કેટકેટલા અવાજ
ભીતર દૂર પાસ
અવાજ આમ
ન સંભળાય.
તડકાનો અવાજ
કેટલો ધીમો કેટલો ધીર
છાંયડાનો અવાજ
શીતળ, ઘડી-ઘડી થીર.
રાત
ધીરે-ધીરે કાનમાં ઊઘડતી જાય
આંખમાંથી તડકા-છાંયાની માયા ભુસાય
પડખેનું હતું આઘું, લગોલગ થાય
આઘેનું આવી પડખે અડોઅડ થાય
સંભળાય
જે ન કલ્પી શકાય,
ન ધારી શકાય
લાખ યત્નો છતાં ન પામી શકાય
એકની અનેક રીત પરખાય
અનેક, ન એકમેકમાં ભળી જાય.
સંભળાય
ઠકઠક ઠાકઠાક સટસટ સાટસાટ
ચચરાટ
રક્ત વહેતું
રક્તથી બારીક કશુંક બળતું
સાડલાના છેડાથી દાબેલો શ્વાસ
ડરી ગયેલા ડૂમાનો ભેંકાર
આંખથી ગાલ લગી સુકાયેલી ચીસની છાપ
સુકાઈને બરડ થઈ તૂટતી ભૂખનો ખખડાટ
થીગડામાં ગોદડિયા દોરાનો ભાર
ધૂળિયા રસ્તા પર પડતાં ઝાંખાં પગલાંમાં લથડાતો થાક
ટાઢાબોળ શરીરની ભીતર ઘૂસતો ખોતરાટ.
e.mail : umlomjs@gmail.com