સાચું તો એ છે કે જગતને શાંતિ અપેક્ષિત જ નથી. તે વાતો શાંતિની કરે છે, પણ ભેગી તો અશાંતિ જ કરે છે. કોરોના જેવો રોગ જગત આખાએ ચીનથી આયાત કર્યો અને લાખો માણસો એનો ભોગ બન્યા ત્યારે લાગતું હતું કે હવે આ દુનિયા શાંતિ માટે પ્રયત્નશીલ રહેશે. આખું જગત ઠપ થઈ ગયું હતું તે ધીમે ધીમે બેઠું થયું ને હજી તો કોરોનાના વેરિયન્ટની ધમકીઓ આવ્યા જ કરે છે, ત્યારે પણ યુદ્ધથી પણ માનવ સંહાર વહોરવાની મહેનત દુનિયા કરી રહી છે. ચીને કોરોનાની ભેટ આપીને જગતની આર્થિક વ્યવસ્થા ડામાડોળ કરી, તો આતંકી પ્રવૃત્તિઓને છૂટો દોર મળે એ માટે આતંકી વર્ચસ્વ પણ વિશ્વમાં હિંસક પડઘા પાડી રહ્યું છે. પચાસેક દિવસથી રશિયા-યુક્રેન બાખડી રહ્યા છે ને એને નિમિત્તે રશિયા, અમેરિકા અને તેનાં સાથી દેશો સામસામે આવી ગયા છે. શ્રીલંકા કરોડો ડોલરના દેવામાં ડૂબી ગયું છે ને અવ્યવસ્થા જ ત્યાં વ્યવસ્થા થઈ ગઈ છે. પાકિસ્તાનમાં પણ સત્તા પલટો થયો છે ને નવા સત્તાધીશ ભારતને વધારે ભારે પડે એવાં એંધાણ છે. એટલી બધી ઘટનાઓ એક સાથે જગતમાં બની રહી છે કે લાગે છે કે અશાંતિ સિવાય કોઈ પર્યાય જ જગતને ખપતો નથી. હિંસા, રક્તપાત, આર્થિક ઉથલપાથલમાં ઘણા દેશો સંડોવાયા છે ત્યારે ભારત પણ અનેક સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું છે. એ કહેવાની જરૂર નથી કે આ બધું કુદરતી ઓછું ને માનવ સર્જિત વધુ છે.
અન્ય દેશોમાં રંગભેદ અને ધાર્મિક અથડામણો નથી એવું નથી, પણ ભારત પણ ધાર્મિક હિંસામાં પાછળ નથી. ભા.જ.પ.નું શાસન કેન્દ્રમાં સ્થપાયું ત્યારથી હિન્દુત્વની બૂમો તીવ્ર થવા લાગી છે. કાઁગ્રેસે હિન્દુઓ તરફ દુર્લક્ષ સેવ્યું ને વેઠવાનું તેને આવ્યું. એ સારું છે કે ખરાબ, પણ ધાર્મિક ઝનૂન કોઈ એક ધર્મનો ઇજારો હવે રહ્યો નથી. એમ લાગે છે દરેક ધર્મ આક્રમણ માટેની તક શોધી રહ્યો છે ને જેનો વારો આવે છે તે પછી પોતાનો પ્રભાવ પાથરવાનું છોડતો નથી. ધાર્મિક આસ્થા બધે જ વધી છે ને ઝનૂન અને અંધશ્રદ્ધા લાગ જોઈને વધવાનું ચૂકતાં નથી. એક તરફ ધાર્મિક આહ્વાનો ને ઉપદેશો વધ્યાં છે ને ધાર્મિકો પવિત્ર અને સંસ્કારી દેખાવા મથી રહ્યા છે, તો બીજી તરફ અન્ય ધર્મો માટેની સૂગ પણ વધતી આવે છે. એક સમય હતો જ્યારે સર્વધર્મ સમભાવનું સૂત્ર વહેતું હતું ને હવે પોતાના ધર્મનો લગાવ અને અન્ય ધર્મનો બહિષ્કાર જેવી સ્થિતિ છે. ઉત્તમ અમારામાં જ છે ને સામે કેવળ અધર્મ જ છે એવી ગ્રંથિનો આ દેશ શિકાર થઈ રહ્યો છે.
