Opinion Magazine
Number of visits: 9506313
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Kwame Nkrumah – ક્વામે નકૃમાહ

આશા બૂચ|Opinion - Opinion|8 October 2019

ગાંધી – એક વિશ્વ માનવ શ્રેણી મણકો – 11

“પહેલાં હું સમજી નહોતો શકતો કે ગાંધીની અહિંસાની ફિલસૂફી કેવી રીતે અસરકારક બની શકે. એ એક અત્યંત નબળી અને જીતવાની અપેક્ષા ન રાખી શકાય, તેવી પદ્ધતિ લાગતી હતી. સંસ્થાનવાદના પ્રશ્નનો હલ તે વખતે મને સશસ્ત્ર બળવામાં જ ભળાતો હતો. મહિનાઓ સુધી ગાંધીની નીતિઓ અને તેની અસરોનો અભ્યાસ કર્યા બાદ પ્રતીતિ થઇ કે જો એક મજબૂત રાજકીય સંગઠનનું પીઠબળ હોય તો અહિંસક લડત સંસ્થાનવાદની સમસ્યાનો હલ આપી શકે.”

આ વિધાન ઘાનાના રાષ્ટૃનાયક ને 1962ના લેનિન શાંતિ પુરસ્કાર વિજેતા ક્વામે નકૃમાહ દ્વારા કરવામાં આવેલું.

Guinea – ગિનીના અખાત પર સહારાના રણની દક્ષિણે આવેલા આફ્રિકન દેશ ઘાના 06 માર્ચ 1957ના દિવસે સ્વતંત્ર થયો. તેની સ્વાતંત્ર્ય ચળવળની આગેવાની કરનાર ક્વામે નકૃમાહ સંયુક્ત આફ્રિકાના સમર્થક, આફ્રિકન યુનિટી સંગઠનના સ્થાપક અને ઘાનાના પ્રથમ રાષ્ટૃપ્રમુખ હતા. તેમના મતે ઘાનાની આઝાદી માત્ર એ દેશ માટે જ નહીં, પરંતુ સારાયે આફ્રિકા માટે મહત્ત્વની હતી, તેથી તેમણે કહેલું, “અમારી સ્વતંત્રતા પૂરા આફ્રિકા ખંડની પૂર્ણ સ્વતંત્રતા સાથે જોડાયેલી ન હોય તો તેનો કશો અર્થ નથી રહેતો.”

અને ખરેખર, ઘાનાએ આઝાદી મેળવ્યા બાદના દસકામાં આફ્રિકાના લગભગ ત્રીસ દેશોએ વિદેશી શાસનની ધુરા ફગાવી દીધી. ગાંધીજીની માફક તેમને પણ પોતાના જાતભાઈઓ પર જાતિ આધારિત ભેદભાવ ભર્યા વર્તનને કારણે માનહાનિ કરવામાં આવી રહી હતી, તે અસહ્ય લાગતી હતી. એથી જ તો તેમણે આફ્રિકામાંથી સંસ્થાનોની સત્તાને ઉથલાવી પાડવાની યોજનાઓ ઘડી. આફ્રિકન પ્રજા પાસે દુનિયા સમક્ષ અશ્વેત લોકોનું આદરભર્યું સ્થાન ઊભું કરવાની, રાજકીય સ્વાયત્તતા અને સ્વમાનને પુનઃસ્થાપિત કરવાની ક્ષમતા છે, એવું તેમનું દ્રઢ માનવું હતું. ક્વામે નકૃમાહ પોતાનો ઘણો સમય ક્રાંતિકારીઓએ અપનાવેલ પદ્ધતિઓનો અભ્યાસ કરતા રહ્યા અને તેમને પ્રભાવિત કરી જનારામાંના એક તે મહાત્મા ગાંધી.

