકટી લાદવા માટે અને અમૃતસરનાં સુવર્ણમંદિરમાં કરવામાં આવેલ ઓપરેશન બ્લુસ્ટાર માટે યાદ કરાય છે. ઓપરેશન બ્લુસ્ટારને કારણે જ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની તેમના જ અંગરક્ષકો દ્વારા 31 ઓકટોબર, 1984 ને રોજ 33 ગોળીઓ મારીને હત્યા કરાઇ. એ પછી નહેરુ-ગાંધી કુટુંબનાં જ ત્રીજા વડા પ્રધાન બન્યા ઇન્દિરા ગાંધીના મોટા પુત્ર રાજીવ ગાંધી. તેઓ લગભગ 5 વર્ષ વડા પ્રધાન રહ્યા ને તેમની પણ ચૂંટણી પ્રચાર દરમિયાન એલ.ટી.ટી.ઈ.ના આત્મઘાતી બોમ્બર દ્વારા તમિલનાડુના શ્રીપેરામ્બદુરમાં 21 મે, 1991ને રોજ હત્યા કરવામાં આવી. આ દેશ પર નહેરુ–ગાંધી પરિવારે કુલ 37 વર્ષ અને 303 દિવસ વડા પ્રધાનપદું ભોગવ્યું છે. એની સામે ભા.જ.પ.નાં શાસનને તો નવેક વર્ષ જ થયાં છે ને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હત્યાની ધમકી અપાઈ છે તે ચિંત્ય છે.
આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેરળની મુલાકાતે જનાર છે. એ મુલાકાત લે તે પહેલાં કેરળ ભા.જ.પ.ના અધ્યક્ષ કે.કે. સુરેન્દ્રન્ને ધમકી આપતો પત્ર 17 એપ્રિલે મોકલાયો છે, મલયાલમમાં લખાયેલ પત્રમાં વડા પ્રધાનની હાલત પૂર્વ પ્રધાન મંત્રી રાજીવ ગાંધી જેવી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. આ ધમકીપત્ર પોલીસને સોંપવામાં આવ્યો છે. એ સાથે જ ADGP ઇન્ટેલિજન્સનો 49 પાનાંનો રિપોર્ટ થોડા દિવસ પહેલાં જ મીડિયામાં ફરતો થયો છે, જેમાં ફરજ પરના અધિકારીઓની માહિતીઓ ને પી.એમ.ના કાર્યક્રમની વિગતો, રાજ્યના આતંકવાદી અને દેશવિરોધી તત્ત્વોની હાજરીનો નિર્દેશ જેવી ગોપનીય બાબતો લીક થઈ છે. આ બધાં પરથી સુરક્ષા તંત્રોની વિશ્વસનીયતા પર પણ મોટું પ્રશ્ન ચિહ્ન લાગે છે.
એર્નાકુલમના પત્ર લેખકનું નામ જોસેફ જોની છે. પોલીસની પૂછપરછમાં જોનીએ રોકડું કર્યું છે કે આ પત્ર તેણે લખ્યો નથી. પોલીસે તેનાં હસ્તાક્ષર પત્રલેખકના હસ્તાક્ષર સાથે સરખાવી જોયા તો તે જુદા પડ્યા. જોનીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે પોતાનું નામ પત્ર લેખક તરીકે ઠઠાડીને કોઈ તેને ફસાવવા માંગે છે. એ કોણ હોઈ શકે એની વિગતો પણ જોનીએ પોલીસને આપી છે ને એનો જોની સાથે ચર્ચને મામલે ઝઘડો પણ ચાલે છે તે પણ કહ્યું છે. પોલીસ એની તપાસમાં લાગી છે ને એ સાથે જ સાવચેતીનાં પગલાંરૂપે રાજ્યમાં હાઇએલર્ટ પણ જાહેર થયું છે.
