કાવ્ય અને લખાણ બંને ગુજરાતના અગરિયાઓની સ્થિતિ સમાજ સમક્ષ રજૂ કરે છે. … સાથે એક પોસ્ટર પણ છે જે માત્ર ધ્યાનાકર્ષક પોસ્ટ બનાવવાના હેતુથી બનાવેલ છે. જેમાં સામેલ ફોટોગ્રાફ્સ ગુગલ પરથી કોઈ જ મંજૂરી વિના જ્યાંથી મળ્યા ત્યાંથી લીધેલ છે. મતલબ મેં પાડેલાં ફોટાં નથી.
•••
ફોટા પાડીને જ ઉમંગ – શું છો બતાવો !
તપતી ધરાએ ચાલી – થોડું તો બતાવો.
મીઠું મીઠું બોલીને – વહેતા પડો છો,
મીઠાનો સ્વાદ પગથી – ચાખી તો બતાવો.
શહેરમાં તો પકવાન – રોજે પચાવો,
રોટલો ને ડુંગળી – ગળી તો બતાવો.
વાનગી સ્પર્ધાઓ – ઘણી છો બનાવો,
ખારી રોટીની ઉજાણી – કરી તો બતાવો.
વૃક્ષોની ચિંતા – ઘણી છો કરતાં,
ખારા માનવની ગણતરી – કરી તો બતાવો.
ધનવાનોનો ઘસરકો ય – ગામને બતાવો,
ખારી ત્વચા હેઠ રક્ત – શોધી તો બતાવો.
ભોજન લાગે મીઠું – ખારા ગાંગડાથી,
ગાંગડાની જુબાની – લઈ તો બતાવો.
શોખ કરતા ફરો – સોનાના તાબૂતના,
ખારા પગની રાખ – કરી તો બતાવો.
લેંટ લૂછવાના લાખ – લેતાં ફરો છો,
અહીં જ્ઞાનયજ્ઞ ક્યારેક – કરી તો બતાવો.
ચળવળો પશુની – સુષ્ઠુ કરો છો,
ખારા તનની આગ – ઠારી તો બતાવો.
લીસા રોડે ફોટા – ઘણાં છો પડાવતા,
ખારા ઢગલે ચળવળ – કરી તો બતાવો.
મીઠાની ખારાશ – તો લોહીમાં સમાણી,
દરકાર આશ – "ખારાશ" થતી – રોકી તો બતાવો.
ગાંધીનગર, ડિસેમ્બર 2020
માહિતી :
અગરિયાના શરીરના અંતિમસંસ્કાર બે રીતે કરાય છે. પહેલાં અગ્નિસંસ્કાર – પછી દફનવિધિ. કારણ કે તેમના પગ સળગતા નથી.
મીઠાના અગરમાં કામ કરતા અગરિયાના ખાલી ફોટા જ છપાય છે. એમની દરકાર માટે જાગૃત, પ્રવૃત્ત કે સમર્પિત કેટલાં ?
ગ્લોસી પેમ્ફલેટ છપાવીને બાલ મંદિરની પણ લાખ રૂપિયાની ફી ઉઘરાવવાની ને એમાં પણ પાછું ઇન્ટર્વ્યુ રાખવાનું ! આ શિક્ષણ ભેખધારીઓ (!) ખારાપાટમાં ડોકાશે ?
પશુઓની સાચી-ખોટી ચિંતા કરનારા – આ જીવતી માનવ પ્રજાતિની નોંધ લેશે ?
છાશવારે જાતજાતના તકલાદી આંદોલનો કરનારા થનગનભૂષણોથી ખારી સમસ્યા મપાશે?
હજુ ઘણી અજાણી વિગતો છે જેનો કવિતામાં સમાવેશ કરેલ નથી. જેમ કે, અગરિયાઓ અફાટ રણમાં છેટે છેટે કામ કરતા હોય અને મોબાઇલ નેટવર્ક ના હોય તો એકબીજાને બોલાવવામાં તકલીફ પડે. અવાજ પણ ના પહોંચે. એટલે સૂરજના તડકાના રિફ્લેક્શન માટે અરીસો વાપરે છે.
ખુલ્લામાં એમની પાસે ટોઇલેટની એકાદ આડશ જેવું હોય. એ પણ જો બીઝી હોય અને અન્ય કોઈને પ્રેશર આવે તો ખાટલો અને ટુવાલ કે સાડી લઈને દોડવાનું. છેટે જઈને ખાટલા પર ટુવાલ કે સાડી લટકાવીને આડશ ઊભી કરીને બેસવાનું. નજીકમાં ઝાડી ઝાંખરું પણ ના હોય ત્યારે આ મજબૂરી.
e.mail : hiteshpatadiya2@gmail.com