
રવીન્દ્ર પારેખ
તહેવારો આવે એટલે ખાણીપીણીના જલસા પડી જાય છે, તેમાં ય સુરતમાં તો ખાસ ! દિવાળીના તહેવારો શરૂ થઇ ગયા છે અને દિવાળીના નાસ્તા, મીઠાઈઓ, શરબતો, મુખવાસ … વગેરેની ધોધમાર ખરીદી શરુ થઈ ગઈ છે. દિવાળી નિમિત્તે પગાર, પેન્શન, બોનસની પણ વહેલી લહાણી થાય છે, એટલે આવક વધતાં ખરીદીની પણ મોકળાશ વધે છે, તેથી કપડાં, ખાણીપીણીની ધૂમ ખરીદી નીકળે છે. દિવાળી ઉજવવાનું નાનેથી માંડીને મોટેરાં સુધીનાં અને અમીરથી લઈને ગરીબ સુધીનાં તમામ લોકોને ગમતું હોય છે. તંદુરસ્ત હોય કે નાદુરસ્ત, સૌ દુ:ખ ભૂલીને ઘારી-ઘૂઘરા, સુંવાળી-થાપડા-ચોળાફળી ઝાપટવામાં પડે છે અને પરેજીને થોડા દિવસ બાજુ પર મૂકી દે છે. એક સમયે આ બધી વસ્તુઓ ઘરમાં બનતી હતી, પણ હવે બધું બહારથી ઘરમાં આવે છે, એટલે કોઈ હવે ઘરમાં મહેનત કરતું નથી. બહારથી ઘરમાં આવતું થયું, એટલે નફો રળી ખાવા ભેળસેળવાળી, હલકી કક્ષાની વસ્તુઓનું વેચાણ દર વર્ષે વધે છે ને ઉત્તરોત્તર વધતું જ રહે છે. આમ પણ દિવાળીમાં તળેલી વસ્તુઓનું જોખમ શરીરને હતું જ, તેમાં ભેળસેળિયું ખાવાનું વધતાં આરોગ્યના પ્રશ્નો વધુ વકરે છે.
ભેળસેળ વધતાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય ખાતું આ વખતે સફાળું બેઠું થયું છે અને બજારમાં વેચાતી મીઠાઈઓ અને અન્ય ખાદ્ય સામગ્રીઓનું લેબોરેટરીમાં તપાસ કરાવવાનું પણ શરૂ થયું છે. જરૂર પડી ત્યાં હલકી ગુણવત્તાની સામગ્રીનો નાશ કરવાનું પણ બન્યું છે. એમ કરવાથી નકલી વસ્તુઓ કે નબળી વસ્તુઓનું વેચાણ ઘટવું જોઈએ, પણ તેવું બહુ બનતું નથી. થોડોઘણો સુધારો થયો હોવાનું લાગે, પણ નફાખોર વેપારીઓ દંડ ભરીને કે લાંચ આપીને પણ, ભેળસેળિયું વેચવાનું ભાગ્યે જ છોડે છે. આ દુકાનદારો એટલા રીઢા હોય છે કે તેમને તંત્રોનો કોઈ ભય લાગતો નથી. તેઓ દંડ ભરીને પણ હલકી ગુણવત્તાવાળી ચીજવસ્તુઓનું વેચાણ પૂરી બેશરમીથી ચાલુ રાખે છે. ભલભલા ખૂનીઓ પૈસા દબાવીને છૂટી જતાં હોય, તો વેપારીઓને પણ એવું હોય છે કે દંડ, સજા ને લાંચથી તે અનેકની જિંદગી સાથે રમત રમી શકે છે. લોકોની જિંદગીમાં હોળી સળગાવીને આ સજ્જનો દિવાળી ઉજવતાં હોય છે.
