સતત ત્રણેક મહિનાઓથી મુખ્યત્વે પંજાબ-હરિયાણાના ખેડૂતો વડે આરંભાયેલું, કેન્દ્ર સકારના કાનૂનો વિરુદ્ધનું આ આંદોલન દેશની પ્રમુખ સાંપ્રત સમસ્યા બની બેઠું છે, સેંકડો ટ્રેકટરો અને ૧૨-૧૫ હજાર ખેડૂતો વડે દિલ્હી આસપાસના માર્ગો માઈલો સુધી જામ કરી દેવાયા હતા, અને હજુએ તેવી ધમકીઓ અપાવી ચાલુ છે. આંદોલનકારીઓ સાથેના સરકારના અગિયાર વાર્તાલાપો નિષ્ફળતાને વર્યા છે. સરકારનું કહેવું છે કે છેલ્લાં કેટલાંક વર્ષોથી ખેડૂતોના હિતરક્ષણ માટે ડૉ. સ્વામીનાથને સૂચવેલી ભલામણો, કે જેના અમલીકરણ માટે તમામ વિરોધપક્ષો પણ સહમત હતા, તેને જ આ કાનૂન દ્વારા અમલરૂપ અપાયું છે. છતાંયે જો કાનૂનોનો કોઈ હિસ્સો ખેડૂતોને પોતાના હિતમાં બાધક જણાતો હોય તો સરકાર તેને બદલવા તૈયાર છે. પરંતુ આંદોલનકારીઓની એક માત્ર જકકી હઠ ત્રણે કાનૂનોને સંપૂર્ણપણે રદ્દ કરવાની રહી છે. ત્રણે કાનૂનોની જોગવાઈઓ જોતાં તો તે સ્પષ્ટરૂપે નાના-મોટા તમામ ખેડૂતોના હિતની જણાય છે જેનો ઉલ્લેખ કરવા માત્રથી આંદોલનકારીઓ બચી રહ્યા છે, ત્યારે તેમના હેતુ પરત્વે સંશય જાગે છે.
દુનિયા જાણે છે કે જગતાત કહેવાતી ખેડૂત આલમ આજ સુધી આર્થિક અન્યાયનો ભોગ બનતી આવે છે. કાળજાંતૂટ મહેનત છતાં અસહ્ય આર્થિક બોજને પરિણામે તેણે આત્મહત્યા સુધ્ધાં કરવી પડી રહી છે. આ આંદોલન તેમના શોખનું નથી. મહિનાઓથી અગવડભરી સડકો પર જીવન વીતાવવું અતિ કષ્ટકારી છે. બાળકો, ઘરડાં, મહિલાઓ, બીમારો, બધાને સાથે રાખી શિયાળાની કાતિલ ઠંડીમાં, કયારેક વરસી જતા વરસાદમાં, ફુંકાતા પવનમાં ૧૨-૧૫ હજારની સંખ્યાએ ભીંસાતી ભીડમાં રહી ખાવું-પીવું, નહાવું-ધોવું, અને વિના લેટ્રીને કુદરતી હાજતો પાર પાડવી તે કેટલું નર્કાગારની યાદ અપાવે તેવું પશુતુલ્ય જીવન હોય છે! કઠોર હૃદયના માનવીને પણ તેમના પ્રત્યે ગહરી અનુકંપા ઉદ્ભવે, તે સહજ છે. પરંતુ આવી સહાનુભૂતિમાં ભળેલી કેટલીક તકસાધુઓની જમાતને યે ઓળખી લેવી જરૂરી છે. બધાનું તપ અતિ આકરું છે. પરંતુ ગલત હેતુપ્રાપ્તિ માટે કરાતી તપશ્ચર્યા યે હેતુને સાચમાં બદલી શકતી નથી.
જ્યારે કોઈ આવાં જનઆંદોલનો થાય છે ત્યારે રાજસત્તા પર આવવાનું એક માત્ર ધ્યેય રાખનારા રાજકીય પક્ષો વગર આમંત્રણે ઘૂસી જાય છે. તેવાઓએ આ આંદોલનની શરૂઆતમાં પ્રજાને પીડનારાં રસ્તા રોકોવાળા ધરણાં, જાહેર મિલકતોને સળગાવવી, પોલીસના વ્યવસ્થાતંત્ર પર હિંસક હુમલાઓ કરવા જેવા વિરોધપક્ષો જ્યારે પણ સત્તા મળી છે ,ત્યારે ય તેમણે ખેડૂત આલમની ભરપૂર ઉપેક્ષા જ કરી છે. આંદોલનકારીઓને જ્યારે આ સમજાયું ત્યારે આંદોલનમાંથી તેમને દૂર કરાયા. છતાં યે તેની અસરથી હજુ આંદોલનમુકત નથી. નહિતર વિરોધપક્ષોએ મોદીને દૂર કરવાનો શીખવાડેલો નારો તેમને બંગાળના ચૂંટણી જંગ પ્રસંગે કોલકાતા ન ખેંચી જાત ! ત્રણે કાનૂનો રદ્દ કરવાની વાત મોદીની સત્તાનો ઈન્કાર છે, જે પેલાએ શીખવાડેલો છે.
