લગી આજ સાવન કી ફિર વો ઝડી હૈ
વહી આગ સીને મેં ફિર જલ પડી હૈ …
કુછ ઐસે હી દિન થે વો જબ હમ મિલે થે
ચમન મેં નહીં ફૂલ દિલ મેં ખીલે થે
કહી તો હૈ મૌસમ મગર રુત નહીં વો
મેરે સાથ બરસાત ફિર રો પડી હૈ …
કોઈ કાશ દિલ પે જરા હાથ રખ દે
મેરે દિલ કે ટુકડો કો એકસાથ રખ દે
મગર હૈ યે ખ્વાબોં ખયાલોં કી બાતેં
કભી ટૂટ કર ચીજ કોઈ જુડી હૈ …
યુરોપ-અમેરિકામાં વરસાદની અલગ ઋતુ નથી, આપણે ત્યાં વરસાદની ઋતુ ચાર મહિનાની ગણાય છે. તમિલનાડુમાં વર્ષમાં બે વાર વરસાદની ઋતુ આવે છે. કર્ણાટકમાં એપ્રિલ મહિનો આવે ને દિવસ ગરમ થાય એટલે સાંજે એક ઝાપટું પડી જાય એવો નિયમ છે. પણ બોલિવૂડ એવી રીતે વર્તે છે જાણે શ્રાવણ મહિનો જ સર્વેસર્વા છે – વરસાદ પણ શ્રાવણમાં જ થાય, રોમાન્સ પણ શ્રાવણમાં જ થાય અને વિયોગ પણ શ્રાવણમાં જ વધુ ઘેરો બને. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે આવા લાડકા ‘સાવન’ને વિવિધ ભાવોનું પ્રતીક બનાવીને લખાયેલાં ગીતો યાદ આવે.
શ્રાવણ અને વર્ષના અનુસંધાનમાં કેટલાં ગીતો લખાયાં છે એનો હિસાબ કરવા જઈએ તો ભૂલા પડી જઈએ. બાકી તો સાવન આયે યા ન આયે જીયા જબ ઝૂમે સાવન હૈ, તાર મિલે જબ દિલ સે દિલ કે વહી સમય મનભાવન હૈ – છે ને શકીલ, નૌશાદ, રફી અને દિલીપકુમારની સદાબહાર ટીમનું શાશ્વત જાદુ! આજે લઈએ છીએ ફિલ્મ ‘ચાંદની’નું ગીત ‘લગી આજ સાવન કી ફિર વો લડી હૈ’ – સુરેશ વાડકરના જન્મદિન નિમિત્તે.

સુરેશ વાડકર
સંગીતની દુનિયામાં સુરેશ વાડકર એક મોટું, આગવું નામ છે. ફિલ્મ સંગીત અને શાસ્ત્રીય સંગીત બંને પલ્લા સરભર. સુરેશ વાડકરનો જન્મ 7 ઑગસ્ટ 1955માં. શાસ્ત્રીય સંગીતની તાલીમ આઠ વર્ષની ઉંમરથી જ શરૂ થઈ ગઈ, બી.એડ. સમકક્ષ પ્રભાકર ડિગ્રી બહુ ઝડપથી મેળવી લીધી અને મુંબઈના આર્ય વિદ્યામંદિરમાં શીખવવા માંડ્યું. ‘સુરસિંગાર’ સ્પર્ધા જીત્યા ત્યારે એક જજ, સંગીતકાર જયદેવ હતા. 23 વર્ષના આ હોનહાર યુવક પાસે તેમણે પોતાની આગામી ફિલ્મ ‘ગમન’ની ગઝલ ગવડાવી, ‘સીને મેં જલન આંખોં મેં તૂફાન સા ક્યોં હૈ’ સાંભળીને લક્ષ્મીકાંત-પ્યારેલાલ એટલા પ્રભાવિત થયાં કે ‘ચલ ચમેલી’, ‘મેઘા રે મેઘા રે’ આપ્યાં. રાજ કપૂરની ફિલ્મો ‘પ્રેમ રોગ’, ‘રામ તેરી ગંગા મૈલી’, ‘હીના’ કારકિર્દીનો વળાંક સાબિત થઈ. ‘પહેલી’, ‘ઉત્સવ’. ‘લિબાસ’, ‘લમ્હેં’, ‘રંગીલા’, ‘માચીસ’, એક વિવાહ ઐસા ભી’, ‘હૈદર’ જેવી અનેક ફિલ્મોમાં ગાયું. મરાઠી દિગ્ગજ સંગીતકારો સાથે, ‘જબ વી મેટ’ના તમિલ વર્ઝનમાં અને અન્ય ભાષાઓમાં પણ ગાયું. મુંબઈ અને ન્યૂ જર્સીમાં મ્યૂઝિક સ્કૂલો ચલાવી. આમ ભરી ભરી કારકિર્દી અને ભર્યા ભર્યા જીવનના પર્યાય સમા સુરેશ વાડકરના કંઠમાં મુલાયમતા અને પહાડીપણાનો સરસ સંગમ છે, જે આપણા આજના ગીતમાં પણ પડઘાય છે. એમાં મધુર ઉમેરો કરે છે અનુપમા દેશપાંડેનો આલાપ.
