ભા.જ.પ. સરકારે તેના બીજા કાર્યકાળનું પ્રથમ વરસ તાજેતરમાં પૂરું કર્યું છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણી કરતાં વધુ બેઠકો મેળવીને ભારતીય જનતા પક્ષે ૨૦૧૯માં ફરી સત્તા સંભાળી હતી. લાંબા સમય બાદ કેન્દ્રમાં એક જ પક્ષ ભારે બહુમતીથી ચૂંટાઈને સત્તાનશીન થયો છે. ૨૦૧૪માં મુખ્ય વિપક્ષ કૉન્ગ્રેસને ૪૪ અને ૨૦૧૯માં ૫૨ બેઠકો મળી હતી. લોકસભાની કુલ ૫૪૨ બેઠકોના ૧૦ ટકા પ્રમાણે ૫૫ બેઠકો મેળવનાર પક્ષના નેતાને વિપક્ષના નેતાનું પદ મળે છે, પરંતુ લાગલગાટ બે લોકસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસ કુલ બેઠકોની ૧૦ ટકા બેઠકો મેળવી શકી નથી. એટલે તેને વિપક્ષના નેતાનું પદ આપવામાં આવતું નથી.
સરકાર સોળમી અને હાલની સત્તરમી લોકસભામાં કૉન્ગ્રેસને લોકસભામાં વિપક્ષના નેતાનું પદ આપતી નથી એ બાબતે તેની ટીકા થાય છે કે દિલ્હી વિધાનસભામાં બી.જે.પી.ને માત્ર ત્રણ જ બેઠકો મળી ત્યારે પણ આમઆદમી પાર્ટીએ તેને વિપક્ષના નેતાનું પદ આપ્યું હતું તે તેણે હોંશેહોંશે લઈ લીધું, પણ પોતે આમ કરતી નથી.
આઝાદી પછીના આરંભના બે દાયકા કૉન્ગ્રેસના એકચક્રી શાસનના હતા. રાજનીતિશાસ્ત્રીઓ તેને એકપક્ષ પ્રભાવ પ્રથા તરીકે ઓળખાવે છે. આઝાદીનો વારસો ધરાવતી ગાંધી-નહેરુ-પટેલની કૉન્ગ્રેસની એ ફરજ હતી કે તે ઊગતી લોકશાહીમાં વિપક્ષને ફ્ળવા-ફૂલવા દે, પરંતુ નવાઈની વાત તો એ છે કે ભારતની લોકસભામાં વિપક્ષના નેતાનું પદ છેક વીસેક વરસે, ૧૯૬૯માં, અસ્તિત્વમાં આવ્યું હતું. એ વરસે કૉન્ગ્રેસના ભાગલા પડયા અને શાસક કૉન્ગ્રેસ ને સંસ્થા કૉન્ગ્રેસ એમ બે કૉન્ગ્રેસ બની. વિભાજિત કૉન્ગ્રેસમાંથી અસ્તિત્વમાં આવેલ કૉન્ગ્રેસ (સંગઠન) પક્ષ, ૧૦ ટકા કરતાં વધારે બેઠકો મેળવીને પહેલી વાર લોકસભામાં સત્તાવાર વિપક્ષ બન્યો હતો. ૧૯૫૬માં તત્કાલીન લોકસભા અધ્યક્ષ દાદાસાહેબ માવળંકર અધ્યક્ષની હેસિયતથી ૧૦ ટકા બેઠકો ધરાવતા વિપક્ષને જ લોકસભામાં વિપક્ષના નેતાનું પદ આપવાનો અધ્યક્ષીય નિર્દેશ આપ્યો હતો. જે કૉન્ગ્રેસના ગળામાં આજે ઘંટીનું પડ બનીને ઊભો છે.
૧૯૭૭માં આંતરિક કટોકટી પછી કેન્દ્રમાં જનતા પક્ષની સરકાર રચાઈ હતી. જેણે પ્રથમવાર નેતા વિપક્ષ (પગાર અને ભથ્થા) કાયદો, ૧૯૭૭ પસાર કર્યો હતો. આ કાયદામાં વિપક્ષના નેતાની વ્યાખ્યા કરવામાં આવી હતી. જો કે આ કાયદામાં ક્યાં ય ૧૦ ટકા બેઠકો ધરાવતા વિપક્ષને સંસદ કે રાજ્યોનાં વિધાનગૃહોમાં સત્તાવાર વિપક્ષના નેતાનું પદ મળશે એવો ઉલ્લેખ નથી. બંધારણવિદોના મતે લોકસભા અધ્યક્ષનો ૧૯૫૬નો આદેશ ૧૯૭૭ના કાયદા પછી અસ્તિત્વમાં રહેતો નથી. જો કે ૧૯૭૭ના કાયદામાં પણ વિપક્ષના નેતાનું પદ સંસદના જે તે ગૃહના અધ્યક્ષ જાહેર કરશે એવી જોગવાઈ તો છે જ. ૧૯૯૮માં સંસદમાં માન્યતાપ્રાપ્ત દળો અને સમૂહોના નેતાઓ તથા મુખ્ય દંડકો (સુવિધાઓ) અધિનિયમ પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદામાં લોકસભામાં ૫૫ અને રાજ્યસભામાં ૨૫ સભ્યોનું સંખ્યાબળ ધરાવનાર પક્ષ કે સમૂહને સંસદમાં માન્ય રાજકીય પક્ષ ગણવાની જોગવાઈ છે. એ રીતે લોકસભામાં માન્યતાપ્રાપ્ત પક્ષ ગણાવા જો ૧૦ ટકા બેઠકોની જરૂર હોય તો વિરોધ પક્ષના નેતા બનવા માટે પણ તે લાગુ પડે તેવું અર્થઘટન કરી શકાય.