જ્યારે આ આંદોલનને ગાંધીબાપુના સત્યાગ્રહો જોડે સરખાવાય છે ત્યારે એ બન્નેની ભૂમિકાઓ વચ્ચેનો તફાવત સમજવો પડે તેમ છે. ગાંધી બાપુની સવિનય કાનૂનભંગની અહિંસક લડત પરદેશી-બ્રિટિશ હકૂમત સામેની હતી. પરદેશીઓના કાનૂનો જનહિતલક્ષી નહીં, અંગ્રજોનો પોતાના હિત તરફી ગુલામીને દ્રઢ કરનારા હતા. તેનો વિરોધ કરવો તે સ્વાતંત્ર્ય વીરોનો ધર્મ હતો. આજે આઝાદ ભારતના કાયદાઓ આમ જનતાએ ચૂંટેલા પ્રતિનિધિઓની બનેલી વિધાનસભા અને પાર્લામેન્ટ નિશ્ચિત બંધારણીય રીતે ઘડે છે. તેમાંન કશાયે ફેરફાર બંધારણીય રીતો વડે જ થઈ શકે છે. કોઈ પણ કાયદો બદલવા જનમતને તેની તરફેણમાં લાવવો પડે છે અને વિધાનસભા મારફત જ ફેરફાર સંભવી શકે છે. જનહિતના કાયદા યે કોઈના અયોગ્ય અધિકારોને નિયંત્રણમાં લાવતા હોય છે. તેવો વર્ગ તો વિરોધમાં હોવાનો જ . શુ તેવા અહં વર્ગીય આંદોલનને તાબે થવાય? આવાં તોફાની આંદોલનો લોકશાહીનો જ ઈન્કાર છે. એમાંયે જો તે હિંસાનો આશરો લે, તો તે દેશદ્રોહી બને છે.
કેટલાંક વિચારપત્રોએ કાનૂનો માટેની જોગવાઈઓની કરેલી ચર્ચાઓ મારા વાંચવામાં આવી છે. તેમાં મોટે ભાગે છેલ્લાં ચાલીસ વર્ષોથી ખેડૂતોની જે બેહાલી થતી આવી છે, તેનાં જ વર્ણનો કરાયાં છે. અને આ બધું કેમ જાણે આ નવા આવનારા કાનૂનોનો પ્રભાવ હોય તેવું ચિત્ર ઊભું કરાય છે. પણ આ કાનૂનોમાં આજ સુધી કરાયેલા અન્યાયી કારનામામાંથી છૂટવાના ઉપાય છે, તે જોવાનું ઈરાદાપૂર્વક ટળાય છે. કાલ્પનિક કુર્તકો વડે આ કાનૂનોથી ખેડૂતોને કઈ રીતે નુકસાન પહોંચી શકે, તેનાં કપોળકલ્પિત વર્ણનો કરાય છે. આજ સુધીના કાનૂનોએ તેવું કર્યું હશે, આ કાનૂનો તેવા નથી. પણ દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકીને પીએ છે. કેવા કેવા કુતર્કો લડાવાય છે, તેમાં એક દાખલો આપું.
ખેત ઉત્પાદનોની ખરીદીનાં સ્પર્ધાયુક્ત ક્ષેત્રો વધે તેમાં ખેડૂતોનું હિત છે. ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં જ પોતાનો માલ વેચવો પડે, તો તેમાં છેતરાવાની સંભાવના વધુ છે. ક્યાં, કોને વેચવો તેની આઝાદી આ કાનૂનો આપે છે. તે સામે કહેવાય છે કે ખરીદી ક્ષેત્રમાં પ્રાઇવેટ સેક્ટરો (ખાસ તો અંબાણી-અદાણીના નામે ભડકાવાય) ઊંચા દામ આપી સંગ્રહખોરી કરશે. (આમાં જ ખેડૂતોનું હિત ન દેખાયું? પછી કેમ માની લીધું કે નવા વર્ષે નવો પાક બજારમાં નહીં આવે?) અને દુષ્કાળને કારણે માલની તંગી ઊભી થશે ત્યારે આ પ્રાઇવેટ સેક્ટરો બહુ ઊંચા દામ વસુલશે! હું નથી માનતો કે સંભવિત દુષ્કાળની રાહે સંગ્રહખોરો પોતાનો માલ બગડી જાય તે હદે સંગ્રહીને દેવાળું કાઢવાની મુર્ખાઈ કરે તેવા હશે. વળી સ્પર્ધાત્મક ખરીદીનું વિશાળ ક્ષેત્ર ખેડૂતોને વધુ ભાવ અપાવે છે એટલું જ નહીં, કોઈનીએ પ્રાઈવેટ મોનોપોલીને નિયંત્રણમાં રાખે છે. અંબાણી-અદાણીનીયે!
