હંસને કી ચાહ ને કિતના મુઝે રુલાયા હૈ
કોઈ હમદર્દ નહીં દર્દ મેરા સાયા હૈ …
દિન તો ઉલઝા હી રહા ઝિંદગી કી બાતોં મેં
સાંસે જલતી હૈ કભી કભી રાતોં મેં
કિસી કી આહ પે તારોં કો પ્યાર આયા હૈ …
સપનેં છલતે હી રહે રોજ નઈ રાહોં સે
કોઇ ફિસલા હૈ અભી અભી બાહોં સે
કિસકી હૈં આહટેં યે કૌન મુસ્કુરાયા હૈ …
દોડધામભરી જિંદગીમાં સાચવવા જેવું સચવાતું નથી હોતું – કનુ રૉય એક એવી વિસારે પાડી દેવાયેલી પ્રતિભાનું નામ છે. બ્રિટિશ ભારતના બંગાળના ફરીદપુર જિલ્લાના એક ગામમાં વસતા ને પછીથી મુંબઈ આવી વસેલા રૉયચૌધરી પરિવારે ફિલમજગતને બે પ્રતિભાઓ આપી – કનુ રૉય અને ગીતા રૉય(જે પછી ગીતા દત્ત તરીકે ઓળખાઈ). કનુ રૉય હિંદી અને બંગાળી ફિલ્મોના અભિનેતા અને સંગીતકાર હતા. એમણે ઓછું પણ નક્કર કામ કર્યું છે, મોટે ભાગે બાસુ ભટ્ટાચાર્ય સાથે. એમણે સંગીતબદ્ધ કરેલી મુખ્ય ફિલ્મો ‘ઉસકી કહાની’, ‘અનુભવ’, આવિષ્કાર’, ‘ગૃહપ્રવેશ’ અને ‘સ્પર્શ’માં પહેલી ચારના દિગ્દર્શક અને ‘સ્પર્શ’ના નિર્માતા બાસુ ભટ્ટાચાર્ય હતા. આ કનુ રૉયનો જન્મદિન 9 ડિસેમ્બર અને પુણ્યતિથિ 20 ડિસેમ્બર – આજે માણીશું કનુ રૉયન સંગીતમાં મન્ના ડેએ ગાયેલું ફિલ્મ ‘આવિષ્કાર’નું અવિસ્મરણીય ગીત ‘હંસને કી ચાહ ને હિતના મુઝે રૂલાયા હૈ, કોઈ હમદર્દ નહીં દર્દ મેરા સાયા હૈ’

ગીતા દત્ત
‘આવિષ્કાર’ કાબેલ ફિલ્મસર્જક બાસુ ભટ્ટાચાર્યની પ્રસિદ્ધ ફિલ્મત્રયી ‘અનુભવ’ (1971), ‘આવિષ્કાર’ (1974) અને ‘ગૃહપ્રવેશ’(1979)માંની વચ્ચેની. આ ત્રણે ફિલ્મનાં નાયક-નાયિકાનાં નામ અમર અને માનસી છે. અમર, માનસી અને દાંપત્ય પર એમણે ઘણાં વર્ષો પછી 1997માં ‘આસ્થા’ પણ બનાવી. ‘આસ્થા’ બની ત્યારે કનુ રૉયનું અવસાન થઈ ચૂક્યું હતું, તેનું સંગીત સારંગ દેવે આપેલું. પણ આ ફિલ્મત્રયી પહેલાંની એમની ‘ઉસકી કહાની’(1966)માં કનુ રૉયનું સંગીત હતું. એ ફિલ્મ બાસુ ભટ્ટાચાર્યની દિગ્દર્શક તરીકેની પહેલી અને અંજુ મહેંદ્રુની નાયિકા તરીકેની પહેલી ફિલ્મ હતી. એનાં ગીત કૈફી આઝમીએ લખ્યાં હતાં. એ ફિલ્મના ગીતા દત્તના ગાયેલા ‘આજ કી કાલી ઘટા’માં કનુ રૉયનો ખાસ સ્પર્શ છે.
