મુંબઈના કર્ણાક બંદરે વળાવવા આવેલા જનસમૂહને ગાંધીજીએ કહ્યું, ‘મારા આદર્શો અને મહત્ત્વાકાંક્ષાઓને કોઈ સીમા નથી. હું જેમ જેમ મૃત્યુ તરફ જઈ રહ્યો છું તેમ તેમ મારી મહત્ત્વાકાંક્ષા વધુ વિશાળ અને ઉચ્ચ થતી જાય છે. મારા દરેક કાર્યમાં હું સત્ય અને કર્તવ્યધર્મ પ્રત્યેના પ્રેમથી દોરવાઉં છું. કચ્છી ભાઈઓનો પ્રેમ મને ત્યાં જવા ખેંચી રહ્યો છે.’
કચ્છ જિલ્લો ગુજરાતનો જ નહીં, ભારતનો પણ સૌથી મોટો જિલ્લો છે. 45,674 ચોરસ કિલોમીટરના તેના કુલ વિસ્તારમાં 4,000 કિલોમીટરનું રણ છે અને 406 કિલોમીટરનો દરિયાકિનારો છે. કચ્છ, પ્રાચીન સિંધુ સંસ્કૃતિનો ભાગ છે. ભૌગોલિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે વિશિષ્ટ છે એવાં કચ્છનાં અભયારણ્યો, ખનિજ સંપત્તિ, મીઠા ઉદ્યોગ, શિપિંગ, કઠિન જીવન અને ખડતલ-ખુમારીભરી પ્રજા ધ્યાન ખેંચનારાં છે.
આ કચ્છની મુલાકાત મહાત્મા ગાંધી 1925માં 21 ઓક્ટોબરથી 4 નવેમ્બર એમ બે સપ્તાહ માટે લીધી હતી. સાથે સરદાર પટેલ, મહાદેવભાઇ પણ હતા. બિહારની થકવી દેનારી યાત્રા પછી તરત તેઓ મુંબઈના કર્ણાક બંદરેથી સ્ટીમરમાં કચ્છ આવેલા. ભુજ ઊતરી ત્રણ દિવસ ત્યાં રહ્યા. ત્યાંથી પાંચછ ગામ થઈ કોઠારા, ડુમરા, ગોધરા, માંડવી, મુંદ્રા, અંજાર આમ કુલ 15 ગામ ગયા. ઠેકઠેકાણે જાહેરસભા યોજાઈ, માનપત્રો અપાયાં, મહારાવ ખેંગારજી સાથે મુલાકાત થઈ, વૃક્ષારોપણ થયાં, અંત્યજ શાળાનો પાયો નખાયો, સંવાદો અને ભાષણો થયાં. આ બધી વિગત મહાદેવભાઈની ડાયરી ભાગ 8માં નોંધાયેલી છે. 4 નવેમ્બરે તેઓ તુણા બંદરેથી સ્ટીમરમાં જામનગર આવવા નીકળ્યા.
શેઠ કાનજી જાદવજીએ મહાત્મા ગાંધીના કચ્છ પ્રવાસ માટે બોમ્બે સ્ટીમ નેવિગેશનની સ્ટીમર એસ.એસ. રૂપાવટી ભાડે રાખી હતી. મુંબઈના કર્ણાક બંદરે વળાવવા આવેલા જનસમૂહને ગાંધીજીએ કહ્યું, ‘હું મૃત્યુની નજીક જઈ રહ્યો છું પણ મારા આદર્શો અને મહત્ત્વાકાંક્ષાઓને કોઈ સીમા નથી. હકીકતે તો હું જેમ જેમ મૃત્યુ તરફ જઈ રહ્યો છું તેમ તેમ મારી મહત્ત્વાકાંક્ષા વધુ વિશાળ અને ઉચ્ચ થતી જાય છે … મારા દરેક કાર્યમાં હું સત્ય અને કર્તવ્યધર્મ પ્રત્યેના પ્રેમથી દોરવાઉં છું. કચ્છી ભાઈઓનો પ્રેમ મને ત્યાં જવા ખેંચી રહ્યો છે.’ કચ્છમાં તેમને સારા અને કડવા બંને પ્રકારના અનુભવો થયા. એક પ્રસંગે તેમણે કહેલું, ‘ચરણસ્પર્શથી હું અસ્પૃશ્ય રહેવા ઈચ્છું છું. મારા પ્રત્યે માન હોય તો મારામાં જે સારું હોય તેનું અનુકરણ કરજો.’
ગાંધીજીની કચ્છયાત્રાના આ શતાબ્દીવર્ષે ‘એ મહામાનવનું સ્મરણ કરીએ, આ નિમિત્તે થનારા કાર્યક્રમો દ્વારા બાળકો-યુવાનો સુધી પહોંચીએ અને આજના સંદર્ભમાં ગાંધી અને ગાંધીકાર્યોનો નાગરિકો સાથે વિમર્શ કરીએ’ આ ભાવ સાથે વરિષ્ઠ ગાંધીજન અને કર્મશીલ રમેશભાઈ સંઘવી અને એમના 11 સાથીઓની બનેલી શતાબ્દી ટીમની રાહબરી નીચે જુલાઈથી ડિસેમ્બર 2025 દરમિયાન શાળા-કોલેજોમાં સંમેલનો, ગાંધીગીતો, ગાંધીપ્રસંગો વગેરેની વિવિધ રીતે પ્રસ્તુતિ, વ્યાખ્યાનો, વૃક્ષારોપણ, યુવા શિબિરો, સાયકલયાત્રા, પ્રદર્શનો, દસ્તાવેજી ફિલ્મનિર્માણ, સંગીતયાત્રા વગેરે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ચિરંતન ગાંધી વિદ્યા કેન્દ્ર દ્વારા ‘કચ્છમાં ગાંધીજી’ નામના સુંદર પુસ્તકનું પ્રકાશન થયું છે. 19 ઑગસ્ટથી 11 સપ્ટેમ્બર દરમિયાન પદયાત્રા યોજાશે. ભુજથી શરૂ થઈ, 22 ગામ આવરી લઇ આ પદયાત્રાનું સમાપન આદિપુર ગાંધીજીની સમાધિ પાસે થશે.
કચ્છયાત્રા પહેલા ‘નવજીવન’ 23-8-1925 અંકમાં કચ્છયાત્રાની પોતાની અપેક્ષા વિષે ગાંધીજી લખે છે, ‘અખિલ ભારતીય દેશબંધુ રેંટિયા સ્મારકને સારું દ્રવ્ય એકઠું કરવાનું છે, તેમાં કચ્છ પાસેથી મોટી આશા રાખીશ. ખાદી વિનાનું બીજું કપડું પહેરેલું કોઈપણ મારી નજરે ન ચડે એ આશા રાખીશ. અંત્યજ પ્રત્યેનો તિરસ્કાર સર્વથા નીકળી જવાની આશા રાખીશ. હિન્દુ-મુસલમાન વચ્ચે સંપની આશા રાખીશ. હિન્દુઓમાં ઘેરઘેર રામનામ અભિયાનની આશા રાખીશ. રાજાપ્રજા વચ્ચે પ્રેમભાવની અને પ્રજાને સુખી જોવાની આશા રાખીશ. બહેનોને શુદ્ધ ખાદી પહેરેલી અને સીતામાતા જેવા હૃદયભાવવાળી જોવાની આશા રાખીશ.’ કચ્છ આવ્યા બાદ તેમણે સ્વચ્છતા, વૃક્ષારોપણ અને ગોસેવા પર પણ ઘણો બહાર મૂક્યો હતો.
યાત્રાસમાપન પછી ‘નવજીવન’ 22-11-1925 અંકમાં ગાંધીજી લખે છે, ‘જે સવાલનો વિચાર કચ્છની મુસાફરી દરમ્યાન કરવો પડ્યો તેમાં વૃક્ષરોપણ અને વૃક્ષસંરક્ષણ પણ હતો. કચ્છને કોઈ નદીનો આશરો નથી. ઝાડપાન નથી. વરસાદ અનિયમિત અને બહુ ઓછો પડે છે. વારંવાર દુષ્કાળ પડે છે. પાણીની ખેંચ તો રહ્યા જ કરે છે. જો કચ્છમાં નિયમસર અને ખંતપૂર્વક વૃક્ષો રોપવામાં આવે તો કચ્છમાં વસાદ વધારી શકાય અને તેથી મુલક વધારે ફળદ્રુપ થાય. આ દૃષ્ટિએ જયકૃષ્ણ ઇન્દ્રજી મહાપ્રયાસ કરી રહ્યા છે.’
આ કાર્યક્રમોમાં ‘એમ.કે. ગાંધી હાજીર હો’ નામનું નાટક ભજવાયું જેણે અનેક રીતે ધ્યાન ખેંચ્યું. આ નાટકનો વિષય ગાંધીજી સાથે જોડાયેલા એવા વિવાદો છે, જેને ઉછાળવા એક આખી લોબી કામ કરી રહી છે. ઈન્ટરનેટ પર ખૂબ ખોટું મુકાય છે. લોકો પણ અપપ્રચારમાં આવી જાય છે. સત્ય શોધવાની મહેનત કરવાની ભાગ્યે જ કોઇની તૈયારી હોય છે. આવા વિષય પર નાટક લખવા ને ભજવવામાં હિંમત જોઈએ.
ઉપક્રમ એવો છે કે એક વકીલ એક એક વિવાદ પર સવાલ પૂછે અને ગાંધીજી પોતે જ તેના જવાબ આપે. બ્રહ્મચર્યના પ્રયોગો, પાકિસ્તાને 55 કરોડ કેમ અપાવ્યા, ભાગલા કેમ પડવા દીધા, ભગતસિંહને ફાંસી કેમ થવા દીધી, સરદારને વડા પ્રધાન કેમ ન બનાવ્યા જેવા સવાલો છેડાયા અને તેના સંશોધિત અને શ્રદ્ધેય જવાબો વિષયની ગંભીરતા જાળવીને છતાં નિખાલસતાથી અપાયા.

રમેશભાઈ સંઘવી
ગાંધી 150માં આ નાટકનો પહેલો પ્રયોગ થયો હતો. ત્યાર પછી તે ઘણી જગ્યાએ ભજવાયું છે. ગાંધી 150માં આ નાટકનો પહેલો પ્રયોગ થયો હતો. રફીક વડનગરી અને દીપક અંતાણી તેના દિગ્દર્શકો છે. લેખક અને ગાંધીની ભૂમિકા કરનાર પણ દીપક અંતાણી છે. ‘ગાંધી એન્ડ ગોડસે’ ફિલ્મમાં ગાંધી બનનાર દીપકભાઈએ ગાંધીની ભૂમિકા સૌથી વધારે વાર ભજવવા માટે લિમ્કા બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.
‘કચ્છમાં ગાંધીજી’ પુસ્તક ‘એક તિનકા ભી યહાં બના સકતા હૈ માર્ગ નૂતન, તીર પર કૈસે રુકું મૈં આજ લહરોં મેં નિમંત્રણ’ પંક્તિઓ સાથે ‘ગાંધી પંથે ચાલવા ઈચ્છનાર પથિકો’ને અર્પણ થયું છે. સંપાદક રમેશભાઈ સંઘવી પ્રસ્તાવનામાં લખે છે, ‘ગાંધીજીની કચ્છયાત્રા અનોખી હતી … સો વર્ષ પૂર્વેનું એ કચ્છ! રૂઢિચુસ્ત અને સંકુચિત માનસ, અમાનવીય હદે અસ્પૃશ્યતા, અધિકારી વર્ગની જોહુકમી-ભ્રષ્ટાચાર, પ્રજાને ભોગવવી પડતી ખૂબ હાલાકી, વારંવાર પડતા દુષ્કાળ – આ બધા વિષે ગાંધીજીએ પ્રેરણાદાયક વાતો કરી … એવું લાગે છે કે કચ્છની પ્રજા ગાંધીજીને સત્કારવા, અભિનંદવા તૈયાર હતી પણ તેમના વિચારોના અમલ માટે નહીં … કચ્છમાં તેઓ સમુદ્ર ખેડીને આવેલા અને કચ્છથી વિદાય પણ સમુદ્ર માર્ગે લીધી. બાપુનું જીવન પણ સમુદ્ર જેવું … કચ્છમાં જે પણ ઘટ્યું તે મહાત્માના સાગરપેટમાં સહજ સમાઈ રહ્યું … ગાંધીજી તેમ જ સાથીદારોની આ કચ્છયાત્રા ભાવિ વિકાસનાં દ્વાર ખોલી આપે છે.’
પ્રસ્તાવનાના અંતમાં રમેશભાઈ સંઘવીએ કવિ દુષ્યંતકુમારની પંક્તિઓ મૂકી છે, ‘સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં, મેરી કોશિશ હૈ કિ યે સૂરત બદલની ચાહિયે’ શતાબ્દી સમિતિના કાર્યક્રમો પાછળ ધ્યેય એ છે કે વૃક્ષારોપણ, વૃક્ષઉછેર, વૃક્ષમંડળ, વરસાદી પાણી સંગ્રહ, ગોપાલન, સજીવ ખેતી, સૂર્યઊર્જા-પવનઊર્જાનો યોગ્ય ઉપયોગ, પર્યાવરણ સંરક્ષણ, યુવકમંડળો, સેવાલક્ષી-સંસ્કારલક્ષી કાર્યો, ગ્રામસેવા, સ્વચ્છતા, ખાદી, ગ્રામોદ્યોગ, ચિત્તશુદ્ધિ કાર્યક્રમો, કચ્છના વનસ્પતિશાસ્ત્રી જયકૃષ્ણ ઇન્દ્રજીની યાદમાં વાટિકા આ બધું ગામેગામ ગ્રામજનોની ભાગીદારીથી થાય અને સાતત્યપૂર્વક થતું રહે. ગાંધીવિચાર અને ગાંધીકાર્યોનો પ્રસાર ચાલુ રહે અને લોકોનું જીવન સાચી દિશામાં પ્રગતિ કરે.
આ સંદર્ભે દુષ્યંતકુમારની જ પંક્તિઓ યાદ આવે છે, ‘કૌન કહતા હૈ આસમાન મેં સુરાખ હો નહીં સકતા, એક પથ્થર તો તબિયત સે ઉછાલો યારો, દર્દ-એ-દિલ વક્ત કો પૈગામ ભી પહૂંચાયેગા, યે જો શહતીર હૈ પલકોં પે ઊઠા લો યારોં’ શહતીર એટલે છતને આધાર આપતું લાકડું. એ બરાબર ન હોય તો છત તૂટી જાય. છે ને વિચારવા જેવી વાત?
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 17 ઑગસ્ટ 2025
છબિ સૌજન્ય : રમજાનભાઈ હસણિયા