80ના દાયકામાં રિલિઝ થયેલી ‘ચાંદની’ ટિપીકલ યશ ચોપરા સ્ટાઈલ ફિલ્મ હતી. પૉશ લાઈફસ્ટાઈલ, મધુર સંગીત, વિદેશી લોકેશનો અને નાયિકાકેન્દ્રી સંવેદનશીલ વાર્તા : એક લગ્નમાં ખૂબસૂરત ચાંદની(શ્રીદેવી)ને જોઈ રોહિત (રિશિ કપૂર) તરત તેના પ્રેમમાં પડે છે. એના શ્રીમંત માબાપને મધ્યમવર્ગની ચાંદની ખાસ પસંદ નથી, પણ દીકરાની જિદ સામે એ લોકો નમતું જોખે છે. લગ્ન થાય એ પહેલા રોહિતને અકસ્માત થાય છે, એ વ્હીલચૅરમાં જકડાઈ જાય છે. ચાંદની રોજ આવીને રોહિતની સેવા કરે છે, પોતાની વાતોથી એને આનંદમાં રાખે છે. રોહિતને ચાંદનીના પ્રેમનો મોટો ટેકો છે, પણ એનો પરિવાર જે રીતે ચાંદનીને અપમાનિત કર્યા કરે છે એ જોઈ તે ખોટો ઝઘડો કરી ચાંદનીને કાઢી મૂકે છે. દુ:ખી ચાંદની નોકરી લઈને મુંબઈ ચાલી જાય છે. એનો બોસ લલિત (વિનોદ ખન્ના) ભલો પણ હૃદયભંગ પુરુષ છે. શાંત, શાલીન, સુંદર ચાંદની લલિતને ગમવા લાગે છે.
‘લગી આજ સાવન કી ફિર વો લડી હૈ’ ગીતમાં તૂટી પડતો વરસાદ, ટેરેસમાં ઊભેલા લલિતના જખમો તાજા કરે છે અને નીચે લોનમાં ભીંજાઈ રહેલી ચાંદનીના ઘા પર મલમ બને છે. લલિતની પ્રિયતમા તરીકે જૂહી ચાવલા આ ગીત અને બેચાર દૃશ્યો પૂરતી આવતી ફિલ્મની અતિથિ કલાકાર છે. આ ગીતમાં ચાંદનીને પહેલી વાર એના સોહામણા હસમુખા બોસના દર્દનો અહેસાસ થાય છે. એક જ ગીત અહીં ત્રણ કહાણીને જીવતી કરે છે – ચાંદનીમાં ફરી આંખો ખોલતો ઉમંગ, લલિતને ફરી વાર ભરડો લેતી એકલતા અને લલિત-જૂહીનો ખોવાયેલો પ્રણય. બોલિવૂડના વરસાદી ગીતોમાં આ ગીતમાં એક જુદું કવિત્વ, જુદી ભાત, જુદું આકર્ષણ છે.