ગુરુ દતથી અલગ થયા બાદનાં વર્ષો ગીતા દત્ત માટે શારીરિક-માનસિક-આર્થિક સંઘર્ષનાં હતાં. આ વર્ષોમાં કનુ રૉયે બહેન અને ભાણેજોને બને એટલાં સાચવી લીધાં હતાં. આત્મવિશ્વાસ અને તકો ગુમાવી બેઠેલી ગીતા દત્ત પાસે ‘અનુભવ’નાં ગીતો ગવડાવી તેમણે સાબિત કરી દીધું કે ગીતા દત્તની કલા હજી જીવંત છે.
આપણે ‘આવિષ્કાર’ની વાત કરતાં હતાં. ‘આવિષ્કાર’ પોસ્ટ-મેરિટલ ડિપ્રેશન – રોમાન્સને ખતમ કરી દેતાં લગ્નની કહાણી હતી. અમર (રાજેશ ખન્ના) અને માનસી (શર્મિલા ટાગોર) પ્રેમ કરીને લગ્ન કરે છે, પણ પાંચેક વર્ષમાં રોમાન્સ એવો તો હવાઈ જાય છે કે અમરને માનસીના તનમાં કે મનમાં રસ રહેતો નથી. માનસીની પણ એ જ સ્થિતિ છે. બન્ને એક્બીજા પર આનો દોષ ઢોળ્યા કરે છે. લગ્નની વર્ષગાંઠના દિવસે માનસીનો સામનો કરવાનું ટાળવા અમર મોડે સુધી ઑફિસમાં જ બેસી રહે છે. રજનીગંધાના ફૂલનો ગુચ્છો દરવાજે જ મૂકી ઘરમાં પ્રવેશે છે ને માથાના દુખાવાનું બહાનું કાઢી ભૂખ્યો રહે છે.
એકબીજાને ટોણા મારી, આખી રાત એકબીજા તરફ પીઠ કરીને જાગતા પડેલા અમર-માનસીની કહાણી આપણને ફ્લેશબેકમાં ટુકડે ટુકડે જાણવા મળે છે. સવારે માનસી દૂધ લેવા બારણું ખોલે છે ત્યારે થોરના છોડને અઢેલીને પડેલો પુષ્પગુચ્છ જુએ છે. ફૂલોને સ્પર્શતાં જ તેના મનમાં છુપાયેલો પ્રેમ જાગી ઊઠે છે અને જાગીને પાછળ આવેલો અમર તેને સાહીને ઘરમાં લઈ જાય છે. દર્શક રાહત પામે છે, પણ તેના મનમાં પ્રશ્ન પણ જાગે છે, આ પ્રેમનું આયુષ્ય કેટલું? આ નવી શરૂઆત છે કે એક આકસ્મિક પળ? અંત સુખદ હોવા છતાં દર્શકો એક અસમંજસ સાથે થિયેટર છોડે છે.
પ્રેમીઓ પતિપત્ની બને પછી તાજી, સુગંધી, ખળખળ વહેતી જિંદગી વાસી અને બંધિયાર કેમ બની જાય છે? એ સુગંધ જે પ્રિયપાત્રના હૃદયમાંથી ઊઠતી હતી એ ક્યાં ઊડી જાય છે? લગ્નજીવનમાં સુખ શોધતાં સ્ત્રીપુરુષને લગ્ન હજારો જમેલા અને બંધનો આપે છે. કદાચ એ બધામાં જ રોમાન્સ, સુખ અને શાંતિનો ભોગ લેવાઈ જાય છે. એ મેળવવાની કોશિશ પણ એક દિવસ પૂરી થઈ જાય છે અને પછી બાકી રહે છે જે થયું તેને માટે બીજા પર દોષ ઢોળવાની વિકૃત મઝા. આવું કેમ થાય છે ને આવું થાય તો પછી શું થાય છે? દરેક ફિલ્મમાં બાસુદા આ સવાલ ફરી ફરીને દર્શકો સામે મૂકે છે.
