લૉક ડાઉન પાછળનો હેતુ ઓછામાં ઓછા લોકો ઘરની બહાર તેવો છે. જેથી ટ્રેસિંગ અને કન્ટેઇનમેન્ટ થઈ શકે. લૉક ડાઉનનો મતલબ કોઈએ એક જગ્યાએથી બિલકુલ જવું જ નહીં એવું ન હોય. પોતાની જ કારમાં, પોતાના જ કુટુંબના સભ્યો સાથે નોકરીના સ્થળેથી વ્યક્તિ વતનના ઘરે જાય. નોકરીના સ્થળે કોઈને ન મળે, રસ્તામાં કોઈને ન મળે અને વતન ગયા પછી ય કોઈને ન મળે. આવું શક્ય બને તે માટે લૉક ડાઉન છે, પણ બહાર નીકળવા જ ના દેવા, એક રૂમમાં પાંચપાંચ સાતસાત મજૂરો રહેતા હોય અને કહીએ કે દરવાજાની બહાર ન નીકળતા, તે નિયમ પાલન કાગળ પ્રમાણે છે, હેતુ પ્રમાણે નથી.
સુરતમાં હીરાબજારમાંથી ભારે દબાણ ઊભું થયું ત્યારે નિર્ણય લેવાયો, ત્યારે તેની પાછળનું લૉજિક વળી જુદું. હેતુ લોકોને એકઠા ન થવા દેવાનો, શક્ય હોય ત્યાં સુધી પોતાના ઘરે રાખવાનો હોય. અને એવી રીતે જરૂર પ્રમાણે એકથી બીજી જગ્યાએ જાય કે કોઈના સંપર્કમાં ના આવે. આટલી કૉમન સેન્સથી કામ કરવાનું હોય. તેના બદલે સરકારી તંત્ર જૂની પદ્ધતિએ માત્ર પરિપત્ર પ્રમાણે કામ કરે છે.
રાજકોટના પ્રતિનિધિ વિજય રૂપાણી અને વળી સી.એમ., પણ રાજકોટના કલેક્ટર રેમ્યા મોહન નક્કી કરે કે અમદાવાદથી આવનારાને રાજકોટમાં પ્રવેશ નહીં. એટલે એવું કે ભાવનગર અને બોટાદથી ચેપગ્રસ્ત આવે તે ચાલે, પણ માત્ર અમદાવાદનો ચેપ ના જોઈએ? સુરતથી બસો દોડવા લાગી છે, તે લોકો રાજકોટમાં નહીં આવે? તેમને અટકાવશો કયા લૉજિકથી અને આવવા દેશો તો કયા લૉજિકથી?
e.mail : dilip.abhiyan@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 16 મે 2020