
રાજ ગોસ્વામી
અમિતાભ બચ્ચન અને સલીમ-જાવેદની જુગલબંધીમાંથી આવેલી ‘ત્રિશૂલ’ ફિલ્મ કોને યાદ ન હોય? 1973માં ‘ઝંઝીર’ ફિલ્મમાં સિનેમા ચાહકોએ પહેલીવાર એક એવા હીરોને જોયો જે ના તો હિરોઈન પાછળ ગીતો ગાતો હતો, ના તો હસતો હતો કે ના તો બાવડાં બતાવતો હતો. તેના લેખક સલીમ-જાવેદે, 1975માં ‘દીવાર’ ફિલ્મમાં આ એન્ગ્રી યંગ મેનને એકદમ મોકળું મેદાન આપી દીધું. ‘ઝંઝીર’નો કંઇક અંશે અનિશ્ચિત વિજય ‘દીવાર’માં પૂરા આત્મવિશ્વાસ સાથે છવાઈ ગયો હતો. સલીમ-જાવેદને તેમની પોતાની અંગત અને વ્યવસાયિક નિષ્ફળતા, નિરાશા અને અન્યાયની ભાવનાને વ્યક્ત કરવા માટે એક આદર્શ હીરો મળી ગયો હતો.
1978 સુધીમાં તો આ હીરો તેની એન્ગ્રી યંગ મેનની ઈમેજમાં ચપોચપ બેસી ગયો હતો. અને એ જ વર્ષે ‘ત્રિશૂલ’ આવી. ‘ઝંઝીર’ અને ‘દીવાર’ના વિજયનો ગુસ્સો સિસ્ટમ સામે હતો, પણ ‘ત્રિશૂલ’માં તેના ગુસ્સાનું ટ્રીગર તેની અંદર, તેના જન્મ સાથે જોડાયેલું હતું; તે એક નાજાયજ ઔલાદ હતો, જેનો પિતા તેની માતાને અન્યાયના અંધકારમાં છોડીને ઈજ્જતની જાહોજહાલી જીવવા જતો રહ્યો હતો. ‘ત્રિશૂલ’માં વિજયનો ગુસ્સો લાવાની જેમ ફૂટી પડ્યો હતો.
અગાઉ આપણે આ ફિલ્મ વિશે વાત કરી ગયા છીએ, પણ આજે તેના નામે બીજી એક ફિલ્મની વાત કરવાની છે. યશ ચોપરા નિર્દેશિત ‘ત્રિશૂલ’ ફિલ્મે એક અભિનેતાના રૂપમાં અમિતાભની ભાવનાત્મક ગહેરાઈની પરીક્ષા લીધી હતી અને તે તેમાં સફળ પણ રહ્યા હતા. તે જ વર્ષે તેમની ‘ગંગા કી સોગંધ,’ ‘કશ્મે વાદે,’ ‘બેશરમ,’ ‘ડોન’ અને ‘મુકદ્દર કા સિકંદર’ પણ આવી હતી, પરંતુ ‘ત્રિશૂલ’ તેના ભાવનાત્મક સંઘર્ષના કારણે બધી ફિલ્મોથી અલગ હતી અને આજે પણ યાદગાર છે.
સલીમ-જાવેદે ફિલ્મની વાર્તા એવા યુવાન પર કેન્દ્રિત કરી જે લગ્ન બહારના સંબંધમાં પેદા થયો હતો અને જેની માતા ગરીબી અને ગુમનામીમાં મૃત્યુ પામી હતી. ફિલ્મમાં તેમણે શરૂઆતથી અન્યાય અને બદલાની ભાવના રચી દીધી હતી. દિલ્હીના એક ધનિક વેપારી તરીકે રાજકુમાર ગુપ્તા(સંજીવ કુમાર)નું પાત્ર અમીર-ગરીબ વચ્ચેના અંતરને ઊભું કરે છે, જે સલીમ-જાવેદની ઘણી ફિલ્મોમાં જોવા મળતું હતું.