‘હંસને કી ચાહ ને કિતના મુઝે રૂલાયા હૈ ..’ ફિલ્મની શરૂઆત જ આ ગીતથી થાય છે અને ટાઈટલ્સ પૂરાં થાય ત્યાં સુધીમાં ફિલ્મનું વાતાવરણ બંધાઈ જાય છે. કપિલકુમારના શબ્દોમાં કનુ રૉયના શબ્દો અને મન્ના ડેના કાંઠે એવો પ્રાણ પૂરીઓ છે કે તેમાંની વ્યથા કોઈ એકની ન રહેતાં થિયેટરમાં બેઠેલા તમામની બની જાય છે. ‘અનુભવ’માં ગીતા દત્તે કનુ રૉયના સંગીતનિર્દેશનમાં ‘મુઝે જા ન કહો મેરી જાં’ અને ‘કોઈ ચુપકે સે આકે’ જેવાં કમાલનાં ગીતો ગાયાં હતાં – એ જો 1972માં મૃત્યુ ન પામી હોત તો તેના કંઠને અનુરૂપ એવું ‘આવિષ્કાર’નું ‘નૈના હી પ્યાસે મેરે’ પણ તેણે ગાયું હોત એવું ધારવું ગમે.
બાસુ ભટ્ટાચાર્ય બિમલ રૉયના સહાયક હતા. મધ્યમ તરીકે ફિલ્મોને કલાત્મકટના સર્વોચ્ચ શિખરે પહોંચાડવામાં પોતાના ગુરુ જેવી મહારત એમને હાંસલ કરી હતી. બિમલ રૉયની પુત્રી રિંકી સાથે બધાનાં વિરોધ વચ્ચે ભાગીને લગ્ન કર્યાં, પણ લગ્ન ટક્યાં નહીં. એ કડવા અનુભવોને ફિલ્મોમાં મૂકી તેઓ જાણે કોઈ હલ શોધે છે.
‘આવિષ્કાર’ વિવેચકોએ ખૂબ વખાણેલું. ‘સૂરજ હૈ સૂરજ ધરતી સે, સૂરજ ફિર ભી સૂરજ હૈ; ધરતી હૈ ધરતી સૂરજ સે, ધરતી ફિર ભી ધરતી હૈ’ આ પંક્તિ રાજેશ ખન્ના બોલે છે ત્યારે એ અનંત અર્થોની વાહક બની જાય છે. રાજેશ ખન્નાને આ ફિલ્મ માટે ઍવોર્ડ મળ્યો હતો. એક સંવાદમાં અમર કહે છે, ‘પહેલા આપણે દિવસો પછી મળતા, માંડ એકાદ કલાક સાથે રહેતા. એ એક કલાકમાં આપણું બધું શ્રેષ્ઠ જ બહાર આવતું.’ માનસી કહે છે, ‘હાં, કિતને અચ્છે થે વો એક ઘંટે વાલે તુમ, વો એક ઘંટેવાલી મૈં – ઔર અબ કિતને ખરાબ હો ગયે હૈં!’ અમર નિ:શ્વાસ નાખે છે, ‘ખરાબ નહીં હૈં, બસ કુછ કર નહીં પાતે.’ એનો એ નિ:શ્વાસ થિયેટરમાં બેઠેલા તમામ પરિણીતોના હૃદયમાં પડઘાય છે. ‘આપણે’માંથી જ્યારે ‘તું’ અને ‘હું’ના બે ટુકડા જુદા પડી જાય છે ત્યારે ફિલ્મના એક પાત્રની જેમ કહેવાનું મન થાય છે, ‘શાદીશુદા આદમી જ્યાદાતર અકેલા હી હોતા હૈ’
માનસી કહે છે, ‘મારા પિતા કહેતા કે પ્રેમ પોકળ વસ્તુ છે. નક્કર ચીજ છે શ્રદ્ધા. પણ મારી મા કહે છે, પુરુષ પત્નીને શ્રદ્ધાથી જોઈ શકતો નથી. જ્યાં સુધી શરીરનું આકર્ષણ છે ત્યાં સુધી એ પત્નીનો ગુલામ થઈને રહે છે. ત્યાર પછી બની જાય છે પત્ની-સંતાનોનો માલિક. અમર, આપણે પ્રેમનો અર્થ સમજ્યાં હતાં ખરાં?’ બાંસુદાની છેલ્લી ફિલ્મ ‘આસ્થા’માં આ અર્થનો, આ શ્રદ્ધાનો વિસ્તાર છે? ક્યારેક એની પણ વાત કરીશું.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 12 ડિસેમ્બર 2025
![]()