બ્રિટનના શાસન હેઠળના પશ્ચિમ આફ્રિકાના ગોલ્ડ કોસ્ટમાં આવેલ એક નાનકડા ગામ નક્રોફુલ ખાતે એક સોની પિતા અને પરચૂરણ વસ્તુઓનો વેપાર કરતી માતાને ઘેર જન્મેલા ક્વામેને ગાંધીજીના આદર્શોનો પાસ કેવી રીતે લાગ્યો હશે? રોમન કેથલિક ધર્મની દીક્ષા મેળવેલા ક્વામેએ રોમન કેથલિક શાળામાં અભ્યાસ કરીને શિક્ષક બનવાની તાલીમ લીધી. ત્યાર બાદ અમેરિકા જઈ અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્રમાં ઉપાધિ મેળવી શિક્ષણમાં અનુસ્નાતક થયા, બેચલર ઓફ સેક્રેડ થિયોલોજી અને ફિલોસોફીમાં પણ અનુસ્નાતકની પદવીઓ મેળવી. આમ ઉચ્ચ શૈક્ષણિક પદવીઓ મેળવવાની તમન્ના ધરાવતા ક્વામે આફ્રિકન સ્ટુડન્ટ એસોસિયેશનમાં પણ સક્રિયપણે આગેવાની લેતા રહ્યા. આફ્રિકા ખંડના દેશોને વિકાસની દિશામાં કૂચ કરતા કરવા અને વિદેશી ધૂંસરીમાંથી મુક્ત કરવાની તેમની હિલચાલ અમેરિકામાંના તેમના દસ વર્ષના વસવાટ દરમ્યાન જ શરૂ થઇ ગયેલી. બીજા વિશ્વ યુદ્ધ બાદ ન્યુયોર્કમાં ભરાયેલ Pan-African પરિષદમાં આફ્રિકન દેશોને મદદરૂપ થવા તેમણે અમેરિકાને અરજ કરેલી.

ગાંધી એક માત્ર મહાન વ્યક્તિ નહોતા, તેઓ એક શાશ્વત વિચારધારાનું મૂર્ત સ્વરૂપ હતા, એ હકીકત જ્યારે દુનિયાના વિવિધ દેશોમાં તેમના વિચારોને અનુસરતી હસ્તીઓ અને તેમના કાર્યો વિષે જાણવા મળે છે, ત્યારે એ સિદ્ધાંતની પરિપૂર્તિ થયેલી જોવા મળે છે. 1954માં મળેલી પાંચમી પાન આફિકાની – સમસ્ત આફ્રિકી દેશોની કૉન્ગ્રેસમાં ગાંધીજીની સત્યાગ્રહની નીતિ વિષે ચર્ચા થયેલી અને વિદેશી સત્તા નિઃશસ્ત્ર પ્રજાની માગણીઓને માન્ય કરે તે માટેનો એક માત્ર અસરકારક માર્ગ અસહકાર અને સત્યાગ્રહનો જ છે તે વિષે હાજર રહેલા સહુ સહમત થયેલા. અહીં એ પણ નોંધ લેવી ઘટે કે કેનિયાના વડાપ્રધાન (1963-64) અને સંસ્થાનવાદ વિરોધી જોમો કેન્યાટા પણ એ પરિષદમાં હાજર હતા. ભારતમાં અમલમાં મુકાયેલી અહિંસક ચળવળને નાઈજિરિયાના ચીફ સોયેમી કોકર તરફથી પણ માન્યતા મળી. નાઈજિરિયાના નનામદી આઝીકીવે ગાંધીજીના ચાહક હતા, જેમણે પરિષદના એ ઠરાવને પૂરેપૂરો ટેકો આપ્યો. આમ એક કરતાં વધુ દેશના આગેવાનોએ પૂરેપૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે પોતાના દેશોને ભારતીય સ્વતંત્રતા સંગ્રામનાં પગલે અહિંસક માર્ગે ગતિશીલ કરવાની પ્રતિજ્ઞા લીધી.

મોટા પાયા પર રચાયેલ સંગઠનોના ગઠબંધનો અને ચળવળોમાં બને છે તેમ નાના મોટા મતભેદો થવાને કારણે છેવટ કવામે નકૃમાહને યુમાઈટેડ ગોલ્ડ કોસ્ટ કન્વેનશનથી છુટ્ટા પડીને કન્વેનશન ઓફ પિપલ્સ પાર્ટી સ્થાપવાની ફરજ પડી. તેમણે જાહેર કર્યું કે બ્રિટિશ સરકારને ઘાનાને સ્વતંત્ર વહીવટ આપવા ફરજ પાડવા જરૂર પડશે તો તેઓ રચનાત્મક પગલાં – તેમની તરાહનો સત્યાગ્રહ – પણ લેશે. રચનાત્મક પગલાંમાં કાયદેસર અને બંધારણીય રીતે માન્ય હોય તેવાં પગલાં કે જેના દ્વારા તેઓ સામ્રાજ્યવાદના બળની સામે લડત લડી શકે, તેનો સમાવેશ થતો હતો. તેઓના શસ્ત્રોમાં કાયદાથી માન્ય રાજકીય ચળવળ, છાપાં અને શિક્ષણ મારફત કરાતો પ્રચાર અને છેવટના પગલાં તરીકે હડતાલો, બહિષ્કાર અને અસહકારના પગલાંનો સમાવેશ થતો હતો, જે ગાંધીજીએ ભારતમાં અમલમાં મુકેલાં તેવાં બિલકુલ અહિંસક પગલાં હશે તેમ જણાવેલું.