વડા પ્રધાન આજથી શરૂ થનારા પ્રવાસમાં જુદા જુદા 8 શહેરોનાં સાત કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેનાર છે. આવનાર 36 કલાકમાં પી.એમ. લગભગ 5,300 કિ.મી.ની યાત્રા કરવાના છે. આ યાત્રા દિલ્હીથી શરૂ થઈને મધ્ય પ્રદેશ, દક્ષિણ કેરળ, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના કેન્દ્ર શાસિત પ્રદેશોની હશે. મધ્ય પ્રદેશના ખજુરાહોથી પી.એમ. 1,700 કિ.મી.ની હવાઈયાત્રા કરી કોચી જશે જયાં યૂથ કોન્કલેવમાં ભાગ લેશે અને મંગળવારે સવારે તિરુવનંતપુરમ્ પહોંચીને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે. આ ઉપરાંત તેઓ વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે અને પછી સુરતથી દિલ્હી જવા રવાના થશે.
વડા પ્રધાનને આ અગાઉ પણ એકથી વધુ વખત જાનથી મારી નાખવાની ધમકીઓ અપાઈ છે. 30 જુલાઇ, 2018 ને રોજ વડા પ્રધાન મોદીને રાસાયણિક હુમલાની ધમકી અપાઈ હતી ને ધમકી આપનાર કાશીનાથ નામના 22 વર્ષીય યુવકની મુંબઈથી ધરપકડ કરવામાં આવી હતી. 22 નવેમ્બર, 2022 ને રોજ પણ મુંબઈ ટ્રાફિક પોલીસના વૉટ્સએપ પર ઓડિયો મેસેજ આવ્યો હતો, જેમાં જાનથી મારવાની ધમકી અપાઈ હતી. એ ઉપરાંત 27 નવેમ્બર, 2022 ને રોજ પણ ઈ-મેઈલ દ્વારા વડા પ્રધાનને જાનથી મારવાની ધમકી આપનાર યુવકને ગુજરાતની ATSએ બદાયૂંમાંથી ઝડપી લીધો હતો. તેણે વડા પ્રધાન કાર્યાલયને ઈ-મેઈલ મોકલ્યો હતો. 3 માર્ચ, 2023 ને રોજ વારાણસી એરપોર્ટ, વડા પ્રધાન-રાષ્ટ્રપતિ ભવન પર ડ્રોન હુમલાની ધમકી આપતો પત્ર એરપોર્ટના ડિરેક્ટરને મોકલાયો હતો ને પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધી તપાસ હાથ ધરી હતી. પંજાબમાં વડા પ્રધાનની યાત્રા રોકવાનો પ્રયાસ થયો હતો ને ખુદ વડા પ્રધાને યાત્રા અધૂરી છોડીને પોતે બચીને જઇ રહ્યા છે એ મતલબનો ફોન તે વખતના મુખ્ય મંત્રી ચન્નીને કર્યો હતો તે પણ ઘણાંને યાદ હશે.
આ તો એક જ વડા પ્રધાનને અપાયેલી ધમકીઓની વિગતો છે. એને બે રીતે જોઈ શકાય. એક તો ધમકી આપનારની ગંભીરતા સંદર્ભે અને જેને ધમકી અપાઈ હોય એની સુરક્ષા સંદર્ભે. ધમકી આપનારાઓમાં મોટે ભાગનાને એની બહુ ગંભીરતા હોતી નથી. એમને મન આ કદાચ મજાક છે. ઈ-મેઈલ, મોબાઈલ, ટ્વિટર જેવી સુવિધાઓમાં ગમ્મત કરવાનું ઘણાંને ફાવે છે તો એમાં મેસેજ ઉપરાંત ધમકી પણ આપી દેવાય છે. એનું શું પરિણામ આવશે એની ઘણાંને કલ્પના પણ નથી હોતી. જેમ મેસેજમાં એ ડિવાઈસનો દુરુપયોગ થઈ શકે છે, એમ જ ધમકીઓ આપવામાં પણ એનો દુરુપયોગ થઈ શકે છે. વારુ, ધમકી આપનાર ખરેખર ગંભીર હોય તો તે પણ સાધનો તો આ જ વાપરશે. તે એની કાળજી પણ રાખશે કે પોતે કોઈને હાથ ન ચડે અને ધાર્યું પરિણામ મળે. આવી ધમકી આપનાર જેને ધમકી આપે છે, તેનાથી સંતુષ્ટ હોતો નથી. તેને એ વ્યક્તિએ ઘણો અન્યાય કર્યાનું લાગે છે ને તે ઈચ્છે છે કે એને અન્યાય કરનારનો ઘડો લાડવો થઈને રહે. ઘણીવાર હત્યાની રાજકીય યોજનાઓ પણ બનતી હોય છે. કોઈ રીતે, કોઈ પક્ષે નડતર રૂપ પક્ષ કે વ્યક્તિને માર્ગમાંથી હટાવવાનુ નક્કી કર્યું હોય છે ને એને માટે ભાડૂતી મારાઓથી કામ લેવાય છે. ક્યારેક એવા માણસો રોકવામાં આવે છે, જે મરી જઈને સામેવાળાનો કાંટો કાઢી નાખે. રાજીવ ગાંધીની હત્યા એલ.ટી.ટી.ઈ.એ કરી હોવાની વાત તો જાણીતી છે.
