ઉર્દૂ દલિત કવિતા
મારા મોત પછી
જો તેઓ લખશે મારી જીવનકથા
તો એમાં ફક્ત
અંધકારની રણકતી સખત સાંકળ
અપમાન-નફરત- ધુત્કાર
ને ઘેર ઘેર ઠોકર
પીઠ પર ચાબૂકના વાદળી સૉળ સિવાય
બીજું શું મળશે એમને?
મારો જન્મદિવસ માને ક્યાં યાદ હતો?
મેં ક્યારે ફાની દુનિયાથી વિદાય લીધી હતી,
એ જ એક તારીખ લખી હતી
મેં ડાયરીમાં.
એ બે પળ વચ્ચે હું જીવ્યો ને મર્યો કંઇ કેટલી ય વાર.
મારાં મૂળ ચોંટેલાં હતાં જે જમીનમાં
એને મેં પાગલની જેમ પ્રેમ કર્યો.
ઊંઘના વૃક્ષ પર કેટલાં ય ફૂલ ટાંગ્યાં હતાં મેં,
હરેક વાર હાથમાં સુક્કી ડાળીઓ જ મળી.
રોજની જેમ
સ્વયંને સમજવાની કોશિશ ન કરી.
હું તો હતો ગંદી નીંકનો કીડો માત્ર
જેને કચડી નાખવામાં આવ્યો પગ તળે.
આ તો છે સદીઓ પુરાણા શબ્દોના ટુકડા.
મારી યાતનાઓ ક્યાં સમાવાની હતી
એક કવિતામાં?