આ ગીતે જગાડેલો અહેસાસ લલિત અને ચાંદનીને નજીક લાવે છે ત્યાં જ પરદેશથી સાજા થઈ આવેલા રોહિતનું આગમન થાય છે … બૉલીવુડ સુંદરતાનું પૂજારી છે. આ ફિલ્મના ત્રણે કલાકારો વિનોદ ખન્ના, શ્રીદેવી અને ઋષિ કપૂર એક એકથી ચડે તેટલા, ભવ્ય કહી શકાય એવાં સુંદર છે. એવી સુંદરતા એમના પછી અને પહેલા પણ ઓછી જોવા મળી છે. અત્યારે ત્રણમાંથી કોઈ હયાત નથી.
‘ચાંદની’એ યશ ચોપરાની એ વખતે ડામાડોળ થયેલી કારકિર્દીને ફરી સ્થિર કરી હતી. ‘ચાંદની’ શ્રીદેવી માટે પણ એ ટર્નિંગ પૉઈંટ સાબિત થઈ હતી. ‘ચાંદની’થી સંગીતમય-રોમેન્ટિક ફિલ્મોનો દોર ફરી શરૂ થયો હતો. ‘ચાંદની’ને સિનેમેટોગ્રાફી માટે અવૉર્ડ મળ્યો હતો અને વિનોદ ખન્ના, રિશિ કપૂર અને શ્રીદેવી સહિત દસ નૉમિનેશન મળ્યા હતાં. લીના દરુએ બનાવેલા પોષાકોએ શ્રીદેવીને પરફેક્ટ ‘ચાંદની લુક’ આપ્યો હતો. કહે છે કે ખુદ યશ ચોપરાને એ લુક એટલો પસંદ આવી ગયો હતો કે ‘ડર’ અને ‘દિલ તો પાગલ હૈ’માં જૂહી અને માધુરીને એમણે એ લુક આપ્યો – પણ એ બન્ને શ્રીદેવીથી અડધી પણ ક્લાસિક લાગતી ન હતી.
‘ચાંદની’નાં 11 ગીતો સદાબહાર આનંદ બક્ષી (જન્મદિન 21 જુલાઇ) એ લખ્યાં હતાં અને સંગીત શિવ-હરિએ આપ્યું હતું. શિવ-હરિ એટલે સંતુરવાદક શિવકુમાર શર્મા અને બાંસુરીવાદક હરિપ્રાદ ચૌરસિયા. આ બન્નેનું આલ્બમ ‘કૉલ ઑફ ધ વેલી’ શાસ્ત્રીય સંગીતના આલ્બમોમાં સૌથી લોકપ્રિય એવું આલ્બમ હજી ય છે. એ પછી 30 વર્ષે એમણે ‘ધ વેલી રિકૉલ્સ’ આપ્યું અને એ બેની વચ્ચે આપી ‘લમ્હેં’, ‘ફાંસલે’, ‘ચાંદની’, ‘સિલસિલા’, ‘ડર’ જેવી દસેક ફિલ્મો.
અને ‘બેશક મંદિર મસ્જિદ તોડો, બુલ્લેશાહ યે કહતા, પર પ્યારભરા દિલ કભી ન તોડો, ઈસ દિલ મેં દિલબર રહતા’ અને ‘એ કાશ કહીં ઐસા હોતા કિ દો દિલ હોતે સીને મેં, એક ટૂટ ભી જાતા ઈશ્ક મેં તો તકલીફ ન હોતી જીને મેં’ જેવી સરળસુંદર પંક્તિઓ આપનાર આનંદ બક્ષી એક અચ્છા ગાયક પણ હતા … મોમ કી ગુડિયા ફિલ્મનું ‘બાગો મેં બહાર આઈ, હોઠો પે પુકાર આઈ’ લતા મંગેશકર સાથે ગાયું હતું. અને એક સોલો પણ, જેની પંક્તિઓ હતી, ‘દિપક કી તરહ જલતે જલતે, જીવન પાઠ પર ચલતે ચલતે રસ્તે મેં મુઝે સંસાર મિલા તો મૈંને કહા, સંસાર તૂ કિતના અચ્છા હૈ, લેકિન જંજીર હૈ દોર નહીં, જા તૂ મેરા ચિતચોર નહીં …
એક ગીત પાછળ કેટલી કહાણીઓ છુપાઈ હોય છે!
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 01 ઑગસ્ટ 2025