ક્વામે નકૃમાહની સફળતા સીધી કે આડકતરી રીતે મહાત્મા ગાંધીને આભારી છે. તેમણે સત્યાગ્રહની રણનીતિને ‘પોઝિટિવ એક્શન’ના નામે ઓળખાવી. તેઓને એ હકીકત પર પૂરેપૂરો વિશ્વાસ હતો કે આફ્રિકા ખંડના ઘણા દેશોની મુક્તિ હાંસલ કરવા માટે પોઝિટિવ એક્શને અદ્દભુત સફળતા મેળવી છે તેવી જ રીતે અણુશસ્રોની દોડ પાછળ અંધ બનીને માનવ જાતને નષ્ટ કરવા ઇચ્છતા ઘમંડી સત્તાધારીઓની ચેષ્ટા સામે પણ રક્ષા કવચ આપી શકશે. નકૃમાહનું માનવું હતું કે આફ્રિકાના જુદા જુદા ભાગમાં ડાયરેક્ટ એક્શનનો સામૂહિક ઉપયોગ કરવામાં આવે તો મીઠાના સત્યાગ્રહ જેવી સફળતા જરૂર મળી શકે. તેઓએ દક્ષિણ આફ્રિકાની રંગભેદી નીતિ સામે પ્રથમ વખત સત્યાગ્રહ અને અસહકારનો ઉપયોગ કરવા બદલ ગાંધીજીને હંમેશ સલામ કરી છે. ઘાના અને અન્ય દેશોને સ્વત્રંત્રતા મળી એ એક દમનકારી વિદેશી શાસન સામે મળેલ વિજય જરૂર છે, છતાં હજુ પણ દક્ષિણ આફ્રિકામાં રંગભેદ તદ્દન નાબૂદ નથી થયો અને શસ્ત્ર વિહીન સ્ત્રીઓ અને બાળકોના જાન લેવાઈ રહ્યા છે તે પણ એક દુઃખદ હકીકત છે; છતાં ક્વામેને ભરોસો છે કે બહુમતી જનના ઈચ્છાબળનો આખર વિજય થશે. કોઈ સરકાર તેની પ્રજાની ઈચ્છા વિરુદ્ધ લાંબો સમય સત્તા ટકાવી ન શકે. એકતાના સૂત્રે બંધાયેલી મક્કમ નિર્ધારવાળી પ્રજાને ગમે તેવું અભેદ્ય બળ પણ હરાવી ન શકે. પોઝિટિવ એક્શન જાહેર કર્યા બાદ અર્ધી સદી બાદ પણ ક્વામે નકૃમાહે કહેલું, “પોઝિટિવ એક્શન (સત્યાગ્રહને તેમણે આપેલ નામ) સાબિત કરે છે કે અહિંસક સાધનોથી દમનકારી સરકારો સામે લડાઈ લડવી સંભવ છે અને તે દબાયેલી પ્રજાને વિજય પણ અપાવે છે.” અહીં તેમની અહિંસા પ્રત્યે સ્વતંત્ર પણે કેળવાયેલી શ્રદ્ધાનો પુરાવો મળે છે.

8 જાન્યુઆરી 1950ને દિવસે શરૂ કરેલ પોઝિટિવ એક્શનની ચળવળ માત્ર ઘાના જ નહીં, બાકીના આફ્રિકન દેશોને પણ બ્રિટિશ રાજમાંથી મુક્ત કરાવવાનું નિમિત્ત બની. ભારતમાં જેનો સામનો કરવો પડેલો તેવા જ અહિંસક અને અસહકારના દીર્ઘ પગલાંઓનો બ્રિટિશ સરકારે સામનો કરવો પડેલો. લોકશક્તિનું બળ એટલું હતું કે દોઢ વર્ષની અંદર સી.પી.પી પાર્ટીના નેતાઓને કેદમાં પૂરેલા તેમને છોડવા પડ્યા, અને તેના નેતા બ્લેક આફ્રિકાની પ્રથમ સ્થાનીય સરકારના વડા બન્યા! જેમ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામને પગલે પગલે સમગ્ર ચેતના જાગૃત થઇ ગયેલી, તેમ જ ઘાનામાં લેવાયેલ પોઝિટિવ એક્શનને કારણે સામાન્ય જનતામાં પોતે પોતાના નસીબની બાગડોર પોતાના જ હાથમાં સંભાળી શકે તેમ છે તેવી જાગૃતિ આવી જેને પરિણામે પોતાના અધિકારોની માગ માટે અવાજ ઉઠાવવાનો આત્મવિશ્વાસ કેળવાયો. દબાયેલી અને કચડાયેલી ઘાનાની પ્રજા સંસ્થાનવાદના સમયના મૂડીવાદને ખતમ કરવા અને સામાજિક ન્યાય અને લોકશાહીના પાયા પર રચાયેલ દેશ ઊભો કરવા માટે લોકોને ગતિશીલ બનાવવા સક્ષમ છે એવો તેમને અહેસાસ થયો.

અહિંસક લડતનો માર્ગ હંમેશ લાંબો અને કઠિન હોય છે. છેવટ ઘાનાની પ્રજાનું સ્વપ્ન સાકાર થયું. 06 માર્ચ 1957 − ઘાના બ્રિટિશ રાજથી સ્વત્રંત્ર થયું. માર્ટિન લ્યુથર કિંગ અને તેમના પત્ની લોરેટ્ટા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં હાજર રહેલાં, તેઓ નકૃમાહની નેતાગીરીથી ખૂબ પ્રભાવિત થયા અને નોંધ્યું કે ઘાનાની આઝાદીની લડત અને અમેરિકન નાગરિક અધિકારોની લડતમાં ઘણું સામ્ય છે અને અમેરિકા પરત થયા બાદ એમ.એલ.કે.એ પોતાના પ્રવચનોમાં પોતે નકૃમાહ અને તેમની આગેવાની હેઠળ ચાલેલી લડતમાંથી તેઓ શું પાઠ શીખ્યા તે વિષે વાત પણ કરી. બંને નેતાઓને ગાંધીજીની અહિંસક લડત પરથી પ્રેરણા મળેલી અને માર્ટિન લ્યુથર કિંગે કહ્યું, “ઘાનાની અહિંસક માર્ગે મળેલી આઝાદી આપણને યાદ અપાવે છે કે પ્રજા અને કોઈ પણ દેશ દમનથી પોતાની જાતને હિંસા આચર્યા વિના મુક્ત કરી શકે છે.”   

ભારતની આઝાદી બીજા કેટલા દેશોની ગુલામીની બેડી તોડવામાં નિમિત્ત બની એ સમજવા જેવું છે. બંગાળના કેટલાક રાજકારણમાં અગ્રેસર એવા લોકો સાથે વાત કરતાં ગાંધીજીએ કહેલું, “જો ભારતને સત્ય અને અહિંસાને પગલે સ્વરાજ મળશે તો તે એશિયાના તમામ શોષિત દેશોને માર્ગ બતાવશે, એટલું જ નહીં પરંતુ આફ્રિકા ખંડના રહેવાસીઓ નિગ્રો અને યુરોપને પણ રસ્તો બતાવનાર મશાલ બની શકશે.”

ક્વામે નકૃમાહે ભારતમાં બ્રિટિશ રાજ દરમ્યાન સરકાર દ્વારા આચરાયેલા દમન અને તેનો સામનો કરવા લેવાયેલા અહિંસક પ્રતિકારનો પૂરેપૂરો ઝીણવટભર્યો અભ્યાસ કરલો એમ પ્રતીત થાય છે, આથી જ તો તેમણે નાઈજિરિયાની મહિલાઓ સરકારે લાદેલા ભારે કરવેરા સામે શાંતિપૂર્ણ દેખાવો કરી રહી હતી તેમના પર મશીનગનનો મારો ચાલવેલ તેની સરખામણી 1919ના અમૃતસરના જલિયાંવાલા બાગની સામૂહિક હત્યા સાથે કરેલી, તેમ જાણવા મળે છે.

