
રમેશ સવાણી
હિટલરનું પતન થયું અને જર્મનીએ મે-1945માં આત્મસમર્પણ કર્યું, ત્યારે નાઝી રાજ્યના કેન્દ્રિય પોલીસ માળખાને નાબૂદ કરવામાં આવ્યું હતું. નાઝી ગુપ્ત પોલીસને ગુનાહિત સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું. તેના ઘણા ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી અને તેમને સજા કરવામાં આવી હતી. જ્યારે પણ તાનાશાહ / સરમુખત્યાર સત્તા પરથી હટે ત્યારે પોલીસનું આવી બને !
9 સપ્ટેમ્બર 2025ના રોજ નેપાળના કાઠમંડુમાં પોલીસ Riot shieldsની પાછળ છુપાઈને લોકોનો માર સહન કરી રહી છે. લોકો ઊછળી ઊછળી પોલીસ પર પ્રહાર કરે છે. નેપાળમાં ઠેરઠેર આ સ્થિતિ થઈ છે. પોલીસની આ સ્થિતિ એટલે થાય છે તેમણે લોકાની સેવા કરવાને બદલે સત્તાપક્ષની ચાપલૂસી કરી હોય છે.
લોકતંત્ર હોય કે તાનાશાહી જ્યારે પોલીસ સત્તાપક્ષના એજન્ટ તરીકે ભૂમિકા ભજવે છે, ત્યારે લોકોના ગુસ્સાનો ભોગ સૌ પ્રથમ પોલીસ બને છે.
પોલીસે કાયદા મુજબ કામ કરવાનું હોય છે, પણ સત્તાપક્ષની ઇચ્છા મુજબ કામ કરે છે. સત્તાના ઈશારે ભ્રષ્ટાચારી / બળાત્કારી / હત્યારાને છાવરે છે અને સત્તાનો વિરોધ કરનારાઓને ખોટા કેસમાં જેલમાં પૂરે છે.
મોટાભાગે પોલીસ સત્તાપક્ષની કઠપૂતળી જેવી બની જાય છે. કાયદાને વફાદાર પોલીસ અધિકારી જૂજ હોય છે, જેઓ સત્તા માટે નહીં પણ લોકોના હિત માટે કામ કરતા હોય. આવા પોલીસ અધિકારીઓને સાઈડ પોસ્ટિંગ મળે છે, પ્રમોશનમાં વિલંબ થાય છે, તુચ્છ બાબતોમાં ખાતાકીય તપાસ કરવામાં આવે છે.
સૌથી ખરાબ બાબત એ છે કે સરકાર જેમને સાઈડ પોસ્ટિંગમાં મૂકે તે પોલીસ અધિકારી સાથે સત્તાનાં ચાટુકાર પોલીસ અધિકારીઓ અસ્પૃશ્યતા રાખે છે ! તેમને હલકી નજરે જોવામાં આવે છે. મોદીજીએ ગુજરાતના IPS અધિકારી સતીષ વર્મા / રાહુલ શર્મા / રજનીશ રાય / આર.બી. શ્રીકુમારને અસહ્ય ત્રાસ એટલે આપેલ કે તેમણે સત્તા સામે ઝૂકવાનો ઈનકાર કર્યો હતો. આ અધિકારીઓથી બીજા IPS અધિકારીઓ દૂર રહેતા હતા ! IPS સંજીવ ભટ્ટે મોદીજીની વિરુદ્ધ બોલવાને બદલે તેમની ચાપલૂસી કરી હોત તો તેઓ જેલમાં હોત?
લોકશાહીમાં દર પાંચ વરસે સત્તા બદલે છે, ત્યારે પોલીસ અધિકારીઓ પણ રાતોરાત પાટલી બદલી નાખે છે. નવા સત્તાપક્ષની ચાપલૂસી શરૂ કરે છે. પરિણામે લોકોને કાયદા મુજબ કામ કરતી પોલીસ મળતી નથી ! ગુજરાતમાં કેટલાક IPS અધિકારીઓ કાઁગ્રેસના શાસન વેળાએ તથા ભા.જ.પ.ના શાસન વેળાએ પણ મલાઈદાર પોસ્ટિંગ મેળવી શકતા હતા; તે તેમની લાયકાતના કારણે નહીં પણ ચાપલૂસીના કારણે ! સત્તા દર 5 વરસે બદલવી જોઈએ. કોઈ મુખ્ય મંત્રી / વડા પ્રધાનને ‘અવતારી’ માનવા તે લોકશાહીનું અપમાન છે.
પોલીસ સત્તાપક્ષની ચાપલૂસી કરે તો લોકો પાસે કોઈ વિકલ્પ નથી. લોકો પોલીસનું ગેરવર્તન / નાલાયકી જોતા હોય છે. સત્તાના કારણે લોકો ચૂપ રહે છે. પરંતુ જો લોકોને મોકો મળે તો પોલીસને સસલા જેવી કરી મૂકે. જ્યારે લોકો બળવો કરી શાસક / તાનાશાહ બદલી નાખે ત્યારે લોકો પોતાની દાઝ કાઢતા હોય છે. કદાચ, એટલા માટે નેપાળના લોકો પોલીસને ઠમઠોરી રહ્યા છે !
10 સપ્ટેમ્બર 2025.
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર