સુરતની નવી સિવિલના ઓર્થોપેડિક વિભાગના એક ડોક્ટરે દરદીના સગાને ધમકી આપી કે સાંજ સુધીમાં બીજા ત્રણ હજાર નહીં મળે તો ઓપરેશન કરીને જે સળિયો નાખેલો છે તે કાઢી લઈશું. દરદી પાસે બી.પી.એલ. કાર્ડ હતો ને તેની પાસેથી પૈસા લેવાના ન હતા, છતાં પૈસાની માંગણી થઈ. આ અગાઉ એ દરદી પાસેથી પાંચ હજાર તો લઈ જ લેવાયા હતા ને બીજા ત્રણ હજારની માંગણી તો ઊભી જ હતી. આ મામલે હવે સમિતિ રચાઇ છે ને એ નાટક તો ચાલશે રાબેતા મુજબ, પણ પૈસા માંગવાની ને દરદીને મારવાની વાત સિવિલમાં નવી નથી. મુદ્દો વર્તણૂકનો છે. ડૉક્ટર કક્ષાનો માણસ સળિયો કાઢી લેવાની વાત કરે તે આઘાતજનક છે. આમ તો માણસાઈ માણસમાં જ હોય છે ને તે ત્યાં ન હોય તો બીજે ક્યાં ય હોતી નથી. એ માણસાઈ ડૉક્ટર ન દાખવે તો કોણ દાખવશે? ડૉક્ટર હોય તો સાવ અભણ તો ન જ હોય. ડૉક્ટર હોય તો સાવ નિર્દયી પણ ન જ હોય. એ પણ એટલું જ સાચું કે ધારો કે દરદી પૈસા ન આપે તો ડૉક્ટર સળિયો નહીં જ કાઢે, કારણ તે ડૉક્ટર છે, કસાઈ નથી. કસાઈ પણ આવું ન કરે, પણ જે ઉદ્ધતાઈ ને બેશરમી આજના લોકોમાં દાખલ પડી ગઈ છે તે આઘાતજનક છે. નાલાયકી જ જાણે લાયકાત હોય તેમ મોટે ભાગના લોકો વર્તે છે. ગમે એટલી પ્રગતિ થઈ હોય ને ગમે એટલો વિકાસ થયો હોય, તો પણ માનવીય અભિગમ બચે નહીં તો એ વિકાસ નથી, એનો છેડો વિનાશમાં જ નીકળે છે તે સમજી લેવાની જરૂર છે.
બીજી એક ઘટના એવી છે જેમાં ચૌદ વર્ષની દીકરી સાથે સગો બાપ જ મહિનાઓથી છેડછાડ કરે છે. દીકરીને લાગ્યું કે માને કહીશ તો તે સાચું નહીં માને એટલે તેણે ચાઇલ્ડ હેલ્પ લાઇનની મદદ લીધી. બાપ સગી દીકરીને પરાણે ભોગવે એવી ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે એટલે લાગણી, વાત્સલ્ય કઇ હદે દાવ પર લાગ્યાં છે તે સમજી શકાય એવું છે. આમન્યા, મર્યાદા ન જાળવવાથી જ સુધરેલા ગણાઈએ એવું ચિત્ર ઘણા સમાજમાં ઉપસે છે. બાપ-દીકરી કે મા-દીકરાનો પ્રેમ હજી નિર્મૂળ થયો નથી, પણ આવી ઘટનાઓ આવનાર ભવિષ્ય માટે દહેશત જગાવે તેવી છે. જગતમાં સારું હજી છે, પણ જે ગતિથી નિર્લજ્જતા, નાલાયકી અને નફફટાઈનો વધારો થઈ રહ્યો છે તે ચિંતા ઉપજાવનારો છે.