ક્વામે નકૃમાહ તેમના વિદ્યાર્થી કાળથી શરૂ કરીને મૃત્યુ સુધી આફ્રિકાની મુક્તિ માટે લડત ચલાવવા પ્રતિબદ્ધ રહ્યા. સ્વતંત્રતા, સમાનતા, સ્વાયત્તતા અને સામાજિક ન્યાયના ખ્યાલોએ તેમને ઘાના અને તે દ્વારા આફ્રિકા ખંડના તમામ ગુલામ દેશોની સ્વતંત્તા માટે લડત લડવા પ્રેર્યા. તેમણે ગાંધીજીની માફક બહિષ્કાર, હડતાળ, ચોપાનિયાં વેંચવા, અને લોકશિક્ષણના માધ્યમથી પ્રજાના મૂળભૂત અધિકારોની માગણી કરી. એ ચળવળમાં મહિલાઓ, ખેડૂતો અને વેપારી સંગઠનો જોડાયાં. સૈકાઓથી થતા આવતા દમનથી પીડિત આફ્રિકાની પ્રજા માટે ઐક્ય સાધવું એ જ એક માર્ગ હતો જેનાથી પોતાનાં સ્વમાન અને ગૌરવ પાછાં મેળવી શકે અને દુનિયા સાથે સમકક્ષ બનીને ઊભા રહી શકે.

ક્વામે નકૃમાહની સરકાનો વહીવટ ઓછામાં ઓછી લંચ-રુશ્વતથી ચાલ્યો. અલબત્ત તેમને માર્ક્સિસ્ટ વિચારો તરફ આકર્ષણ થયું હતું, અને તેઓ રશિયન પ્રણાલી મુજબની સમાજવાદી સમાજરચનાનું સમર્થન કરતા હતા, અને તેથી જ કદાચ ઘાનાના લેનિન તરીકેની ઓળખ પામેલા. જો કે 1962માં લેનિન શાંતિ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું તે તેમના અહિંસક આંદોલનનું જ મૂલ્યાંકન હતું.

કોઈ રાજકીય નેતા વિવાદોથી પર નથી હોતા. ક્વામે નકૃમાહ પર દેશની આર્થિક સ્થિતિને પાયમાલ કરવાના, વાણી સ્વાતંત્ર્ય છીનવીને અખબારોને મોઢે તાળાં દેવાના અને એકહથ્થુ સત્તા ભોગવવાના તહોમત મુકવામાં આવેલા, જેને કારણે 1966માં તેમને પદભ્રષ્ટ કરવામાં આવેલા. શેષ જીવન તેમણે ગિનીમાં વિતાવ્યું.

ઇતિહાસનાં પાને ઘાના અને આફ્રિકાના ઘણા દેશોના વિદેશી શાસનથી છુટકારો અપાવનાર એક મુક્તિદાતા તરીકે ક્વામે નકૃમાહનું નામ કોતરાઈ ગયું. ગાંધીનાં વિચારો અને કાર્યો હજારો માઈલ દૂર બેઠેલા આફ્રિકાના કર્મવીરોને જગાડી ગયા એ આજે આપણે યાદ કરીએ.

(મુખ્ય સ્ત્રોત : mkgandhi.orgમાં પ્રગટ થયેલ રામ પોન્નુના લેખ પર આધારિત)

e.mail : 71abuch@gmail.com

Loading

8 October 2019 admin
← બ્રિટન : પ્રવાસી ભારતીયોની બીજી માતૃભૂમિ
ગટર નામે ગેસ ચેમ્બર →

Search by

Opinion

  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી
  • ચલ મન મુંબઈ નગરી—313 
  • પ્રદૂષણ સૌથી મોટું હત્યારું તો છે સાથે અર્થવ્યવસ્થા માટે ઘાતક છે !
  • અતિશય ગરીબીને નાબૂદ કરનારું પ્રથમ રાજ્ય કેરાલા
  • સહૃદયતાનું ઋણ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved