ભારતમાં ફૂટબોલ પ્રત્યેનું વળગણ પશ્ચિમ બંગાળ સુધી જ સીમિત હતું, પરંતુ પાછલા અમુક વર્ષોમાં દેશની યુવા પેઢીને તેનો રંગ લાગી રહ્યો છે. તેમાં ય આ વખતના ફિફા વર્લ્ડ કપમાં ફૂટબોલના બે ધરખમ હરીફો, ફ્રાંસ અને આર્જેન્ટિના, ટકરાયા હતા એટલે લોકોનો રસ ઔર વધી ગયો હતો. એ ફાયનલમાં જે રસાકસી હતી અને આર્જેન્ટિનાએ જે રીતે જીત હાંસલ કરી, એમાં તેનો સ્ટાર સુકાની લિયોનેલ મેસી પણ રાતોરાત લાખો ભારતીયોનો હીરો બની ગયો.
તેની કારકિર્દીનો અંતિમ વર્લ્ડ કપ રમનારો 35 વર્ષીય મેસી, વર્તમાન સમયમાં દુનિયાના સર્વશ્રેષ્ઠ ફૂટબોલ ખેલાડીઓમાં ગણાય છે, પરંતુ એક સમય એવો હતો, જયારે તેણે ખુદ એવું વિચાર્યું નહોતું કે તે ફૂટબોલની દુનિયામાં આટલું મોટું નામ બનશે.
1987માં એક મધ્યમવર્ગી પરિવારમાં જન્મેલા મેસીના પિતા ફેક્ટરીમાં મજદૂરી કરતા હતા અને તેની માતા સફાઈ કામ કરતી હતી. પિતાને ફૂટબોલનો શોખ હતો અને લોકલ ક્લબમાં કોચ પણ હતા, એમાંથી મેસીને બોલથી પ્રેમ થયો હતો. મેસી 5 વર્ષની ઉંમરથી ફૂટબોલ રમતો થઇ ગયો હતો.
દુનિયાના જેટલા શ્રેષ્ઠ ખેલાડીઓ છે, તેઓ કોઈને કોઈ અભાવમાંથી ઉભરવા માટે તનતોડ મહેનત કરીને ઉપર આવ્યા છે. સામાજિક કે પારિવારિક સંઘર્ષ તમને તમારા ક્ષેત્રમાં તમારું શ્રેષ્ઠ આપવા મજબૂર કરે છે, જેથી એ સંઘર્ષથી પીછો છોડાવી શકાય. મેસીની એક લડાઈ તેની ગરીબી સાથે અને બીજી ગ્રોથ હોર્મોન ડેફિસિયન્સી નામની બીમારી સાથે હતી. એ બીમારીમાં બાળકોનો વિકાસ અટકી જાય છે અને તે ઠીંગણું રહી જાય છે.
તેને સ્કૂલમાંથી જ ખબર પડી ગઈ હતી કે તે બીજાં બાળકો કરતાં કદમાં નીચો છે. આર્જેન્ટિનાના રોઝારિયો શહેરના ડોકટરે મેસીને 11 વર્ષની વયે કહ્યું હતું કે, “તું આની સારવાર નહીં કરાવે તો એક સેન્ટીમીટર પણ વધીશ નહીં.” નીચાઈની એ અપરાધ ભાવનામાંથી જ જીવનમાં કંઇક મોટું કરવાની જિદ્દ આવી હતી, જેથી ઊંચા દેખાવાય. મેસી અને તેનો પરિવાર એવી ફૂટબોલ ક્લબની તલાશમાં હતાં જે તેની સારવાર માટેનો ખર્ચ ઉઠાવી શકે. એવી ક્લબ મળતી નહોતી.
એ નાનો હતો ત્યારે તેની દાદીના બગીચામાં તેના મોટા ભાઈઓ ફૂટબોલ રમ્યા કરતા હતા. એક દિવસ તેના ભાઈની ટીમમાં એક ખેલાડી ગેરહાજર હતો, ત્યારે દાદીએ બૂમ પાડીને કહ્યું હતું કે મેસીને રમવું છે. ફૂટબોલનું તેનું પહેલું કોચિંગ હતું. તેની દાદીએ તેને કાયમ પ્રોત્સાહન આપ્યું હતું. એ પછી મેસી તેના દરેક ગોલ શર્ટને કિસ કરીને અને આકાશમાં બે આંગળીઓ ઊંચી કરીને તેની દાદીને સમર્પિત કરતો રહ્યો હતો.
13 વર્ષની વયે, તેના સંઘર્ષમાં એક સકારાત્મક બદલાવ આવ્યો. એફ.સી. બાર્સેલોના નામની ક્લબે તેને ઓફર કરી કે મેસી તેમના વતી રમશે તો તે તેની સારવારનો ખર્ચ આપશે. મેસીનો પરિવાર બીજો કોઈ વિચાર કર્યા વગર સ્પેન જતો રહ્યો. પરિવાર પાસે ન તો પૈસા હતા કે ન તો ત્યાં કોઈ કામધંધો. એક જ આશા હતી કે મેસીની સરસ સારવાર થશે અને એક દિવસ તે ફૂટબોલમાં તેનું નામ કમાશે.
એ આશા ઠગારી નહોતી. એફ.સી. બાર્સેલોનાના ઇતિહાસમાં માત્ર 17 વર્ષની ઉંમરે ગોલ કરનારો મેસી પહેલો યુવાન ખેલાડી બન્યો. એ પછી, અંગ્રેજીમાં કહે છે તેમ, ધેર વોઝ નો લૂકિંગ બેક. અમિતાભ બચ્ચનની ‘દીવાર’ ફિલ્મમાં ઈફ્તેખાર બૂટપોલીસ કરતા વિજય માટે કહે છે કે “જયચંદ, યે લંબી રેસ કા ઘોડા હૈ. તુમને ઇસ લડકે કે તેવર દેખેં? યે ઉમ્રભર બૂટ પોલિસ નહીં કરેગા … જિસ જિંદગી કી રેસ મેં ઉસને સ્પીડ પકડી, યે સબકો પીછે છોડ દેગા … મેરી બાત કા ખ્યાલ રખના.”
મેસી એ ફિલ્મી વિજયનું અસલી સ્વરૂપ હતો. એ પહેલા ગોલ પછી એ જેટલી પણ ટીમો માટે રમ્યો, તેમાં તેનું સર્વશ્રેષ્ઠ આપ્યું હતું. આજે મેસી “ગોટ” (જી.ઓ.એ.ટી. – ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ) કહેવાય છે તેની પાછળ તેની રમતમાં તેનું સંપૂર્ણ સમર્પણ અને અપ્રતિમ જુસ્સો છે.
મેસી તેની અંગત સમસ્યાઓને ઉકેલવા માટે ફૂટબોલમાં આવ્યો હતો. સંઘર્ષ કરવો પડે તે ખોટું નથી. જીવનમાં સંઘર્ષ તો અનિવાર્ય છે. સમસ્યા ખોટા સંઘર્ષની છે. અનુચિત માણસો સાથે, અનુચિત કારણો માટે સંઘર્ષ કરતા રહીએ, તો અંતે તે વ્યર્થ સાબિત થાય. ઉચિત સંઘર્ષ હોય, તો તે સંઘર્ષને બદલે સામંજસ્ય બની જાય. સામંજસ્યની એ સ્થિતિમાં પણ સંઘર્ષ તો હશે જ, પરંતુ એ એટલો હકારાત્મક હશે કે ઉર્જા પ્રેરક હશે, ઉર્જા શોષક નહીં.
ઉચિત સંઘર્ષમાં આપણું સર્વશ્રેષ્ઠ બહાર આવે છે. કોઈ ચીજમાં પ્રભુત્વ મેળવવા માટે, ઉચ્ચત્તમ સિદ્ધિ હાંસલ કરવા માટે સંઘર્ષ અનિવાર્ય છે. આપણે જે કરીએ છીએ એ મૂલ્યવાન ત્યારે બને છે, જ્યારે તેમાં સંઘર્ષ હોય. જેમાં સંઘર્ષ હોય, તેની નિષ્ફળતા પણ સાર્થક હોય. વિધાર્થીઓ, રમતવીરો, સાહસિકો, ઉદ્યમીઓ એટલે જ અઘરા વિકલ્પ પસંદ કરતા હોય છે.