એક ઘટના મધ્ય પ્રદેશના મનાસાના નિમચની છે. રતલામ જિલ્લાના સૌથી વૃદ્ધ સરપંચનો આખો પરિવાર 15 મેના રોજ પૂજા માટે ચિત્તોડગઢ ગયો હતો. ત્યાં સરપંચનો 65 વર્ષનો અસ્થિર મગજનો દીકરો ભંવરલાલ જૈન 16 મેએ પૂજા પછી ગુમ થઈ ગયો. એનો ગયા ગુરુવારે, મનાસા પોલીસ સ્ટેશનથી અડધો કિલોમીટરને અંતરે, મૃતદેહ મળી આવ્યો. આ વૃદ્ધનો એક વીડિયો વાયરલ થયો છે. એમાં ભંવરલાલને એક માણસ ધડાધડ તમાચાઓ ઠોકે છે. વૃદ્ધ તેને રોકવાની કોશિશ કરે છે, પણ પેલો માણસ માર્યે જ જાય છે. એવો આરોપ એ માણસ પર છે કે એના મારથી વૃદ્ધનું મૃત્યુ થયું છે. પોલીસ ફરિયાદ થઈ છે. આ આરોપી બી.જે.પી. નેતા છે ને મરનાર ભંવરલાલ પણ બી.જે.પી. નેતાનો ભાઈ છે. આરોપીએ ભંવરલાલને ધડાધડ તમાચાઓ એટલે માર્યા કે તેને શક હતો કે તે મુસલમાન છે. તેણે ભંવરલાલ પાસેથી આધારકાર્ડની માંગણી કરી, પણ અસ્વસ્થ મનોદશાને કારણે ભંવરલાલ સાચી ઓળખ ન આપી શકયો. મારનાર બી.જે.પી. નેતાની ઓળખ દિનેશ કુશવાહા તરીકે થઈ છે. તે ભા.જ.પ. યુવા મોરચા અને જિલ્લા નિગમમાં પદાધિકારી છે. તેની પત્ની મનાસા નગરપરિષદમાં ભા.જ.પ.ની જિલ્લાધિકારી છે. આરોપીએ જ વીડિયો વાયરલ કર્યો જે ભંવરલાલના સંબંધીઓની નજરે ચડયો ને એને આધારે પોલીસે દિનેશની ધરપકડ કરી છે. જૈન સમાજ અને પરિવારજનોની ફરિયાદને ધ્યાને લઈને પોલીસે કલમ 302 અને 403 આરોપી પર લગાવી છે.
એ ખરું કે સચ્ચાઈ, અચ્છાઈ હજી બચી છે, પણ આ અને આવી ઘટનાઓ પરથી એમ લાગે છે કે હોદ્દાની, ઉંમરની કોઈને જરા જેટલી પણ શરમ નડતી નથી. ખબર નહીં, પણ કેમ, કારણ વગરની તુમાખી, બદમાશી, હલકટાઈ બતાવવાનું ઝનૂન હાલની પ્રજામાં સામાન્ય થઈ પડયું છે. પૈસાનો, સત્તાનો છાક એવો છવાયો છે કે રાઈ, રસોઈમાં વપરાવાને બદલે મગજમાં ભરાઈ ગઈ છે. એક રેસિડેન્શિયલ ડૉક્ટર પણ હોસ્પિટલ પોતાને નામે ચડી ગઈ હોય તેમ ગમે તેને દબડાવતો થઈ જાય છે. એને એ ખબર જ નથી પડતી કે પોતે સિવિલનો એક ડૉક્ટર છે ને તેને કોઈ અધિકાર નથી પહોંચતો, દરદીને એમ ધમકાવવાનો કે પૈસા નહીં મળે તો નાખેલો સળિયો પગમાંથી ફરી કાઢી લેવાશે. એક ડૉક્ટર આવી વાત કરી જ કઇ રીતે શકે? ડૉક્ટર આટલો બધો પોતાના ધંધાથી ડિટેચ્ડ ને મતલબી હોઈ શકે? એનામાં સંવેદના જેવું કૈં હોય જ નહીં એ કેવું? એનામાં ને ટપોરીમાં કોઈ ફેર જ નહીં? જો કે, બધા એવા નથી તે આશ્વાસન છે, પણ ચિંતા પણ છે જ કે બધા આવા થઈ રહ્યા છે. ડોકટરોને દરદીઓ પણ ધાકધમકી આપે છે ને તેમના પર હુમલાઓ પણ કરે છે, એ જો ખરાબ હોય તો ડોકટરો ધમકી આપે એ પણ એટલું જ ખરાબ છે.
