કરુણ વિરોધાભાસો વચ્ચે વાસ્તવિકતાઓને ઉજાગર કરવા માટે ઘણી વાર કટાક્ષ સૌથી ઉપયુક્ત 'અસ્ત્ર'બની રહે છે. (રામાયણ-મહાભારત શરૂ થઈ ચૂક્યાં છે, એટલે હવે અસ્ત્ર જેવા પ્રયોગોથી ટેવાવું પડશે.) એવા કેટલાક અસ્ત્ર-પ્રયોગ. ખરી કરુણતા એ વાતની છે કે અતિશયોક્તિપૂર્ણ કટાક્ષ હોઈ શકતી ઘણી બાબતો સોશિયલ મીડિયા પરની દલીલબાજીમાં ગંભીરતાપૂર્વક કહેવાઈ ચૂકી છે.
***
‘આવજે, બેટા’ ભીની આંખે પિતાએ કહ્યું, ‘અને ખબરઅંતર જણાવતો રહેજે, કોઈ વાતે ચિંતા કરતો નહીં, કોઈ પણ વસ્તુની જરૂર હોય તો મંગાવી લેજે, અગવડ વેઠતો નહીં, અમારી ચિંતા કરતો નહીં અને જરા પણ તકલીફ જેવું લાગે તો, રાહ જોયા વિના પહેલી ફ્લાઇટ પકડીને આવતો રહેજે. ત્યાં ગમે તેટલું સારું હોય, પણ આવા વખતે તું અમારી આંખ સામે જોઈએ. ઘર એ ઘર.’
થોડા સમય પછી, એ જ પિતા, ‘આ મજૂરોની જાત જ નકામી. તેમનામાં અક્કલ જેવું કંઈ મળે જ નહીં. નકરી ઘેટાંશાહી. એકે કીધું કે ઘેર, એટલે બધા ઉપડ્યા ઘેર. કશું જોવા-વિચારવાની વાત જ નહીં, સરકારે કહ્યું તો છે કે તમારું ધ્યાન રાખીશું. મફતિયા ખાવાનું આપીશું. પછી ઘર ઘર શાના કરે છે? આવા લોકોને તો મરવા જ દેવા જોઈએ. તેમના લીધે આપણો દેશ બદનામ થાય છે.’
***
‘મા, ભૂખ લાગી છે … નથી ચલાતું …. બહુ થાક લાગ્યો છે … પાણી પીવું છે … સાચ્ચું કહું છું …’
‘બસ, હવે થોડુંક જ છે અને જો બીજા બધા પણ ચાલે છે ને?’
‘પણ મા, આટલા બધા લોકો એક સાથે આપણી સાથે કેમ આવે છે? ને બધા ચાલતા કેમ જાય છે? બસમાં કેમ નહીં? અને આ લોકો દંડા લઈને કેમ ફરે છે? કહે ને, મા …’
‘ચૂપ મર ને … એક વાર કહ્યું તો ખરું કે થોડુંક જ છે. હવે પૂછ પૂછ કરીશ તો એક ધોલ લગાવી દઈશ.’
— અને સરકારની ઇચ્છા પ્રમાણેના નાગરિક બનવાની તાલીમમાં બાળક વધુ એક ડગલું આગળ વધ્યું.
***
‘ચાલો, બધા લાઇનમાં એક સાથે બેસી જાવ. તમને કંઈક આપવાનું છે, પણ કોઈ આઘુંપાછું થયું તો ડંડાવાળી થશે.’
આદેશ મળતાં જ બસમાં ભરાઈને આવેલા બધા શ્રમિકો ઊભા પગે લાઇનબંધ બેસી ગયા અને ફુડપેકેટની રાહ જોવા લાગ્યા. એવામાં એક માણસ પાઇપ લઈને આવ્યો, એટલે શ્રમિકોએ બંને હાથની હથેળીઓ ખોલીને પાણી પીવા માટે ખોબો તૈયાર કર્યો.
ત્યાં તો પાઇપમાંથી રાસાયણિક પ્રવાહીનો ઝીણો ફુવારો છૂટ્યો અને પેટ બાજુએ રહ્યું, તેમનાં આંખ-કાન ભરાઈ ગયાં.
***
અમે નહોતા કહેતા? આપણા ઋષિમુનિઓએ જે કર્યું હોય તે બધું વિચારીને જ કર્યું હોય ને તેમાં વિજ્ઞાન હોય જ. તમે બધા માનો નહીં, એટલે.’
‘આમ ગોળગોળ નહીં, ઉદાહરણ આપીને વાત કરો.’
