ખબર નહીં કેમ, પણ કેટલાક લોકો શાસકોને સમર્પિત થઈ જતા હોય છે અથવા શાસકોની નજરમાં એવી કોઈક ચીજ હોય છે જે અંગત મદદનીશ તરીકે સમર્પિત હાથને શોધી લેતા હોય છે. એ એટલા સમર્પિત હોય છે કે પોતાના નેતાનાં તમામ રહસ્યો લઈને ચિત્તામાં રાખ થઈ જતા હોય છે. રાખ માત્ર નશ્વર દેહ નથી થતો, કેટલાંક રહસ્યો પણ થતાં હોય છે. સોમવારે દિલ્હીમાં અવસાન પામેલા રાજિન્દર કુમાર ધવન આવો એક હાથ હતો. ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં આર.કે. ધવનના ઉલ્લેખ વિના દેશનાં અખબારો નીકળતાં નહોતાં. આર.કે. ધવન એ યુગના ભારતના અત્યંત શક્તિશાળીઓમાંના એક, કારણ કે તેઓ ઇન્દિરા ગાંધીના બાવીસ વરસ સુધી અંગત સચિવ હતા.
૧૯૬૨ની વાત છે. એ સમયે વડા પ્રધાન જવાહરલાલ નેહરુ વિદેશ ખાતું પણ સંભાળતા હતા. વિદેશ મંત્રાલયમાં યશપાલ કપૂર નામના એક સ્ટેનોગ્રાફર અને ટાઈપિસ્ટ હતા. વડા પ્રધાન નોટ લેવા માટે કપૂરને તેમના સત્તાવાર નિવાસસ્થાન તીનમૂર્તિ ભવન ખાતે અવારનવાર બોલાવતા હતા, જ્યાં ઇન્દિરા ગાંધી સાથે તેમનો ભેટો થયો. ઇન્દિરા ગાંધીને કોઈ મદદનીશની જરૂર હતી અને યશપાલ કપૂરે પોતાના ભત્રીજા રાજિન્દરને ઇન્દિરા ગાંધીના મદદનીશ તરીકે નોકરીએ લગાડી દીધા. એ દિવસથી લઈને ઇન્દિરા ગાંધીની હત્યા થઇ ત્યાં સુધી આર.કે. ધવન ઇન્દિરા ગાંધીથી ઓઝલ થયા નહોતા કે તેમની નજરમાંથી ઊતર્યા નહોતા. આર.કે. ધવન આગલી રાતે ગમે ત્યારે ઘરે ગયા હોય, સવારે આઠ વાગે ઇન્દિરા ગાંધીના ઘરે હાજર હોય. આવવાનું પોતાના નિશ્ચિત સમયે અને જવાનું ઇન્દિરા ગાંધી કહે ત્યારે. બીજી, તેમની ખૂબી એ હતી કે કામ કહ્યું નથી કે થયું નથી.
નિયમિત અને કામઢા માણસો તો ઘણા હોય, પરંતુ તેની સાથે કુનેહ ધરાવનારા ભાગ્યે જ હોય. ગજબની કુનેહ હતી એ માણસમાં છે. ઇન્દિરા ગાંધીની આંખને વાંચી શકે અને અડધા વેણને સમજી શકે. સંબંધિત માણસને એ જ મેસેજ જાય જે ઇન્દિરા ગાંધી ઇચ્છતાં હોય. આને કારણે માત્ર ઇન્દિરા ગાંધીનું કામ આસન નહોતું થયું, આર.કે. ધવનનું વજન પણ વધ્યું હતું. સત્તાના ગલિયારામાં એમ કહેવાતું હતું કે આર.કે. ધવન ઇન્દિરા ગાંધીના આંખ-કાન બન્ને છે. સ્વાભાવિકપણે તેમની પ્રામાણિકતા વિષે ચિત્રવિચિત્ર વાતો થતી હતી, પરંતુ આર.કે. ધવન કે ઇન્દિરા ગાંધી તેનાથી વિચલિત નહોતા થયાં. વડા પ્રધાન ઇન્દિરા ગાંધી માટે તેઓ એટલા સમર્પિત હતા કે તેઓ લગ્ન કરવાનું પણ ભૂલી ગયા હતા. છેક બુઢાપામાં ૭૪ વરસની ઉંમરે તેમણે ૨૦૧૨માં લગ્ન કર્યા હતાં.