સ્ત્રીઓ અનેક રીતે શોષણનો ભોગ થતી આવી હોય ત્યાં બાપ જ ઊઠીને દીકરીને બગાડે એ તો બધી રીતે અક્ષમ્ય છે. તેને થઈ શકે તેવી મહત્તમ સજા થવી જ જોઈએ. જે દીકરી માટે સૌથી મોટું આશ્વાસન હોય, જેની છાયામાં દીકરી સૌથી વધુ નિર્ભય હોય એ છાયા આટલી દાહક કેવી રીતે હોય? બીજાના ત્રાસથી થાકીને જે દીકરી બાપની છાયામાં દોડી આવતી હોય એ જ છાયા અગ્નિસંસ્કારની ગરજ કેવી રીતે સારી શકે? સામાજિક સંબંધો ને વાત્સલ્ય દાવ પર લાગ્યાં હોય એવા દિવસોમાં આપણે જીવી રહ્યાં છીએ. એમ લાગે છે કે બહારથી બધું ટાપટીપવાળું છે, પણ અંદરથી બધું સડી ગયું છે.
દેખાડાનો યુગ ચાલે છે. એમ લાગે છે કે બધાં જ પોતાની વેચાણકિંમત લગાવીને બજારમાં વેચાવા ઊભાં છે. બધાં જ પોતાનો ભાવ ઉપજાવવા બોલી લગાવી રહ્યા છે. આમ જેનું કૈં ઉપજે એમ નથી તે વધારે બૂમાબૂમ કરે છે. આવી હલકટાઈનો મોટો ફાલ ઊતરી રહ્યો છે. સાધારણ નેતા, જે કોઈ મોટા હોદ્દે પણ નથી ને હોય તો પણ તેને, તેનાથી મોટી ઉંમરના વૃદ્ધને તમાચા મારવાનો શો અધિકાર છે ને તે પણ કઇ વાત પર? ભા.જ.પ.ના દિનેશ કુશવાહાને શક હતો કે ભંવરલાલ મુસલમાન છે. તેની પૂછપરછ કરવાનું દિનેશ કુશવાહાને કયું કારણ હતું તે નથી ખબર. એવી પૂછપરછ વાતચીત પૂરતી સીમિત હોય ત્યાં સુધી તો ઠીક છે, પણ તે ધડાધડ તમાચા મારવા સુધી પહોંચે એ કોઈ રીતે ક્ષમ્ય નથી. ધારો કે કુશવાહાને કોઈ વાતે શંકા હોય તો તે પોલીસને સોંપી શકે, પણ તે પોતે હિંસક ન્યાય કરવા બેસે એ જંગાલિયતનો નિર્લજ્જ નમૂનો છે. ભંવરલાલ કોણ છે એ નક્કી કરવાનું કોઈકે એને સોંપ્યું હતું કે એને એમ જ શૂરાતન છૂટ્યું હતું ને તેણે વૃદ્ધનો જીવ લીધો એ નથી ખબર. કોઈ મુસ્લિમ હોય એટલી શંકા પરથી તેને મારવા કેમ લેવાય? એ હિન્દુ હોય કે મુસલમાન કે કોઈ પણ કોમનો જ કેમ ન હોય, એની સાથે દિનેશને લેવાદેવા જ શી હતી? એ મુસલમાન હોય તો પણ એને શું દુખતું હતું તે નથી સમજાતું. મુસ્લિમ સમજીને ભંવરલાલને દિનેશે માર્યો ને એ ભા.જ.પ.નો જ સંબંધી નીકળ્યો તો એને એ હવે જીવતો કરી શકે એમ છે? જો નહીં, તો એનો જીવ લેવાનો એ નેતાને શો અધિકાર હતો? એ અધિકાર એને આપ્યો કોણે? એ આપનારે એને જીવ લેવાની સત્તા પણ આપી હતી કે શું?
છેલ્લા થોડા સમયથી એવું જોવા મળી રહ્યું છે કે અમુકતમુક પક્ષના હોવા માત્રથી ઉદ્ધતાઈથી, બેશરમીથી, તુમાખીથી વર્તવાનું જાણે લાઇસન્સ મળી ગયું હોય તેમ પક્ષના કાર્યકરો વર્તી રહ્યા છે. એમાં હોદ્દો જેટલો નાનો તેટલો રુઆબ મોટો. ઉચ્ચ હોદ્દે બિરાજનારા આટલા છીછરા ભાગ્યે જ કોઈ હશે, પણ નાનાં હોદ્દે બેસનાર વધારે વહેમથી પીડાતા હોય છે. બધું સુધારી દેવાનું એમને જ કહી દેવાયું હોય તેમ અમસ્તા જ આ સજ્જનો કોલર ઊંચા રાખતા થઈ જાય છે ને ઘાટ ગાડાં નીચે ચાલતાં કૂતરાથી બહુ જુદો હોતો નથી. એમને એમ જ લાગે છે કે પક્ષ એને લીધે જ છે. આ સારું નથી. એમાં એમનું તો ખાસ બગડતું નથી, પણ પક્ષની ઇમેજને એથી ધોકો જરૂર પહોંચે છે. પક્ષના મોવડી મંડળે પણ આવાં છીછરાં તત્ત્વોને ઓળખીને તેમને નિયંત્રિત કરવા જોઈએ. વાત, દિનેશ કુશવાહા પૂરતી કે અહીં નિર્દેશી એટલી ઘટનાઓ પૂરતી જ સીમિત નથી, એવા ઘણાં છે જેમને એમ જ લાગે છે કે પક્ષે તેમને હિટલર બનવાનો પરવાનો આપી દીધો છે ને હવે એ ધારે તેને ગેસ ચેમ્બરમાં ધકેલી શકે એમ છે. આવાં માણસો ન્યાય ગજવામાં લઈને ફરે છે ને ગમે તેનો ન્યાય રસ્તામાં જ કરી નાખે છે. ભંવરલાલનું મોત એનો તાજો દાખલો છે. રાજકીય પક્ષોએ એ જોવાની જરૂર છે કે તેના કાર્યકરો બેફામરીતે ન વર્તે.
ને પક્ષ કે કોઈ કહે તો જ આપણને સમજાય એ કેવું? એક સાધારણ માણસ પોતે ન સમજી શકે એવી અઘરી બાબત છે આ? ડૉક્ટરને એ ભણાવવું પડે કે દરદી એને ભગવાન માને છે તો એ ભગવાન પાસે મોકલી આપવા જેવી અભદ્રતા ન જ દાખવે કે બાપને એ કહેવું પડે કે કમ સે કમ દીકરીને તો દીકરી રહેવા દે ! સામેનો માણસ હિન્દુ છે કે મુસ્લિમ એ નક્કી કરવાનું ફરજમાં ન આવતું હોય તો કોઈ પક્ષના હોવા માત્રથી કોઈ પણ એવી દાદાગીરી કે ગુંડાગીરી ન જ કરી શકે જે તેને ને તેના પક્ષને જોખમમાં મૂકે.
ખરેખર, સારા થવું આટલું ખરાબ તો ક્યારે ય ન હતું !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 મે 2022