કુછ તો લોગ કહેંગે લોગોં કા કામ હૈ કહના
છોડો બેકાર કી બાતોં મેં કહીં બીત ન જાયે રૈના
કુછ રીત જગત કી ઐસી હૈ હર એક સુબહ કી શામ હુઈ
તૂ કૌન હૈ તેરા નામ હૈ કયા સીતા ભી યહાં બદનામ હુઈ
ફિર ક્યૉન સંસાર કી બાતોં મેં ભીગ ગયે તેરે નૈના
હમકો જો તાને દેતે હૈ, હમ ખોયે હૈં ઇન રંગરલિયોં મેં
હમને ઉનકો ભી છૂપ છૂપ કે આતે દેખા ઇન ગલિયોં મેં
યે સચ હૈ જૂઠી બાત નહીં, તુમ બોલો યે સચ હૈ ના
‘આજ તુમ જો હો, જિસ જગહ હો વહાં તુમ્હારે આંસુ સલાઇન વોટર – નમકીન પાની સે જ્યાદા કુછ નહીં. પોંછ ડાલો ઈનકો’ અને પછી આવે છે એ પ્રસિદ્ધ એપિક સંવાદ, ‘પુષ્પા, આઈ હેટ ટીયર્સ.’ ઓરિજિનલ સુપરસ્ટાર રાજેશ ખન્નાનો જન્મદિન 29 ડિસેમ્બરે આવે છે. એ નિમિત્તે તેને અને તેની ક્લાસિક ફિલ્મ ‘અમર પ્રેમ’ને યાદ કરીએ.

રાજેશ ખન્ના
જન્મ 1942માં, મૂળ નામ જતીન. સેન્ટ સેબેસ્ટિયન ગોઆન હાઇસ્કૂલમાં રવિ કપૂર સાથે દોસ્તી થઈ. રવિએ સ્ટેજ પર જિતેન્દ્ર નામથી અભિનય કરવા માંડ્યો. જતીને પણ ધીમે ધીમે થિયેટરમાં રસ લેવાનું શરૂ કર્યું. રવિએ સિદ્ધાર્થ કૉલેજમાં અને જતીને કે.સી. કૉલેજમાં અભ્યાસ કર્યો. જતીને આંતર-કોલેજ નાટક સ્પર્ધાઓમાં ઘણાં ઇનામો જીત્યાં. ફિલ્મોમાં પ્રવેશવાનું નક્કી કર્યું ત્યારે નામ બદલીને રાજેશ રાખ્યું.
જે વખતે ટેલેન્ટ સર્ચ વગેરે મોટી અને નવી વાત કહેવાતી એ વખતે – 1965ની સાલમાં ઓલ ઇન્ડિયા ટેલેન્ટ કોન્ટેસ્ટમાં 10,000થી વધુ સ્પર્ધકોમાં રાજેશ ખન્ના પહેલો આવ્યો હતો. જજમાંના એક હતા ‘હાવરા બ્રિજ’ અને ‘ચાઈના ટાઉન’ સહિત અનેક મનોરંજક ફિલ્મો આપનાર શક્તિ સામંત. 23 વર્ષનો રાજેશ ખન્ના જરૂર તેમની નજરમાં વસી ગયો હોવો જોઈએ, કેમ કે ‘એન ઈવનિંગ ઇન પેરિસ’ આપ્યા બાદ એમણે જ્યારે સંવેદનસમૃદ્ધ ફિલ્મો બનાવવાની દિશામાં પગલાં ભર્યાં ત્યારે તેમને એ જ યાદ આવ્યો. રાજેશ ખન્ના સાથેની તેમની સર્વાંગસુંદર ફિલ્મત્રયી ‘આરાધના’, કટી પતંગ’ અને ‘અમર પ્રેમ’ અનુક્રમે 1969, 1971 અને 1972માં આવી ત્યાં સુધીમાં રાજેશ ખન્ના સફળતાની ટોચે બિરાજી ચૂક્યો હતો. ‘આરાધના’ પછી રાજેશ ખન્નાની સળંગ 14 ફિલ્મો હિટ બની, એ એક એવો રેકોર્ડ છે જે આજ સુધી તૂટ્યો નથી. આ ફિલ્મોનાં ગીતો કિશોર કુમારને સ્થાપિત કરી રફીયુગનો અંત લાવવામાં નિમિત્ત બન્યાં હતાં.