એકનો ધાર્મિક તહેવાર બીજાને આક્રમણ માટેની સગવડ તો પૂરી ન જ પાડે ને ! છતાં આક્રમણો થાય છે. ધર્મ જો ભક્તિ શીખવતો હોય તો તે શક્તિ પ્રદર્શનનો ભાગ ને ભોગ ન જ બને, પણ બને છે. આમ તો રામનવમીનો તહેવાર મંદિરોમાં પૂજા અર્ચનાથી ઉજવાતો હતો તે હવે શોભાયાત્રામાં ફેરવાયો છે. ગુજરાતમાં ખંભાત, હિંમતનગર, વલસાડ, બારડોલી જેવી ઘણી જગ્યાએ ભગવાન રામની શોભાયાત્રા નીકળી. અન્ય શોભાયાત્રાની જેમ જ આ પણ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય એવી અપેક્ષા સહેજે હતી, પણ ખંભાત, હિંમતનગરની શોભાયાત્રાઓમાં પથ્થરમારો થયો. વાતાવરણ તંગ થયું. આગજની ને તોડફોડની ઘટનાઓ બની, એકનું મૃત્યુ થયું ને પોલીસે હસ્તક્ષેપ કરવો પડ્યો. શોભાયાત્રા મંજૂરી પછી નીકળી હતી. આ મંજૂરીએ હુમલાખોરોને તૈયારીની તકો પૂરી પાડી કે કેમ તે નથી ખબર, પણ ખંભાતમાં તો શનિવારથી હુમલાની તૈયારીઓ કરવામાં આવી હતી એવું માધ્યમો કહે છે. વાત તો એવી પણ છે કે આ આખું કાવતરું પાકિસ્તાન અને અફઘાનિસ્તાન કનેક્શન પણ સૂચવે છે. આમાં ત્રણ મૌલવીઓની ને એક શિક્ષકની સંડોવણી બહાર આવી છે. એ પણ હવે છૂપું નથી કે પથ્થરો અગાઉથી ભેગા કરાયા હતા ને હુમલો કરવા માણસો બહારથી બોલાવાયા હતા. આ બધી રીતે અક્ષમ્ય અને શરમજનક છે. એટલું જ શરમજનક નમાજને સમયે બારડોલીમાં શોભાયાત્રામાં જોડાનાર યાત્રીઓનું વર્તન પણ છે. મસ્જિદ પાસેથી પસાર થતી વખતે તલવાર તાણવાનો કે બીભત્સ વર્તન કરવાનો ઉપક્રમ પણ એટલો જ નિંદનીય છે. રામની શોભયાત્રાનો હેતુ આછકલાઈનો તો ન હોય ને ! એક તરફ વલસાડમાં રામની શોભાયાત્રાનું વિધર્મીઓએ સ્વાગત કર્યું હોય ત્યાં બીજી તરફ શોભાયાત્રા પર પથ્થરમારો થાય એ કેવળ ને કેવળ દુ:ખદ છે.
વાત આટલેથી જ અટકતી નથી. રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રા નિમિત્તે મધ્ય પ્રદેશ, ઝારખંડ, દિલ્હી, બંગાળ જેવાં રાજ્યોમાં પણ છમકલાં થયાં છે. મધ્ય પ્રદેશના બે જિલ્લાઓમાં હિંસામાં સંડોવાયેલ 77 જણાની ધરપકડ થઈ છે. દિલ્હીની જે.એન.યુ.(જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી)માં ડાબેરી અને એ.બી.વી.પી. વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ છે. ઝારખંડમાં થયેલી હિંસાને કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે ને ત્યાં કરફ્યુ લાદવામાં આવ્યો છે. ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં રામનવમી લોહિયાળ બની છે. શું આવે છે હાથમાં, લોહી રેડવાથી? આ લોહી રેડનારાઓને કોઈ ધર્મ નથી? હોય તો તે લોહી રેડવાનું કહે છે? હવે કોમી અથડામણો નિમિત્તે આક્ષેપો–પ્રતિ આક્ષેપોનો દોર ચાલે છે ને તે ઓછું હોય તેમ શાસકો અને વિપક્ષો પણ રાજકીય રોટલા શેકતા રહે છે. લોકશાહીમાં લોકો મત આપવા પૂરતું જ મહત્ત્વ ધરાવતા હોય છે. એ સિવાય જનતા કરવેરા ભરવા જ છે. ભાવ વધારો જીરવવા લોકો ન હોય તો રાજકીય કારભાર ચાલે નહીં. લોકો મૂરખ છે કે સહનશીલ તે નક્કી કરવાનું મુશ્કેલ છે, પણ સરકારો ચલાવવા કે બદલવા આ જ લોકો કામ લાગે છે. લોકો મૂરખ અને ભોળા છે એટલે મરવા, મારવા કામ લાગે છે. માણસ આ ધર્મનો હોય કે તે ધર્મનો, આગ લગાડવા કે હોલવવા તે જ કામ લાગે છે. જે આ આગ ભડકાવે છે તે મરતા કે મારતા નથી, તે કામ લોકો કરે છે કે તેમની પાસે તે કરાવાય છે. લોકોમાં ને ઘેટાંમાં ઝાઝો ફરક નથી. કોઈ રાજકીય નેતા કે કોઈ ધાર્મિક નેતા આદેશ આપે છે અને લોકો તે આદેશ મૂરખની જેમ માથે ચડાવે છે. તેમને પરિણામની ચિંતા નથી, તેઓ માત્ર આદેશના ગુલામ છે.