એક તર્ક કરાય છેઃ પ્રાઇવેટ સેક્ટરોની ખરીદીને સમાપ્ત કરી ખેતપેદાશની તમામ ચીજો સરકાર મેક્સિમમ મૂલ્ય આપીને ખરીદી લે. ધનકુબેરેય ન કરી શકે તેવું કામ કરવાનો પડકાર કરાયો છે, કારણ કે તેમણે સરકારને ભીંસમાં લેવી છે. છતાં ય માનો કે સરકાર વરસોવરસ ઓછામાં ઓછા ત્રીસ ત્રીસ લાખ કરોડ ચૂકવીને બધો માલ ખરીદી લે, તો તે માલની શી દશા થાય, તે કહ્યું છે? આનાથી મોટું એકાધિકારવાદી મોનોપોલીનું બીજું કોઈ દૂષણ કલ્પી શકાય છે? સરકારી અમલદારોના ભ્રષ્ટાચારી તંત્રને કેમ ભૂલી જવાય છે? સરકારી તંત્રથી જેટલા આઘા, તેટલા સલામત છીએ. અણીના સમયે સંબંધિત નોકરો મહિનાની હડતાળ પર ઊતરી જાય તો તેનું કોણ શું બગાડી લેવાનું છે? કેન્દ્રિત બજારુ અર્થવ્યવસ્થામાં ઉછરેલાઓની સામે ગામડાંઓની વિકેન્દ્રિત સ્વાવલંબી અર્થવ્યવસ્થાની વાત મારે કેમ માંડવી? સરકારને ય તે સમજાતી નથી. દુનિયાભરના દેશોએ તેના પર આવવું પડવાનું!
નવા કાનૂન પ્રમાણે કોન્ટ્રેક્ટ ખેતીમાં વધુ લાભ દેખાય તો જ ખેડૂતોએ સ્વેચ્છાએ જોડાવાનું હોય છે. અને લાભ ન દેખાય તો થયેલા કોન્ટ્રાક્ટ રદ્દ કરવાનો ખેડૂતોને અધિકાર છે. કોન્ટ્રાક્ટરે ખેત ઉત્પાદનના વધુ ભાવ મેળવ્યા હોય તો તેનો બે હિસ્સો ખેડૂતોએ નિશ્ચિત અવધિમાં ચૂકવી દેવો પડશે. જમીનના માલિકી હક્ક પરત્વે કોન્ટ્રાક્ટરની દખલઅંદાજી બંધ થાય છે. આ બધી કોન્ટ્રાક્ટરોને ગમતી વાત નથી. અને માર્કેટ યાર્ડના દલાલોને ગમતી વાત નથી કે ખેડૂતોને પોતાનો માલ યાર્ડમાં જ વેચવા બાધ્ય થવું પડે! આ કાનૂનોએ દલાલો અને કોન્ટ્રાક્ટરોની ઊંઘ ઉડાડી દીધી છે. પણ તેણે કાનૂનોનો વિરોધ કરવા જગતાત – ખેડૂતોનું મહોરું પહેરવું પડી રહ્યું છે!
આવા કુતર્કોનો પાર નથી. કહેવાય છે, આવા કાનૂનોનો અધિકાર કેન્દ્રને નથી. આ રાજ્યોનું અધિકાર ક્ષેત્ર છે. પરંતુ રાજ્ય પોતાની ફરજો ભૂલે તો તે પળાવવાની ફરજ કેન્દ્રની છે. કેન્દ્ર સરકાર આમાં બંધારણ વિરુદ્ધ નથી ચાલી.
બન્ને વચ્ચેના વિવાદ સમયે સ્થાનિક ન્યાય સમિતિની જોગવાઈ ખેડૂત તરફે ઢળે છે. તેમાંથી અતિ વિલંબી ન્યાયતંત્રના અન્યાયથી ખેડૂત બચી જાય છે. આવા બીજા વધુ કુતર્કોની ચર્ચા વાચકોને ત્રાસરૂપે ન બને તેથી અટકું છું.
(માર્ચ ૨૦૨૧)
મુ. પો. માલપરા, વાયા ઢસા, જિ. બોટાદ-૩૬૪ ૭૩૦.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2021; પૃ. 12-13