૨૦૧૪માં જ્યારે મલ્લિકાર્જુન ખડગેને લોકસભામાં કૉન્ગ્રેસ પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા ત્યારે સરકારે અને તત્કાલીન લોકસભા અધ્યક્ષા સુમિત્રા મહાજને ૧૦ ટકા કરતાં ઓછી બેઠકોનો મુદ્દો ઊભો કરી કૉન્ગ્રેસને વિપક્ષના નેતાનું પદ આપ્યું નહોતું. લોકસભા અધ્યક્ષે એમના નિર્ણય પહેલાં તે સમયના એટર્ની જનરલ મુકુલ રોહતગીનો અભિપ્રાય માંગ્યો હતો. જેમણે ૧૯૭૭નો કાયદો અસ્તિત્વમાં આવ્યા છતાં ૧૯૫૬નો અધ્યક્ષનો આદેશ ચાલુ જ રહે છે. એવો અભિપ્રાય આપતાં અધ્યક્ષાને કૉન્ગ્રેસ પક્ષના નેતા ખડગેને વિપક્ષના નેતાનો દરજ્જો ન આપવાના પોતાના નિર્ણયના સમર્થનમાં મોટું બળ મળ્યું હતું. ૨૦૧૯માં કૉન્ગ્રેસે અધીર રંજન ચૌધરીને લોકસભામાં કૉન્ગ્રેસ પક્ષના નેતા પસંદ કર્યા છે પરંતુ વિપક્ષના નેતાનો દાવો કર્યો નથી. આ બાબતે કાયદાકીય કે અદાલતી રાહ લેવાનું પણ કૉન્ગ્રેસે પસંદ કર્યું નથી.
લોકસભાના વિપક્ષના સત્તાવાર નેતાના પદની કેટલીક બંધારણીય અને કાયદાકીય જરૂરિયાત પણ છે. સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર, કેન્દ્રીય માહિતી કમિશનરો, સી.બી.આઈ. ડાયરેક્ટર અને લોકપાલની નિમણૂક કરતી સમિતિના એક સભ્ય લોકસભાના વિરોધ પક્ષના નેતા હોય છે. છેલ્લી બે લોકસભાથી લોકસભામાં વિપક્ષના નેતાના પદને સરકારે માન્યતા આપી ન હોવાથી આ મહત્ત્વનાં બંધારણીય અને તટસ્થ પદો પર નિયુક્તિ કરવામાં વિલંબ થયો હતો. સરકાર કૉન્ગ્રેસના લોકસભાના સંસદીય પક્ષના નેતાને નિમણૂક સમિતિની બેઠકોમાં વિશેષ આમંત્રિત તરીકે જરૂર બોલાવે છે પણ નિમણૂક અંગેના નિર્ણયમાં તેમનો અભિપ્રાય ધ્યાને લેવાતો નથી એટલે તેઓ ગેરહાજર રહે છે. લોકપાલ સહિતની આવી કેટલીક નિમણૂકો વિપક્ષના નેતા વગર માત્ર સરકારી સભ્યો દ્વારા જ કરવામાં આવી છે. સંસદનાં સત્રો ચાલુ ન હોય ત્યારે વિવિધ સંસદીય સમિતિઓ દ્વારા સંસદનું કામ ચાલતું રહે છે. સંસદની જાહેર હિસાબ સમિતિ જેવી કેટલીક સમિતિઓના અધ્યક્ષ વિપક્ષના નેતા હોય તેવી બંધારણમાં જોગવાઈ છે. હાલની સરકાર વિપક્ષને કે વિપક્ષના નેતાને ૧૦ ટકા કરતાં ઓછી બેઠકોનો નિયમ બતાવીને માન્ય રાખતી નથી, પરંતુ સારું છે કે પબ્લિક એકાઉન્ટ કમિટી જેવી સંસદીય સમિતિનું અધ્યક્ષપદ હજુ વિપક્ષને આપે છે!
e.mail : maheriyachandu@gmail.com
પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 10 જૂન 2020