આમ થવામાં વેપારીઓની લોભિયા વૃત્તિ તો જવાબદાર છે જ, પણ કોર્પોરેશનની ઢીલાશ પણ ઓછી જવાબદાર નથી. તંત્રો બરાબર ફરજ બજાવે તો પણ આવા વેપારીઓને કાબૂ કરી શકાતા નથી, તેમાં પદ્ધતિમાં રહેલી બેદરકારી કદાચ વધારે જવાબદાર છે. વધારે નહીં, તો છેલ્લા એક બે દિવસમાં વર્તમાનપત્રોમાં આવેલા સમાચારો જોઈએ, તો ખ્યાલ આવશે કે તંત્રો ચૂકે છે, તેનો લાભ વેપારીઓ આપોઆપ ઉઠાવે છે. કેવી રીતે તે જોઈએ –
આપણે કેટલા ઘાતકી થયા છીએ, તેનો દાખલો કફ સિરપને લીધે થયેલાં બાળકોનાં મૃત્યુએ આપ્યો જ છે. રોગ મટાડવા દર્દી દવા લે છે, પણ હવે દવાથી દર્દ નહીં, દર્દી જ મટી જાય છે. હરામના પૈસા મેળવવાની એવી લ્હાય માણસને લાગી છે કે પૈસા મળતા હોય તો માણસ પોતે મરવા કે મારવા પર આવી જાય છે.
જાહેરાતોમાં ચીજવસ્તુઓની શુદ્ધતા દેખાડાય છે, એવું ખરીદી વખતે દેખાતું નથી. છેતરવું અને છેતરાવું માણસ માત્રની લાક્ષણિકતા છે. છેતરાયો ન હોય એવો માણસ મળવો મુશ્કેલ છે, પણ પૈસાથી છેતરાવા કરતાં ભેળસેળિયા, અશુદ્ધ અને હલકી ખાદ્ય સામગ્રી દ્વારા આરોગ્યનું જે જોખમ છેતરીને ઊભું કરવામાં આવે છે તે વધારે ઘાતક છે. તંત્રો તપાસ, પરીક્ષણ વગેરે તો કરે છે, પણ તેનો અર્થ રહેતો નથી. જેમ કે, અમરોલી-કોસાડમાં પોલીસ અને સુરત પાલિકાએ રેડ કરીને હલકી ગુણવત્તાવાળા ઘીનો 361 લિટરનો જથ્થો સીઝ કર્યો ને તેના સેમ્પલ ફૂડ વિભાગે તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા. રિપોર્ટમાં એ નમૂના સબ સ્ટાન્ડર્ડ જણાયા છે. નમૂનાઓમાં ચરબી-ફેટી એસિડનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. તેને ધ્યાને લઈ જવાબદાર ડેરી પ્રોડક્ટ્સ વેચનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આમ તો આ બધું બરાબર લાગે છે, પણ તપાસ ન થઈ હોત તો આ બધું વેચાયું જ હોત ! એટલે કે વેચનારને તો પોતે ખોટું કરે છે એવું લાગતું જ નથી. વારુ, સેમ્પલ લેબોરેટરીમાં મોકલાય તે પછી પણ ભેળસેળિયા કે અશુદ્ધ ઘી-માવા વગેરેનું વેચાણ અટકતું લાગતું નથી. ઘારીનો નમૂનો તપાસ માટે મોકલાય ને રિપોર્ટ આવે ત્યાં સુધીમાં ચંદની પડવો તો પૂરો થઈ ચૂક્યો હોય છે, એ સ્થિતિમાં પેલી તપાસનો શો મતલબ રહે છે, તે વિચારવાનું રહે છે. થવું તો એવું જોઈએ કે તપાસ સ્થળ પર જ થાય ને નબળું લાગે તો તે દુકાનનું લાઇસન્સ જપ્ત કરી તાત્કાલિક અસરથી વેચાણ અટકાવવામાં આવે. જેવું ઘોડદોડ રોડની મીઠાઈની એક દુકાનમાં થયું. ફૂડ વિભાગે દરોડો પાડ્યો એ જ વખતે મીઠાઈની ટ્રે પર વાંદો ફરતો દેખાયો. વાંદો એટલો નસીબદાર કે રંધાયો નહીં, નહીંતર કોઈના બોક્સમાં ને ત્યાંથી કદાચ કોઈ હોજરીમાં ગયો હોત ! મીઠાઈના દુકાનદારે મામલો પતાવવા ને પટાવવાની કોશિશ કરી જોઈ, પણ 120 કિલો મીઠાઈનો નાશ કરવામાં આવ્યો જ ને ઉપરથી 10,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો. આ નમૂનાઓનું પરીક્ષણ સ્થળ પર જ થાય તો હલકી ચીજવસ્તુઓનાં વેચાણ પર બ્રેક લાગે. ખરેખર તો તહેવારો પૂરા ન થાય ત્યાં સુધી એ દુકાનોને સીલ કરી દેવી જોઈએ, જેથી થોડો વખત તો લોકો છેતરાતા બચે.