આર.કે. ધવને કોંગ્રેસનું વિભાજન થતાં જોયું છે. કોંગ્રેસના વૃદ્ધ પણ વિરાટ નેતાઓની સાથે સિંહણની જેમ ઇન્દિરા ગાંધીને લડતાં જોયાં છે. ઇન્દિરા ગાંધીની કિચન કેબિનેટ કઈ રીતે કામ કરતી હતી, અને કોણ ઉલ્લુ સીધા કરતા હતા એની તેમને જાણ હતી. શીખાઉ વડા પ્રધાન ફરતે સુરક્ષા કવચ કે લાઈફ જેકેટનું કામ આર.કે. ધવન નામનો ત્રીસ વરસનો છોકરો કરતો હતો. બંગલાદેશનું યુદ્ધ અને યુદ્ધ પહેલા વિશ્વદેશોમાં ભારતની તરફેણમાં સહાનુભૂતિ પેદા કરનારાં અને છેવટે મહાસત્તાઓને ચિત્ત કરનારા ઇન્દિરા ગાંધીને તેમણે જોયાં હતાં. નવનિર્માણ આંદોલન, બિહાર આંદોલન, વિરોધ પક્ષોની હતાશા અને આક્રમકતા, ઈમરજન્સી, ૧૯૭૭માં ઇન્દિરા ગાંધીનો પરાજય, શાહ કમિશન, ઇન્દિરા ગાંધીની ધરપકડ, બેલચીની દલિત હત્યાકાંડની ઘટનાનો ઉપયોગ કરીને ઇન્દિરા ગાંધીનું બાઉન્સ બેક અર્થાત્ પાછા સત્તામાં આવવું, પંજાબ અને આસામ અંદોલન, ઓપરેશન બ્લુ સ્ટાર, સંજય ગાંધીનું મૃત્યુ અને ઇન્દિરા ગાંધીનું અદ્ભુત ધૈર્ય, સોનિયા ગાંધી-મેનકા ગાંધીના દેરાણી-જેઠાણીના સંબંધો અને ઝઘડાઓ, મેનકાનો વિદ્રોહ અને ઘરમાંથી કાઢી મુકવાની ઘટના, દુશ્મનો દ્વારા કરવામાં આવતો મેનકા ગાંધીનો રાજકીય ઉપયોગ, રાજીવ ગાંધીનો ઉદય અને ઇન્દિરા ગાંધીની હત્યા એમ આર.કે. ધવન કેટલી બધી ઘટનાઓના સાક્ષી હતા.
સૌથી તાજુબ કરનારી વાત મને હંમેશાં એ લાગી છે કે આર.કે. ધવને ઇન્દિરા ગાંધીની ઓફિસમાં જગ્યા બનાવી ત્યારે ઇન્દિરા ગાંધીની નજીકમાં દિગ્ગજો હતા અને ધવન તેમની ત્રીસીમાં હતા અને અલ્પશિક્ષિત પણ હતા. નામ આપવાં હોય તો ટી.એન. કૌલ, પી.એન. ધર, એલ.કે. જ્હા, ઇન્દ્ર કુમાર ગુલઝાર, રાજા દિનેશસિંહ, રમેશ અને રાજ થાપર, મોહન કુમારમંગલમ્ વગેરે. આવા ધુરંધરોની વચ્ચે આર.કે. ધવને ટાઈપિસ્ટમાંથી મોસ્ટ ટ્રસ્ટેડની જગ્યા બનાવી હતી. બાવીસ વરસમાં ક્યારે ય ઇન્દિરા ગાંધીએ ધવનની વફાદારી વિષે શંકા કરી હોય એવું જાણમાં નથી.
૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા થઈ એ ક્ષણ સુધી આર.કે. ધવન પડછાયાની માફક ઇન્દિરા ગાંધીની સાથે હતા. તેમણે પોતાની સગી આંખે હત્યા થતાં જોઈ હતી અને તેઓ જ ઇન્દિરા ગાંધીને હોસ્પીટલમાં લઈ ગયા હતા. ઇન્દિરા ગાંધીના અવસાન પછી રાજીવ ગાંધી વડા પ્રધાન બન્યા અને આર.કે. ધવનના પતનની શરૂઆત થઈ. કોઈકે રાજીવ ગાંધીના કાન ભંભેર્યા હતા કે ધવને બેવફાઈ કરી છે. ધવનને વડા પ્રધાનના નિવાસસ્થાનમાંથી તગેડી મુકવામાં આવ્યા હતા અને ઇન્દિરા ગાંધીની હત્યાની તપાસ કરનારા ઠક્કર પંચે ધવન તરફ શંકાની સોઈ પણ તાકી હતી. આર.કે. ધવન માટે એ તેમના જીવનના સૌથી વસમા દિવસો હતા. ધવન એ કસોટીમાંથી પાર ઉતર્યા હતા અને રાજીવ ગાંધીએ આર.કે. ધવનને પાછા બોલાવ્યા હતા. રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંહ અને વડા પ્રધાન રાજીવ ગાંધી વચ્ચે અણબનાવ થયો હતો અને રાષ્ટ્રપતિ આડા ફાટ્યા હતા. એ સમયે આર.કે. ધવને રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન વચ્ચે મધ્યસ્થીનું કામ કર્યું હતું. એ પછી તો સોનિયા ગાંધીએ તેમને રાજ્ય સભાના સભ્ય પણ બનાવ્યા હતા અને કોંગ્રેસની કારોબારીમાં સભ્યપદ પણ આપ્યું હતું.
આર.કે. ધવને જ્યારે સંસ્મરણો લખવાની જાહેરાત કરી, ત્યારે મનમાં એક વિચાર આવ્યો હતો કે કદાચ ઘણું બધું જાણવા મળશે અને એ પછી તરત જ બીજો વિચાર આવ્યો હતો કે આ ધવન છે. મરે પણ બોલે નહીં. તેમનાં સંસ્મરણોમાં એ જ વાત કહેવાઈ છે જેની જગતને જાણ છે. મને નવી વાત એ જાણવા મળી કે ઈમરજન્સી લાદવાની યોજના અલ્હાબાદની વડી અદાલતનો ચુકાદો આવ્યો એના ચાર મહિના પહેલાં ઘડવામાં આવી હતી. ઇન્દિરા ગાંધીને અને કાયદા પ્રધાન એચ.આર. ગોખલેને ચાર મહિના પહેલાંથી ખબર હતી કે ચુકાદો ઇન્દિરા ગાંધીની વિરુદ્ધ જવાનો છે, એટલે પશ્ચિમ બંગાળના એ સમયના મુખ્ય પ્રધાન સિદ્ધાર્થ શંકર રાયે બંધારણમાં ઉપલબ્ધ ઈમરજન્સીનો વિકલ્પ આપ્યો હતો.
અંગત સચિવને રહસ્ય મંત્રી તરીકે પણ ઓળખાવવામાં આવે છે એની પાછળ કારણ છે. પ્રતાપી માણસોને ભરોસાપાત્ર ખભા મળી જતા હોય છે. આ પણ એક રહસ્ય છે.
સૌજન્ય : ‘કારણ તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 08 અૉગસ્ટ 2018