‘ત્રિશૂલ’માં એક ક્રોધિત પુત્ર તેના પિતા સામે અન્યાયનો બદલો જે આક્રમકતાથી લે છે તે રીત નવી હતી એટલું જ નહીં, એ પેઢીના દર્શકો માટે આકર્ષક પણ હતી. આવો અન્યાય નવો નહોતો, તેની રીત નવી હતી. પિતા-પુત્ર વચ્ચે ટકરાવ એક હકીકત પણ છે, પરંતુ વિજય જે રીતે તેના પિતાના સામ્રાજ્યને ધ્વસ્ત કરે છે તેવું આ પહેલાં કોઈ ફિલ્મમાં જોવા મળ્યું નહોતું.
બાકી જ્યાં સુધી વિષયવસ્તુની વાત છે ત્યાં સુધી, એક નાજાયજ પુત્ર તેના પિતા સામે બદલો લે તેવી વાર્તા 1968માં આવેલી ‘ઈજ્જત’ નામની ફિલ્મમાં પણ હતી. સલીમ-જાવેદ માટે કહેવાય છે કે તેઓ વિદેશી ફિલ્મો જોવાના બહુ શોખીન હતા. તેઓ વિદેશી ફિલ્મોની વાર્તાઓ, તેની ટેકનિક, સંવાદો અને પાત્રાલેખનનો બહુ અભ્યાસ કરતા હતા અને ક્યારેક તેનાથી પ્રેરાઈને અને ક્યારેક આખો આખો વિષય ઉપાડીને હિન્દીમાં ઢાળી દેતા હતા.

પરંતુ, ‘ત્રિશૂલ’માં તેમણે અગાઉની જ એક હિન્દી ફિલ્મની વાર્તા પરથી પ્રેરણા લીધી હતી. ‘ઈજ્જત’ ધર્મેન્દ્રની ફિલ્મ હતી (તેમાં તેમનો ડબલ રોલ હતો) અને 1968માં રિલીઝ થઇ હતી. ધર્મેન્દ્ર ત્યારે એકદમ ફોર્મમાં હતા. તે વર્ષે તેમની 6 ફિલ્મો આવી હતી, જેમાં ‘શિકાર,’ ‘મેરે હમદમ મેરે દોસ્ત’ અને ‘આંખે’ સફળ સાબિત થઇ હતી. આગલા વર્ષે, ‘સત્યકામ,’ ‘આદમી ઔર ઇન્સાન,’ ‘આયા સાવન ઝૂમકે’ અને ‘પ્યાર હી પ્યાર’ આવી હતી.
‘ઈજ્જત’ એક જ કારણથી યાદગાર છે; દક્ષિણ ભારતનાં મોટાં સ્ટાર અને પાછળથી તમિલનાડુનાં મુખ્ય મંત્રી બનેલાં જયલલિતાની હિરોઈન તરીકે આ પહેલી અને છેલ્લી હિન્દી ફિલ્મ. તેમાં તેમણે જાનકી નામની એક આદિવાસીની ભૂમિકા કરી હતી (બીજી ભૂમિકા તનુજાની હતી). તે પહેલાં, 1962માં ‘મન મૌજી’ નામની ફિલ્મમાં તેમણે બાળ કલાકાર તરીકે બાળ કૃષ્ણની એક નાનકડી ભૂમિકા કરી હતી. તેલુગુ અને તમિલ ફિલ્મો બનાવનાર ટી. પ્રકાશ રાવ નામના નિર્દેશકે ‘ઈજ્જત’ બનાવી હતી એટલે તેમણે જયલલિતાને તેમાં લીધાં હોય તેવું બને.
બહારહાલ, આ ફિલ્મની વાર્તા દુલાલ ગુહા નામના તે વખતના જાણીતા નિર્દેશકે (તેમણે ધર્મેન્દ્ર સાથે ‘પ્રતિજ્ઞા’ બનાવી હતી) એક અટકી પડેલી ફિલ્મનું કરજ ઉતારવા માટે લખી આપી હતી. ફિલ્મની વાર્તા રસપ્રદ હતી:
શેખર (ધર્મેન્દ્ર) નામનો શરીરથી કાળિયો આદિવાસી ભણીને તેના ગામ પાછો ફરે છે ત્યારે ખબર પડે છે કે તેની માતા સાવલી મૃત્યુ પામી છે. તેને ફાધર અબ્રાહમ (મનમોહન કૃષ્ણા) સાંત્વન આપતાં રહસ્યસ્ફોટ કરે છે કે સાવલીને રામગઢના ઠાકુર પ્રતાપ સિંહ (બલરાજ સાહની) સાથે પ્રેમ હતો, પરંતુ ગર્ભવતી અને ગરીબ સાવલી સાથે લગ્ન કરવાનો ઇનકાર કરીને, સંપત્તિના મોહમાં ઠાકુરે બીજાં લગ્ન કરી લીધાં હતાં.