આ ઉપરાંત મીઠાઈની 12 દુકાનોમાંથી 24 નમૂનાઓ લેવામાં આવ્યા. એ તમામ નમૂનાઓ એક યા બીજા કારણોસર ફેલ થયા. આમાં પણ એકવાક્યતા નથી. એક છાપું કહે છે કે બધા નમૂના ફેલ થયા તો એક કહે છે, નમૂના તપાસમાં મોકલ્યા છે ને રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી થશે. પોલીસ અને પાલિકાએ હાથ ધરેલા જોઈન્ટ ઓપરેશનમાં પુણા યોગીચોક વિસ્તારની ડેરીઓના 80 કિલો માખણ અને રો મટિરિયલ કબજે લઈ ડેરી સંચાલકો સામે કાનૂની કાર્યવાહી કરી હતી.
આ ગરબડ સુરતમાં જ છે એવું નથી, રાજકોટમાં પણ નમકીન અને મિલ્ક શોપીનું દૂધ ને ઘી ખાવા લાયક જણાયું નથી. બીજા શહેરોની સ્થિતિ પણ બહુ વખાણવા લાયક નહીં જ હોય ! એમ લાગે છે કે તપાસ બે રીતે ચાલે છે. એકમાં તરત નિર્ણય આવે છે, બીજામાં લેબોરેટરી રિપોર્ટ આપે તેના પર આધાર રાખવો પડે છે. વેલ, ત્યાં સુધીમાં તહેવારો વિદાય લઈ ચૂક્યા હોય છે, નબળી ને હલકી વસ્તુઓ વેચાઈ ચૂકી હોય છે ને આરોગ્યને જે નુકસાન થવાનું હોય તે થઈ ચૂક્યું હોય છે. આ તપાસ તહેવારોમાં જ થાય છે, તે પણ બરાબર નથી. હલકી કક્ષાની વસ્તુઓ વેચવા ટેવાયેલા વેપારીઓ તો કોઈ પણ સમયે ગુણવત્તા જોડે છેડછાડ કરી જ શકે છે.
વધારે દુ:ખદ તો એ છે કે લોકો તહેવાર ઉજવવાના ઉમંગમાં ખાવાપીવાની વસ્તુઓ ખરીદતા હોય છે. એમને ઉજવણાંનો એવો આનંદ હોય છે કે તેઓ ક્યાં છેતરાય છે એનો ખ્યાલ પણ નથી આવતો. ખ્યાલ આવતો હોય તો થોડું લેટ ગો પણ કરતા હોય છે. એ છેતરપિંડી તેમને તહેવારો પછી ભારે પડતી હોય છે. તબિયત બગડતાં દવાખાનાના ચક્કરો શરૂ થાય છે. વેપારીઓ વધુ કમાણીના લોભમાં નિર્દોષ લોકોને દવાદારૂના ચકરાવે એવા ચડાવે છે કે ખર્ચનો પાર નથી રહેતો. વળી દવા ભેળસેળિયા નીકળી તો ભોગ જ ફરી જાય છે. કફ સિરપ જો નિર્દોષ બાળકોના જીવ લઈ શકતાં હોય તો કોનો ભરોસો કરવો તે સમજાતું નથી.
વેલ, આવી ભેળસેળવાળી ખાવાની વસ્તુઓ મફત નથી મળતી કે વેપારીઓ તે દયાદાન ધરમમાં પણ નથી વેચતાં. તહેવારને નામે વધુ મોંઘા ભાવે આ બધું વેચાય છે ને તે વળી વધુ દામ આપીને ખરીદાય છે ને પરિણામ, માંદગીમાં ને ક્યારેક તો મૃત્યુમાં આવે છે. કમાલ છે ને, માંદગી કે મોત પણ કેટલાં મોંઘાં થઈ ગયાં છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 17 ઑક્ટોબર 2025