એક વસ્તુ સમજી લેવાની રહે કે વિધર્મીઓ પચીસેક કરોડથી વધુ છે ને તે સંખ્યા ઘટવાની નથી. તે કોઈ રીતે ભારતનો ભાગ મટે એમ નથી, મોટે ભાગના વિધર્મીઓ આ દેશના થઈને રહ્યા છે ને રહે તેમ છે. તે માત્ર વિધર્મી છે એમ માનીને તેનાથી અંતર રાખવાથી તો વૈમનસ્ય જ વધશે. બધા જ ધર્મના લોકો આ દેશમાં પોતાનાં ધર્મ સાથે રહે છે ને ઉજવણાં પણ કરે છે. તેમની વચ્ચે કોઈ અણબનાવ નથી, તો ચોક્કસ ધર્મના લોકોને જ કેમ વાંધો પડે છે. કેમ એમનું ઝનૂન આ દેશની બહુમતી પ્રજાને ધાકમાં રાખવાનું જ રહ્યું છે? કોઈ શોભાયાત્રા પર પથ્થરો પડે તો એ યાત્રા શાંત પડી રહે એમ માનવાની ભૂલ હવે કરવા જેવી નથી. વર્ષો સુધી માઇક પરથી અજાન પોકારાતી રહી છે, કોઈએ તેનો વાંધો ઉઠાવ્યો નથી, પણ શોભાયાત્રા પર પથ્થરો ફેંકવાનું ષડયંત્ર રચાય તો કોઈ માઈકનો વાંધો ઉઠાવે કે એ પણ માઇક પરથી હનુમાન ચાલીસાનો પાઠ કરે તો એનું મોં બંધ ન કરાય. ભવિષ્યમાં બધા જ ધર્મની પ્રાર્થનાઓ એક સાથે માઇક પરથી રજૂ થશે તો એને સાંભળશે કોણ તે વિચારવાનું રહે. આમાં માઈકનું પ્રદૂષણ ઘટાડવાનો હેતુ હોય તો, બધાં જ માઇક પરથી પ્રાર્થનાઓ પોકારતાં થાય તો પ્રદૂષણ વધશે કે ઘટશે તે પણ વિચારી લેવાનું રહે.
આ થાય છે, સચ્ચાઈ પોતાને પક્ષે જ છે એવી ગેરસમજથી. જે ધર્મ પોતાને જ સાચો માને છે એ અધર્મથી વિશેષ કૈં નથી. જો કે, કોઈ ધર્મ માત્ર પોતાની સચ્ચાઈનો દાવો નથી કરતો. કારણ તે બીજા ધર્મની સચ્ચાઈને સમજે છે. કોઈ પણ ધર્મ, અધર્મ માટે તો બન્યો જ નથી. ને છતાં સૌથી વધુ અધર્મ, ધર્મને નામે થાય છે. આવું થાય છે તે ધર્મને કારણે નહીં, પણ ધર્મ ધૂરંધરોને કારણે. ધર્માંધ થવાનું ધર્મ નથી કહેતો, તે કહે છે મૌલવીઓ, ધર્મગુરુઓ ને રાજકારણીઓ. મોટે ભાગની પ્રજા ભોળી છે, અજ્ઞાન છે. એનો શિકાર આ ધાર્મિક ને રાજકીય જમાતો કરતી રહે છે. એને જોઈએ છે પથરબાજી કરવા, આગ લગાવવા, તોડફોડ કરવા, સૂત્રો પોકારવા – માણસો. એ ધર્મનો ચૂલો સળગાવે છે ને એમાં હોમે છે નિર્દોષ માણસોને. એ પોતે તો એ ચૂલાથી દૂર રહે છે. એ તો તાપે છે. ધર્મ કોઈ પણ હોય તાપણું બધાં જ કરે છે ને થોડા મૂરખ તો દરેક ધર્મમાંથી મળી જ રહે છે એટલે પેલી ભઠ્ઠી સળગતી રાખવામાં વાંધો નથી આવતો. એ ભઠ્ઠી તો જ બંધ થાય જો પેલા ભોળા લોકો ભઠ્ઠીમાં જવાનું ને ધુમાડો બનવાનું નકારે. એ લોકોએ નક્કી કરવાનું છે કે ધર્મને નામે, પક્ષને નામે કયાં સુધી હોમાતા રહેવું છે? કોઈ ન બનાવે તો ય આપણે મૂરખ બનવા સામેથી તો તૈયાર નથી થતા ને તે દરેકે જાતને પૂછવા જેવું છે. ધર્મનેતાઓ કે રાજનેતાઓ તો ઉપદેશો ને સૂત્રો આપવાના જ છે. આગ એણે લગાવવી છે ને હાથ એ, આપણા વાપરે છે. સજા નેતાઓને નથી થતી, પણ જેલમાં આપણે જઈએ છીએ. એટલું સમજીએ કે સત્ય એ કહે છે એટલું જ નથી, એ સિવાય પણ છે ને એ શું છે એ જાણીએ. એ જાણીશું તો જ પેલા નેતાઓ અજાણ્યા લાગશે ને એમની આજ્ઞાઓ ઉઠાવતા અટકીશું. સત્ય આપણે પણ શોધીએ. એ સામે હોય એમ જ પાસે પણ હોય છે, તે જોઈએ, જીવીએ ને જીવવા દઇએ. જીવનથી વધુ જગતમાં બીજું કૈં નથી. અસ્તુ !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 15 ઍપ્રિલ 2022