પોતાની અને પોતાની માતાની અસલિત જાણીને વ્યથિત થયેલો શેખર અન્યાયનો બદલો લેવા માટે રામગઢ જાય છે, જ્યાં તેનો સામનો ઠાકુરના શરીરે ગોરા પુત્ર દિલીપ (ધર્મેન્દ્રનો બીજો રોલ) સાથે થાય છે. દિલીપ શેખરને નોકરી પર રાખે છે, અને પછી શરૂ થાય છે ડ્રામા.
આ ફિલ્મ ઓવર એક્ટિંગ અને મેલોડ્રામાને કારણે સામાન્ય સ્તરની બનીને રહી ગઈ હતી, પણ ધર્મેન્દ્રને તેમાં અનૌરસ અને ઔરસ સંતાનની ભૂમિકા કરવાની તક મળી હતી. હાસ્યાસ્પદ તો એ હતું કે બે હમશકલ ભાઈઓને જુદા પાડવા માટે નિર્દેશકે એકને કાળો રંગ આપ્યો હતો ને બીજાને ગોરો! તે વખતની ફિલ્મોમાં આવાં ગિમિક ચાલી જતાં હતાં કારણ કે દર્શકોમાં ઝાઝી અક્કલ નહોતી.
સલીમ-જાવેદ એટલા બુદ્ધુ નહોતા. તેમના સમય સુધીમાં હિન્દી ફિલ્મોમાં ઘણી પ્રગતિ થઇ હતી અને ખુદ જાવેદ અખ્તર અને સલીમ ખાન દુનિયાભરની ફિલ્મો જોઇને ઘણા હોંશિયાર થયેલા હતા. તેમણે ‘ઈજ્જત’ ફિલ્મમાં એક અનૌરસ પુત્ર તેના પિતા સાથે અન્યાયનો બદલો લે છે તેવો બેઝિક પ્લોટ ઉઠાવીને તેની આસપાસ લગ્ન બાહ્ય સંબંધ અને અનૌરસ સંતાનના સામાજિક મુદ્દાને અલગ રીતે વણ્યો હતો:
‘ત્રિશૂલ’માં પુત્ર પોતાને નાજાયઝ નથી ગણતો. તે જ્યારે તેના પિતાના બિઝનેસ સામ્રાજ્યને ધ્વસ્ત કરી નાખે છે અને પોતે સફળ બિઝનેસમેન બની જાય છે ત્યારે, પિતા સામે બધા દસ્તાવેજને ફેંકતાં વિજય કહે છે, “ઔર આપ, મિસ્ટર આર. કે. ગુપ્તા, આપ મેરે નાજાયજ બાપ હૈ.” હિન્દી ફિલ્મોના દર્શકોએ આ પહેલાં ‘નાજાયજ બાપ’ શબ્દ ક્યારે ય સંભાળ્યો ન હતો.
એ જ રીતે, માતા શાંતિ (વહીદા રહેમાન) પૈસાદાર નબીરાની હવસનો ભોગ બનેલી બિચારી સ્ત્રી નથી. તે ખુદ્દારી સાથે તેના પુત્રન એક સાહસિક યુવાન તરીકે મોટો કરે છે, તે સલીમ-જાવેદની કહાનીઓમાં શક્તિશાળી સ્ત્રીઓની પરંપરાનું જ એક પાત્ર હતું. તેમણે તેમની તમામ ફિલ્મોમાં સ્ત્રી પાત્રોને બહુ સશક્ત રીતે પેશ કર્યાં છે. ‘ઈજ્જત’ની એક સાધારણ વાર્તા એક એક કાબેલ લેખકના હાથમાં આવીને કેટલી તાકાતવર બની જાય છે તેનું ‘ત્રિશૂલ’ જ્વલંત ઉદાહરણ છે.
(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 29 ઑક્ટોબર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