અંગ્રેજીવાળાએ શીખવાડ્યું એટલે તમે બધા આજકાલના ક્વોરન્ટાઇન-ક્વોરન્ટાઇન કરતા થઈ ગયા. બાકી, દલિતોને આપણે કાયમ ક્વોરન્ટાઇનમાં, બધાથી જુદા જ રાખીએ છીએ ને. છતાં, તમારા જેવા લોકો ભેદભાવ-ભેદભાવનું બૂમરાણ મચાવે છે … કોરોનાએ સાબિત કરી આપ્યું છે કે અસ્પૃશ્યતા એ કલંક નહીં, આપણી મહાન વૈજ્ઞાનિક શોધ છે, જેમાં પશ્ચિમે પણ આપણને અનુસરવું પડશે.’
‘ઓહ … તમને તો કોરોનાથી પણ વધારે ગંભીર એવા વાઇરસનો ચેપ લાગ્યો છે, જેની કોઈ રસી નથી — જ્ઞાતિવાદનો વાઇરસ.’
***
‘પેલાથી દૂર રહેજો …’
‘વાંધો નહીં, મેં તો માસ્ક પહેર્યો છે.’
‘એમ નહીં … એ તો સફાઈ કામદાર છે …’
‘એમ કહો ને, યાર … સારું થયું, તમે ચોખવટ કરી.’
***
પોલીસની સાયરન સંભળાઈ અને નાસભાગ મચી ગઈ. ધાબે પાર્ટી કરનારા ઝટપટ સામાન આટોપીને, થોડો સામાન પહોળાં કરેલાં છાપાં નીચે સંતાડીને નાઠા, ઓટલે બેઠેલા જે બારણું નજીક હતું, ત્યાં અંદર ઘૂસી ગયા, ક્રિકેટ રમતા યુવાનો સ્ટમ્પ પડતાં મૂકીને ઘરમાં ભરાઈ ગયા.
સાયરન અને ચેતવણીસૂચક એનાઉન્સમેન્ટનો અવાજ નજીક આવવા લાગ્યો, તેમ લોકો ઉચ્ચક જીવે પોલીસની ગાડીની ધણધણાટીની રાહ જોતા રહ્યા … થોડો સમય પસાર થયો, સાયરનનો અવાજ ચાલુ રહ્યો, પણ ગાડીનો અવાજ સંભળાયો નહીં. એટલે એક જણે હિંમત કરીને બહાર ડોકું કાઢ્યું, ત્યારે ખ્યાલ આવ્યોઃ
ડ્રોનમાં જ સાયરન અને એનાઉન્સમેન્ટ ગોઠવી દેવામાં આવ્યાં હતાં.
***
કહે છે કે પુણ્યશાળી લોકોને લેવા માટે ખાસ વિમાન આવે છે.
આ હિસાબે પરદેશમાં વસતા ભારતીયો પુણ્યશાળી તો ખરા. કોરોના જેવું કંઈ પણ થાય તો તેમને લેવા ખાસ સરકારી વિમાન આવે.
બાકી, દેશમાં રહેતા હોત તો મોટા સાહેબોના ફંડા ને પોલીસના દંડા વચ્ચે અટવાતા ન હોત?
***
વડાપ્રધાને કહ્યું, ‘હું આવતી કાલે રાત્રે આઠ વાગ્યે તમને બધાને કંઈક કહીશ.’
અને પ્રજાએ વિચાર્યું, ‘ધનકી બાત’ની કળ હજુ નથી, ‘મનકી બાત’ અવિરતપણે ચાલ્યા જ કરે છે, તો હવે શું કાઢશે?
બીજા દિવસે ખબર પડી કે એ ‘તનકી બાત’ હતી. તબિયત સાચવવા માટે તાત્કાલિક અસરથી ત્રણ અઠવાડિયાં સૌએ ઘરમાં રહેવાનું.
તન-મન-ધનથી દેશની સેવા કરવી, તે આને કહેતા હશે?
***
સીધાસાદા માણસને ખાસ પ્રકારનો કરોળિયો કરડે તો તે સ્પાઇડર મેન બની જાય, એવું વાર્તાઓમાં વાંચ્યું હતું. ગૃહ મંત્રી કોરોના વાઇરસના આગમન પછી, ખાસ પ્રકારનું બ્રેસલેટ પહેર્યા વિના જ, જાહેર જીવનમાંથી 'મિસ્ટર ઇન્ડિયા' બની ગયા.
e.mail : uakothari @gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” – ડિજિટલ આવૃત્તિ; 07 ઍપ્રિલ 2020