શક્તિદાને શંકા હતી કે ‘અમર પ્રેમ’ જેવી નાયિકાકેન્દ્રી ફિલ્મમાં કામ કરવા રાજેશ ખન્ના સંમત થશે કે નહીં, પણ રાજેશ ખન્નાએ માત્ર સંમતિ જ ન આપી, બાળકે બંગાળી આનંદબાબુની ભૂમિકા એટલી સુંદર રીતે જીવી બતાવી કે એ પાત્ર, એ ફિલ્મ હંમેશ માટે અમર થઈ ગયાં. ‘અમર પ્રેમ’ સૈફ અલી ખાનના જન્મ પછી શર્મિલા ટાગોરે સાઇન કરેલી પહેલી ફિલ્મોમાંની એક હતી. શર્મિલા ટાગોર – રાજેશ ખન્નાને ૧૦૦ વર્ષના ભારતીય સિનેમાના અગ્રણી ઓન-સ્ક્રીન રોમેન્ટિક યુગલોમાંના એક માનવામાં આવે છે. આ જોડીની દસેક ફિલ્મો આવી હતી.
‘અમર પ્રેમ’ બિભૂતિભૂષણ બંદોપાધ્યાય દ્વારા લખાયેલી બંગાળી ટૂંકી વાર્તા ‘હિંગર કોચુરી’ પરથી બનેલી ‘નિશિપદ્મ’ ફિલ્મની હિંદી આવૃત્તિ હતી. અરબિન્દા મુખર્જી નિર્દેશિત ‘નિશિપદ્મ’ની મુખ્ય ભૂમિકામાં ઉત્તમ કુમાર અને સાબિત્રી ચેટર્જી હતાં. શક્તિ સામંત ફિલ્મથી અને ઉત્તમ કુમારના અભિનયથી એટલા પ્રભાવિત થયા કે તેમણે તેને સ્ક્રિપ્ટમાં કેટલાક ફેરફારો સાથે ફરીથી બનાવવાનું નક્કી કર્યું.
1950-60ના કાળનું બંગાળ, તેનું નાનું એવું ગામડું, કોલકાતા શહેર અને તેનો ભદ્રલોક એ હતો આ ફિલ્મનો પરિવેશ. ઘસાતાં જતાં મૂલ્યો અને તૂટતા જતા સંબધો વચ્ચે પ્રેમની ઊંચાઈ અને અમરત્વની ઝાંખી કરાવતી એની વાર્તાના કેન્દ્રમાં છે પુષ્પા (શર્મિલા ટાગોર). પતિએ તરછોડેલી, વગર વાંકે મા અને ગામલોકોના તિરસ્કારનો ભોગ બનેલી પુષ્પા મરવા માગે છે, પણ નેપાળી બાબુ એને કલકત્તા લાવી એક કોઠામાં વેચી દે છે. શ્રીમંત એકલવાયા આનંદબાબુનો પ્રેમ પામી એ પુષ્પની જેમ ખીલી ઊઠે છે અને અપરમાના ત્રાસથી અડધા ભૂખ્યા નંદુનું સહજ માતૃત્વથી જતન કરે છે.
સમાજના હડસેલા ખાઈને પણ પોતાની સારપ ન ગુમાવતી પુષ્પા પિતૃસત્તાક સમાજવ્યવસ્થાનો ભોગ બનતા નારીત્વની વેદનાનું પ્રતીક છે. આનંદ, પુષ્પા અને નંદુ એકબીજાના કઈં નથી, છતાં ઘણુંબધું છે. પણ પછી પુષ્પા આનંદના પરિવારની ઇચ્છાથી તેને પોતાનો પાસે આવતો અટકાવે છે ને નંદુ પાછો પોતાને ગામ ચાલ્યો જાય છે. વર્ષો પછી પ્રૌઢ આનંદ-પુષ્પા અને યુવાન નંદુ ફરી એક વાર મળે છે. અપમાનો સહેતી, ઠોકરો ખાતી, કોઈ ધર્મશાળામાં વાસણ માંજતી પુષ્પાને નંદુ કોઇની પરવા કર્યા વગર પોતાના ઘેર લઇ જાય છે ત્યારે ‘આઈ હેટ ટીયર્સ’ કહેતા આનંદબાબુની આંખો ઊંડી પરિતૃપ્તિથી છલકાઈ જાય છે. ‘પુષ્પા, આઈ હેટ ટીયર્સ’ સંવાદ ફિલ્મમાં પાંચ વખત આવ્યો હતો, પણ શાશ્વત બની ગયો.
‘અમર પ્રેમ’ અને આનંદબાબુ યાદ આવતાં આજે પણ હૃદય ભીનું થાય, પણ એ વર્ષે શ્રેષ્ઠ ફિલ્મ કે શ્રેષ્ઠ અભિનેતાનો ઍવોર્ડ ‘અમર પ્રેમ’ કે રાજેશ ખન્નાને નહીં, ‘બેઈમાન’ અને મનોજકુમારને મળ્યો હતો. ‘બેઈમાન’ બધી રીતે સામાન્ય ફિલ્મ હતી, છતાં તેને એ વર્ષે સાત ફિલ્મફેર ઍવોર્ડ મળ્યા હતા. ‘પાકીઝા’ એ જ વર્ષે રિલિઝ થઈ હતી પણ શ્રેષ્ઠ સંગીતકારનો ઍવોર્ડ પણ તેને નહીં, ‘બેઈમાન’ને જ મળ્યો હતો. તેનો વિરોધ કરતાં પ્રાણે એ જ ફિલ્મ માટે તેને મળેલો સહાયક અભિનેતા તરીકેનો ઍવોર્ડ પરત કર્યો હતો.
‘કુછ તો લોગ કહેંગે’ ગીતમાં કોઈના કડવા બોલથી આહત થયેલી પુષ્પાને સાંત્વન છે. સાથે એમાં આ વિચિત્ર જગતને જોવાની એક ફિલસૂફી પણ છે. નીતિમત્તાનાં બેવડાં ધોરણોનો ઉપહાસ છે અને આવી નકામી વાતોમાં જીવ ન બાળવાનો ઈશારો પણ છે. આ બધું છતાં લોક નામનાં સાગરને તરવો મુશ્કેલ છે અને ભલભલા તેમાં ડૂબી જાય છે એ હકીકતની ઉપેક્ષા પણ નથી. આ ગીત મિશ્ર ખમાજમાં છે. ‘અમર પ્રેમ’નાં ગીતો આનંદ બક્ષીએ લખ્યાં હતાં અને આર.ડી. બર્મને સંગીતબદ્ધ કર્યાં હતાં. માનવીય સંબંધો અને નિઃસ્વાર્થ પ્રેમની વાર્તા કહેતી આ ફિલ્મ તેનાં ગીતો માટે પણ અમર બની ગઈ છે. આર.ડી. ત્યારે વેસ્ટર્ન મ્યુઝિકનો પર્યાય ગણાતાં પણ આ ફિલ્મમાં શાસ્ત્રીય સંગીતની સોડમ છે. ‘રૈના બીતી જાય’ તોડીમાં, ‘ચિનગારી કોઈ ભડકે’ ભૈરવીમાં, ‘યે ક્યા હુઆ’ કલાવતીમાં અને ‘બડા નટખટ હૈ’ ખમાજમાં છે. ‘ડોલી મેં બિઠાઈ કે’માં બંગાળી લોકસંગીત છે. ‘અમર પ્રેમનાં ગીતોમાં આર.ડી. બારબાર કલાક ડૂબેલા રહેતા એમ કહેવાય છે.
‘દિયે જલતે હૈં, ફૂલ ખિલતે હૈં, બડી મુશ્કિલ સે મગર દુનિયા મેં દોસ્ત મિલતે હૈં’ના રચયિતા આનંદ બક્ષી ‘આરાધના’, કટી પતંગ’ અને ‘અમર પ્રેમ’ ત્રણે ફિલ્મના ગીતકાર હતા. ફિલ્મોના મુડને અનુરૂપ સાદાં, તાજાં અને મૌલિક ગીતો આપીને તેમણે એ ફિલ્મોને જ નહીં, ફિલ્મસંગીતના શોખીનોને પણ માલામાલ કર્યા હતા. રાજેશ ખન્નાએ ત્રણ વર્ષના ગાળામાં ઉપરાઉપર પંદર હીટ ફિલ્મો આપી હતી. ત્યાર પછી આવેલા એક્શન અને મલ્ટીસ્ટારર ફિલ્મોના વેવમાં એ ખરાબ રીતે ફેંકાઇ ગયો, પણ આજે પણ શાહરુખ ખાન સહિત અનેક અભિનેતાઓ માને છે કે રાજેશ ખન્નાની ઊંચાઈએ પહોંચવું શક્ય નથી. તેની આલોચના કરનાર પણ ઓછા નથી. એમને માટે એટલું જ કહેવાનું મન થાય, કુછ તો લોગ કહેંગે, લોગોં કા કામ હૈ કહના..
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 26 ડિસેમ્બર 2025
![]()

