એના ગામના શિક્ષક દાદાને કહેતા હતા, “વસુમતી નિશાળમાં પેલે નંબરે પાસ થઈ. તમે કોલેજમાં જવાની કેમ ના પાડો છો? ખેડૂતની દીકરી છે એ એનો વાંક છે?”
દાદા ઢીલા પડ્યા અને શરત સાથે વસુને કોલેજમાં જવાની હા પાડી, “પણ જો, ઘરના કામમાં ફેર ન પડવો જોઈએ.”
વસુ ખુશ થઈને બોલી, “હોવે, દાદા.”
કોલેજના ચોથા વર્ષમાં આવી અને એક દાંતના ડોક્ટર સાથે વેશવાળ થયું. જમાઈની માગણી હતી તેથી નાતમાં પહેલીવાર લાજ કાઢ્યા વગર વસુના લગ્ન થયા. ઘરડા દાદી શરમાઈને જોતાં રહ્યાં.
વસુમતી ચાર ભાઈ અને બે બહેનોના ભર્યા સાસરિયામાં ગોઠવાઈ ગઈ. તેમાં જેઠ સોમાલાલ શાંત અને મહેનતુ વ્યક્તિ. ઘરમાં ખાસ બોલતા નહીં, પોતાનાં કામ સાથે કામ. ખેડૂત સોમાલાલને શીવણકામમાં હાથ બેસી ગયો અને એક દરજીની દુકાન ખોલી. ધંધો સારો વિકસાવ્યો અને ચાર કારીગર પણ રોક્યા હતા.
વસુમતી અને તેના પતિએ પ્રયત્ન કર્યો અને અમેરિકા આવવાની તક મળી. એ સમયે બધા ભાંડરડાં પોતપોતાની ગૃહસ્થીમાં વ્યસ્ત હતાં. જેઠના મોટા છોકરાઓ અને બીજા પરિવારના સભ્યો ‘અમેરિકા અમને બોલાવો’નું રટણ કરતા …વારાફરતી અમેરિકા પહોંચી ગયા.
પ્રૌઢ ઉંમરના જેઠ-જેઠાણી દેશમાં જ રહ્યાં. ધીરે ધીરે સોમાલાલ દુકાને જવામાં અનિયમિત થતા ગયા. શીવવાનાં કપડામાં ભૂલો થવા માંડી. વસુની જેઠાણી કાગળમાં વરની ઉદાસીનતા અને ભૂલકણાપણાની ચિંતા કરતા રહેતાં.
એ વર્ષે, વસુ સહકુટુંબ દેશમાં આવેલ. સોમાલાલ ‘કેમ છો?’ પૂછીને જાણે પોતાની દુનિયામાં ખોવાઈ ગયા. દરજીની દુકાન એક વરસથી બંધ પડી હતી. હવે ખ્યાલ આવી ગયો કે જેઠ સોમાલાલને (એલ્ઝાઈમર ડિસીઝ) ભૂલવાની બીમારી છે. સોમાલાલ એક બાજુ બેસી રહેતા. જમવાના સમયે બોલાવે તો જમવા આવે નહિંતર ન આવે. આમ તેમની લુપ્તતાને લીધે, સોમાલાલ તરફ ઓછું ધ્યાન અપાતું.
એક દિવસ, બપોરની ચા લઈને જેઠાણી સોમાલાલને આપવા ગયાં તો એમની ગાદી ખાલી હતી.
“અરે દેરજી! તમારા ભાઈ અહીં નથી! જુઓ તો આજુબાજુ ક્યાં ય ગયા છે?” જેઠાણી સહિત બધા સોમાલાલને શોધવા લાગ્યા. સાંજ ઢળી અને દિવસો વિત્યા પણ સોમાલાલનો પત્તો ન લાગ્યો. તપાસ કરતા મહિનો થવા આવ્યો. વસુ અને પરિવારને અમેરિકા પાછા ફરવાના દિવસો નજીક આવી રહ્યા હતા.
“એમને ગયાને એક મહિનો અને ચાર દિવસ થયા, ખબર નહીં ક્યાં અને કેમ હશે?” જેઠાણી આ વાક્ય ફરી ફરીને બોલતાં. “ચાલો બપોર ચડી, જમી લઈએ.”
ત્યાં છોકરાઓનો અવાજ સંભળાયો, “કાકાબાપુ આવ્યા!” બધા બહાર દોડી આવ્યા. સોમાલાલ ઠીકઠાક કપડાં પહેરેલા અને સશક્ત લાગતા હતા. તેમની આંખમાં એ જ અજાણ ભાવ.
“ભાઈ! તમે ક્યાં ગયા હતા? અને કઈ રીતે પાછા આવ્યા?”
“હું આગગાડીમાં આવ્યો, કોઈ મને લેવા ન આવ્યું?” સોમાલાલ એક સવાલ કરી શાંત થઈ ગયા.
એ ક્યાં ગયા હશે? કોણે તેમની સંભાળ લીધી? કોણે જમાડ્યા હશે? … આ બધા પ્રશ્નો એમ જ રહી ગયા.
પરિવારને એટલું સમજવાનું રહ્યું કે કેટલાક સારા માણસોએ સોમાલાલની સંભાળ લીધી હશે.
સૌ વિચારે …
મારી મુઠ્ઠીના માપનું છે મગજ,
અજાણ એનું આધિપત્ય ને કરજ.
હું જ કર્તા ને મારા ઉત્તમ કરમ,
મને શાને મોટપનો આવો ભરમ?
—– સરયૂ પરીખ
e.mail : SaryuParikh@yahoo.com
![]()