પણ, આમાં મરો પોલીસનો થાય છે. એણે તો ધમકી ગંભીર હોય કે મજાક, પૂરી ગંભીરતાથી ધંધે લાગી જ જવું પડે છે. એને માથે તો બધાં માછલાં ધોવાં પણ તૈયાર જ હોય છે. કેરળની આજની યાત્રા દરમિયાન વડા પ્રધાનને માથે જે જોખમ ઊભું કરાયું છે તે ગંભીર છે. જેને નામે ધમકી પત્ર મોકલાયો તે તો ધમકી આપનાર નથી, કારણ એના હસ્તાક્ષર જુદા પડે છે. એણે જેનું નામ દીધું છે, તે જ ધમકી આપનાર છે એ પણ પાકું નથી. એ સંજોગોમાં કોઈ બીજું જ હોય અને એ ન પકડાય ત્યાં સુધી સૌના જીવ પડીકે બંધાવાના. લોકશાહીમાં અત્યારનાં સમીકરણો એટલાં બદલાયાં છે કે સત્તાધારી પક્ષ સત્તા જાળવી રાખવા જે કરવું પડે એ બધું જ કરી છૂટે છે. એમાં સાધનશુદ્ધિ તો લગભગ અપેક્ષિત નથી, એટલે દેખીતું છે કે વિપક્ષોને પેટમાં તેલ રેડાય. એ સત્તા પર આવીને કૈં સંત સમાગમ કરવાના નથી, પણ એને પણ સત્તામાં આવીને ટકવું હોય છે ને પેઢીઓ તારવી હોય છે, એટલે એ કોઈ પણ રીતે સત્તામાં છે તેને ખસેડીને પોતાની સ્થાપના કરવા માંગે છે. કોઈ આદર્શ, કોઈ સિદ્ધાંત, કોઈ સંવેદના હવે સત્તામાં કે સત્તાની બહાર લગભગ અપેક્ષિત જ નથી. માત્ર સત્તાની સાઠમારી આ એક જ મુદ્દો શાસકો કે વિપક્ષો માટે બચે છે. એમાં કોઈ પ્રોજેક્ટ થઈ ગયો કે ગરીબોનું કલ્યાણ થઈ ગયું તો તે બંને પક્ષે કેવળ અકસ્માત છે. શાસકો માટે કે વડા પ્રધાન કે કોઈ પણ મંત્રી માટેનો વાંધો જેન્યુઇન ભાગ્યે જ હોય છે. મોટે ભાગે જે શત્રુવટ જન્મે છે તે સત્તાના અસંતોષનું જ પરિણામ હોય છે. ધારો કે વાંધો જેન્યુઇન છે, તો પણ કોઈને મારી નાખવાનું લાઇસન્સ મળી જતું નથી. વડા પ્રધાન સામે હજાર વાંધા જ કેમ ન હોય, તે સાચા ને સાત્ત્વિક હોય તો પણ, કોઈને પણ તેમનો સર્વનાશ કરવાનો અધિકાર નથી. દુનિયામાં સૌથી વધુ વસતિ ધરાવતા ભારતના વડા પ્રધાનને જાનથી મારી નાખવાની ધમકી અપાય કે તેવું કોઈ કાવતરું ઘડાય એ દુ:ખદ અને બધી રીતે શરમજનક છે. એની ઘોર નિંદા થવી જ ઘટે.
એવું હૃદયપૂર્વક પ્રાર્થીએ કે વડા પ્રધાનની કેરળ યાત્રા સુખરૂપ પાર પડે ને તેઓ ગૌરવભેર દિલ્હી પાછા ફરે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 24 ઍપ્રિલ 2023