જીવનની સૌથી ખરાબ બાબત એ છે કે તેમાં ઘણાં દુઃખ હોય છે, પણ જીવનની સૌથી શ્રેષ્ઠ બાબત એ છે કે આપણી પાસે દુઃખને પસંદ કરવાનો વિકલ્પ હોય છે. સુખેથી જીવવું એટલે દુઃખ વગર જીવવું એમ નહીં, એનો અર્થ ઉચિત કારણોસર દુઃખ ભોગવવું તે. આપણે કહીએ છીએ કે જીવનનો હંમેશાં અર્થ હોય છે. એનો અર્થ એ કે દુઃખનો પણ અર્થ હોય છે. પ્રશ્ન એટલો જ છે કે એ દુઃખ કશું કરવાનું પરિણામ છે કે નિષ્ક્રિય રહેવાનું પરિણામ છે.
બંને કિસ્સામાં દુઃખ અનિવાર્ય છે. ઉચિત કારણ માટે દુઃખ ભોગવવું પડે એ જ જીવનમાં અસલી સુખ અને સંતોષ લાવે છે. જેમ કે – પરીક્ષા આપ્યા વગર ઘરે બેસી રહેવું, તેના કરતાં પરીક્ષા આપીને નાપાસ થવું વધુ યોગ્ય છે. પર્વત પર ચઢીને થાકી જવું, ટી.વી. સામે બેસી રહેવાના આરામ કરતાં વધુ સંતોષજનક હોય છે. પરિશ્રમની નિષ્ફળતા હંમેશાં મીઠી હોય. આપણા નાના-મોટા તમામ સંઘર્ષ અનિવાર્યપણે દુઃખ લાવે છે, પણ દુઃખ જ્યારે સાર્થક હોય, ત્યારે તે દુઃખ નથી રહેતું.
સંતાનોને સફળ કેમ થવાય તે શીખવવાને બદલે નિષ્ફળતા કેમ પચાવવી તે શીખવવું જોઈએ. આઈસ સ્કેટિંગમાં સૌથી પહેલો પાઠ એ ભણાવામાં આવે છે કે પડવું કેવી રીતે! સ્કેટિંગમાં લપસી પડવાનું અનિવાર્ય છે. ધુરંધર સ્કેટર્સ એ નથી જે ક્યારે ય પડતા નથી, પણ એ છે જે પડીને તરત ઊભા થઇ જવામાં શ્રેષ્ઠ છે. સંતાનો સફળતાની યુક્તિથી નહીં, નિષ્ફળતાની ટ્રિકથી મજબૂત બને છે.
તેમને જ્યારે નિષ્ફળતાનો ડર લાગે, ત્યારે તે પ્રતિકૂળ સંજોગોમાં નાસીપાસની ભાવનાનો શિકાર થાય છે. એટલા માટે તેમને ભૂલો પણ કરવા દેવી જોઈએ. ઠોકરો વાગવાથી જે શીખવા મળે છે, તે કોઈ સ્કૂલ કે પુસ્તકમાં નથી મળતું. શરત એટલી જ છે કે, જેટલી વહેલી અમુક ઠોકરો વાગી જાય, એટલો વધુ સમય ઊભા થવા થઈને દોડવા માટે મળે છે.
લિયોનેલ મેસી તેનું ઉદાહરણ છે. તેની સફળતા રાતોરાત કે આકસ્મિક નથી, તેની પાછળ દૃઢ નિશ્ચય, સખ્ત મહેનત અને ધીરજનું યોગદાન છે. મેસીએ એકવાર કહ્યું હતું, “હું વર્ષોથી, દરરોજ, બહુ વહેલી શરૂઆત કરું છું અને લાંબો સમય સુધી ટકી રહું છું. મને રાતોરાત સફળ થતાં 17 વર્ષ અને 114 દિવસ લાગ્યા છે.”
મેસીની શ્રેષ્ઠતાનું એક જ મુખ્ય કારણ છે; એ એક માત્ર ખેલાડી છે જે મેદાન પર ફૂટબોલ કરતાં વધુ ઝડપે દોડે છે. જાણે એ જિંદગીની રેસ હોય!
પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર”; 25 ડિસેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર